અસ્મિતાનો દ્વિતીય અમૃત કુંભ - સંપ્રદાયનાં પવિત્ર શાસ્ત્રો
સ્વામિનારાયણ સંપ્રદાયનો શાસ્ત્રસાગર ઘણો વિશાળ છે, પરંતુ તેમાંનાં બે રત્નોનો પ્રકાશ વિશેષરૂપે આજેય સમગ્ર વિશ્વને ઝળાંહળાં કરી રહ્યો છે. તે છે: ‘વચનામૃત’ અને ‘શિક્ષાપત્રી.’
કિશોરલાલ મશરૂવાલા કહે છે: ‘ભગવાન સ્વામિનારાયણનાં વચનામૃતોનો સંગ્રહ એ તો ગુજરાતી ભાષાનું એક રત્ન છે. આધ્યાત્મિક અને વિચારમય જીવન ગાળવા ઇચ્છનારને ગુજરાતી ભાષામાં આવું પુસ્તક વિચાર્યા વિના ભાગ્યે જ ચાલે. એ પુસ્તકનું મનન અને નિદિધ્યાસન કરી એના સિદ્ધાંતો અને ઉપદેશોને જીવનમાં ઉતારવા પ્રયત્ન કરનાર ચડ્યા વિના, ઉત્કર્ષ પામ્યા વિના રહે જ નહીં. આધ્યાત્મિક સિદ્ધાંતોના રહસ્ય અને તેનો સાક્ષાત્કાર કરવા માટે વ્યાવહારિક સૂચનોથી ભરપૂર આટલું નાનકડું પુસ્તક ભાગ્યે જ બીજું છે. એની ભાષા બહુ મુદ્દાસર, ટૂંકી, એક જ અર્થ દર્શાવનારી, થોડું ભણેલાને પણ સમજાય તેવા સહેલા શબ્દો અને સરળ વાક્યરચનાવાળી અને જરૂર પડે ત્યાં અર્થને સ્પષ્ટ કરે એવાં દૃષ્ટાંતોવાળી છે. એમાં યોગ્ય ઠેકાણે યોગ્ય શબ્દોનો જ ઉપયોગ દેખાશે. એમાં કોઈ ઠેકાણે ભ્રમકારક, સંશયાત્મક કે મોળી વાત જોવામાં નહીં આવે. તેમાં ઠેકાણે ઠેકાણે એ વચનોના કહેનારનો સ્વાનુભવ પ્રત્યક્ષ થાય છે.’
શ્રીજીમહારાજની પરાવાણીનો સંગ્રહ-‘વચનામૃત’ એ ગુજરાતી સાહિત્યનો પ્રથમ સુશ્લિષ્ટ ગદ્યગ્રંથ છે એમ સાક્ષરોએ સ્વીકાર્યું છે.
વચનામૃતની સાહિત્યકક્ષા પણ ઘણી ઉચ્ચ પ્રકારની છે તે દર્શાવતાં જાણીતા ગુજરાતી સાહિત્યકાર ચંદ્રવદન ચી. મહેતાએ કહ્યું છે: ‘મહાત્મા ગાંધીજી રાજકારણમાં પડેલી વ્યક્તિ હતી છતાં સાહિત્ય પરિષદના પ્રમુખસ્થાને બેસાડ્યા. એમ જ એના કરતાં પણ વધારે હક્ક-દરજ્જાથી આજે હયાત હોત તો શ્રીજીને પણ સાહિત્ય પરિષદના પ્રમુખસ્થાને બિરાજમાન કર્યા હોત અને તેમની પાસેથી અત્યંત ઉચ્ચ પ્રકારની સાહિત્યની વ્યાખ્યા આપણે પામ્યા હોત! લેખનકલા સિદ્ધ કરવા માટે કોઈ પણ ઊગતા લેખકે વચનામૃતના ગદ્ય વાંચવા ઘટે, એમ જ વચનામૃતનું ગદ્ય અભ્યાસ માટે પણ ફરી ફરી વાંચવું ઘટે.’
વચનામૃતની આવી ઉચ્ચ સાહિત્યસભર શૈલી હોવા છતાં તત્ત્વજ્ઞાન કેટલી સરળ ભાષામાં પીરસાયું છે, તે વાત કરતાં ધર્મવિષયના પ્રાધ્યાપક મણિલાલ પારેખ કહે છે: ‘આ ગ્રંથમાં શુદ્ધ સિદ્ધાંતોને એટલી સાદી, સરળ છતાં રસાળ શૈલીમાં રજૂ કરવામાં આવ્યા છે કે અભણને અઘરું ન લાગે અને વિદ્વાનને સહેલું ન લાગે... સમગ્રપણે જોતાં વચનામૃત હિંદુશાસ્ત્રનો એક સર્વોત્તમ ગ્રંથ છે.’
ન્હાનાલાલ સાચું જ કહે છે: ‘તપશ્ચર્યાર્થે તીર્થમંડળમાં ફરી ફરી નીલકંઠવર્ણી સર્વ મંત્રો વીણી લાવ્યા. તે ગૂંથી ગૂંથી બે ગ્રંથો - વચનામૃત અને શિક્ષાપત્રીમાં એમણે સંપ્રદાયને આપ્યા. નવશિક્ષિતો સમજે છે એથી એ બંને ગ્રંથો બહુ મ્હોટેરા છે.’
વચનામૃત અને શિક્ષાપત્રી સિવાય પણ ભગવાન સ્વામિનારાયણે પોતાના કવિ-લેખક પરમહંસો પાસે જે સત્ત્વશીલ સાહિત્ય રચાવ્યું છે તેનો પણ એક ખજાનો છે.
સાહિત્યના માધ્યમ દ્વારા પણ સમાજને સંસ્કારવાનું કાર્ય સ્વામિનારાયણીય સંતોએ સચોટ રીતે કર્યું છે. કડક શિસ્તના હિમાયતી અને સમર્થ આયોજક હોવા છતાં ભગવાન સ્વામિનારાયણના નેણમાંથી અખંડ પ્રેમનો પ્રવાહ વહેતો. તેઓ લલિત કળાની ખાણ હતા.
સ્વામિનારાયણીય પરમહંસ સંતોએ સંસ્કૃત, ગુજરાતી અને હિન્દી ભાષામાં વિપુલપ્રમાણમાં સાહિત્ય સર્જન કર્યું છે. અવધી, વ્રજ, રાજસ્થાની, કચ્છી અને મરાઠી ભાષામાં પણ સાહિત્ય
રચાયું છે.
ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, શતાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, વાસુદેવાનંદ વર્ણી, મહાનુભાવાનંદ સ્વામી, પરમચૈતન્યાનંદ સ્વામી, અચિંત્યાનંદ વર્ણી આદિનું સંસ્કૃત સાહિત્ય ઘણું જ છે.
આ સંતોએ પ્રસ્થાનત્રયી ઉપરનાં ભાષ્યો તેમજ ‘સત્સંગિજીવન’, અઢાર હજાર શ્લોકોયુક્ત ‘શ્રી હરિલીલાકલ્પતરુ’, ‘શ્રી હરિદિગ્વિજય’, ‘સત્સંગિભૂષણ’, ‘હરિકૃષ્ણલીલામૃત’ આદિ શ્રીજીનાં ચરિત્રના વિશાળકાય ગ્રંથોનું નિર્માણ કર્યું છે. ‘હરિવાક્ય સુધાસિંધુ’, ‘જ્ઞાનવિલાસ,’, ‘પ્રશ્નોત્તરસાગર’, ‘બુદ્ધિપ્રદીપ’, ‘ભક્તિસિદ્ધિ’ આદિ ઘણા તાત્ત્વિક અને ધાર્મિક ગ્રંથો ઉપરાંત ભાગવત આદિ પુરાણોનાં ભાષ્યો અને ધર્મશાસ્ત્રોનાં ભાષ્યો પણ લખાયાં. શ્રીજીમહારાજના સમયનું આ ગીર્વાણ સાહિત્ય એ સ્વામિનારાયણીય સાહિત્ય સિંધુમાં અમૃત સમાન છે. સંસ્કૃત વિશારદોએ આનાં મુક્તકંઠે વખાણ કર્યાં છે અને આ સાહિત્ય ઉપર ઘણા શોધનિબંધો પણ રચાયા છે.
પ્રેમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, મંજુકેશાનંદ સ્વામી, દયાનંદ સ્વામી, ભૂમાનંદ સ્વામી આદિ સંતકવિઓએ તો પદ્ય સાહિત્યમાં આડો આંક વાળ્યો છે.
અનેક મહાનિબંધો પણ આ રચનાઓ ઉપર લખાયા છે. સાંપ્રદાયિક કવિઓની, શ્રીજીને મધ્યબિંદુમાં રાખી રચાયેલી આ રચનાઓમાં અધ્યાત્મની ચરમસીમા વિશેષ જોવા મળે છે.
કહેવત છે કે ‘જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ અને જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી.’ તેમ આ સંત પરમાત્માના અનુભવી હતા એટલે જ તેમનાં કાવ્યો હૃદય સોંસરવાં ઊતરી જાય છે.
એક જ સંપ્રદાયના આટ આટલા સમકાલીનોએ એક જ ઇષ્ટદેવને મધ્યબિંદુમાં રાખી વિવિધ ભાષાઓમાં આટલા વિપુલ પ્રમાણમાં વીણાવાદિની વાગીશ્વરીને સાહિત્યનો આવો જે રસથાળ આપ્યો છે તે વિશ્વના સાહિત્ય-ઇતિહાસમાં વિરલ પ્રસંગ છે. ગુજરાતની આ પણ એક અનોખી અસ્મિતા છે.
કવિવર ન્હાનાલાલ કહે છે: ‘આ યુગના કોઈ પણ નવસંપ્રદાયમાં હજી નથી જન્મી એવી ને એટલી સ્વામિનારાયણ સંપ્રદાયની કવિતા છે. દયારામનાં તાલાવેલી, ઉછળાટ ને આવેગ, નરસિંહનાં ભરવેગ ભાવપૂર, મીરાંનું લાડસોહામણું લાવણ્ય, ભોજાના ચાબખા, અખાના હથોડા, ધીરાની કાફીઓ, રત્નાના મહીના, રાજેના તલસાટ - કવિતાના એ સહુ રસપ્રકારો સ્વામિનારાયણીય કવિતાભંડારે ભરેલા છે.’
ભગવાન સ્વામિનારાયણે કરેલા રાસોત્સવનું બ્રહ્માનંદ સ્વામીએ છંદશેખર રેણકી છંદમાં એક રાસાષ્ટક રચીને સાહિત્યમાં અનંતકાળ સુધીનો અતૂટ વિશ્વવિક્રમ સ્થાપી દીધો છે.
એક વાર નોબેલ પારિતોષિક વિજેતા કવિવર રવીન્દ્રનાથ ઠાકુરને દુલા કાગે તે સંભળાવ્યું. જાણે રાસકુંજ ખડું કરી દેતા, વીજળીના વેગે ગવાતા, ચમક-ઝમકની અદ્ભુત ચમત્કૃતિયુક્ત શબ્દાલંકારમાંથી વગર વાજિંત્રે ઊઠતા ઝંકારથી ‘વાહ બ્રહ્માનંદ, વાહ બ્રહ્માનંદ’ બોલતાં કવિવર ડોલી ગયા અને કાગ કવિને કહ્યું: ‘મેં મારી જિંદગીમાં કોઈ દિવસ આવી કવિતા સાંભળી નથી. મને રાસાષ્ટક ઉતારી આપો.’
ભગવાન સ્વામિનારાયણના પરમહંસોના સાહિત્યની ગુણવત્તાથી મહાત્મા ગાંધીજી પણ આકર્ષાયેલા. તેઓના આશ્રમમાં રોજ ગવાતાં પ્રાર્થનાપદોમાં પણ સ્વામિનારાયણીય સંતોનાં પદો પસંદ કરાયેલાં. તત્ત્વની કિંમત તેમાં રહેલા સત્ત્વને લીધે હોય છે. તેવી જ રીતે સ્વામિનારાયણીય સાહિત્યની મહત્તા તેની સત્ત્વશીલતાને કારણે છે.
હતાશા-નિરાશાની થપાટોથી જીવન તૂટું તૂટું થઈ રહ્યું હોય ત્યાં તેને ટેકો દઈ સંભાળે તેવી શક્તિ આ સાહિત્યમાં છે.
મંજુકેશાનંદ સ્વામીના કાવ્ય માટે બૃહત્-કાવ્યદોહનકારનો અભિપ્રાય છે કે, ‘દુઃખિયાને દુઃખ વેળા ધૈર્ય પ્રેરવામાં તેમનાં પદોની શક્તિ અજબ છે.’
ગાંધીજીના જે ત્રણ ગુરુઓ કહેવાય છે, તેમાંના એક શ્રીમદ્ રાજચંદ્રને પ્રેરણાનું પીઠબળ સ્વામિનારાયણીય સાહિત્યમાંથી પણ મળ્યું છે. તે નોંધતાં ગાંધીજી લખે છે:
‘હસતાં રમતાં પ્રગટ હરિ દેખું રે,
જીવ્યું સફળ તવ લેખું રે;
મુક્તાનંદનો નાથ વિહારી રે,
ઓધા જીવનદોરી અમારી રે...’
આ મુકતાનંદનું વચન તેમને (રાજચંદ્રજીને) મોઢે તો હતું જ, પણ તે તેમના હૃદયમાંયે અંકિત હતું.’ આમ, સ્વામિનારાયણ સંપ્રદાયનાં શાસ્ત્રો - સાહિત્ય પણ અજોડ છે. તે જો સમજાય તો આપણા અસ્તિત્વનો કણેકણ અસ્મિતાથી ઝંકૃત થઈ જાય.