તા. 22-6-1979નો એક પ્રસંગ હું ક્યારેય વીસરી શકીશ નહીં. આ દિવસે સ્વામીશ્રી આદિવાસીઓના ગોપળા ગામે પધાર્યા હતા. અહીંના શ્રી મણિભાઈ સૂરજીભાઈને ત્યાં એકત્રિત થયેલા આદિવાસી ઘોડિયા ભાઈઓને સ્વામીશ્રીએ સદુપદેશ આપ્યો અને નિયમો પાળવાની વાતો કરી સૌને વ્યસનમુક્ત કર્યા. પછી તેમનાં ઝૂંપડાંઓમાં પધરામણી કરીને સ્વામીશ્રી દેદવાસણ ગામે પધાર્યા હતા. દેદવાસણ પધારવાનું એકમાત્ર કારણ હતું - દલુભાઈ મદારી ઘોડિયા. તદ્દન કંગાલ હાલતના એક હરિભક્ત.
એમની એક તીવ્ર ઇચ્છા હતી કે સ્વામીશ્રી એમના ઘરે પધારે. સ્વામીશ્રીએ એમની એ ઇચ્છા પૂર્ણ કરી. એમના ઘરે કષ્ટો વેઠીને પધાર્યા ત્યારે આશ્ચર્ય થયું. કારણ કે આ ‘ઘર’ને ઘર કહેવાય કે કેમ, તે એમનું ઝૂંપડું જુઓ તો જ ખ્યાલ આવે.
અંધારિયા ઝૂંપડામાં સ્વામીશ્રીને ક્યાં બેસાડવા તેનીયે તેમને મૂંઝવણ થઈ હતી. એટલે તેમણે ભેંસની ગમાણની પાળી ઉપર સ્વામીશ્રીને બેસાડ્યા હતા! ભેંસને ખીલે બાંધવાના વાંકાંચૂકાં લાકડાં બે પથ્થરો પર ટેકવીને સંતોને તે લાકડાં પર બેસાડ્યા. હું, સ્વામીશ્રી અને ગોવિંદ સ્વામી - અમે બેઠા એટલે તે પાળી હલતી હતી. તેની એક બાજુ પોદળા હતા અને બીજી બાજુ રસોડાની રાખ હતી. ગોવિંદ સ્વામી આ સ્થિતિ જોઈને હસતા હતા. તેઓ કહે, ‘આ બાજુ પડીશું તો ચૂલાની રાખ ખાવાની અને આ બાજુ પોદળા.’ સ્વામીશ્રી તેમને કહે, ‘જુઓ, આ હરિભક્તો કેવા પ્રેમી છે!’
મેં કહ્યું, ‘સ્વામી ! આપના પ્રતાપે આ લોકોની સ્થિતિ સુધરી. બાકી તો ઉપર મરેલા સાપ લટકતા હતા. આ લોકોનો ધંધો આ હતો. આખું પીપડું દારૂનું પી જાય એવા હતા.’
દલુભાઈએ પોતાનું પૂર્વજીવન વર્ણવતાં સ્વામીશ્રીને કહ્યું હતું: ‘અમે તો કાચું માંસ ખાતા, સ્ત્રી-પુરુષ સૌ સામૂહિક અપાર દારૂ પીતાં. સાવ પશુ-જીવન જીવતાં હતાં. પણ આપના સંગે પરિવર્તન આવતાં વ્યસનો છૂટ્યાં. લસણ, ડુંગળી, હિંગ જ નહીં પરંતુ ચા પણ મૂકી દીધી છે. આ નિયમો પાળવાથી અમે સુખિયા થઈ ગયા છીએ...’
એમ કહીને હરખાતાં હરખાતાં દલુભાઈએ પધરામણીનો વિધિ કર્યો. ઠાકોરજીનું પૂજન કર્યું. મેં દરેક આદિવાસી ભાઈની ઓળખાણ આપી. દલુભાઈ બધા જ અનાચારો છોડીને શુદ્ધ થયા છે એ વાત સાંભળી સ્વામીશ્રી એટલા બધા રાજી થયા કે તેમને અને સાથે આવેલા આદિવાસી સત્સંગી ભાઈઓને ભાવથી ભેટ્યા! છાતીએ લગાડ્યા. એમની આંખોમાંથી નીતરતી કરુણા, ભાવ અને આદિવાસીને ભેટતાં એમની સમદૃષ્ટિનો અહીં ત્રિવેણી સંગમ રચાયો હતો.
સ્વામીશ્રી કહેઃ ‘ભલે ગરીબ છે. પણ દર્શનથી શાંતિ થાય તેવા છે. આમ ભલે પછાત કહેવાય, પણ આને કોણ પછાત કહે? સત્સંગી થયા, પવિત્ર થયા, આવાં ઘરોમાં-ઝૂંપડાંઓમાં એમની ભક્તિનાં-શાંતિનાં દર્શન થઈ ગયાં.’
પછી અમે સંતો હતા તે તરફ ફરીને દૂર સુધી પથરાયેલી વનરાજી, ગરીબોનાં દેખાતાં કૂબા જેવાં ઝૂંપડાંઓ, થોડે દૂર રમતાં નાના ગરીબ બાળકો તરફ દૃષ્ટિ કરતાં સ્વામીશ્રી જાણે સ્વગત બોલતા હોય તેમ કહેઃ ‘શ્રીજીમહારાજ અને 500 પરમહંસો આવા ગરીબોની વચ્ચે જ રહ્યા છે.’
સત્સંગ સૌરભથી મઘમઘતાં તે સામાન્ય ઝૂંપડાંઓમાં સ્વામીશ્રીએ વરસતા વરસાદમાં પણ ઉત્સાહભેર પધરામણીઓ કરી.
આ દલુભાઈએ ધોળીકૂઈના નગીનભાઈને બે વર્ષ પહેલાં સત્સંગ કરાવેલો. દલુભાઈએ જ તેમને શ્રીજીમહારાજ અને સ્વામીશ્રીની ચિત્રપ્રતિમાઓ પણ આપી હતી. દલુભાઈના જીવનપરિવર્તનથી પ્રેરાઈને નગીનભાઈને સ્વામીશ્રીનાં દર્શનની તીવ્ર અભિલાષા અંતરે જાગી હતી. પરંતુ તેમને અચાનક જ આંખે અંધાપો આવ્યો. પ્રજ્ઞાચક્ષુ થયા છતાં નગીનભાઈને ન તો દર્શનની ઇચ્છા ઘટી કે ન તો સત્સંગમાં ઓટ આવી. ફોટોગ્રાફમાં એકવાર જોયેલા સ્વામીશ્રીને અંતરમાં અખંડ સ્મરતા રહ્યા હતા. હવે તેમને તો સ્વામીશ્રીના પ્રત્યક્ષ સ્પર્શનું સુખ પામવું હતું. આથી, ધોળીકૂઈ જવાનો કોઈ કાર્યક્રમ ન હોવા છતાં અતિશય વરસાદ વચ્ચે પણ નગીનભાઈના પ્રેમપાશથી ખેંચાઈને સ્વામીશ્રી ત્યાં જવા નીકળ્યા. વાહન તો જઈ શકે તેમ હતું નહીં. તેથી વરસતા વરસાદમાં પથ્થર તથા ગારા ઉપર ચાલીને પરમ પૂજ્ય સ્વામીશ્રી નગીનભાઈને ઘેર પહોંચ્યા. શ્રી નગીનભાઈએ અંતરની આંખે નીરખ્યા, સ્વામીશ્રીનો સ્પર્શ કર્યો અને ધન્ય થઈ ગયા. જાણે તેમની ભવભવની ભટકણ મટી ગઈ હોય, તેવો તેમને રોમરોમ આનંદ છવાઈ ગયો!
અત્રેથી સ્વામીશ્રી શાહુ ગામે થઈને મોડી રાત્રે કુરેલ પધાર્યા. રાત્રે વરસાદ હતો. છતાં એક ઓસરીમાં સત્સંગ સભામાં ભેગા થયેલા ભક્તોને સ્વામીશ્રીએ ‘જન્મ્યા ત્યાંથી જરૂર જાણો...’ પદો ઉપર અદ્ભુત બળપ્રેરક વાતો કરી. આખા દિવસના શ્રમને કારણે સાથેના સૌ થાકીને લોથપોથ થઈ ગયા હતા ત્યારે સ્વામીશ્રી પોતાના થાકની પરવા કર્યા સિવાય સૌ પર અમૃતવર્ષા વરસાવી રહ્યા હતા.
કરુણામૂર્તિ સ્વામીશ્રીની એ અનંત કરુણાવર્ષાનું સ્મરણ કરતાં વાચા મૂક થઈ જાય છે. ‘ગિરા અનયન નયન બિનુ બાની...’ જેવી અનુભૂતિ થાય છે.