Essays Archives

બ્રહ્મ સાથે પરબ્રહ્મના સુખનું પાન - सोऽश्नुते सर्वान् कामान् सह ब्रह्मणा

‘सोऽश्नुते सर्वान् कामान् सह ब्रह्मणा विपश्र्चितेति’ (તૈત્તિરીય ઉપનિષદ ૨/૧) અક્ષરબ્રહ્મ જેવું પરમાત્માનું પરમ સુખ ભોગવે છે તેવું જ પરમ સુખ તે બ્રહ્મનો સાક્ષાત્કાર પામનાર બ્રહ્મરૂપ ભક્ત પણ એ અક્ષરબ્રહ્મ સાથે અક્ષરધામમાં સદાય ભોગવતો રહે છે એમ આ મંત્રનો ભાવાર્થ છે.

હવે જો તે બ્રહ્મને ન જાણે તો શું થાય તે પણ આ ઉપનિષદમાં જણાવ્યું છે. ‘असन्नेव स भवति। असद् ब्रह्मेति वेद चेत्’ (તૈત્તિરીય ઉપનિષદ ૨/૬) અર્થાત્ જે આ અક્ષરબ્રહ્મને અસદ્ જાણે, અક્ષરબ્રહ્મ તત્ત્વના અસ્તિત્વને ન જાણે તો તે તેનું પોતાનું જ અસ્તિત્વ ગુમાવી બેઠો છે.

આ રીતે પરબ્રહ્મ પ્રાપ્તિમાં ઉપયોગી એવા બ્રહ્મજ્ઞાનની સિદ્ધિ માટે અક્ષરબ્રહ્મ તત્ત્વનું નિરૂપણ કર્યું. હવે આવા બ્રહ્મજ્ઞાની ભક્તને પ્રાપ્ત થનાર પરમાત્માનું સ્વરૂપ કેવું હોય તે પણ અહીં દર્શાવ્યું છે. તે જોઈએ.


પરમાત્મા આનંદમય રસમૂર્તિ - आनन्दमयः। रसो वै सः

પરમાત્માનો અહીં પરમ આનંદમય રસમૂર્તિ રૂપે મહિમા ગવાયો છે. ‘तस्माद्वा एतस्माद् विज्ञानमयाद्। अन्योऽन्तर आत्मा आनन्दमयः’ (તૈત્તિરીય ઉપનિષદ ૨/૫) વિજ્ઞાનમય શબ્દથી આ મંત્રમાં આત્માને કહ્યો છે. વિજ્ઞાનમય એવા એ આત્માની અંદર પણ પોતાની અંતર્યામીશક્તિથી વ્યાપેલા અને એ આત્માના પણ આત્મા એવા પરમાત્મા પરબ્રહ્મ આનંદમય છે.  ‘रसो वै सः’ (તૈત્તિરીય ઉપનિષદ ૨/૭) એ પરમાત્મા આનંદમય રસમૂર્તિ છે. એટલું જ નહીં પરંતુ, ‘रसं ह्येव लब्ध्वाऽऽनन्दी भवति। एष ह्येवाऽऽनन्दयाति’ (તૈત્તિરીય ઉપનિષદ ૨/૭) એમ કહીને આ આનંદરસમૂર્તિ પરમાત્મા જ સર્વના આનંદનું કારણ છે. તેઓને પામીને જ જીવપ્રાણીમાત્ર આનંદ પ્રાપ્ત કરે છે. તેઓ જ સૌને આનંદ કરાવે છે એમ સમજાવ્યું છે.
શું જે આનંદરસઘનમૂર્તિ છે, જે સર્વના આનંદનું કારણ છે, તે પરમાત્માના આનંદનું વર્ણન થઈ શકે? એ આનંદ કેવો છે? કેટલો છે? તે અંગે પણ અહીં મીમાંસા કરી છે, વિચાર કર્યો છે. તે હવે જાણીએ.


પરમ આનંદની મીમાંસા - सैषाऽऽनन्दस्य मीमांसा भवति

‘सैषाऽऽनन्दस्य मीमांसा भवति’ (તૈત્તિરીય ઉપનિષદ ૨/૮) હવે પરમાત્માના આનંદની મીમાંસા થાય છે, એમ કહીને અહીં મનુષ્યના એક આનંદને માપદંડ તરીકે પ્રસ્તુત કરી તેના આધારે પરમાત્માના આનંદને મૂલવવા પ્રયત્ન કર્યો છે અને તારણ પણ કાઢ્યું છે.
મનુષ્યના એક આનંદની વ્યાખ્યા કરતાં ઉપનિષદ કહે છે - ‘युवा स्यात् साघु युवाध्यायकः। आशिष्ठो दृढिष्ठो बलिष्ठः। तस्येयं पृथिवी सर्वा वित्तस्य पूर्णा स्यात्। स एको मानुष आनन्दः।’ (તૈત્તિરીય ઉપનિષદ ૨/૮) અર્થાત્ યુવાન વય હોય, સાધુસ્વભાવ હોય, ભણાવી શકે એવી બુદ્ધિપ્રતિભાથી સંપન્ન હોય, આશાવાન હોય, નિરાશ ન હોય, બધું જ જમી શકે અને પચાવી શકે એવો નીરોગી હોય, મજબૂત શરીરવાળો હોય, એવું જ મજબૂત મનોબળ ધરાવતો હોય, એટલું જ નહીં આ સમગ્ર પૃથ્વી ધનથી ભરેલી હોય અને તે તેની હોય અર્થાત્ તે સમગ્ર પૃથ્વીનો સમ્રાટ હોય. આ બધું જ એક જ વ્યક્તિમાં ભેગું થાય ત્યારે તેને મનુષ્યનો એક આનંદ કહેવાય. ત્યાર પછી અહીં કહે છે, ‘ते ये शतं मानुषा आनन्दाः। स एको मनुष्यगन्घर्वाणाम् आनन्दः।’ (તૈત્તિરીય ઉપનિષદ ૨/૮) મનુષ્યના એવા સો આનંદ ભેગા કરીએ ત્યારે તે તો મનુષ્યગંધર્વનો એક જ આનંદ થાય. આ રીતે મનુષ્યગંધર્વ પછી દેવગંધર્વ, પિતૃઓ, આજાનજ નામના દેવો, કર્મદેવો, અન્ય દેવો, ઇંદ્ર, બૃહસ્પતિ, તથા પ્રજાપતિનો નિર્દેશ કર્યો. અને તે સર્વેના આનંદને તેમની પૂર્વે કહેલા દેવોના આનંદ કરતા સો ઘણો દર્શાવ્યો.

અને ત્યાર પછી કહ્યું - ‘ते ये शतं प्रजापतेरानन्दाः। स एको ब्रह्मण आनन्दः।’ (તૈત્તિરીય ઉપનિષદ ૨/૮) એ પ્રજાપતિના સો આનંદ ભેગા કરીએ ત્યારે અક્ષરબ્રહ્મનો એક આનંદ કહેવાય. આમ તો ‘अनन्तं ब्रह्म’ (તૈત્તિરીય ઉપનિષદ ૨/૧) એમ કહી અહીં આ અક્ષરબ્રહ્મના ગુણ ઐશ્વર્ય વગેરેની અનંતતા દર્શાવી છે. તેથી તેમનો આનંદ પણ અનંત જ હોય. તેમ છતાં પરમાત્માનો સર્વોત્કૃષ્ટ મહિમા સમજાવવા બ્રહ્મનો એક આનંદ એમ કહી મદદમાત્ર લીધી છે.
આ રીતે મનુષ્યથી લઈને અક્ષરબ્રહ્મ સુધી એક એકથી સો ઘણા ચઢિયાતા આનંદનો નિર્દેશ કરીને અંતે પરમાત્માના આનંદ માટે તો એવું તારણ મૂકી દીધું કે ‘यतो वाचो निवर्तन्ते। अप्राप्य मनसा सह’ (તૈત્તિરીય ઉપનિષદ ૨/૯) પરમાત્માના આનંદની તો વાત જ થાય તેમ નથી. ત્યાં તો વાણી પણ પાછી પડે. મન પણ પાછુ _ પડે, કહેતાં પરમાત્માનો આનંદ તો અપાર, અતિ અપાર અને અતિ અતિ અપાર છે. તેનો તાગ કોઈ કાઢી ન શકે. આવો અનંત આનંદ તેઓ સદાય ભોગવે છે. સહજ ભોગવે છે. એટલે કે તેઓ અનંતાનંદ છે, સહજાનંદ છે.
આ રીતે દ્વિતીય વલ્લીમાં પરમાત્માના પરમ આનંદમય સ્વરૂપનો તથા તેમના અનંત દિવ્ય આનંદનો સુંદર અને સુગમ ઉપદેશ કર્યો હોવાથી તૈત્તિરીય ઉપનિષદની આ વલ્લીને આનંદવલ્લી કહેવામાં આવે છે.
આવા પરમ આનંદમય પરમાત્માનું સામર્થ્ય કેવું છે તે પણ અહીં દર્શાવ્યું છે. તે હવે જાણીએ.


આનંદસ્વરૂપ  એ જ સર્વ સ્રષ્ટા - इदं सर्वम् असृजत

सोऽकामयत। बहु स्यां प्रजायेय। स तपस्तस्तप्त्वा। इदं सर्वमसृजत। तत्सृष्ट्वा। तदेवानुप्राविशत्। (તૈત્તિરીય ઉપનિષદ ૨/૬) એ પરમાનંદમય પરમાત્માએ સૃષ્ટિ રચવાનો સંકલ્પ કર્યો. અને એ સંકલ્પ પ્રમાણે તેમણે આ બધું સર્જન કર્યું. અને તે સૃષ્ટિમાં પોતે અનુપ્રવેશ કર્યો, કહેતાં તેના નિયામક, આધાર થઈને રહ્યા. આ રીતે આનંદસ્વરૂપ પરમાત્મા જ સકળ જગતના કર્તા, નિયામક અને આધાર છે તે જણાવ્યું. વળી ‘भीषास्माद् वातः पवते। भीषोदेति सूर्यः। भीषास्माद् अग्निश्र्चेन्द्रश्र्च। मृत्युर्घावति पञ्चम इति’ (તૈત્તિરીય ઉપનિષદ ૨/૮) અર્થાત્ એ આનંદસ્વરૂપ પરમાત્માના ભયથી વાયુ વાય છે, સૂર્ય ઉદિત થાય છે, અગ્નિ તથા ઇંદ્ર વગેરે દેવતાઓ આજ્ઞામાં વર્તે છે. અને મૃત્યુ પણ તેમની જ આજ્ઞાથી પ્રવૃત્ત થાય છે. એમ કહીને પરમાનંદમય પરમાત્માની પરમ સત્તાનું પ્રતિપાદન કર્યું છે.


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS