Essays Archives

गुणातीतोऽक्षरंब्रह्म, भगवान्‌पुरुषोतमः।
जनो जानन्‌ इदं सत्यं, मुत्व्यते भवबन्घनात्‌॥

'સ્વામિનારાયણ પ્રકાશ'ના પહેલે જ પાને કાયમ ઉપરોક્ત મુક્તિમંત્ર એટલે કે ધામપ્રાપ્તિનો સરળ માર્ગ બતાવતો એક શ્લોક આપણે વાંચીએ છીએ. થોડુંક સંસ્કૃત જાણનાર વ્યક્તિ કદાચ એનો શબ્દાર્થ સમજતો હશે. પરંતુ સંભવ છે કે એમાં છુંપાયેલા ભાવાર્થનો ભવ્ય ભંડાર એના મનમાં કે મગજમાં ઊભરાવો જોઈએ એટલો ન પણ ન ઊભરાતો હોય. એમને આ ભાવનિરૂપણ અમુક અંશે સહાયક થશે.
આ મત્ર અનુષ્ટુપ છંદમાં ચાર ચરણોમાં વિભાજિત છે. ઊલટા ક્રમે જો ભાવનિરૂપણ થાય તો આ મંત્રનું રહસ્ય સહેલાઈથી સમજી શકાય. એ આશયથી, ૪, ૩, અને ૧, ૨ એ ક્રમે નિરૂપણ કર્યું છે.
(૪) ‘मुत्व्यते भवबन्घनात्‌’ એટલે કે જીવન સંસારના બંધનથી છૂટી જાય છે, મુક્ત થઈ જાય છે.
કોઈપણ પ્રાણીને કોઈપણ પ્રકારનું બંધન ગમતું નથી. આ અનુભવસિદ્ધ સત્ય છે. છતાંય બંધન આવી જ પડે, તો તેનાથી છૂટવા માટે એ તનતોડ પ્રયત્ન કરે છે એ પ્રમાણે અનેકવાર પ્રત્યક્ષ જોયું છે. પ્રાણીમાત્રને નાનીમોટી ૮૪ લાખ યોનિઓમાં ક્રમથી અવતરવાનું ભારે બંધન છે. ધરતી પરનાં ભૂચર, આકાશમાં ઊડતા ખેચર, અને પાણીમાં રહેતાં જળચર પ્રાણીઓના ૮૪ લાખ પ્રકારો પુરાણોએ વર્ણવ્યા છે. પ્રાયઃ બધાય ધર્મોના ધુરંધરોએ આનું સમર્થન કર્યું છે.
આ બંધનમાં રાય કે રંકના ભેદ નથી. ધનવાન કે ગરીબના ભેદ નથી. કોઈપણ યોનિમાં અવતરેલા જીવને શાશ્વત સુખ હોતું નથી આ ભવબંધન છે.
આ ૮૪ લાખ યોનિઓમાં એક માનવયોનિ જ એવી છે, જેમાં એનાથી છૂટવાનો પ્રયત્ન હાથવગો છે. આ દુઃખો ત્રણ પ્રકારનાં છે. શારીરિક કે માનસિક દુઃખો જેને આધ્યાત્મિક દુઃખો કહેવાય છે. બીજા માણસો કે પશુપક્ષીઓ દ્વારા થતાં દુઃખો, જે આધિભૌતિક કહેવાય છે. તેમ જ અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ અને ભૂકંપ, વાવાઝોડા દ્વારા થતાં દુઃખો આધિદૈવિક દુઃખો છે. જેનો ભોગ માણસ જ નહીં પ્રાણીમાત્ર બને છે. આમાંથી મુક્ત થવાનો યત્ન માત્ર મનુષ્ય જ કરી શકે છે. માનવયોનિમાં જ એ સાધ્ય છે. પશુપક્ષી યોનિમાં એ સંભવિત જ નથી. આપણે એ મેળવવા-મુક્તિ પામવા જ મથવાનું છે. બીજા પુરુષાર્થ સાથે આ પુરુષાર્થ પણ કરવાનો છે. એને જ ધામ પ્રાપ્તિ કહેવાય છે. એટલે જ સાધુ-સંતો, અરે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ પણ પ્રત્યેક હરિભક્તને ધામપ્રાપ્તિના જ શુભ આશીર્વાદ આપે છે. સાંસારિક બધા પુરુષાર્થોમાં આ પુરુષાર્થનું પ્રથમ સ્થાન છે.
આ સિદ્ધિ સાધ્ય કરવાનું પ્રધાન સાધન માનવશરીર છે. મુક્તિ એટલે ૮૪ લાખ યોનિઓમાં જન્મજન્માંતરની ભારે જંજાળમાંથી છુંટકારો; શ્રીજીમહારાજનું સાંનિધ્ય. આનંદઘન જીવન.
સંસ્કૃતના એક સંતકવિએ પોતાની કાવ્યમય ભાષામાં, આગવી શૈલીમાં ભગવાનની પ્રાર્થનામાં કહયુ છે કે, 'હે મહારાજ! સંસારરૂપી તારી આ નાટકશાળામાં મેં ૮૪ લાખ ભૂમિકાઓ ભજવી છે. એનાથી જો તમને સંતોષ થયો હોય, તો પુરસ્કારરૂપે મારી ઇચ્છા મુજબનું વરદાન જેવું પારિશ્રમિક આપ. હવે હું થાક્યો છું_. મારાથી કામ થઈ શકે એમ નથી. હવે હું કોઈ ભૂમિકા ભજવી શકું એમ નથી. માટટ તમે મને તમારી સંસાર નાટયશાળામાંથી છૂટો કરો. મુક્તિ આપો.
અને તમને જો મારી ભૂમિકાઓથી સંતોષ ન જ થયો હોય તો, હવે હું તેની વધુ સારી ભૂમિકાઓ ભજવી શકવાનો નથી. હું કામથી તમને સંતો, આપી શકવાનો નથી. જેથી સંસાર નાટયશાળામાંથી ડિસમીસ કરો, કાઢી મૂકો.' બીજી રીતે પણ પોતાની કાવ્યવાણીમાં એણે મુકિત જ માગી છે.
આમ, આ મંત્રના ચોથા ચરણમાં આ મંત્રલેખક મહાપુરુષ આપણને આશ્વાસન આપે છે કે માણસ ભવબંધનથી મુક્ત થઈ શકે છે. ધામ પામે છે. ધામની પ્રાપ્તિ અશક્ય કે અસંભવિત નથી. પરંતુ -
(૩) जनो जानन्‌ इदं सत्यम्‌।
ત્રીજા ચરણમાં સંતકવિ કહે છે કે, સત્સંગી હરિભક્ત જો સાચી વાત સમજી લે તો, અન્યથા નહીં. સાચી વાત અંતરમાં ઊતરે તો. આ સદ્વિચાર જો આચારમાં અવતરે તો. અન્યથા નહીં. આ 'તો' અક્ષર એક જ છે. લખવા-બોલવામાં સરળ છે, પણ અઘરો છે. 'જો' અને 'તો' બંને અક્ષરો ચિત્તની અસ્થિરતાના અચૂક છે.
'સત્ય' બે પ્રકારનાં છે. એક છે શાશ્વત્‌ સત્ય અને બીજું છે સામયિક સત્ય. આ સૂર્યછે, આ ધરતી છે એવાં સત્ય શાશ્વત્‌ ગણાય. એમાં મતભેદ કે સમયભેદને સ્થાન નથી. 'અમારા મકાન પાસે એક મેદાન છે'એ સામયિક સત્ય છે. પાંચ વરસ પછી એ મેદાન ન પણ હોય. ત્યાં મકાન થઈ ગયાં હોય એમ પણ બને ને! અહીં મંત્રકાર શાશ્વત્‌ સત્યની વાત કરે છે. આ સત્ય ગળે ઊતરી જાય અને સતત એનું સ્મરણ થાય તો જ ભવબંધનથી છુંટાય. એનું સતત સ્મરણ થવું જોઈએ.
ગીતાના ચિંતન મુજબ દૃઢ સંકલ્પ થઈ જાય કે 'જે મને મળ્યું છે એથી જુદું કે વધુ ક્યાંય કશું નથી.' ભયંકર દુઃખોમાં પણ પૂર્વસંકલ્પમાં પરિવર્તન ન થાય, આપણો જીવ બીજે ક્યાંય ન આકર્ષાય, ન લોભાય આનું જ નામ છે નિષ્ઠા. એની અંતરમાં પ્રતિષ્ઠા ન થાય, ત્યાં સુધી અસ્થિરતા અકળાવવાની જ. અહીં પ્રશ્ન એ છે કે આ કયું સત્ય છે, જે જાણવું જરૂરી છે?
(१, २) गुणातीतोऽक्षरं ब्रह्म, भगवान्‌ पुरुषोतमः।
સત્ત્વ, રજસ્‌ અને તમસ્‌ - સત્ત્વગુણ, રજોગુણ અને તમોગુણથી પર જે અક્ષરબ્રહ્મ અને ભગવાન, જગત જેને પુરુષોત્તમ નામે સંબોધી છે, એ જ પરમ સત્ય છે.'
શ્રીજીમહારાજ ભગવાન અને ગુણાતીતાનંદ સ્વામી અક્ષરબ્રહ્મ છે. આ બંનેનું દેશ, કાળ કે બીજા કોઈ પદાર્થથી વિભાજન થઈ શકતું નથી. એ અવિનાશી છે. એનાં જન્મ-મરણ પણ નથી. આવું અવિભાજ્ય અને અવિનાશી તથા સર્વત્ર વ્યાપક તત્ત્વ છે. એ સ્થૂળ નથી કે સૂક્ષ્મ પણ નથી. સૂર્ય-ચંદ્રનું પણ પ્રકાશક તેમજ વિશ્વનું સર્વવ્યાપક પદાર્થમાત્રમાં ઓતપ્રોત, ઇન્દ્રિયોનું ને મનનું સંચાલક જે ચૈતન્ય તત્ત્વ છે, સત્ત્વ છે એ જ પરમ અક્ષરબ્રહ્મ છે. અને તેથી પર તેના પણ જે નિયામક છે એ જ સર્વાવતારી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. જે શ્રીજીમહારાજનું યથાર્થરૂપ છે.
શુદ્ધ, બુદ્ધિ અને દૃઢ શ્રદ્ધાવાળી વ્યક્તિ જેને જાણવા અને પામવા ઇચ્છે છે, એ સ્વરૂપ આ જ છે. માનવમાત્રનું અંતિમ લક્ષ્ય - ધામપ્રાપ્તિ જ છે. બીજી રીતે કહીએ તો 'મુક્તિ' છે. શબ્દ જુદા છે. અર્થ એક જ છે. આ ધરતી પરનો કોઈ પણ આસ્તિક માનવી આ લોક છોડીને પરલોક પ્રયાણ કરે છે, ત્યારે ખરેખર એ જીવ માયામુક્ત થઈને મુક્તાનંદ, ગોપાલાનંદ, બ્રહ્માનંદ, શુકાનંદ જેવા સંયમ, સદ્‌ભાવ તેમજ સ્વાર્પણની મૂર્તિસમા દિવ્યાત્માઓની સંતસભામાં બિરાજમાન શ્રીજીમહારાજનાં ચરણોનું શરણ લેવા ઉત્સુક હોય એ સ્વાભાવિક છે. ઉપરોક્ત મહાત્માઓની મંડળીમાં સ્વાગત સન્માન સાથે દબદબાભર્યું સ્થાન મેળવવાનું કોણ ન ઇચ્છે! આમ ઇચ્છનારે ધામના ધણી ભગવાન પુરુષોત્તમમાં મન પરોવવું પડશે.
આપણે જો ભવબંધનથી છૂટવા ખરેખર ઇચ્છતા હોઈએ તો, જન્મ-પુનર્જન્મની જંજાળમાંથી છૂટવાની જો ઝંખના હોય તો, મહારાજનો સાક્ષાત્કાર કરવાનો જો દૃઢ સંકલ્પ હોય તો એ માટે અન્ય સાધનોની અપેક્ષાએ આ સાધના કરવાની તાલાવેલી જરૂરી છે. શુદ્ધ બુદ્ધિ અને સાત્ત્વિક શ્રદ્ધાનો સમન્વય કરવો પડશે. સ્વાર્થ સંઘર્ષ તેમજ સ્વભાવ સંઘર્ષને દફનાવી દેવો પડશે. મુક્તિમાર્ગના કે ધામપ્રાપ્તિનાં અવરોધક આ તત્ત્વોને તિલાંજલિ દેવી પડશે.
અવસાન પામેલી પ્રત્યેક વ્યક્તિ માટે આપણે 'ધામમાં ગયા' એ વાક્ય વાપરીએ છીએ. એ તો આપણી શુભેચ્છાનું પ્રતીકમાત્ર છે. કોઈ લૌકિક વ્યક્તિ માટે 'સ્વર્ગમાં ગયા કે સ્વર્ગવાસી થયા એ સૂત્ર પણ સદ્‌ભાવનાનું સૂચક છે. બાકી આચાર-વિચારની શુદ્ધિ વગર તેમજ પ્રગટ મહાપુરુષમાં અપ્રગટ પુરુષોત્તમની આંતરપ્રતિષ્ઠા કર્યા વગર, પ્રગટ સત્પુરુષનો રાજીપો મેળવ્યા વગર, હૃદયમાં એની શાશ્વત પ્રતિષ્ઠા કર્યા વગર, સંતોનું સાંનિધ્ય સેવીને એમની પાસેથી ભગવાન પુરુષોત્તમને પામવાની પ્રેરણા લીધા વગર શક્ય નથી. સંતનું શરણ અનિવાર્ય છે. રાજા પરીક્ષિતનું ઉદાહરણ સ્મરણીય છે. જોકે એ તો ભાગ્યશાળી હતા. એને મૃત્યુ માટે સાત દિવસની મુદત મળી હતી. સાતમે દિવસે સર્પદંશનો શાપ હતો. આપણને એક ક્ષણ પહેલાં પણ કદાચ સૂચના ન મળે.
પરીક્ષિતે તરત ધામમાં પહોંચવાનાં સાત પગથિયાં વિચારી લીધાં, જે પ્રત્યેક મુક્તિમાર્ગી માટે ઉપયોગી છે :
૧. સાધુસંગતિ, ૨. શ્રવણરતિ, ૩. ભક્તિ, ૪. શક્તિ, ૫. અનાસક્તિ, ૬. વિરક્તિ, ૭. મુક્તિ.
પહેલે જ દિવસે સાધુ શુકદેવની સંગતિ સાધી. બીજે દિવસે શુકદેવનો ઉપદેશ શ્રવણ કરવામાં મન પરોવ્યું. દરેક મુક્તિમાર્ગી, ધામપ્રેમી વ્યક્તિએ અનુકરણ કરવા જેવી યોજના છે. આપણે ભગવદ્‌દત્ત વૈભવ ભલે ભોગવીએ, પરંતુ આ ભવ અને વૈભવ ક્યારેક છોડવાનો છે જ. એનું સતત સ્મરણ હવે પછીનો ભવ સુધારવા માટે જરૂરી છે.
અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ તેમ જ વર્તમાન પ્રમુખસ્વામી મહારાજ આ પંચ પરમેશ્વરસ્વરૂપ સદ્‌ગુરુઓની પરંપરાગત ધર્મોપદેશકથામાં આ જ ઘોષણાનો રણકાર સંભળાય છે. એમની શિષ્યપરંપરામાં ઊછરતા આજના વિદ્વાન સાધુ-સંતો પણ સતત આ જ વાત કરે છે.
મોહ-માયાથી પર થયેલાં મન, મદ અને મદનને મારીને ખરા મર્દનું બિરુદ પામેલા, બે ધોતિયાં, બે ગાતરિયાં, લાકડાનું એકમાત્ર ભોજનપાત્ર, ભગવાન સ્વામિનારાયણની ચિત્રમૂર્તિ અને એક માળાની સંપત્તિ સાથે, ધનનો સ્પર્શ પણ ક્યારેય ન કરવાની પ્રતિજ્ઞાવાળા છે.
દેશ-વિદેશના સુશિક્ષિત આ યુવાન સંતો કેવળ જનકલ્યાણની જ સદ્‌ભાવનાથી સમૃદ્ધિથી ઊભરાતાં અને સુખ-સાધનોથી છલકાતાં વિદેશોનાં શહેરોમાં તેમજ આ દેશનાં સગવડ વગરનાં નાનાં ગામડાંઓમાં તથા આદિવાસીઓના સમૂહમાં આ જ સંદેશ પહોંચાડવા સતત વિચરણ કરે છે. સદ્‌વિચાર, સદાચાર અને સત્પ્રચારનો ક્રમ જાણે એમને ગળથૂથીમાંથી મળ્યો છે. શુદ્ધ બુદ્ધિ અને દૃઢ શ્રદ્ધા જ એમનું પાથેય ભાથું છે.
એમના દ્વારા જ આપણે પ્રગટ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની નજીક પહોંચી શકીએ. અને એમનામાં રહેલા તત્ત્વને માણી શકીએ. આપણે એમને ઓળખી શકીએ અથવા માની લો કે આપણે ઓળખીએ જ છીએ, પણ એ પૂરતું નથી. પણ તેઓ આપણને ઓળખે એનો મહિમા વિશેષ છે.
આ મુક્તિમંત્ર જપવાનો નથી, માત્ર સમજવાનો છે. સમજીને અંતરમાં ઉતારવાનો છે. એ બુદ્ધિ અને શ્રદ્ધાના સમન્વય વગર શક્ય નથી. બુદ્ધિ ગતિ આપે છે અને શ્રદ્ધા દિશા બતાવે છે. વાહનમાં ગતિ છે, જ્યારે દિશાભાન ચાલકમાં છે. એ બંને મળીને આપણને યથાસ્થાને પહોંચાડે છે. આપણામાં ખરેખર બુદ્ધિ-શ્રદ્ધાનો સમન્વય થયો હશે તો પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ માટે આપણું અંતર સ્વાભાવિક રીતે જ - એની મેળે એમ બોલી ઊઠશે કે -
જ્યાં આપ નથી એવું સ્વર્ગ મારે શું કરવું છે? જો આપ હો તો કલિયુગ ભલે ને રહયો, મને ક્યાં નડે છે! જો આપ કલિયુગમાં જ અવતાર લેતા હો તો ભલે ને કાયમ કળિયુગ રહયો, મારે સતયુગની શી જરૂર છે? મને જ્યાં મૂકો ત્યાં આપનો અખંડ સહવાસ રહે એટલું બસ છે. એમાં જ મુક્તિનું હાર્દ છે.

Other Articles by શ્રી વિમલશંકર શાસ્ત્રી (સાહિત્યાચાર્ય, સાહિત્યરત્ન)


© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS