આધ્યાત્મિક માર્ગમાં આગળ વધવા માટે ઘણા વિદ્વાનો, યોગીઓ અનેક પ્રયોગો જનતા સમક્ષ મૂકતા હોય છે. લોકો પણ એમાં અનેક રીતે આકર્ષિત થતા હોય છે. તેમાં પણ વ્યક્તિના જીવનમાં કોઈ વિટમણા આવે, વ્યાવહારિક, સાંસારિક, સામાજિક વમળોમાં ઘેરાઈ જાય ત્યારે તેમાંથી બહાર નીકળવા તે આધ્યાત્મિક નુસ્ખાઓનો આશરો લે છે. તેમાં વિશ્વાસ રાખી શાંતિ શોધે છે. ઘણીવાર આ પ્રયોગો અધકચરા પણ સાબિત થયા છે. અગર તો દિશા વગરના લક્ષ્ય તરફ લઈ જતા હોય છે.
આવા નુસ્ખાઓ પોતાને નીચોવી રહ્યા છે - એવું ભાન થવા છતાં માણસ પોતાના સૂક્ષ્મ અહમûને પોષવા આવા દિશાવિહીન માર્ગોને મૂઢપણે પકડી રાખે છે ને આત્મસંતોષનો અંચળો ઓઢી રાજી રહે છે.
યોગસાધના, મંત્રસાધના, વિવિધ પ્રકારનાં ધ્યાન, મૌન વગેરે દ્વારા પોતાને ધ્યાની, યોગી કે માંત્રિક કહેવડાવતા લોકો અનેકને પોતાની જાળમાં લલચાવી ફસાવે છે, કારણ કે એ અગમ ને ગૂઢ માર્ગોના આ અધકચરા ભોમિયા પાસે એવા કીમિયા પણ છે.
બહુધા વિદ્વાનો નિરાકાર, નિર્ગુણ બ્રહ્મના ધ્યાનનો રાહ બતાવતા હોય છે જે શ્રીજીમહારાજે સદંતર નિષિદ્ધ કરેલો છે. પરમાત્માના દિવ્ય સાકાર સ્વરૂપના પ્રતિપાદક શ્રીજીમહારાજ કહે છે કે જે યથાર્થ ભગવાનનો ભક્ત છે તેની વૃત્તિ તો ભગવાનમાં જ રહે છે, જગતના પદાર્થમાં રહી શકતી નથી. ત્યારે સંતોએ ભગવાનમાં વૃત્તિ રાખવાનું સાધન પૂછ્યું તેના જવાબમાં મહારાજ કહે છે : એનું સાધન અંતર્દૃષ્ટિ છે.
અંતર્દૃષ્ટિ જેવા ગૂઢ આધ્યાત્મ પ્રયોગને શ્રીજીમહારાજ સમજાવતાં કહે છે, 'પોતાને જે પ્રત્યક્ષ ભગવાન મળ્યા હોય તેની મૂર્તિ સામું જોઈ રહેવું એ અંતર્દૃષ્ટિ. ને તે મૂર્તિ વિના ષટચક્ર દેખાય' કહેતાં હૃદય, કંઠ વગેરે છ સ્થાનમાં મૂલાધાર વગેરે ચક્રમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ વગેરે છ દેવતાઓ દેખાય અથવા ગૌલોક, વૈકુંઠાદિક ભગવાનનાં ધામ દેખાય તો પણ તે અંતર્દૃષ્ટિ નહિ. અહીં ધ્યાનનાં વિષમ ચઢાણોને ગૌણ બતાવી મહારાજ અંતર્દૃષ્ટિનો માર્ગ બતાવે છે. અને તે સ્પષ્ટ કરતાં કહે છે કે ભગવાનની મૂર્તિને અંતરમાં ધારીને તે સામું જોઈ રહેવું અથવા બહાર ભગવાનની મૂર્તિ સામું જોઈ રહેવું તેનું નામ અંતર્દૃષ્ટિ છે ને તે મૂર્તિ વિના બીજે જ્યાં જ્યાં વૃત્તિ રહે તે સર્વે બાહ્યદૃષ્ટિ છે. (વચ. ગ.પ્ર. ૪૯)
આ જ વાતને વિસ્તારથી સમજાવતાં શ્રીજીમહારાજ ગ.મ. ૮માં હરિભક્તોને નિત્ય સાત્ત્વિક યજ્ઞ કરવા આદેશે છે. તેમાં જ્ઞાનયજ્ઞનો મહિમા સમજાવતાં કહે છે કે 'અંતર્દૃષ્ટિએ કરીને ભગવાનના ભક્તને જે વર્તવું તે જ્ઞાનયજ્ઞ કહેવાય છે.'
અહીં પણ અંતર્દૃષ્ટિની એ જ વ્યાખ્યા કરે છે કે 'બાહેર અથવા માંહ્યલી કોરે ભગવાનની મૂર્તિ સામી જે વૃત્તિ કરવી. બાહેર ભગવાનનું દર્શન, પૂજન, કથા-કીર્તન વગેરે ભગવાન સંબંધી ક્રિયાઓ તેમજ ભગવાનની મૂર્તિને અંતરમાં ધારીને તેનું પૂજન-વંદનાદિક જે કરવું તે પણ અંતર્દૃષ્ટિ છે ને જ્ઞાનયજ્ઞ છે. અહીં પ્રત્યક્ષ ભગવાન કે તેના ધારક ગુણાતીત સંતના સંબંધનો મહિમા શ્રીજીમહારાજ જણાવે છે. ભગવાન કે સંતનાં દર્શનાદિક નવધા સેવા-ભક્તિ કે એમની આજ્ઞાથી એમને પ્રસન્ન કરવા માટે જે કંઈ પણ પ્રવૃત્તિ કરાય તેમાં ભગવાનનો સંબંધ છે. માટે તે અંતર્દૃષ્ટિ છે અને તે જ્ઞાનયજ્ઞ છે.
શ્રીજીમહારાજના સમયમાં ગૃહસ્થ હરિભક્તો : દાદાખાચર, પર્વતભાઈ, ગોરધનભાઈ વગેરે એમની આજ્ઞાથી ગૃહસ્થાશ્રમમાં હતા પણ અખંડ મહારાજમાં એમની વૃત્તિ હતી. તો એ સર્વે નિત્ય જ્ઞાનયજ્ઞ કરતા હતા ને અંતર્દૃષ્ટિએ યુક્ત હતા.
આ જ બાબતને ગુણાતીતાનંદ સ્વામીએ વધુ સ્પષ્ટતાથી સમજાવી છે કે નિરંતર સર્વ ક્રિયામાં પાછું વળીને જોવું જે મારે ભગવાન ભજવા છે ને હું શું કરું છું... તપાસ કરવો જે હજાર રૂપિયા મળે તેનું શું ફળ છે ? ને લાખ રૂપિયા મળે તેનું શું ફળ છે ? કેમ જે રોટલાથી તો વધુ ખવાતું નથી. માટે તપાસ કરવો ને પાછા મળતા શીખવું.
શ્રીજીમહારાજના સમયમાં મયારામ ભટ્ટ ને ગોવિંદરામ ભટ્ટ બે ભાઈઓ હતા. બંનેએ વિચાર કર્યો કે આપણે હાટ કરીએ, પણ હાટડી શેની કરવી તેના વિચારમાં રાત આખી વીતી ગઈ ને સવાર પડ્યું. તેથી નક્કી કર્યું કે વિચારમાં જો રાત નીકળી ગઈ તો હાટ માંડશું ત્યારે શું થશે ? મહારાજનો આશરો છે તે અન્ન-વસ્ત્ર, આબરૂ તો આપવાના જ છે તો શું બીજી ફિકર કરવી ? એમ હાટનો વિચાર માંડી વાળ્યો. જરૂર કરતાં વધુ શું સંપાદન કરવું ? એમ પાછી વૃત્તિ વાળી.
એકવાર પર્વતભાઈને ખેતરમાં કામ કરતા પગે કુહાડી વાગી પણ મહારાજની કૃપાથી જોડો કપાઈ ગયો ને પગ બચી ગયો. તેમણે વિચાર્યું કે પગ કપાયો હોત તો છ મહિનાનો ખાટલો થાત. મહારાજે રક્ષા કરી. તો હવે મહારાજનો છ મહિના સમાગમ કરવો જોઈએ. બીજા હોય તો બીજી જ ક્ષણે ભગવાનનો ઉપકાર ભૂલી જાય ને વ્યવહારમાં ડૂબી જાય, પણ પર્વતભાઈ પાછી વૃત્તિવાળા હતા તો છ મહિના મહારાજનો સમાગમ કર્યો.
ગુણાતીતાનંદ સ્વામીએ આના અનુસંધાનમાં પ્રતિલોમની વાત કરી છે. પ્રતિલોમપણે હૃદયમાં સંકલ્પ સામું જોવું તથા પ્રતિલોમપણે ભગવાનનું ધ્યાન કરવું તેમાં જ સુખ છે. પ્રતિલોમ જેવો બીજો સુખનો ઉપાય નથી. પ્રતિલોમનો અભ્યાસ નિરંતર રાખવો. વચનામૃતમાં મહારાજે બહુ ઠેકાણે કહ્યું છે ને મોટા સંતનો એ આગ્રહ મુખ્ય છે પ્રતિલોમ વિના યથાર્થ જ્ઞાન થતું નથી.
પ્રતિલોમ એટલે પાછી વૃત્તિ વાળવી. એટલે અંતર્મુખ થવું, અંતર્દૃષ્ટિ કરવી. સ્વામી કહે છે કે પ્રતિલોમપણે વર્તવાનું મહારાજ વચનામૃતમાં અનેકવાર કહે છે અને મોટા સંતો પણ એ આગ્રહ રાખે છે. કારણ પ્રતિલોમ વિના જ્ઞાન થતું નથી અને પ્રતિલોમ વિના સુખ પણ થતું નથી.
આમ, પાછી વૃત્તિ વાળી હૃદયમાં સંકલ્પ સામું જોવું. અને જગત, પદાર્થ, પંચવિષયના ઘાટ ખોટા કરવા. પછી ભગવાનનું ધ્યાન કરવું કહેતાં મહિમાનો વિચાર કરવો. આવો અધ્યાસ કર્યાથી મોટા સંતની કૃપાદૃષ્ટિ થાય છે ને ભગવાનનું સ્વરૂપ જેમ છે તેમ અંતરમાં ઓળખાવે છે. દિનપ્રતિદિન મહિમાની દૃઢતા થાય છે, પ્રતીતિ થાય છે ને અંતરમાં સુખ અનુભવાય છે.
ગુણાતીતાનંદ સ્વામીએ એવી પણ વાત કરી કે અંતર્દૃષ્ટિ કરવી એ નિર્ગુણપણું છે. બાહ્યદૃષ્ટિમાં સગુણપણું છે. બાહ્યદૃષ્ટિ દૈત્યની કહી છે. અંતર્દૃષ્ટિનો અભ્યાસ કરતા સુખ થાય અને જેમ ચકમક ઝરે ને દેવતા થાય, તેમ કો'ક દિવસ પ્રકાશ થઈ જાય.
સદûગુરુ પરમચૈતન્યાનંદ સ્વામી ગઢપુરમાં બિરાજમાન હતા ને જલઝીલણીના સમૈયે સૌ સંતો ઘેલા નદીએ જતા રહ્યા. સ્વામીને કોઈએ યાદ કર્યા નહિ તેથી એમને ઘણું માઠું લાગ્યું. ત્યાં બાલમુકુંદાનંદ સ્વામીએ આ જોયું. તેઓ સ્વામીને મળ્યા ને આશ્વાસન આપ્યું કે સંતો ભૂલી ગયા એમાં શું ખોટું લગાડવું. આપણે ક્યાં મોટાઈ સારુ સાધુ થયા છીએ ! એમ સમજાવી આત્મદૃષ્ટિ કેળવી માન સન્માનને ઠેલવાની વાત કરી. એ એમને સારી લાગી. પછી કહે : 'છોકરા તારા ગુરુ કોણ છે ?'
'ગોપાળાનંદ સ્વામી.'
'તેમને અહીં લાવજે.' પછી તો ગોપાળાનંદ સ્વામીએ દેહભાવ ટાળી આત્મારૂપ થઈ પરમાત્માની ભક્તિ કરવાની વાતો કરી. જે ભાયાત્માનંદ સ્વામીને એટલી તો મીઠી લાગી કે તે કહેવા લાગ્યા કે આવી વાત તો સાંભળી જ નહોતી. પછી કહે : '૧૨ વર્ષ ગુરુ રહ્યો, ૧૨ વર્ષ સદûગુરુ રહ્યો ને સત્સંગી તો આજ થયો.' એમ, ગોપાળાનંદ સ્વામીની કૃપાથી અંતર્મુખ થયા તો જ્ઞાન થયું ને શાંતિ થઈ ગઈ.