૨૦૦ વર્ષ પહેલાં ભગવાન સ્વામિનારાયણ પ્રતિ વર્ષે ગુજરાતના જુદા જુદા ખૂણે અને જુદાં જુદાં ગામોમાં હજારો ભક્તો અને સંતોને એકત્રિત કરીને રંગોત્સવો ઊજવતા હતા, ત્યારે કેવો માહોલ રચાતો હશે ? ભગવાન સ્વામિનારાયણના સમકાલીન પરમહંસ સંતોએ નજરે જોયેલા એ રંગોત્સવની અદ્ભુત દસ્તાવેજી સ્મૃતિઓ પોતાની વાતોમાં, ગ્રંથો તેમજ કીર્તન-કાવ્યોમાં ચિત્રાત્મક રીતે ગૂંથી લીધી છે. નિષ્કુળાનંદ સ્વામી, શતાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, આધારાનંદ સ્વામી, માધવદાસ સ્વામી, અદ્ભુતાનંદ સ્વામી, ભાયાત્માનંદ સ્વામી, પ્રસાદાનંદ સ્વામી વગેરે સંતોનાં ગદ્ય-પદ્ય તેમજ તેમની વાતોના ગ્રંથોમાં ઠેર ઠેર ભગવાન સ્વામિનારાયણના રંગોત્સવોનું અદ્ભુત દર્શન માણવાં મળે છે.
આ બધામાં આધારાનંદ સ્વામીની નોંધ અનન્ય છે. 'હરિચરિત્રામૃતસાગર' ગ્રંથમાં તેમણે વરતાલ, ગઢપુર, અમદાવાદ, સારંગપુર, લોયા, પંચાળા, ધરમપુર, ડભાણ, કરિયાણા વગેરે સ્થળોએ ભગવાન સ્વામિનારાયણે ઊજવેલા રંગોત્સવોનો આંખે દેખ્યો અહેવાલ પ્રસ્તુત કર્યો છે. તેમાં જાણે ગઈ કાલે જ એ ઉત્સવો ઊજવાયા હોય તેવી તાજગી છે. આવો, આધારાનંદ સ્વામીની કલમે ૨૦૦ વર્ષ પહેલાંના એ જુદા જુદા રંગોત્સવોમાંથી થોડાકનું આચમન કરીએ...
લોયામાં ઉજવાયો વસંતનો રંગોત્સવ... - આષાઢી સંવત ૧૮૬૦
સવારી સહિત શ્રીહરિ નાગડકાના માર્ગે ચાલ્યા. વાજિંત્રોથી ગગન ગાજવા લાગ્યું, પચરંગી નિશાન ઊડી રહ્યાં હતાં. સૂરાખાચર તે શોભા જોઈ ધન્ય ભાગ્ય માનવાં લાગ્યાં.
પુરના કોટના પૂર્વ દ્વારથી શ્રીહરિએ પ્રવેશ કર્યો. પુરને અનેક માંગલિક દ્રવ્યોથી શણગારેલું હતું. સુવર્ણથી શણગારેલા અશ્વ પર શ્રીજી જરીનાં વસ્ત્રો અને મોતીના અલંકારો પહેરી બેઠા હતા. શિર પર સોનાના કળશવાળું છત્ર ધારણ કરેલું હતું.
શ્રીજી સુરાખાચરના રાજદરબારમાં પધાર્યા.
સંત હરિજનની સભા થઈ.
શ્રીજી બોલ્યા, 'હે સંતો અને રાજાઓ ! સૌ સાંભળો. આજે વસંત પંચમીનો ઉત્સવ છે. સત્સંગમાં આવી અમે રામાનંદસ્વામી છતાં બે વસંત પંચમીના ઉત્સવ કર્યા. પ્રથમ લોજમાં અને પછી કારિયાણીમાં કર્યો. સ્વામી સ્વધામ ગયા પછી પ્રથમ માણાવદરમાં વસંતોત્સવ કર્યો અને આજ ૧૮૬૦ની સાલમાં અહીં ત્રીજો વસંતોત્સવ કરીશું. માટે કેસૂડાંનો રંગ બનાવો. વસંત વધાવો, હરિજનો ફગવા લાવશે અને સૌ મળી ખૂબ રંગ ઉડાડીશું.' શ્રીજીનાં વચન સાંભળી હરિજનો હર્ષિત થઈ ગયા, ને ફગવા અને ગુલાલ લાવ્યા. ઝાંઝ મૃદંગ લઈ મુક્તાનંદસ્વામીએ બનાવેલું નીચેનું વસંત પદ ગાવા લાગ્યા.
‘सब ऋतुराज वसंत है, मोर्या श्रीहरि अंब।
विरहि कोकिल स्वर करे, फूले संत कदंब॥
पुरुषोत्तम प्रगट जबे, तब ऋतुराज वसंत।
जार्इ चमेली मालती, केसु केले संत॥
श्याम सुंदर वर निरखके, कियो कुमतिको अंत।
पुरुषोत्तम पद रत भयो, ता घेर सदा वसंत॥
आज पंचमी सुभग दिन, आज लग्यो ऋतुराज।
मुक्तानंदके नामसे, खेलन रत्व्यो समाज॥’
કેસર ઘોળી ગાગર તથા ચુવાચંદનાં અબીલ તથા ગુલાલની ઝોળી તથા પિચકારીઓ લીધી. સોરંગી આભૂષણ અને શ્વેત વસ્ત્રો શ્રીજીએ ધાર્યાં, હાથમાં ગુલાલથી ભરેલી કંચનની થાળી અને પિચકારી લીધાં. મંડપ મધ્યે વેદિકા પર અષ્ટદળ-કમળ રંગથી બનાવ્યું હતું. તે ઉપર આંબામોર, દૂર્વાનાં પાન અને શ્રીફળથી સજ્જ કરી કનક કળશ મધ્યમાં મૂક્યો હતો. સંતો વસંત વધાઈ ગાવા લાગ્યા. પાર્ષદો સહિત શ્રીજી મૂર્તિમાન વસંતરૂપે મંડપમાં પધાર્યા. પડઘમ, વાજાં વાગવાં લાગ્યાં. સંતોએ અને રાજાઓએ રંગની પિચકારીઓ ભરીને, ગુલાલની ઝોળી ભરી ભરી શ્રીહરિ પર નાંખવા માંડી, એટલે શ્રીજી મંદ હાસ્ય કરી બોલ્યા કે 'આ રમવાની રીત નહિ. તમે સૌ એક થયા અને મને એકલો રાખ્યો ! રંગ પણ વહેંચ્યો નહીં, તમે મને ઇષ્ટ ગુરુ માનો છો તેનો પણ વિચાર કર્યો નહીં !'
ત્યારે સંતો બોલ્યા : 'હે હરિ ! તમે અમારી ભૂલ ઓળખાવી. અમે ભૂલના ભરેલા છીએ. તમે કહો તેમ કરીએ.' તે સાંભળી શ્રીજી રાજી થયા.
રંગનાં માટલાં શ્રીજીએ પાસે મંગાવ્યાં. પોતે કમર કસી, સૌ સભાને બેસાડી દીધી. બ્રહ્માદિ દેવો તે સભામાં છુપાઈને બેઠા. મોટો કટોરો રંગનો ભરી ભરી શ્રીહરિ ભક્તો ઉપર ફેંકવા લાગ્યા. આનંદમુનિ શ્રીહરિની પાસે રંગની મોટી કુંડી ભરીને આપતા હતા. તેમાંથી કટોરા વડે શ્રીજી સભા પર છાંટતા હતા. પછી ગુલાલની ઝોળીઓ ભરીને રમવા લાગ્યા. જાણે કસુંબાનો અથવા ગુલાબનો બાગ અને કમળનું સરોવર હોય તેવી શોભા થઈ રહી. રંગે ભરેલા શ્રીજી અશ્વ પર સવાર થઈ સંતો સહિત નદીએ નાહવા ગયા. સંતો નદીમાં નહાયા અને શ્રીજી વાવમાં નાહી, વસ્ત્ર પહેરી, અશ્વ પર બેસી, વાજતે ગાજતે સવારી સાથે પુરમાં આવ્યા.