પ્રસિદ્ધ જર્મન કવિ, વિજ્ઞાની અને લોકનેતા જોહાન વોલ્ફગંગ ગોથેએ લખ્યું છેઃ
‘પત્રો એ માનવીની સૌથી મોટી સ્મૃતિ છે, જે તેની પાછળ મૂકી જાય છે.’
તો પત્રલેખન વિષે લાગણીસભર શબ્દો ઉચ્ચારે છે, કવિવર શ્રી રવીન્દ્રનાથ ટાગોરઃ
‘પત્ર તો ફક્ત કાગળ ઉપર લખાયેલા શબ્દોનો જ વાહક છે. શબ્દોમાં રહેલી લાગણીની ભીનાશ અને તપશ્ચર્યાને દર્શાવવામાં તો એ હંમેશાં નિરુત્તર જ રહે છે. હૈયું વલોવીને, ઉજાગરા વેઠીને, આંખમાં અશ્રુઓ સાથે લખાયેલા પત્ર પાછળ રહેલી આ તપશ્ચર્યાની બીજે દિવસે સજીધજીને, ટેબલ ઉપર બેસીને, નિરાંતે ચા ગટગટાવતા આ પત્રના વાંચનારને શું ખબર હોય?’
પત્રલેખન, એટલે લાગણીઓના કે ભાવનાઓના પ્રવાહ વહાવતું એક અનોખું માધ્યમ. પત્રો એટલે જાણે એક સ્મારક. સદીઓથી પત્રો માનવી- માનવીની લાગણીઓને જોડતો સેતુ બની રહ્યા છે. દૂર દૂર વસતા પરિચિતો, સ્વજનો, પ્રિયજનો, રોજ પત્રોની કાગડોળે રાહ જોતા હોય, એવો હજુ થોડાં વર્ષ પહેલાંનો જ માહોલ હતો. ટપાલી ટપાલ લાવે ત્યારે જાણે લાગણીઓની લ્હાણી કરતો હોય એવું લાગતું. પરંતુ હવે હાથે લખેલા પત્રોથી જામતું સ્નેહ-લાગણીઓનું એ વાતાવરણ મુરઝાઈ રહ્યું છે. ચોવીસેય કલાક હાથવગા મોબાઈલ ફોન અને એસએમએસ, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક જેવાં સોશિયલ માધ્યમોના આ યુગમાં નવી પેઢી માટે હાથે લખેલા પત્રોનો સ્પર્શ દુર્લભ બન્યો છે.
એવા સમયે જેમના પત્રલેખન માટે એક વિશાળ કદનો ગ્રંથ પણ ઓછો પડે એવા પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની યાદ આવે છે.
માણસ લખી લખીને એક જીવન-કાળ દરમ્યાન કેટલા પત્રો લખી શકે? એના તમામ સંભવિત ઉત્તરો કરતાં પ્રમુખસ્વામી મહારાજે વધુ પત્રો લખ્યા-વાંચ્યા હતા!
સાડા સાત લાખ પત્રો!
પ્રમુખસ્વામી મહારાજનો પત્ર-વ્યવહાર એટલે અસંખ્ય લોકોના સર્વાંગી ઉત્કર્ષ માટે સતત ચાલતો એક યજ્ઞ, જેમાં તેઓએ પોતાના અસ્તિત્વને હોમી દીધું હતું. કેવી પરિસ્થિતિ, કેવા સંજોગોમાં તેમણે નાનામાં નાના હરિભક્ત કે બાળકોના પત્રોની સાચા પ્રેમથી માવજત કરી છે, તે જેણે નજરે નીરખ્યું છે, તે ક્યારેય વીસરી નહીં શકે.
પ્રમુખસ્વામી મહારાજ ગામડે-ગામડે ઘૂમતા હોય, રોજનાં છ-સાત ગામડાંઓમાં વિચરણ અને અવિરત પધરામણીઓનો અહોરાત્ર ચાલતો દોર, ઠેર ઠેર જાહેર સભાઓ અને સત્સંગ સમારોહો, રોજના સેંકડો ભક્તો-ભાવિકો સાથે વ્યક્તિગત મુલાકાતો અને વળી, તેમના પ્રશ્નોમાં સહભાગી થવાનું, સાથે સાથે એક-એક વ્યક્તિને મળી મળીને એમનો નિરંતર ચાલતો વ્યસન-મુક્તિ યજ્ઞ, અને દિન-રાત દેશ-વિદેશમાં અનેક આયામોમાં વિસ્તરતી બી.એ.પી.એસ. સંસ્થાના સંપૂર્ણ સંચાલનનો અતુલનીય કાર્યભાર તો ખરો જ! એમાં રોજ ભક્તોના-ભાવિકોના-આમ જનતાના વ્યક્તિગત કે પારિવારિક સમસ્યાઓના પત્રોના ઢગલા થાય! અને એ દરેક પત્ર લખનારને સ્વામીશ્રી સાથે આત્મીયતાનો કે શ્રદ્ધાનો એક અતૂટ નાતો હોય! અને એટલે જ એ સૌ સ્વામીશ્રીના પ્રત્યુત્તરની કાગડોળે રાહ જોતા હોય, કારણ કે એ પત્રો દ્વારા જાણે સ્વયં સ્વામીશ્રી તેમને મળીને તેમની સમસ્યાને ઉકેલવાના છે એવી પત્ર લખનારા સૌની દૃઢ શ્રદ્ધા હતી!
પરંતુ આવી એક સેકન્ડનીય ફુરસદ ન હોય તેવી રોજની ઘટમાળમાં પ્રમુખસ્વામી મહારાજને પત્રલેખનનો સમય ક્યાંથી મળતો હતો? અને તે પણ આટલા બધા પત્રો! હા, કોઈને પણ સવાલ થાય. પરંતુ જવાબરૂપે, અતિ વ્યસ્તતા વચ્ચે પણ સેકંડ-સેકંડનો સમય બચાવીને પત્રલેખન કરતા પ્રમુખસ્વામી મહારાજનાં કેટલાંક દૃશ્યોનું સહજ સ્મરણ થાય છેઃ
ગાડાં-ટ્રેક્ટરમાં સ્વામીશ્રીની નગરયાત્રા ચાલતી હોય, આભે ચડેલો સૂર્ય ઉપરથી ગરમીનો પ્રકોપ વરસાવતો હોય, ગુલાલની સાથે ધૂળનીય ડમરીઓ ઊડતી હોય, ભજનમંડળીઓનો અને ક્યારેક બૅન્ડવાજાં તો ક્યારેક શરણાઈ- ભૂંગળ-પિપૂડીઓનો કોલાહલ અકળાવી મૂકે તેવો હોય, વચ્ચે-વચ્ચે સ્વામીશ્રીને હાર-તોરા પહેરાવવા આવનારાઓની હારમાળા લાગી હોય, આવી ઘોંઘાટભરી પરિસ્થિતિ વચ્ચે શાંત ચિત્તે એકાગ્રતાથી સતત 2-3 કલાક ચાલતી નગરયાત્રામાં સ્વામીશ્રી ભક્તો-ભાવિકોના પત્રો વાંચતા હોય! 1970-1980-90ના દાયકાઓમાં સ્વામીશ્રીનાં આ દર્શન સહજ હતાં.
એ દૃશ્ય પણ યાદ આવે છે કે સવારના પહોરમાં સ્વામીશ્રી દાતણ કરવા બિરાજ્યા હોય, ત્યારે પણ ડૉક્ટર સ્વામી અથવા અન્ય પત્ર-સેવક તેમની બાજુમાં બેસીને મોટેથી પત્ર-વાંચન કરતા હોય અને તેને સાંભળીને સ્વામીશ્રી તેનો પ્રત્યુત્તર પાઠવતા હોય!
વાસદમાં 102 ડીગ્રી તાવે સ્વામીશ્રીને ઘેરી લીધા હતા, એમાં વળી ભર ઉનાળાના તાપ વચ્ચે એકાદશીના નિર્જળ ઉપવાસમાં 120 ઘરોમાં વીજળી વેગે ચાલતી હતી તેમની પધરામણીઓ! સૌએ કહ્યું: ‘આપને તાવ છે, માટે હવે ઉતારે જઈને આપ આરામ કરો.’ પરંતુ સ્વામીશ્રીએ આરામને બદલે એકાદશીનું આખું બપોરીયું; તાપ, તાવ અને ભૂખ કે થાકને ગણકાર્યા સિવાય, એક જ આસને બેસીને પત્રલેખન કર્યું!
સ્વામીશ્રીને દાંતનાં ચોકઠાંની તકલીફ વર્ષો સુધી રહી. મુંબઈમાં એવી તકલીફ માટે લગભગ રોજ દાદરથી કોલાબા દાંતના દવાખાને જતા હતા. એકવાર સ્વામીશ્રી ગાડીમાં બેસવા જતા હતા અને કોઈકે એમને એક પત્ર આપ્યો. ચાલુ વાહને એ પત્ર વાંચીને સ્વામીશ્રીએ રસ્તામાં જ સેવકની ડાયરીમાંથી એક પાનું લઈને પત્રનો ઉત્તર લખી દીધો, અને દવાખાનેથી મંદિરે પાછા પધાર્યા એટલે તરત યોગ્ય વ્યક્તિને એ પત્ર હાથોહાથ આપી પણ દીધો!
આ હતી તેમની ત્વરા!