‘विद्ययाऽमृतमश्नुते’ (ઈશાવાસ્ય ઉપનિષદ - ૧૧), ‘विद्यया विन्दतेऽमृतम्’ (કેન ઉપનિષદ - ૨/૪) વગેરે શાસ્ત્રોનાં અનેક વચનો 'વિદ્યા'ને મોક્ષના પરમ ઉપાય તરીકે વર્ણવે છે. તે વિદ્યા કઈ? બ્રહ્મવિદ્યા! બ્રહ્મવિદ્યામાં ભવબંધન તોડવાની શક્તિ છે. એ બ્રહ્મવિદ્યા એટલે શું? કઈ રીતે એ ભવબંધનને ટાળે? એ અનુભવ માટે આ મુંડક ઉપનિષદનું વાંચન કરવું પડે, તેનો અભ્યાસ કરવો પડે, મનન કરવું પડે અને આત્મસાત્ કરવું પડે.
બ્રહ્મવિદ્યાની અખિલાઈને છતી કરવામાં આ મુંડક ઉપનિષદે કાંઈ બાકી રાખ્યું નથી. આવો એના ચિંતનમાં ગરકાવ થઈએ.
પરિચય
અથર્વવેદમાં સમાયેલાં આ ઉપનિષદમાં મુખ્ય ત્રણ વિભાગો છે. જેને મુંડક કહેવામાં આવે છે. આ ત્રણેય મુંડકો (વિભાગો) પણ બીજા બે બે ખંડોમાં વહેંચાયેલાં છે. આમ ત્રણ મુંડકના છ ખંડો સ્વરૂપે આ ઉપનિષદ પ્રાપ્ત થાય છે.
મુંડક એટલે મસ્તક. સર્વવિદ્યાઓમાં મસ્તક સમાન એટલે કે શિરમોડ એવી બ્રહ્મવિદ્યાનો અહીં સચોટ અને સવિસ્તર ઉપદેશ થયો છે તેથી આ ઉપનિષદને મુંડક ઉપનિષદ કહેવામાં આવે છે.
ગુરુ અંગિરા અને શિષ્ય શૌનકના સંવાદ રૂપે પ્રાપ્ત થતા આ ઉપનિષદમાં બ્રહ્મવિદ્યાના પર્યાય રૂપે અક્ષરપુરુષોત્તમ સિદ્ધાંતનો જ ઉદ્ઘોષ થતો સંભળાય છે. આવો, એ હૃદયંગમ ધ્વનિને સાંભળીએ.
કથાનક
બ્રહ્મવિદ્યાનું નિરૂપણ અહીં એક નાની ગુરુશિષ્ય પરંપરા મૂકીને કરવામાં આવ્યું છે. ‘ब्रह्मा देवानां प्रथमः सम्बभूव। विश्वस्य कर्ता भुवनस्य गोप्ता। स ब्रह्मविद्यां सर्वविद्या-प्रतिष्ठामथर्वाय ज्येष्ठपुत्राय प्राह॥ अथर्वणे यां प्रवदेत ब्रह्माऽथर्वा तां पुरोवाचाऽङ्गिरे ब्रह्मविद्याम्। स भारद्वाजाय सत्यवहाय प्राह भारद्वाजोऽङ्गिरसे परावराम्॥’ (મુંડક ઉપનિષદ - ૧/૧/૧,૨) ભાવાર્થ એવો છે કે આ બ્રહ્માંડના કર્તા અને પોષક એવા બ્રહ્માજીને પરમાત્માએ સૌ પ્રથમ ઉત્પન્ન કર્યા. અને તેમના અન્તઃકરણમાં બ્રહ્મવિદ્યાની પ્રેરણા કરી. બ્રહ્માજીએ આ સર્વ વિદ્યાઓમાં શ્રેષ્ઠ એવી બ્રહ્મવિદ્યાનો ઉપદેશ પોતાના જ્યેષ્ઠ પુત્ર અથર્વાને કર્યો. અથર્વાએ અંગિર્ નામના શિષ્યને તે વિદ્યા ભણાવી. તેમણે ભરદ્વાજ ગોત્રમાં જન્મેલા સત્યવાહ નામના શિષ્યને આ વિદ્યા સંબોધી. સત્યવાહ મુનિએ અંગિરા નામના પોતાના શિષ્યને આ બ્રહ્મવિદ્યા સંભળાવી. અને આગળ આ જ પરંપરામાં ‘शौनको ह वै महाशालोऽङ्गिरसं विघिवदुपसन्नः पप्रत्व्छ’ (મુંડક ઉપનિષદ - ૧/૧/૩) મોટી યજ્ઞશાળા ધરાવતા અતિ ધનાઢ્ય એવા મુમુક્ષુ શૌનકે મહર્ષિ અંગિરાની વિધિવત શરણાગતિ સ્વીકારી. શૌનકના મનમાં એક વિચાર ઘણા સમયથી ઘોળાયા કરતો હતો. અનેક પ્રકારની ચિત્ર-વિચિત્ર વસ્તુઓથી ભરેલી આ દુનિયા છે. અને આ માંડમાંડ મળેલું જીવન પણ મર્યાદિત છે, અલ્પ છે. હવે આ ટૂંકા જીવનમાં જ દુન્યવી બંધનોમાંથી છૂટકારો મેળવવા કેટલું જાણવું અને કેટલું ન જાણવું? વળી, એક વસ્તુને જાણવા જઈએ તો બીજી તો અજ્ઞાત રહી જ જાય છે. તો શું એવી કોઈ વિદ્યા છે કે જે એકને જાણી લઈએ એટલે એમાં બધી વિદ્યાઓ સમાઈ જાય! બીજું જાણવું ન પડે. સર્વજ્ઞ થઈ જઈએ ! આ ભાવથી મુમુક્ષુ શૌનકે પૂછ્યું - ‘कस्मिन्नु भगवो विज्ञाते सर्वमिदं विज्ञातं भवतीति’ (મુંડક ઉપનિષદ - ૧/૧/૩) હે પૂજ્ય ભગવન્! શું જાણી લઈએ તો આ અનુભવમાં આવતું સમગ્ર વિશ્વ અથવા તો સકળ શાસ્ત્ર પ્રતિપાદિત વિષયમાત્ર જણાઈ જાય!
વિદ્યાના બે વિભાગ - द्वे विद्ये वेदितव्ये
આવું પૂછનારા ન હોય. પ્રશ્ન સાંભળી અંગિરા મુનિ પ્રસન્ન થયા અને જવાબ આપતાં પહેલાં એક ચોખવટ કરી. ‘द्वे विद्ये वेदितव्ये इति ह स्म यद् ब्रह्मविदो वदन्ति परा चैवापरा।’ (મુંડક ઉપનિષદ - ૧/૧/૪) 'શૌનક! આ લોકમાં બે પ્રકારની વિદ્યા પ્રસિદ્ધ છે. એવું બ્રહ્મવિદ્યામાં નિષ્ણાત મનીષીઓ કહે છે. તેમાં એક પરા વિદ્યા અને બીજી અપરા વિદ્યા.'
‘परा’ એટલે સર્વશ્રેષ્ઠ. બધી જ વિદ્યાઓમાં શ્રેષ્ઠ વિદ્યા એટલે પરા વિદ્યા. એ ‘परा’ કહેતાં સર્વશ્રેષ્ઠ વિદ્યા એટલે જ બ્રહ્મવિદ્યા. તેથી જ તો આ ઉપનિષદના આરંભમાં જ ‘ब्रह्मविद्यां सर्वविद्याप्रतिष्ठाम्’ (મુંડક ઉપનિષદ - ૧/૧/૧) 'બ્રહ્મવિદ્યા જ બધી વિદ્યાઓની પ્રતિષ્ઠા રૂપે - આધાર રૂપે - વિરાજે છે' એમ કહીને તેની સર્વશ્રેષ્ઠતા સમજાવી છે. ભગવદ્ગીતામાં આને જ અધ્યાત્મવિદ્યા કહી છે. ‘अध्यात्मविद्या विद्यानाम्’ (ગીતા - ૧૦/૩૨) એમ તેને વિભૂતિ રૂપે દર્શાવીને સર્વવિદ્યાઓમાં મૂર્ધન્ય સ્થાને મૂકી છે. જે ફળ બીજી કોઈ વિદ્યાઓથી ન મળે તે મોક્ષરૂપી ફળ આ પરા વિદ્યાથી જ મળે છે તે તેની શ્રેષ્ઠતાનો હેતુ છે. આમ આપણાં શાસ્ત્રોમાં નિરૂપાયેલી બ્રહ્મવિદ્યા કે અધ્યાત્મવિદ્યાને જ અહીં પરા વિદ્યા કહીને નવાજવામાં આવી છે.
બીજી વિદ્યા છે 'અપરા'. 'અપરા' વિદ્યા એટલે પરા વિદ્યાથી જુદી અને ન્યૂન એવી પ્રાકૃત, ભૌતિક વિદ્યા. સાક્ષાત્કાર રહિત કેવળ માહિતિ રૂપે મેળવાતી વિદ્યા. હા, પછી ભલેને કોઈ વ્યક્તિને ચારે વેદો તેનાં છયે અંગ સહિત મુખમાં રમતા હોય પણ, જો તે જ્ઞાન કેવળ પોપટિયું હોય, જીવનમાં આત્મસાત્ ન થયું હોય, સાક્ષાત્કાર રૂપે ન પરિણમ્યું હોય તો તે શાસ્ત્રનું જ્ઞાન હોવા છતાં બુદ્ધિમાં ઠલવાયેલી 'અપરા' જ છે. આ વિદ્યા દુઃખને કદાપિ ન ટાળી શકે. મહર્ષિ નારદના દૃષ્ટાંતે આ વાત સમજાશે. મહર્ષિ નારદ ચાર વેદ, ઇતિહાસ, પુરાણ, તર્કશાસ્ત્ર, પિતૃવિદ્યા, નક્ષત્રવિજ્ઞાન, દેવવિદ્યા, સર્પવિદ્યા વગેરે ઘણી બધી વિદ્યાઓના જાણકાર હતા. છતાં ‘सोऽहं भगवो शोचामि तं मां भगवान् शोकस्य पारं तारयतु’ (છાન્દોગ્ય ઉપનિષદ - ૭/૧/૩) હે ગુરુદેવ! હું દુઃખના દરિયામાં ડૂબેલો છુ _. તો મને તેને પાર ઉતારો. એમ તેઓએ પોતાના દુઃખની કબુલાત કરીને તેમાંથી છૂટકારો માગ્યો.