રાજીપાથી અંતરમાં સુખ મળે છે
‘સુખ’ એ વધુ ઉચ્ચારાતો અને ઓછો અનુભવાતો શબ્દ છે. જીવમાત્ર એને ઝંખે છે પરંતુ તે હંમેશા હાથતાળી દઈ છટકતું રહે છે. એ સુખ મેળવવાનો ઉપાય પણ ભગવાન અને સંતનો રાજીપો જ છે તે જણાવતાં ગુણાતીતાનંદ સ્વામી કહે છે : ‘જેની ઉપર મોટા સાધુ રાજી થાય તેનો જીવ સુખિયો થઈ જાય.’(3/32)
વળી, તેઓ કહે છે : ‘મોટાનો રાજીપો હોય તેના અંતરમાં સુખ વર્ત્યા કરે.’ (2/178)
યોગીજી મહારાજ પણ ‘યોગીગીતા’માં કહે છે : ‘અમે સં. 1969માં શાસ્ત્રીજી મહારાજ પાસે આવ્યા તે સ્વામી સં. 2007માં ધામમાં પધાર્યા ત્યાં સુધી એકધારી આજ્ઞા પાળી સ્વામીને રાજી કર્યા છે, તે અત્યારે સ્વામી દર્શન દે છે ને સુખ આવે છે.’ અહીં યોગીજી મહારાજ સુખનું મૂળ શાસ્ત્રીજી મહારાજનો રાજીપો જ બતાવે છે.
આમ, ભગવાન અને સંતનો રાજીપો આપણને અંતરથી સુખી કરે છે. માટે તે ઉત્તમ વિચાર છે.
રાજીપાના વિચારથી જીવન સ્પર્ધામુક્ત અને તાણમુક્ત બને છે
એકવીસમી સદીમાં માણસમાત્રને વત્તે-ઓછે અંશે પીડી રહેલો મહારોગ છે - માનસિક તાણ, ટેન્શન. દરેક વ્યક્તિના માથે તાણનો અદૃશ્ય બોજો લદાયેલો રહે છે. ‘શું થશે? અને શું નહીં થાય?’, ‘લોકોને કેવું લાગશે?’, ‘લોકો શું ધારશે?’ - જેવા અનેક વિચારો માનવીના મનની પણછ તાણેલી જ રાખે છે. આ તાણ જન્મે છે સ્પર્ધામાંથી. આજે સૌ એકમેકની હોડે ચડ્યા છે. One-upmanship - મૂઠી ઊંચેરા બનવા માટે સૌ ધમપછાડા કરી રહ્યા છે. આ સરખામણી અને સ્પર્ધા, તાણનો તાજ માનવીના મસ્તકે પહેરાવતા જાય છે. સરખામણી અને સ્પર્ધા ઈર્ષ્યાના ભાવ મનમાં જગાવતાં જાય છે. તેને કારણે જીવનપર્યંત મનુષ્ય બળ્યા કરે છે. આ આગ ઠરે છે રાજીપાના વિચારથી. જે કંઈ પણ કરવું, બોલવું, વિચારવું તે ભગવાન ને સંત રાજી થાય તે માટે જ કરવાની ભાવના જાગે છે ત્યારે કોઈથી આગળ નીકળી જવાનો ભાવ અને કોઈથી પાછળ રહી જવાનો ભય ખરી પડે છે. કર્મના ફળરૂપે જયારે રાજીપો લેવાની ભાવના આવે છે ત્યારે બોજો ગાયબ થઈ જાય છે. કારણ કે મનુષ્યને બોજો કર્મનો નહીં, કર્મના ફળનો લાગે છે.
સદ્. મુક્તાનંદ સ્વામી વડોદરામાં શાસ્ત્રાર્થ કરવા જઈ રહેલા. આખા સ્વામિનારાયણ સંપ્રદાયની પ્રતિષ્ઠા તેઓની હાર કે જીત પર દાવે લાગી હતી, પરંતુ આવા સમયે તેઓ તો ‘વ્હાલા રૂમઝુમ કરતા કાન, મારે ઘેર આવો રે...’ ગાતાં ગાતાં ચર્ચા માટે જઈ રહેલા. તેઓની આ હળવાશનું રહસ્ય રાજીપાનો વિચાર હતું. શાસ્ત્રાર્થમાં જીત મેળવી સૌથી આગળ વધી જવું છે, બીજાને ઝાંખા પાડી દેવા છે જેવા કોઈ જ વિચારો નહીં. બસ ! ‘મહારાજને રાજી કરવા છે’ એ જ એક નિશાન હતું. શ્રીજીમહારાજે વચનામૃત ગઢડા અંત્ય 24ના વચનામૃતમાં કહ્યું છે કે ‘મુક્તાનંદ સ્વામીને અમારી પ્રસન્નતા કરવી તથા અમારો વિશ્વાસ એ અંગ.’
આમ, ભગવાનનો રાજીપો મેળવવાના વિચારમાત્રથી તેઓ સદાય હળવાફૂલ રહેતા. આપણે પણ આ વિચાર કેળવી સદાય શાંત, હળવા અને પ્રફુલ્લિત રહી શકીએ છીએ.
આજે પ્રમુખસ્વામી મહારાજ પ્રવૃત્તિના ગોવર્ધન ઊંચકવા છતાં મોરપીંછ જેવા હળવા રહી શકે છે તેનું કારણ આ જ છે કે તેઓને ભગવાન તથા ગુરુને રાજી કરવાનો વિચાર સદા રહે છે. દિલ્હીમાં અક્ષરધામના ઉદ્ઘાટન વખતે તેઓ બોલેલા : ‘આ કાર્ય જે કર્યું છે તે સ્પર્ધાના ભાવથી નથી કર્યું. બીજાથી અમે આગળ છીએ તે બતાવવા માટે પણ નથી કર્યું. બીજાને ઝાંખા કરવા પણ નથી કર્યું. પણ અમારા ગુરુ યોગીજી મહારાજનો સંકલ્પ હતો કે યમુના કિનારે મંદિર કરવું છે તેથી તેઓનો સંકલ્પ પૂરો કરવા આ કાર્ય થયું છે.’ સ્વામીશ્રીને અક્ષરધામના ખાતમુહૂર્ત વખતે કે ઉદ્ઘાટન વખતે એક જ વિચાર - ગુરુને રાજી કરવાનો હતો. તેથી સ્વામીશ્રી આવું વિરાટ કાર્ય ઉપાડવા છતાંય હળવા રહી શકેલા. એક પ્રસંગે નિર્માણાધીન અક્ષરધામના પરિસરમાં ચોતરફ ખડકાયેલા ગંજાવર ગુલાબી પથ્થરો જોઈ સ્વામીશ્રીએ સંતોને કહ્યું : ‘આ આટલા બધા પથરા અહીં પડ્યા છે, પણ છાતી પર એક કાંકરી જેટલો પણ ભાર અનુભવાતો નથી.’
રાજીપાના વિચારથી થતી પ્રવૃત્તિની આ ફલશ્રુતિ છે.