Essays Archives

ઈશાવાસ્યનાં જીવંત ભાષ્યો
ઈશાવાસ્યમાં ઉપદેશાયેલી આ ઉદાત્ત ભાવના અક્ષરબ્રહ્મ સ્વરૂપ સત્પુરુષોનાં જીવન દ્વારા સહેલાઈથી સમજી શકાય છે, કારણ આ સત્પુરુષોનાં જીવન જ અગમ્ય શાસ્ત્રશબ્દોનાં જીવંત ભાષ્યો છે.
બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજની એક લાક્ષણિકતા હતી કે તેઓ ગુરુપદે બિરાજતા હોવાં છતાં નાના બાળકોથી માંડીને સૌને 'ગુરુ' કહી સંબોધતા. એક વાર આવું થતાં પાટણા ગામના જેઠા ભગતે યોગીજી મહારાજને કહ્યું : 'સ્વામી ! હું તો આપનો શિષ્ય ગણાઉં, આપ મને ગુરુ કેમ કહો છો ?'
ત્યારે યોગીજી મહારાજ બોલી ઊઠ્યા : 'ગુરુ ! હું તો સૌમાં ગુણાતીતભાવ લાવીને મહારાજને દેખું છુ, તેથી ગુરુ કહું છુ.'
આને ઈશાવાસ્યભાવના કહેવાય.
પ્રમુખસ્વામી મહારાજની પણ આ જ ભાવના પળે પળે જોવા મળે છે. તા. ૧૬-૧૨-૧૯૯૯ના દિવસે તીથલમાં લાખો ભક્તોની મેદની વચ્ચે તેઓશ્રીનો ૭૯મો જન્મજયંતી મહોત્સવ ઊજવાતો હતો ત્યારે અંતે આશીર્વચન વરસાવતાં તેઓએ કહ્યું હતું કે, 'આપ બધામાં પણ શ્રીજીમહારાજ, ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ રહ્યા છે. એટલે આપને પણ પુષ્પાંજલિ કરવી જોઈએ ને આરતી ઉતારવી જોઈએ. મારો પણ આપના પ્રત્યેનો ભક્તિભાવ છે.'
એ જ અરસામાં ધરમપુર વગેરે વિસ્તારના આદિવાસીઓનું વિશાળ સંમેલન હતું. સંમેલનના અંતે આશીર્વચનમાં સ્વામીશ્રી કહે : 'સૌથી આદિ પરમાત્મા. તેમનો આપનામાં વાસ છે. અને તમે તેની પાસે રહેનારા એટલે આદિવાસી. તમે પરમાત્માની નજીક વસો છો.'
આદિવાસી શબ્દનો આવો પરમ મર્મ 'ઈશાવાસ્યભાવના' વગર કઈ રીતે સમજી શકાય !
ફળશ્રુતિ :
'र्इशा वास्यम् इदं सर्वम्' જેવી ઉદાત્ત, દિવ્ય અને કલ્યાણમય અધ્યાત્મ સમજણની ફળશ્રુતિ પણ કાંઈ સામાન્ય ન હોય. આ જ ઉપનિષદમાં આ સમજણ દ્વારા થતી પ્રાપ્તિઓ પણ છે. જેમ કે —
'न विजुगुप्सते'
'जुगुप्सा' એટલે નિંદા. જે ઈશાવાસ્યભાવનાને વરે છે તે 'न विजुगुप्सते ।' (ઈશાવાસ્ય ઉપનિષદ : ૬)
આ વાક્યના બે અર્થ છે : ૧. તે ક્યારેય કોઈની નિંદા કરતો નથી; અને ૨. તેની કોઈ નિંદા કરતું નથી.
સૌને સમજાય તેવી આ સરળ વાત છે. ઈશાવાસ્યભાવનાના અભાવથી જ નિંદા જન્મે છે. જ્યાં ઈશાવાસ્યની સમજણ જન્મી ચૂકી હોય ત્યાં નિંદાને સ્થાન નથી. પરિણામે લોકો પણ એની ક્યારેય નિંદા નહીં કરે.
બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજનું જીવન જોતાં આ વાતની પ્રતીતિ આવે છે. તેઓએ એક વાર સહજતાથી કહેલું : 'મને નાનામાં નાના સત્સંગીનો અભાવ કોઈ દી આવે નહીં. ઈ દેખાય જ નહીં. દેખાવા દઉં નહીં. બ્રહ્મની મૂર્તિ સમજું. માયિકભાવ આવે નહીં. ચૈતન્યની મૂર્તિ સમજ.'
ખરેખર! આ 'ઈશાવાસ્યભાવના' જો જીવનમાં ઘૂંટાઈ જાય તો દુનિયામાં કયો સંઘર્ષ ટકી શકે ?
तत्र को मोहः
'तत्र को मोहः' (ઈશાવાસ્ય ઉપનિષદ : ૭).
મોહ એટલે મૂઢતા. ન સમજવાનું સમજે, સમજવાનું ન સમજે ને વળી અવળું સમજે તે મૂઢતા. આત્માને વિષે દેહભાવ, પરમાત્માને વિષે કે પછી બ્રહ્મસ્વરૂપ ગુરુહરિને વિષે મનુષ્યભાવ વગેરે અવળી સમજણો છે. અવળી સમજણમાંથી જ અવળું વર્તન કે પાપાચાર થાય છે.
એક પાઠશાળાની વાત પ્રસિદ્ધ છે. એક ગુરુજીએ પરીક્ષા કરવા બે શિષ્યને ફળ આપ્યાં. જ્યાં કોઈ ન જુએ તેમ ખાવાની આજ્ઞા કરી. એક એકાંતમાં ગયો. કોઈ જોતું ન હતું. એટલે ફળ ખાઈ ગયો. બીજાને ગુરુના ઉપદેશથી ઈશાવાસ્યભાવના જાગેલી. તેણે વિચાર્યું કે ભગવાન તો બધે જ જુએ છે. આથી તેણે ન ખાધું.
અંતર્યામીને જે ઓળખી જાય છે તે ક્યારેય પાપ કરતો નથી. એના માટે કોઈ એકાંત નથી. બધું જ બ્રહ્મ અને પરબ્રહ્મથી ભરાયેલું દેખાય છે. મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે 'જેને આવી સમજણ હોય તેને તો ભૂંડો સંકલ્પ પણ ન થાય, તો આચરણ તો થાય જ કેમ ? તે જેને જેટલું ભૂંડું આચરણ થાય છે, તેટલું અજ્ઞાન છે.' (સ્વામીની વાતો : ૩/૧૫)
कः शोकः
'तत्र कः शोकः' — 'તેમાં શોક ક્યાંથી?' (ઈશાવાસ્ય ઉપનિષદ : ૭).
આ ઈશાવાસ્યભાવનાનું અગત્યનું પરિણામ છે. શોકમાત્ર ટળી જાય. શાશ્વત આનંદ પમાય. કહો ને કે આપણે જીવતાં જ મુક્તિને અનુભવી શકીએ!
બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજની વાત જાણીતી છે. ગોરધનભાઈ વરતાલ મંદિરના સત્તાધીશ, કોઠારી હતા. તેમણે એક દિવસ ભગતજી મહારાજને જોયા. સત્તા વિહોણા, સંપત્તિમાં સાધારણ, વ્યવહાર પણ સામાન્ય માણસ જેવો, દુનિયાની દૃષ્ટિએ વ્યવસાય પણ સામાન્ય — કપડાં સીવવાનો, નાત પણ સામાન્ય — દરજીની અને વળી મંદિરના જ અમુક વર્ગ વડે અપમાનિત! આમ છતાં અંતરની અમીરાત તેમના મુખના ભાવો પર છલકતી જોઈ શકાતી. ગોરધનભાઈને થયું 'નક્કી પ્રાગજી ભક્તને કોઈ અદ્ભુત પ્રાપ્તિ થઈ છે. તેમણે પૂછ્યું: 'ભગતજી! તમને આટલો બધો આનંદ કેમ?'
ભગતજીનો જવાબ હતો : 'હું દરેકને બ્રહ્મની મૂર્તિ જોઉં છુ.'
ઈશાવાસ્યભાવનાનો આ ચમત્કાર છે. એ ચમત્કાર આપણા જીવનમાં પણ સર્જાય — જો આપણે પણ આ ભાવનાને જીવનમાં ઉજાગર કરી શકીએ.
આ રીતે વ્યાપકતાનો સિદ્ધાંત જાણ્યો. આવો જ બીજો અગત્યનો સિદ્ધાંત ઈશાવાસ્ય ઉપનિષદમાંથી જાણીએ.
तेन त्यक्तेन भुञ्जीथाः
ભોગ ભોગવવા એ તો સર્વ સામાન્ય બાબત છે, પણ ભોગવવાની કળા તે જુદી વસ્તુ છે. આ પંક્તિ જીવનમાં ભોગોને અપનાવવાની કળા શિખવાડે છે. જો બ્રહ્મ અને પરબ્રહ્મ જ સર્વ વસ્તુઓમાં વ્યાપક, સર્વના નિયામક અને પ્રશાસક હોય તો આ દુનિયામાં મારું પોતાનું છે શું? કાંઈ જ નથી. બધું તેમનું જ છે. તેમણે મને આપેલું છે. એટલે 'મારું કાંઈ જ નથી' એવી ત્યાગ ભાવનાથી તું ભોગવ — એવો એક અર્થ આ પંક્તિનો થાય છે. અહીં ત્યાગને ભોગની સામે નહીં પણ સાથે મૂક્યો છે. 'तेन त्यक्तेन भुञ्जीथाः' (ઈશાવાસ્ય ઉપનિષદ : ૧) — ભોગવો પણ ત્યાગને ભૂલીને નહીં.
મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી કહેતા : 'આવે એટલું ભોગવવા ન મંડવું. ત્યાગ કરતાં શીખવું.'
ભોગ તો આખી દુનિયા ભોગવે છે, પણ તેમાં ત્યાગની એટલે કે શાસ્ત્ર-મર્યાદાની લગામ મૂકવી તે ભારતવર્ષની અદકેરી વિશેષતા છે, જે તેને ઉપનિષદમાંથી પ્રાપ્ત થઈ છે.
'तेन त्यक्तेन भुञ्जीथाः' આ વાક્યમાંથી એક બીજો બોધ પણ સમજાય છે કે 'तेन' અર્થાત્ તે ઈશ વડે 'त्यक्तेन' આપણાં પૂર્વકર્મ પ્રમાણે જેટલું શરીર, સ્થાન તથા વસ્તુઓ વગેરે અપાયું છે તેટલાથી તું 'भुञ्जीथाः' તારા જીવનનો નિર્વાહ કરી લે. વધારાની શું જરૂર છે? એમ તૃષ્ણાને અહીં નાથી છે અને સંતોષી થવાનું સૂચવ્યું છે.
मा गृघः कस्यस्विद् घनम्
'मा गृघः कस्यस्विद् घनम्' (ઈશાવાસ્ય ઉપનિષદ : ૧)
જે લોકો આગળની વાતને ભૂલ્યા છે. કહેતાં 'र्इशा वास्यम् इदं सर्वम्'ની ભાવનાને તથા 'तेन त्यक्तेन भुञ्जीथाः'ની ભાવનાને ભૂલ્યા છે. એવા લોકો જ 'કોકનું ધન' લઈ લે છે. તેઓને ઉપનિષદ અહીં પાછા વાળે છે. 'कस्यस्विद् घनम्'નો અર્થ થાય કોકનું ધન, 'मा गृघः'નો અર્થ થાય ઇચ્છીશ નહીં. ધન શબ્દ અહીં દુન્યવી દરેક વસ્તુના પ્રતિનિધિ તરીકે વપરાયો છે. બીજાએ આપ્યું છે અર્થાત્ ઈશે આપ્યું છે, છતાં 'આ મારું છે' એમ જે માની બેસે, તેણે કોકનું ધન લઈ લીધું એમ કહેવાય. ખરેખર! આ વાત જેને સમજાશે તેનો લોભથી છુ ટકારો થઈ જશે. આમ, પ્રથમ મંત્રના અર્થને જાણ્યો. હવે બીજા મંત્રનો અર્થ જાણીએ.

कुर्वन्नेवेह कर्माणि जिजीविषेत्व्छतš समाः।
આગલા મંત્રની ભાવનાને ઉમેરીને આ મંત્ર સમજવાનો છે. મોક્ષના અવરોધકને મોક્ષના સહકારી બનાવવા આ ઉપદેશ છે. કર્મને સમજણનો સાથ મળે તો આ શક્ય બને. કર્મો તો કરવાનાં જ છે. કર્મનું સામ્રાજ્ય ખૂબ વ્યાપક છે. 'न हि कश्र्चित् क्षणमपि जातु तिष्ठत्यकर्मकृत्' — 'કોઈપણ એક ક્ષણ પણ કર્મ કર્યા વગર રહી શકતું નથી.' (ગીતા : ૩/૫). એમ સ્વયં શ્રીકૃષ્ણ ભગવાને જ સમજાવ્યું. એ જ કર્મોમાં જો 'र्इशा वास्यम् इदं सर्वम्'ની સમજણનું દૈવત ઉમેરાય, ભાવ ઉમેરાય તો તેનાં તે જ 'ભક્તિરૂપ' બનીને મુક્તિના ઉપાયો બની જાય એમ અહીં જણાવ્યું છે.
દાખલા તરીકે તરતાં નહીં જાણનાર પાણીમાં પડી હાથ, પગ પછાડે તો છે, છતાં પણ ડૂબે છે, થાકે છે, કંટાળે છે અને દુઃખી થાય છે. તે જ જ્યારે હાથ, પગ હલાવવાની કળા શીખી જાય છે પછી ડૂબતો નથી, થાકતો નથી, કંટાળતો નથી, દુઃખી થતો નથી. ઊલટું તરવામાં તેને વધુ મજા આવે છે. દુઃખદાયી જ સુખદાયી બની ગયું! આવું જ કર્મની બાબતમાં છે. જીવનમાં કર્મ કરવાની કળા શીખી જવાની જરૂર છે. શાસ્ત્રો આપણને એ શિખવાડે છે. કર્મોમાં જ્યારે બ્રહ્મ અને પરબ્રહ્મનું અનુસંધાન ઉમેરાય, તેમની પ્રસન્નતાનો ભાવ ઉમેરાય, તેમના કર્તાપણાનો ભાવ ઉમેરાય ત્યારે તે પરમાનંદ અને પરમ મુક્તિના હેતુ બની જાય. આવી સમજણ સહિતનાં કર્મોને 'સેવા'નો દરજ્જો મળી જાય.
એટલે અહીં કહ્યું : 'कुर्वन्नेवेह कर्माणि जिजीविषेत्व्छतं समाः।' (ઈશાવાસ્ય ઉપનિષદ : ૨).
शतं समाः એટલે ૧૦૦ વર્ષ. આવી સેવા તો સો સો વરસ સુધી એટલે કે જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી કરવી જોઈએ. એમાં આળસ કે કંટાળો આવે જ ક્યાંથી! આમ 'સેવા' એ આ મંત્રનું રહસ્ય છે. આપણા ગુરુઓનાં જીવનમાં એ પૂર્ણપણે ઘૂંટાયેલું જણાય છે. બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ ગોંડલમાં વર્ષો સુધી દરરોજ બપોરે યાત્રીઓ આવે તેમને જમાડવાની સેવા માટે રાહ જોતા. જાતે કોથળો પાથરી આપે; થાળી, વાટકી લાવી જાતે પીરસી આપે; સામે બેસી સંભાળ રાખે. તેઓ ઘણી વાર કહેતા : 'આ હરિભક્તોમાં રહી શાસ્ત્રીજી મહારાજ જમે છે, શ્રીજી-મહારાજ જમે છે.' પીરસવાની ક્રિયામાં ઈશાવાસ્યની ભાવના ભળી ગઈ!
ફળશ્રુતિ : न कर्म लिप्यते नरे
સમજણ સાથેના આવા કર્મયોગની ફળશ્રુતિ એટલે 'न कर्म लिप्यते नरे ।' (ઈશાવાસ્ય ઉપનિષદ : ૨). એને કોઈ કર્મનાં બંધન લાગતાં જ નથી, કહેતાં તે મુક્તિને પામી જાય. કર્મનાં બંધન લાગે તો જ જન્મ લેવો પડે. કર્મયોગીને હવે તે રહેતું નથી.
પરંતુ જે વ્યક્તિ સમજણ સાથેના આવા કર્મયોગને જીવનમાં અપનાવતા નથી તેઓને અહીં 'आत्महनो जनाः' (ઈશાવાસ્ય ઉપનિષદ : ૩) કહેતાં પોતાની જાતને હણનારા કહ્યા. એટલું જ નહીં 'ते प्रेत्याभिगत्व्छन्ति' (ઈશાવાસ્ય ઉપનિષદ : ૩) કહેતાં તે બધા ફરી ફરી સુખવિહોણા, અતિ દુઃખમય એવા આસુરી લોકને પામી સંસારમાં ભટક્યા કરે છે, એમ ચોખ્ખું ચટ કહી દીધું.
આ રીતે આ મંત્રો આપણને સાચા કર્મયોગની, સાચી સેવાની સુંદર શિખામણ આપી રહ્યા છે. 


© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS