દુનિયા કોઈ રીતે રાજી થાય તેમ નથી
ગુણાતીતાનંદ સ્વામીએ તેઓના ઉપદેશમાં એક દૃષ્ટાંત વર્ણવ્યું છે. સ્વામી કહે છે: ‘શિવજી, પાર્વતી ને પોઠિયાને દૃષ્ટાંતે કરીને જગતનું કહ્યું કે, એમાં કાંઈ પાધરું ન મળે, એ તો ગમે એમ કરે તેમાં પણ ખોટ કાઢે, માટે એ વાત પણ સમજી રાખવી.’ (2/27)
પ્રસંગ એવો બનેલો કે એક વાર શિવજી, પાર્વતી અને પોઠિયો ચાલીને જતાં હતાં ત્યાં રસ્તામાં એક ગામ આવ્યું. ગામની ભાગોળે ઊભેલા કેટલાકે આ ત્રણેયને ચાલતાં જતાં જોઈ ટીકા કરી કે ‘લ્યો, આ બેયને કાંઈ ગમ પડે છે કે નહીં? આટલું સુંદર વાહન બેસવા માટે છે તોય ચાલતા જાય છે.’ આ સાંભળી શિવજીએ પાર્વતીને પોઠિયા પર બેસી જવા કહ્યું ને એમ મુસાફરી આગળ ચાલી. ત્યાં રસ્તામાં બીજું ગામ આવ્યું. ત્યાં પણ ગામના નાકે ઊભેલા કેટલાકે આ જોઈ કહ્યું : ‘જુઓ તો ખરા! સમાજમાં પતિવ્રતાપણાનો છાંટોય રહ્યો છે ખરો? આ બાઈ ધણીને ચલાવે છે ને પોતે ઉપર ચડી બેઠી છે.’ પાર્વતીજીને તો આ વેણ વિષ જેવાં વસમાં લાગ્યાં. તેઓ તરત પોઠિયા ઉપરથી નીચે ઊતરી ગયાં અને શિવજીને પોઠિયા પર બેસાડી દીધા.
આ રીતે સવારી આગળ ચાલી ત્યાં રસ્તામાં ત્રીજું ગામ આવ્યું ત્યાં ઊભેલા કેટલાક ચોવટિયાઓએ આ દૃશ્ય જોયું ને બોલ્યા : ‘અરે, જુઓ તો જરા, આ કેવો કળિયુગ! ફૂલ જેવી નારીને ચલાવે છે ને પોતે હ્ય્ષ્ટપુષ્ટ છે તોય ઉપર ચડી ગયા છે.’ આ સાંભળતાંવેંત શિવજી નીચે ઊતરી ગયા. શું કરવું? તેની વિમાસણમાં પડી ગયા. પણ પછી શિવ-પાર્વતી બંને પોઠિયા પર બેસી ગયાં અને મુસાફરી આગળ વધારી. ત્યાં ચોથે ગામે લોકોએ ટીકા કરી કે ‘છે કાંઈ દયાનો છાંટો? બેય ચડી બેઠા છે તે પોઠિયાને મારી નાંખશે.’
આ સાંભળી શિવ-પાર્વતી બંને ઊતરી ગયાં પણ મૂંઝાયાં કે હવે શું કરવું? ચારેય વિકલ્પ અજમાવી જોયા પણ લોકોને રાજી કરી ન શક્યાં. હવે એક વિકલ્પ બાકી બચેલો. જો શિવ-પાર્વતી બંને ભેગા મળી પોઠિયાને ઊંચકીને ચાલે તો! જો તેમ કર્યું હોત તોય લોકો કંઈક તો બકવાસ કરત જ. સ્વામી આ દૃષ્ટાંત આપી સમજાવે છે કે ગમે એટલું કરવા છતાં દુનિયા રાજી થાય તેમ જ નથી. માટે ભગવાન અને સંતને જ રાજી કરવા જેવા છે.
અંગ્રેજીમાં એટલે જ કહ્યું છે કે, ‘Don’t let criticism worry you. You can’t please everybody.’ ટીકાથી વ્યથિત ન થાઓ. તમે સૌને રાજી કરી શકો એમ છો જ નહીં. કાલિદાસે ‘રઘુવંશ’માં લખ્યું છે : ‘भिन्नरुचिर्हि लोकः।’ આ લોકમાં સૌનાં રસ-રુચિ નોખાં-નોખાં છે. તેમાંથી કેટલાની રસ-રૂચિ સાચવી શકીશું? અને જેટલાની સાચવી શકીએ તોય કેટલા સમય સુધી સાચવી શકાશે? ગુણાતીતાનંદ સ્વામી કહે છે : ‘સંબંધી ઘેર આવે તેને સારું જમવાનું આપો ત્યાં સુધી ઠીક, પણ હમણાં જો જારનો રોટલો આપો તો હેતની ખબર પડે.’ માટે લોકના મનુષ્યો કોઈ રીતે રાજી થાય એમ નથી.
એક વાર એક પટેલની દીકરીનાં લગ્ન લેવાયાં. જાનની આગતા-સ્વાગતામાં પટેલે કોઈ કચાશ રાખી નહીં. બે-પાંચ પ્રકારનાં મિષ્ટાન્ન, શાક, ફરસાણ વગેરે ભોજનમાં કરાવ્યાં. ઉતારા પણ આલીશાન રાખ્યા. રૂપિયાની નોટોનાં તો તોરણિયાં લટકાવ્યાં. લગ્નપ્રસંગ રંગે-ચંગે પૂરો થયા પછી પટેલે વેવાઈને પૂછ્યું કે ‘તમારી સરભરા બરાબર થઈ ને!’ ત્યારે વેવાઈ બોલ્યા : ‘તમે આ જે બધું કર્યું તેમાં તો હજી મારી અડધી જ મૂછ પલળી છે. બાકીની અડધી તો બાકી રહી.’ પટેલ બીચારો આખેઆખો નિચોવાઈ ગયો તોય કોઈને રાજી ન કરી શક્યો. માટે લોકોને રાજી કરવાના ઉધામા અજાગલસ્તન (બકરીના ગળે રહેલા આંચળ) દોહી દૂધ લેવા જેવા છે. એટલે જ એક કવિએ ગાયું છે :
‘તમા જરીય મને ના જગની કે જનોની,
ભલે ન લેશ પરવા હવે જગતને ય મારી હજો!,
કૃપા બહુ બહુ ચહી ઊચરી વેણ કાલાં કંઈ;
ઘણી ધમપછાડ લોકનજરે જણાવા ઊંચા કરી, થઈ નીચા સ્વયં;
સૌ સહ્યું! હવે વ્યર્થ એ ફગવી આળપંપાળ સૌ;
વફાદાર હું રહીશ બસ એહને, ફટ કરે ભલે સૌ.’
આમ, જગતને રીઝવવાના માર્ગે કોઈએ ફાકીને બૂકડો ભર્યો નથી. કવિ બોટાદકર કહે છે :
‘હજાર હસ્તના ટેકા ગ્રહી નિત્યે ગતિ કીધી;
સુભાગી સ્વાત્મને શોધી અહો! આલંબશું ક્યારે?
સદાયે દીન દૃષ્ટિથી વદન તો સેંકડો જોયાં,
નિવારી એ કૃતિ નિત્ય દયમાં રોકશું ક્યારે?
હજારો લાભ-હાનિથી દય રાચ્યું અને રોયું,
હવે એ દ્વન્દ્વથી જુદી સ્થિતિને સેવશું ક્યારે?’
લોકને રાજી કરવા કેટલું વેઠ્યું? અને શું મેળવ્યું? તે પ્રશ્ન અહીં કવિ કરે છે. માટે હવે તો,
‘जेही बिधि प्रभु प्रसन्न मन होई,
करुनासागर कीजिए सोई।’
- જે રીતે કરુણાસાગર પ્રભુ પ્રસન્ન રહે તે જ કરવા જેવું છે.