Essays Archives

નવખંડ ધરતી પર આજે વિશ્વના અનેક દેશોમાં સ્વામિનારાયણીય સત્સંગની આભા પ્રસરી રહી છે. બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના પરમ કૃપાપાત્ર બનીને એ સ્વામિનારાયણીય અજવાળાંને વિદેશમાં પ્રસરાવનાર આદિ તેજસ્વી શુક્રતારક હતા - ભક્તરાજ શ્રી મગનભાઈ પટેલ.
આખું નામ - મગનભાઈ મોતીભાઈ પટેલ. ખેડા જિલ્લાના પાટીદારોના ગામ વસોમાં 15 ઑગષ્ટ, 1901ના રોજ તેમનો જન્મ. વતન વસોમાં જ શિક્ષણ લીધું. મેટ્રિકને એક વર્ષ હજુ બાકી હતું અને પિતા મોતીભાઈની ઇચ્છાનુસાર સન 1919માં માત્ર 18 વર્ષની વયે પૂર્વ આફ્રિકા જવાનું થયું.
એ અરસામાં બ્રિટિશરો પૂર્વ આફ્રિકામાં હજુ નવી નવી રેલવે વિકસાવી રહ્યા હતા. આફ્રિકાનાં જંગલોમાં ગામથી દૂર રેલવેસ્ટેશનોના વહીવટ માટે માણસોની જરૂર હતી. આથી આ અરસામાં ભારતથી આવેલા જુવાન પાટીદારો તેમાં જોડાવા વધુ સાહસ કરતા. મગનભાઈ પણ એમાં જોડાયા. પરિવારજનો અને વતનથી દૂર એવા અંકુશમુક્ત વાતાવરણને કારણે મગનભાઈને ‘ખાવા-પીવા’ની છૂટ થઈ ગયેલી. ધર્મ સાથે તેમને કોઈ લગાવ નહોતો રહ્યો. તેમનાં પત્ની ધાર્મિક સંસ્કારવાળાં હોઈ અગિયારસે ફરાળ બનાવે પણ મગનભાઈ આવી જાય તો તેઓ પહેરેલા બૂટે લાત મારીને ફરાળ સહિત વાસણોને રગડતાં કરી મૂકે.
31-32 વર્ષની ઉંમર સુધી તેમની જિંદગી ખાવું-પીવું અને મોજશોખમાં વીતી, પરંતુ તેમાં અચાનક જ એક અણધાર્યો વળાંક આવ્યો. વાત એમ હતી કે મગનભાઈ જ્યાં નોકરી કરતા હતા તે કિબ્વેઝી સ્ટેશને શાસ્ત્રીજી મહારાજના શિષ્ય હરમાનભાઈ મકનદાસ પટેલની બદલી થઈ. હરમાનભાઈને જાણવા મળ્યું કે મગનભાઈ છે સ્વભાવનો કડક માણસ ! શિસ્તપાલનમાં જરાય બાંધછોડ ચલાવી લે એવો નથી. હરમાનભાઈને શિસ્ત માટે તો કોઈ વાંધો નહોતો, પરંતુ જ્યારે એ ખબર પડી કે આ માણસને કોઈક પાર્ટીમાં બોલાવે, તો સામેથી જ કહી દે, ‘તું મને બે બોટલ અને આખું કૂકડું આપવાનો હોય તો જ બોલાવ, નહીં તો જતો રહે.’ આવા નાસ્તિક અને માંસભક્ષીની સાથે જ ક્વાર્ટરમાં રહેવાનું ? અને નોકરી પણ સાથે જ કરવાની ? નોકરીની સાથે કઈ રીતે ધર્મ પાળી શકાશે ? હરમાનભાઈએ નક્કી કર્યું કે નોકરી જ છોડી દેવી.
જોકે હરમાનભાઈના ફૂઆ આશાભાઈ પટેલ પણ સિનિયર ગ્રેડના સ્ટેશન માસ્તર હતા. મગનભાઈના એ સારા મિત્ર. તેમણે હરમાનભાઈને સમજાવ્યા. તેથી હરમાનભાઈ કિબ્વેઝી જવા તૈયાર થયા. ત્યાં ગયા પછી હરમાનભાઈએ મગનભાઈથી છાની રીતે પોતાની ભક્તિ અને ધર્મ સાચવવા પ્રયત્ન શરૂ કર્યા. સવારમાં વહેલા ઊઠી જઈ, નહાઈ-ધોઈ, પૂજાપાઠ કરી લે. મગનભાઈ જાગે એ પહેલાં તૈયાર થઈ જાય. અગિયારસના ઉપવાસમાં પણ મગનભાઈને ખબર ન પડે તેમ ફળાહાર થઈ જતો.
આ દરમ્યાન એક સંધ્યાએ વૉલીબોલની રમત રમતાં એક વિચિત્ર બનાવ બન્યો. સંધ્યા થઈ એટલે રમત રમનારાઓમાં મુસ્લિમો હતા તે નમાજ પઢવા જતા રહ્યા, શીખો પોતાની પ્રાર્થનામાં ગયા, ખ્રિસ્તીઓ ચર્ચમાં જતા રહ્યા. બાકી રહ્યા માત્ર મગનભાઈ, હરમાનભાઈ અને થોડાક ગુજરાતી હિન્દુઓ ! હરમાનભાઈએ લાગ જોઈને મગનભાઈને કહ્યું : ‘સૌ પોતપોતાના ધર્મ માટે કંઈક કરે છે. માત્ર આપણે હિન્દુઓ જ તેમાં બાકાત છીએ. આપણે પણ કાંઈક કરવું જોઈએ.’
આ બનાવે મગનભાઈને વિચારતા કરી મૂક્યા અને ત્યારથી શરૂ થઈ સત્સંગની એક સરવાણી. તેમનું જીવન અજબ પરિવર્તનની સરાણે ચઢી ગયું. એમણે તો હરમાનભાઈ સાથે બેસી દરરોજ સ્વામીશ્રી શાસ્ત્રીજી મહારાજ અને શ્રી સહજાનંદ સ્વામી વિષે જાણવા માંડ્યું. દરરોજ વચનામૃત વંચાય. હરમાનભાઈ તેના પર યથાયોગ્ય નિરૂપણ કરે અને જરૂર પડે ત્યાં દેશમાં સદ્ગુરુ નિર્ગુણદાસ સ્વામીને પત્રો લખીને ખુલાસા પૂછવા માંડ્યા. ધીરે ધીરે તો નિર્ગુણદાસ સ્વામી તરફથી જ પાનાં ભરી ભરીને પત્રો આવવા માંડ્યા. મગનભાઈને તો વચનામૃત એક ખૂબ જ રસપ્રદ ગ્રંથ જણાવા માંડ્યો. વચ્ચે વચ્ચે શાસ્ત્રીજી મહારાજે પણ પત્રો દ્વારા એમની શંકાઓનું નિવારણ કરવા માંડ્યું.
મગનભાઈ આમ પણ મનના બહુ મક્કમ વ્યક્તિ હતા. 1930માં ગાંધીજીએ દાંડીકૂચ કરી તે નિમિત્તે દેશપ્રેમને કારણે મગનભાઈએ બીડી-સિગારેટ પીવાની પોતાની કુટેવને મૂકી દીધી હતી. તેમણે એ પાકીટો પોતાના ટેબલ ઉપર રોજ સામે દેખાય તેવી જ રીતે રાખી મૂક્યાં હતાં. અઢી વરસે તે પાકીટો બગડી ગયાં ત્યાં સુધી ત્યાં જ પડી રહ્યાં અને છેવટે તેને ફેંકી દીધાં. તેઓએ મનને કેવું મજબૂત બનાવ્યું હતું તેનું આ એક ઉદાહરણ છે. તેઓ એક વખત કોઈક બાબત નક્કી કરે પછી એને દૃઢતાથી અનુસરે. એ જ મક્કમ મન તેમને સત્સંગમાં પણ એટલું જ ઉપયોગી નીવડ્યું. શાસ્ત્રીજી મહારાજની લગની લાગ્યા પછી એને પણ દૃઢતાથી અનુસરવા લાગ્યા. અક્ષરપુરુષોત્તમની નિષ્ઠા અને પ્રગટનો મહિમા સમજાવા લાગ્યાં. વચનામૃત અને શિક્ષાપત્રીનો મહિમા સમજાયા પછી તો બાઇબલ, કુરાન, ભાગવત, રામાયણ અને ગ્રંથ સાહેબનો પણ અભ્યાસ કરવા માંડ્યા. સ્વામિનારાયણ સંપ્રદાય અને તેના ગ્રંથો સાથે તે બધાનો તુલનાત્મક અભ્યાસ પણ કર્યો.
હવે તેઓ શાસ્ત્રીજી મહારાજનાં દર્શને આવવા ઝંખતા હતા. એ અરસામાં તેઓને રજા ઉપર ભારત આવવાનું થયું. શાસ્ત્રીજી મહારાજ બોચાસણ બિરાજતા હતા. સૌપ્રથમ વખત તેમનાં દર્શન કરવા મગનભાઈ ત્યાં ગયા. સભામંડપમાં પહોંચતાં જ, શાસ્ત્રીજી મહારાજનો મધુર આવકાર ભર્યો અવાજ સાંભળતાં જ વિચારો તો ક્યાંય જતા રહ્યા. શાસ્ત્રીજી મહારાજ ! કેવી દિવ્ય અલૌકિક મૂર્તિ ! મંદ હાસ્ય ! આસપાસના હરિભક્તો પણ જાણે દિવ્ય ! અક્ષરધામનું જે વર્ણન હરમાનભાઈ કરતા હતા, નિર્ગુણદાસ સ્વામી પત્રોમાં લખતા હતા, હા, બસ એ જ અનુભૂતિ ! મગનભાઈને થયું, વચનામૃતમાં કહ્યું છે એ જ આ નૈમિષારણ્ય ક્ષેત્ર ! બસ, આ જ સાક્ષાત્ ભગવાનમય સંત શાસ્ત્રીજી મહારાજ ! આ જ મારા ગુરુ ! અને ક્યારે એ પગમાં પડી ગયા એનો એમને પણ ખ્યાલ ન રહ્યો. તેઓ બાળકની જેમ શાસ્ત્રીજી મહારાજના પગ પકડીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા માંડ્યા. શાસ્ત્રીજી મહારાજે તેમને આશીર્વાદ આપીને કહ્યું, ‘તમારા પૂર્વેના બધા જ ગુના માફ છે. હવે સત્સંગ કરજો ને કરાવજો.’
બોચાસણમાં સદ્ગુરુ નિર્ગુણદાસ સ્વામીના સમાગમથી તો સત્સંગની લગની બરાબર લાગી ગઈ, એટલું જ નહીં, નિર્ગુણદાસ સ્વામીએ તેમને વચનામૃત ગઢડા પ્રથમનું 27 અને ગઢડા અંત્યનું 26 વંચાવી એટલું બરાબર સમજાવી દીધું કે જેમના હૃદયમાં ભગવાન અખંડ બિરાજમાન છે એવા શાસ્ત્રીજી મહારાજ, ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય સંત છે. શાસ્ત્રીજી મહારાજનાં આ દર્શન થયાં પછી તો મગનભાઈનાં અંગોઅંગમાં અપૂર્વ ચેતન આવી ગયું. પાછા આવતાં મોમ્બાસામાં ભાદરણના પાટીદાર ત્રિભોવનદાસ મૂળજીભાઈનો ભેટો થઈ ગયો અને પહેલી ઓળખાણે જ હેત થઈ ગયું. પછી તો એ પણ સત્સંગમાં વણાઈ જ ગયા. મગનભાઈ પૂર્વ આફ્રિકા રેલવેમાં સિનિયર ગ્રેડના સ્ટેશનમાસ્તર હોવા છતાં કપાળમાં ભપકાદાર સ્વામિનારાયણીય તિલક-ચાંદલો કરતા. કોઈ તેમને મશ્કરીમાં કહે કે બહુ મોટું તિલક કર્યું છે ! તો ખુમારીપૂર્વક કહેતા કે ‘ભગવાને આવડું કપાળ આપ્યું છે તે આટલું લાંબું કર્યું છે પણ વધુ મોટું કપાળ હોત તો આથી પણ વધુ કરત.’
તેમણે હવે બીજાને પણ ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજના રંગે રંગવાનું ચાલુ કરી દીધું. એમ કરતાં કરતાં સન 1934માં કિબ્વેઝીમાં મગનભાઈના બંગલે ‘શ્રી પૂર્વ આફ્રિકા સત્સંગ મંડળ’ની શરૂઆત થઈ.
મગનભાઈ એટલે મહિમાની મૂર્તિ. એ મહિમાના મૂળમાં એક તાદૃશ્ય અનુભૂતિ હતી. પૂર્વ આફ્રિકામાં મકીન્ડુમાં મગનભાઈ સ્ટેશનમાસ્તર તરીકે હતા. અહીં તેમને ત્યાં તા. 5-8-33ના રોજ ભાદરણના શ્રી મણિભાઈ ઉમેદભાઈ પટેલ દેશમાં આવવાના હોવાથી સમૈયો ગોઠવ્યો હતો. આ સમૈયામાં નૈરોબીથી મણિભાઈ, ચતુરભાઈ, કેશવલાલ, ઈશ્વરભાઈ, સિમ્બાથી વિઠ્ઠલભાઈ, મોમ્બાસાથી ત્રિભોવનદાસભાઈ તથા ધર્મજવાળા અંબાલાલભાઈ વગેરે પણ આવ્યા હતા. આ સમૈયામાં કથાવાર્તા, ધૂન અને ભજનના પ્રતાપે મગનભાઈની વૃત્તિઓ સ્થિર થઈ ગઈ. ધૂન અને ભજનના પ્રતાપે તેમની વૃત્તિ જગતનાં માયિક આવરણોમાંથી છૂટી થઈને હૃદયાકાશમાં લીન થઈ ગઈ અને તે સ્થિતિમાં તેમને સર્વત્ર દિવ્ય પ્રકાશ દેખાયો. શ્રીજીમહારાજ, અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી, શાસ્ત્રીજી મહારાજ તથા અનંત મુક્તોનાં તેમને દર્શન થયાં. તેમના આનંદનો પાર ન રહ્યો. સર્વ હરિભક્તો પણ તેમને શ્રીજીના સંબંધે દિવ્ય પ્રકાશમય જણાયા. શ્રીજીના સંબંધથી સર્વત્ર અક્ષરધામમય બનેલું વાતાવરણ જોઈ, મગનભાઈ તે જ સ્થિતિમાં સૌને દંડવત્ કરવા લાગ્યા. સમાધિમાંથી જાગ્રત અવસ્થામાં આવતાં આ દિવ્ય અનુભવથી તેમણે, સત્સંગમય જીવન જીવવાનો સંકલ્પ કરી લીધો.
હવે મગનભાઈએ સત્સંગ માટે પોતાનું સમગ્ર જીવન અર્પણ કરી દીધું હતું. તેમના ઉત્સાહથી પૂર્વ આફ્રિકામાં ઠેરઠેર સમૈયાઓની શ્રેણી શરૂ થઈ. ટરોરો, મોમ્બાસા, જિન્જા, કંપાલા, મકીન્ડુ, નૈરોબી વગેરે વિવિધ નગરોમાં સમૈયાઓ થાય અને મગનભાઈ તથા અન્ય હરિભક્તોની કથા-વાર્તાના અપૂર્વ આનંદથી વાતાવરણ અત્યંત દિવ્ય બની જાય. એક તરફ મગનભાઈ વગેરે આમ કથાવાર્તાની ગંગા વહાવી રહ્યા હતા, તો બીજી તરફ, નવા થતા આ સત્સંગીઓને શુદ્ધ ઉપાસનાની યથાર્થ સમજણ કરાવવા, મોક્ષનું દ્વાર સત્પુરુષ છે તે સમજાવવા, અને શાસ્ત્રીજી મહારાજનો અપરિમિત મહિમા સમજાવી સૌને પાકા સત્સંગી કરવા શ્રી નિર્ગુણદાસ સ્વામીએ જ્ઞાનપ્રવાહ પત્રો દ્વારા વહેતો મૂક્યો હતો. તેમના પત્રો પાંચ-દસ પાનાંના નહીં, પરંતુ સેંકડો પાનાંની માળારૂપે થોકબંધ આફ્રિકામાં જતા. તેમના સરળ, મુદ્દાસર અને કોઈની પણ ટીકા કે નિંદા સિવાય લખાયેલા પત્રો, સૌ સત્સંગીઓ અપૂર્વ ઉત્સાહથી વાંચતા. એ પત્રોમાંથી વધુ પ્રેરણા મેળવીને મગનભાઈની કથાવાર્તા પણ આફ્રિકાના સત્સંગઘડતરમાં એવું જ કાર્ય કરી રહી હતી. અક્ષરયુક્ત પુરુષોત્તમ ભગવાનની સર્વોપરિ શુદ્ધ ઉપાસનાના પ્રવર્તનની મગનભાઈને લગની લાગી હતી.
શાસ્ત્રીજી મહારાજનો મહિમા કહેવાનો અને સમજાવવાનો તેમનો આગ્રહ અજોડ હતો. મગનભાઈને સ્ટેશન માસ્તરની નોકરી દરમ્યાન સ્ટેશન ઉપર ટ્રેનના બે-ત્રણ સમયના આવાગમન સિવાય બીજું કામ ન હોય ત્યારે બીજાં રેલવેસ્ટેશનો ઉપર નોકરી કરતા ભક્તો સાથે કલાકો સુધી તાર દ્વારા સત્સંગની વાતો કરતા, અને સૌને ભગવાન ને સંતનો મહિમા તથા પ્રાપ્તિનું અનુસંધાન આપતા. ક્યારેક માર્ગે ચાલતાં રસ્તામાં કોઈ ઓળખીતો જો મળે તો તેને ભગવાનની વાતો કહે, અને સાંભળનારની મરજી હોય કે ન હોય પણ વાતો પ્રગટ સત્પુરુષના મહિમાની જરૂર કરે : ‘ભગવાનનું સાક્ષાત્ સ્વરૂપ, જેના સર્વે અવયવ ભગવાન રૂપ જ થઈ ગયા છે એવા ભગવાનને અખંડ ધારણ કરનાર સંત આપણને મળ્યા છે તે બોચાસણવાળા પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ છે. તેમને સેવી લેજો. મન, કર્મ, વચને સેવા કરી લેજો. તો જ બ્રહ્મરૂપ થશો અને ભગવાનના ધામને પામશો. આવા તો એ એક જ છે. તેમને સેવે તો શ્રીજીમહારાજ સેવાઈ રહ્યા. તેમની પ્રાપ્તિ એ શ્રીજીની પ્રગટ પ્રાપ્તિ થઈ રહી. જેને મરીને પામવા હતા તે દેહ છતાં જ શાસ્ત્રીજી મહારાજ દ્વારા જ મળી ગયા.’ એમ તેઓ વારંવાર કહેતા. વાત કરતાં કરતાં તેઓનું હૃદય ભરાઈ આવતું અને ગદ્ગદ કંઠે બોલી શકતા નહીં.

Other Articles by સાધુ અક્ષરવત્સલદાસ


© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS