Essay Archives

દેખાવ અને દંભથી આપણે મોટા નહીં, પણ નાના બની જતા હોઈએ છીએ

જ્યાં સુધી આપણે નમ્ર નથી બની શકતા ત્યાં સુધી આપણે આપણી જાતને સાચી રીતે ચાહી શકતા નથી. ક્યારેક માનવ પોતાના કેફમાં પોતાની જાતને શું નો શું માની બેસે છે. ક્યારેક આ સ્થિતિ ઉપહાસયુક્ત પણ બને છે.
પ્રમુખસ્વામી મહારાજની પવિત્રતા અને નમ્રતા આગળ તો આપણે વામણા લાગીએ. છતાં ક્યારેક કોઈ અહમ્થી વાત કરે તોપણ તે ચલાવી લે છે, એ જ તેમની મહાનતા છે. ભૂલ આપણી હોય તોપણ આપણે સત્પુરુષને જઈને શું કહીએ કે સ્વામી! પેલાએ કીધું એટલે આમ કર્યું. એવી પણ ઘટના બની છે કે સંતો પાસે દારૂ પીધેલી હાલતમાં લોકો આવે અને કહે કે ‘સ્વામી! લોકો અમને પિવડાવે છે.’ આવા લોકોને કહેવાનું કે ‘અરે તમને ક્યાં કોઈ બળજબરી કરે છે?’ તેમજ અહંકાર પણ એક નશો છે. અહંકારમાં તરબતર થઈ વ્યક્તિ ભાન ભૂલી ભ્રમિત થઈ જાય છે.
ક્યારેક અહંકાર, દંભ-બનાવટમાં માણસ કેવી મૂર્ખામી કરે છે અને તે સમયે આપણા સદ્ગુરુ સંતો કેટલા પવિત્ર, હકારાત્મક, વિનમ્ર અને ઉદાર બની રહે છે, તેની એક સત્ય ઘટના છે, વર્ષ-૧૯૮૬ની. ગાંધીનગર-અક્ષરધામ માટે વિશ્વના દેશોમાં સારા-સારા પ્રદર્શન-આર્કિટેક્ચર, વિવિધ સંસ્કૃતિનો અભ્યાસ કરવાનો હતો. અમેરિકાથી અમારે મેક્સિકો જવાનું હતું, તે સમયે સદ્ગુરુ સંતોની સાથે અમે છ સંતો અને મદદનીશ સ્વયંસેવકો પણ હતા.
તે સમયે મેક્સિકોમાં આપણા કોઈ હરિભક્ત નહોતા. ત્યારે અમને કહેવામાં આવ્યું કે ટેક્સાસના એક ભારતીય ભાઈ એવા છે, જેઓ મેક્સિકોની સ્પેનિશ ભાષા જાણે છે, તે તમને યાત્રામાં મદદ કરશે.
અમે ટેક્સાસ પહોંચ્યા ત્યારે એ મેક્સિકોની સ્થાનિક ભાષા જાણતા ભાઈ સૂટ-બૂટમાં સજ્જ થઈને અમને રિસીવ કરવા આવ્યા. આવીને તરત જ કહે કે ‘તમે બધા ભારતથી આવો છો, પણ ભારતની રીત અહીં નહીં ચાલે એટલે હું કહું તે જ તમારે કરવાનું અને હું બોલતો હોઉં ત્યારે તમારે વચ્ચે બોલવાનું પણ નહીં.’
પછી ‘તે ભાઈ’ સાથે અમારો જે પ્રસંગ બન્યો તે આ મુજબ છે: તે ભાઈએ પૂછ્યું કે ‘તમારે કયા દેશમાં જવું છે?’ અમે કહ્યું કે ‘મેક્સિકો.’ પછી તરત જ તેમણે અમને કહ્યું કે ‘તમારે જે દેશમાં જવું હોય ત્યાં મારી ઓળખાણ છે.’ હવે અમે આવો જવાબ સાંભળીને કહ્યું કે ‘અમારે બ્રાઝિલ પણ જવું છે.’ તરત જ તેમણે કહ્યું કે ‘હું ત્યાંના પ્રેસિડેન્ટને પણ ઓળખું છું.’ હજુ તો તે વ્યક્તિમાં વિશ્વાસ રાખવાનો પ્રયત્ન કરીએ ત્યાં શંકા શરૂ થાય. તે ભાઈ અમને કહે કે ‘મેક્સિકો જઈને તમારે ત્યાંના પ્રેસિડેન્ટને મળવું છે?’ અમે કહ્યું કે ‘અમારે તો ત્યાં જઈને પ્રદર્શન જોવાં છે.’ તે ભાઈ કહે કે ‘હું તો ત્યાંના પ્રેસિડેન્ટને પણ ઓળખું છું. તમારે કેટલા પ્રદર્શનવાળાને મળવું છે?’ પછી અમે કહ્યું કે ‘અમારે તો એક-બે જ પ્રદર્શન જોવા છે અને તેના જે ડાઇરેક્ટર હોય, આર્કિટેક્ટ હોય તે બધાને મળવું છે.’ તે ભાઈ કહે કે ‘એ લોકો તો મને જોતાં જ ઊભા થઈ જશે.’ હવે આ ભાઈનું આવું વચન સાંભળીને તરત જ અમે સદ્ગુરુ સંતોની પાસે જઈને કહ્યું કે ‘આ માણસ શંકાસ્પદ લાગે છે.’ સદ્ગુરુ સંતો કહે કે ‘આવા સુશિક્ષિત ભાઈ શંકાસ્પદ કેવી રીતે હોય?’ અમે કહ્યું કે ‘સ્વામી! સંપૂર્ણ હોય.’
સદ્ગુરુ સંતોએ કહ્યું કે ‘તમે બધા જુવાનિયા છો, તમે બધા શાંતિ રાખો. આ બિચારા કેટલા પદ્ધતિસર છે, તેમનાં કપડાં જુઓ, તેમની વાણી સાંભળો.’ મેં કહ્યું કે ‘સ્વામી! વાણી તો બરાબર છે, પણ વર્તણૂક-વ્યક્તિત્વનું શું?’ આપણા સદ્ગુરુ સંતો પણ ઉદાર. તેઓ કહે કે, આપણી જોડે જે આવે છે, તેને બરાબર સાચવી લેજો. તેને ટાણે-ટાણે જમાડી લેજો. હવે તેને સાચવવાનો વારો અમારે શિરે જ આવ્યો.
હવે સંયોગ પણ એવો થયો કે પ્લેનમાં પણ તે ભાઈની બાજુમાં બેસવાનો વારો આવ્યો. બાજુમાં બેસીને અમને કહે કે ‘હું જ્યારે કોઈની સાથે વાત કરું ત્યારે તમે વચ્ચે બોલતા નહીં. તમારા ઇંગ્લિશનું ઠેકાણું પણ ન હોય. અમે કહ્યું કે ‘ઓકે.’ તે ભાઈએ અમારી ઠેકડી ઉડાડી અને કહ્યું, તમારે અંગ્રેજીમાં બોલવું નહીં, ફક્ત ગુજરાતીમાં જ બોલજો.
પછી પ્લેન જ્યારે ટેક ઓફ થયું ત્યારે વાતચીત શરૂ થઈ. તે ભાઈ કહે કે ‘સ્વામી! હું જિંદગીમાં પહેલીવાર પેસેન્જર પ્લેનમાં બેઠો. હું તો પ્રાઇવેટ પ્લેનમાં જ ફરું છું.’ આટલું બોલ્યા પછી તે ભાઈ ઊભા થઈને જોવા લાગ્યા અને કહે કે ‘સ્વામી! તમે બધા છો એટલે ઇકોનોમીમાં બેઠો છું. આજે જ ઇકોનોમી ક્લાસનાં દર્શન કરું છું.’ પ્લેનમાં તે ભાઈની આવી વાતો સાંભળીને અમને ઊભરા આવવા લાગ્યા, પણ પ્રેમના નહીં! ભગવાનનું કરવું તે થયું પણ એવું કે મેક્સિકોની સ્થાનિક ભાષા તે ભાઈને જ આવડતી હતી. એટલે અમે કંઈ બોલ્યા નહીં અને સંયમ જાળવી રાખ્યો.
પછી તે ભાઈને પ્રશ્ન પૂછવાનો વારો અમારો હતો. અમે પૂછ્યું કે ‘તમે આમ ચાર્ટર પ્લેનમાં જ ફરો?’ તે ભાઈ કહે કે ‘આપણી ઓળખાણ છે એટલે તેમાં જ ફરીએ છીએ.’ પછી તે ભાઈ જે બોલ્યા તે સાંભળીને તમને વધુ હસવું આવે તેવું હતું. તે કહે કે ‘હમણાં ઇન્દિરા ગાંધી જ્યારે ૧૯૮૩માં (વાસ્તવિક વર્ષ છે, ૧૯૮૪) ગુજરી ગયાં ત્યારે અમેરિકાના પ્રેસિડેન્ટના પ્લેનમાં જ આવ્યો હતો.’ અમે કહ્યું કે ‘અમેરિકાના પ્રેસિડેન્ટ રેગન?’ એટલે તેમણે ‘હા’ પાડી. પછી અમે કહ્યું કે ‘ના, તે વખતે તો પ્રેસિડેન્ટ રેગને વાઇસ પ્રેસિડેન્ટ જ્યોર્જ બુશને મોકલ્યા હતા.’ તો તે ભાઈ કહે કે ‘હા, હું બુશની સાથે જ આવ્યો હતો.’ અમે કહ્યું કે એ તમને કેવી રીતે ઓળખે?’ એટલે કહે કે ‘ધ ઇન્ડિયન તરીકે!’ પછી અમે કહ્યું કે ‘બુશ તો આર્મી પ્લેનમાં આવ્યા હતા. અને આર્મી પ્લેનમાં સિવિલિયનને બેસવા દે નહીં.’ તો તે ભાઈ કોઈ વાતે પાછા પડે એમ હતા નહીં. તે કહે કે ‘હું પાછળનાં પ્લેનમાં આવ્યો હતો, જે આર્મી પ્લેનની પાછળ હોય છે, તે જ પ્લેનમાં.’ આગળ ઉપર તેઓ યુગાન્ડાના સરમુખત્યાર ઈદી અમીનના અંગત મિત્ર હતા અને છે તેવી વાતો ચલાવી અને દુનિયા માત્ર તેને ઓળખે છે તેવા બણગાં ફૂંક્યાં. આટલેથી અમારી શ્રદ્ધાની, ધીરજની કસોટી પૂરી નહોતી થઈ, એરપોર્ટ ઉપર ઊતર્યા ત્યારે પોતાની બેગો પણ અમારી પાસે ઉપડાવી. પોતે ખાલી હાથે ચાલ્યા. એરપોર્ટથી લઈને જે સ્થળે રોકાવાનું હતું ત્યાં સુધી જે મળે તેને તે ભાઈ ‘ટીપ’ આપ્યા કરે. અમને થાય કે ‘મંદિરના પૈસાને એલફેલ વેડફી નાખે છે.’ અમે તેને કંઈ પૂછવા જઈએ તો અમને કહે કે ‘તમે ગામડાના છો, ધીરજ રાખો.’
હવે અમારાથી રહેવાયું નહીં એટલે અમે ફરી વાર સદ્ગુરુ સંતોને મળવા ગયા. સદ્ગુરુ સંતો કહે કે ‘તે ભાઈ ખાનદાન લાગે છે. આજે સવારે જ તે ભાઈ અમારી પૂજામાં આવ્યા અને કહે કે ‘સ્વામી! આજે મારી ટાઇ ખોવાઇ છે, એટલે મેં આખો સૂટ કચરાપેટીમાં જવા દીધો. મોજા ખોવાય તો બૂટ નાંખી દે અને બંડી ખોવાય તો શર્ટ નાંખી દે.’
હવે અમારી ધીરજ ખૂટી રહી હતી. એટલામાં તો એક સ્વયંસેવકે પેલા ભાઈને પારો ચડાવ્યો કે અમારા સંતોમાં એક સ્વામી ગામડાના છે. તેમને પરદેશની રીતભાતમાં કાંઈ જ ખબર નથી. તરત જ તે ભાઈએ અહીં ભોજન કેવી રીતે લેવું, ટોઇલેટનો ઉપયોગ કેવી રીતે કરવો – તેનું પણ નિદર્શન કર્યું.
આ સ્થિતિમાં અમારે ખૂબ ધીરજ રાખવી પડી અને આવા સમયે લાગે કે આપણા સદ્ગુરુ સંતો કેટલા ઉદાર છે અને બધાને કેટલો ચાન્સ આપે છે? કોઈ આપણને કહે કે વાણીથી સંયમ રાખો, કોઈને કંઈ કહેવાનું નહીં, પરંતુ હવે તો માત્ર વાણી જ નહીં, બુદ્ધિ પણ બંધ કરવાનો વારો આવ્યો હતો.
પાછા અમે સદ્ગુરુ સંતો પાસે પહોંચ્યા ત્યારે તેઓએ કહ્યું કે ‘એ ભાઈ ૨૨ ભાષા જાણે છે. આજે જ તેઓ અમને કહી ગયા કે તેઓ સ્પેનિશ, ફ્રેન્ચ, ચાઇનીઝ, વિયેતનામીઝ, રશિયન, પોર્ટુગીઝ, જર્મન, ઇટાલિયન વગેરેમાં નિષ્ણાત છે.’ આ સાંભળીને અમે તો આશ્ચર્યમાં પડી ગયા. જેનું ઇંગ્લિશ પણ બરાબર નહોતું તો અનેક ભાષાનો પ્રશ્ન જ ક્યાં હતો? હવે તે સમયે એ ભાઈને અમે પૂછ્યું કે ‘તમે ફ્રેન્ચ ભાષામાં આપનું નામ બોલોને?’ તે ભાઈએ ગરબડગોટા વાળ્યા. અગડમ-બગડમ ભાષામાં તેમનું નામ બોલ્યા. અમારી સાથે એક સંતને ફ્રેન્ચ ભાષા આવડતી હતી. તેથી તેઓ સાચી ભાષામાં બોલ્યા કે ‘ફ્રેન્ચમાં તો આવી રીતે બોલાય છે.’ પછી ફ્રેન્ચ ભાષા જાણનાર સંતે નામ બોલીને બતાવ્યું.
એટલે એ ભાઈએ ક્ષણમાત્રનો વિચાર કે વિલંબ કર્યા વગર તરત જ પ્રત્યુત્તર આપ્યો કે ‘તમે જે બોલ્યા એ ગામઠી ફ્રેન્ચ અને હું બોલ્યો એ ડિપ્લોમેટિક ફ્રેન્ચ.’ આ ભાઈ કોઈ દલીલમાં પકડાય એવા માણસ જ નહોતા. ખરી ઘટના હવે બને છે. તે ભાઈએ પૂછ્યું કે ‘તમે ફ્રેન્ચ ક્યાં શીખ્યા?’ એક સ્વયંસેવકે કહ્યું કે ‘લીંબડીમાં.’ તો એ ભાઈએ પૂછ્યું કે ‘લીંબડીમાં ક્યાં?’ હવે તો વાતાવરણ એવું સર્જાયું કે સ્વયંસેવકે કહ્યું કે ‘લીંબડીમાં પેલો મુખ્ય ચોરો નથી?’ તો એ ભાઈ તરત જ કહે કે ‘પેલું બદામનું ઝાડ છે એ જ જગ્યાએ ને?’ પછી કહ્યું કે ‘ત્યાં સાઇકલવાળાની દુકાનની પાછળ શિક્ષક રહે છે. તેમની પાસેથી શીખ્યા.’
હવે તમે જ વિચાર કરો કે સદ્ગુરુ સંતોએ તે ભાઈને ઉદારતાથી સાચું બોલવાનો ચાન્સ આપ્યો કે કોઈ વ્યક્તિની ઇજ્જત ન જાય. તોપણ તે તેમના કેફમાં અને કલ્પિત દુનિયામાં ભમતા રહ્યા. ખરેખરી બાબત તો એ જાણવા મળી કે તેઓ પોતે એક નિષ્ણાત અને નામાંકિત ડૉક્ટર છે તેવું કહી સદ્ગુરુ સંતોને ક્લિનિકમાં પધરામણી કરવા પણ લઈ ગયા હતા. અમેરિકા પરત ફરતાં તપાસ કરી તો ખબર પડી કે તેઓએ અન્ય કોઈના ક્લિનિકમાં પધરામણી કરાવી હતી. પોતે ડૉક્ટર પણ નથી અને પ્રખ્યાત પણ નથી.
આ પ્રસંગનું તાત્પર્ય એ જ છે કે જે તમે નથી, તે તમે દુનિયામાં કહેતા ફરો કે ‘હું આ છું, આ છું.’ આનાથી મોટી મૂર્ખામી બીજી કોઈ નથી. આપણી પણ સ્થિતિ અમુક અંશે આ ભાઈ જેવી જ છે. કદાચ તેમના જેવાં મોટાં જુઠાણાં ન બોલીએ પણ માન અને મોભા માટે ઘણી વાર નાનાં જુઠાણાં બોલતા હોઈએ છીએ. માણસ સતત માનની ભૂખ ભાંગવા ભિખારીની જેમ ફરે છે.
આપણે જ્યારે દંભ- દેખાવ કરીએ ત્યારે ક્યારેક બીજાની આંખોમાં આ ભાઈની જેમ હાસ્યાસ્પદ પણ બની જઈએ છીએ. દેખાવ અને દંભથી આપણે મોટા નહીં, પણ નાના બની જતા હોઈએ છીએ. આપણે બનાવટ, દંભની દુનિયાથી બહાર આવવા માટે સ્વયંને સાચી રીતે ઓળખવા, ચાહવાની જરૂર છે. સરળતા મનુષ્યને મહાન બનાવે છે, અહમ્ તો મનુષ્યને દેખીતો મહાન બનાવે, પણ વાસ્તવિકતામાં તે વામણો પુરવાર થાય છે. તે માટે તો પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ જેવા પરમ પવિત્ર, પારદર્શક અને પરમાર્થી સંતનું સ્મરણ કરીને, અહમ્શૂન્ય બનવું પડે.

© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS