પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે વર્ષો સુધી હજારો ગામડાંઓ અને શહેરોમાં વિચરણ કર્યું, તેને નજરે સાક્ષીરૂપે જોવાનો લાભ એમની કૃપાથી મને મળ્યો છે. યોગીજી મહારાજની આજ્ઞાથી સ્વામીશ્રીએ ખૂબ કૃપા કરીને તેમની સાથે મને સેવામાં રાખ્યો હતો, તેથી વર્ષો સુધી એમને નિકટતાથી નીરખ્યા છે.
સ્વામીશ્રી ગામડે ગામડે અનેક કષ્ટો વચ્ચે જે રીતે ઘૂમ્યા છે, તે યાદ કરતાં કીર્તનની પંક્તિ હૃદયમાં સ્ફુરી આવે છેઃ
‘તુમ ઘનવન હમ મોરા, જૈસે ચિતવત ચંદ્ર ચકોરા...’
જેમ આકાશમાં ઘન વરસે અને મોર નાચી ઊઠે, ચંદ્રને જોઈને ચકોર પ્રફુલ્લિત થઈ ઊઠે, તેમ પ્રમુખસ્વામી મહારાજના સાંનિધ્ય માત્રથી, એમના ચરણસ્પર્શથી, એમની પધરામણીથી, એમના આશીર્વાદથી ગામડે ગામડે લોકો હરખે ઊભરાઈ જતા. એમને હરખાતા જોઈને સ્વામીશ્રીને પણ રોમરોમ આનંદ થતો, પરંતુ અમે સાથે ફરનારા સૌ વાસ્તવિકતા જાણતા હતા કે સૌના આનંદ માટે સ્વામીશ્રી કેટલાં કષ્ટો વેઠતા હતા!
ઝાલાવાડ, ગોહિલવાડ, હાલાર, સોરઠ વગેરે સૌરાષ્ટ્રના પ્રાંતોનાં ગામડાંઓમાં સ્વામીશ્રી અનેક કષ્ટો વેઠીને લોકહિત માટે ઘૂમતા હતા, તેનાં સંસ્મરણો ક્યારેય ભૂલી શકાય તેમ નથી.
લીંબડી, અચારડા, ઊંટડી, પાંદરી, મોજીદડ, ચોકી, અડવાળ, કંથારિયા, જાળિયા, સેજકપર, ચૂડા, ચચાણા, બલદાણા, ખારવા, ભલગામડા, થાનગઢ, વઢવાણ, રતનપર, ગોમટા, તાવી, અણંદપર, દેવપરા, ભૃગુપુર, જોબાળા, ખાંડિયા, ચોટીલા, નાનીટીંબલા, ભેંસજાળ, ભડકવા, કરમળ, બોરણા, મેમકા, માળોદ, રામપરા, નાગનેશ, વાગડ, રાયકા, છલાળા, નાના કાંધાસર, લાલિયાદ, સાયલા, હડાળા, બળોલ, ભોયકા, ઝાંઝરકા, શિયાણી, પરનાળા, છતરિયાળા, ખેરવા, હળવદ, ખોડુ, કારોલ, ખંભલાવ, પાણસિણા, પાટડી, લીમલી વગેરે વગેરે અનેક ગામડાંઓમાં ઘૂમતાં ઘૂમતાં સ્વામીશ્રીએ વિચરણ કરીને ગામલોકોના હૈયે શાંતિ અને સુખનાં જે વાવેતર કર્યાં છે, તેની કથા ખૂબ મોટી છે.
ઉનાળાના ભરતાપમાં, ચોમાસામાં વરસતા વરસાદમાં ગારો ખૂંદતાં ખૂંદતાં, અને શિયાળાની કડકડતી ઠંડીના સુસવાટા મારતા વાયરાઓ વચ્ચે સ્વામીશ્રીએ કરેલું એ કઠિન વિચરણ આજેય હૃદયમાં કમકમાં ઊપજાવે છે.
વહેલી સવારથી નક્કી કરેલા કાર્યક્રમ મુજબ એક ગામથી બીજે ગામ જવા સ્વામીશ્રી નીકળ્યા હોય અને અણધાર્યાં ગામડાંઓ વચ્ચે ઉમેરાતાં જાય. ગામડાંઓના એ અબુધ લોકોને તો ક્યાંથી ખબર હોય કે સ્વામીશ્રી આગળનો કેટલો ભીડો વેઠીને આવ્યા છે અને હજુ આગળ કેટલો ભીડો વેઠવાનો છે! પણ તેમ છતાં સ્વામીશ્રી ક્યારેય એમની ભાવનાઓને અવગણે નહીં. સ્વામીશ્રી એ ગામડાંઓમાં થોડુંઘણું પણ રોકાય, એમનાં સામાન્ય ઘરોમાં પધારીને એમની લાગણીને પૂરી કરે. જ્યાં નક્કી કરેલા કાર્યક્રમ મુજબ સાંજે પહોંચવાનું હોય ત્યાં ભલે ને મધરાતે પહોંચે! અને મધરાતે પહોંચે ત્યાં ઉતારો ક્યાં હોય? ઇલેક્ટ્રિસિટી પણ ન હોય એવા, કોઈ પ્રકારની સગવડ વિનાના કોઈક હરિભક્તના કે ભાવિકના ઘરમાં ઉતારો ગોઠવાયો હોય. ક્યારેક તો એમને ગામના ચોરાના ઓટલે પણ સૂવાનું થયું છે. ગામડાંઓમાં ન જાજરૂની વ્યવસ્થા હોય, ન સ્નાન માટે બાથરૂમની વ્યવસ્થા હોય. એટલે જાહેર સ્થળોમાં સ્નાન કરવાનું. એમાંય ઝાલાવાડ કે ભાલમાં પધાર્યા હોય ત્યારે ક્યાંક ક્યાંક તો ડહોળા પાણીવાળા તળાવમાં સ્નાન કરવાનું થાય.
ભાદરવાનાં ઓતરા-ચીતરાના તાપમાં ઊડતી ધૂળની ડમરીઓમાં પણ ગામડાંના એ ભાવિકોના ભાવ પૂરા કરવા માટે સ્વામીશ્રીએ બળદગાડામાં બેસીને એમનાં સામૈયાં સ્વીકાર્યાં છે. ક્યારેક એક ગામથી બીજે ગામ ટ્રેક્ટરની ટ્રોલીમાં બેસીને ગયા છે. વરસાદની ૠતુમાં કાળી માટીના ગારામાં ટ્રેક્ટર ફસાય તો જાતે ગારામાં નીચે ઊતરીને ટ્રેક્ટરને ધક્કો મારતા સ્વામીશ્રીને નીરખ્યા છે.
આવી મુશ્કેલીઓ હોવા છતાં કેટલાંક ગામડાંઓમાં તો સ્વામીશ્રી અનેક વખત પધાર્યા છે. હરિભક્તોની ભાવના ને સ્વામીશ્રીના નિઃસ્વાર્થ પ્રેમ વચ્ચે અગવડો ક્યારેય નડી શકી નથી.
1973ના ભાદરવા મહિનાના ઓતરા-ચીતરાના તાપમાં સ્વામીશ્રી ઝાલાવાડમાં વિચરણ કરી રહ્યા હતા. તે અરસામાં તેઓને જમણા પગે પિંડી પાસે મૂઢિયું ગૂમડું થયું હતું. ચાલતી વખતે પગમાં ગૂમડાંનું દર્દ લપકારા મારે. છતાં સ્વામીશ્રીએ પધરામણીઓ અટકાવી ન હતી. માળોદ ગામે સ્વામીશ્રી પધાર્યા ત્યારે તો ગૂમડું પાકી ગયું હતું. મંદિરની પાછળ કૂવા પાસે બેસીને ડોક્ટર સ્વામીએ ગૂમડું દબાવીને રસી અને ખરાબો કાઢ્યો તેથી ત્યાં ખાડો પડી ગયો હતો. ટીકડીઓનો પાઉડર એ ખાડામાં ભરી ડોક્ટર સ્વામીએ પાટો બાંધી દીધો. સ્વામીશ્રીની આ પીડાથી દુઃખી થઈને હરિભક્તોએ સ્વામીશ્રીને કહ્યું, ‘અમને આવી ખબર હોત તો અમે પધરામણી ન કરાવત.’
ત્યારે સ્વામીશ્રી દેહ પ્રત્યેની ઉપેક્ષા સાથે કહે, ‘હરિભક્તો રાજી થાય તેમ જ કરવું છે.’
એ વિચરણ વખતે ભોયકા ગામમાં સ્વામીશ્રી પધાર્યા ત્યારે ગૂમડું પાકીને લાલચોળ થઈ ગયું હતું. પિંડીમાં જ આ ગૂમડું હોવાથી ખૂબ તકલીફ પડતી હતી. સવારે ઊઠ્યા ત્યારે સ્વામીશ્રીને સખત દુખાવો હતો. રસી કાઢીને ડોક્ટર સ્વામીએ ડે્રસિંગ કરી આપ્યું. પછી સ્વામીશ્રી સ્નાન કરીને આવ્યા ત્યારે પણ દુખાવો ખૂબ હતો.
મેં સ્વામીશ્રીને કહ્યું: ‘આપને ગૂમડું બહુ દુખે છે તો આજે પધરામણીએ ન જઈએ તો સારું.’ સ્વામીશ્રીએ હા પણ પાડી. પરંતુ પૂજા બાદ અજાણતાં જ હરિભક્તોએ સ્વામીશ્રીને પોતાનાં ઘરોમાં પધરામણીએ પધારવાની વિનંતી કરી. ત્યારે એક ઊંહકારો પણ કર્યા વગર સ્વામીશ્રી પધરામણી કરવા તૈયાર થઈ ગયા. એ દિવસે સ્વામીશ્રીએ 45 ઘરોમાં પધાર્યા ને એ ભક્તોનાં સુખ-દુઃખની વાતો સાંભળી, એમને માર્ગદર્શન અને આશીર્વાદ આપ્યાં અને અપાર રાજી કર્યા હતા! અને પોતાના પગના દુખાવાને હરિભક્તો સુધી ઊંહકારા દ્વારા પણ પહોંચવા ન દીધો! સ્વામીશ્રીએ સહજતાથી એ અસહ્ય પીડાને સહન કરી લીધી.
સ્વામીશ્રીને આ મૂઢિયું થયું હતું તે જ અરસામાં વિચરણ કરતાં કરતાં તા. 5-10-1973ના રોજ તેઓ વાગડ ગામે પધાર્યા હતા. મૂઢિયા ગૂમડાની પીડા વચ્ચે લગભગ ચાલીસેક જેટલી પધરામણીઓ કરતાં કરતાં સ્વામીશ્રી એક હરિભક્તને ત્યાં ભોજન માટે પધાર્યા હતા. એ ઘર ખૂબ નાનું હતું એટલે હું અને સંતસ્વરૂપ સ્વામી ગામના મંદિરમાં રસોઈ કરવા ગયા હતા. રસોઈ કરીને એ અમે હરિભક્તને ત્યાં અન્ય હરિભક્તો દ્વારા ત્યાં મોકલાવી દીધી. થોડીવાર પછી ગરમ રોટલી લઈને એ હરિભક્તના ઘરે પહોંચ્યા એ દરમ્યાન એ હરિભક્તે ઉતાવળમાં ઠાકોરજીને થાળ થાય તે પહેલાં એમના મહેમાનને જમવા બેસાડી દીધા હતા. અમે પહોંચ્યા એ જ વખતે સ્વામીશ્રી પણ પધરામણીઓ કરીને તે હરિભક્તના ઘરે આવ્યા. ઠાકોરજીનો થાળ હજી બાકી જ હતો અને ઠાકોરજીને થાળ થયા પહેલાં ભોજન શરૂ થઈ ગયું, એ જાણીને સ્વામીશ્રી અત્યંત વ્યથિત થઈ ગયા. સ્વામીશ્રીની એ વેદનાથી સૌ થીજી ગયા હતા. એક બાજુ ડોક્ટર સ્વામી સ્વામીશ્રીના મૂઢિયા ગૂમડાનું ડ્રેસિંગ કરતા હતા. ગૂમડું દબાય ત્યારે કોઈપણ વ્યક્તિ દુખાવાને કારણે સિસકારા નાંખી ઊઠે, પરંતુ સ્વામીશ્રીને એનું દુઃખ લેશ પણ નહોતું. એમને મન તો ઠાકોરજીને થાળ કરવાનું રહી ગયું, એનું જ દુઃખ અપરંપાર હતું. ફરી ઠાકોરજીને થાળ કર્યો ત્યારે એમને સંતોષ થયો.
એ હરિભક્તને ત્યાં જમીને સ્વામીશ્રી મંદિરમાં પધાર્યા. અહીં મેડા ઉપર કાપડની આડશ કરીને ઉપર કાપડ ઢાંકીને અંધારા જેવું કરવામાં આવ્યું હતું. પંખો કે એવી કોઈ સુવિધા જેવું અહીં હતું નહીં. સ્વામીશ્રી મને કહે, ‘હવે આરામ કરો.’
સ્વામીશ્રીની વ્યથાને કારણે હું પણ વ્યથિત થઈ ગયો હતો. તેથી મેં કહ્યું, ‘ઊંઘ આવે એવું ક્યાં રહ્યું છે ?’ અને આ વાક્ય સાંભળતાં જ સ્વામીશ્રીએ મને કેટલીય મિનિટો સુધી પ્રેમપૂર્વક સમજાવ્યો. પછી આરામમાં ગયા. થોડો ઘણો આરામ કર્યો કે ન કર્યો અને બપોરે 3-15 વાગે ઊઠી ગયા, વળી પાછી પધરામણીઓનો દોર ચાલુ થઈ ગયો!