‘કલ્યાણ જોઈતું હોય તો સ્વામિનારાયણ ભગવાનનો આશરો કરો. સ્વામિનારાયણ ભગવાન આજે સત્સંગમાં પ્રગટ વિચરે છે.’
- ડાકોરના રણછોડરાયજીએ વડોદરા પાસેના સાધી ગામના વતની આશાભાઈને પ્રત્યક્ષ દર્શન આપીને આમ કહ્યું ત્યારે આશાભાઈને કલ્પના નહોતી કે પ્રગટ પ્રભુની એ ખોજ ખૂબ ઝડપથી પૂરી થશે.
સન 1901નું એ વર્ષ હતું. 20મી સદીનો હજુ જન્મ થયો હતો. સાધી ગામમાં રામાનંદી સંપ્રદાયના અનુયાયી પાટીદાર પ્રભુદાસભાઈના ખોળે આધ્યાત્મિકતાના પૂર્વસંસ્કારો લઈને જન્મેલા પુત્રો આશાભાઈ અને નાના બંધુ ઈશ્વરભાઈ પ્રગટ પ્રભુની ઝંખનામાં અહીંતહીં ઘૂમતા હતા. નવયુવાન અવસ્થામાં તેમને તેમનો હાથ પકડીને પ્રભુના ખોળા સુધી લઈ જાય એવા સદ્ગુરુનું શરણ મેળવવાની ઇચ્છા હતી. એવી જ કોઈ ઇચ્છા સાથે તેઓ ગામના રામાનંદી મંદિરની વહીવટી સેવાઓ કરી રહ્યા હતા. દર પૂનમે ડાકોર જઈને રણછોડરાયજીનાં ચરણોમાં પણ એ જ અરજ કરતા, ‘કલ્યાણનો સાચો માર્ગ બતાવો.’ પરંતુ એક દિવસ પૂજારી ચોબાની વર્તણૂક જોઈ તેઓ નિરાશ થઈ ગયા : ‘જ્યાં શુદ્ધ ધર્મનિયમ નથી, ત્યાં કલ્યાણ શી રીતે થાય ?’ અને તે જ રાત્રે સ્વપ્નમાં રણછોડરાયે દર્શન દીધાં અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં પ્રગટ પ્રભુને મેળવવાનું વરદાન આપ્યું.
જર, જમીન અને જાગીરથી સાધનસંપન્ન તેમજ ગામમાં અગ્રણી ગણાતા આશાભાઈ અને ઈશ્વરભાઈની મુમુક્ષુતા ફળી. સાધી ગામમાં તે અરસામાં ગામમાં સ્વામિનારાયણના સંતો પધાર્યા હતા. સંતોના યોગથી આકર્ષાઈને આ બંને બંધુઓએ સ્વામિનારાયણીય સત્સંગમાં પ્રવેશ કર્યો. થોડા દિવસ પછી આશાભાઈ વરતાલ દર્શન કરવા ગયા. અહીં મંદિરમાં બધે દર્શન કરી, ફરતાં ફરતાં તેઓ નવયુવાન શાસ્ત્રી યજ્ઞપુરુષદાસજીનાં આસને આવી ચઢ્યા. સ્વામીજીની સૌમ્ય અને તેજસ્વી મૂર્તિનાં દર્શન કરતાં તેઓને અનન્ય આકર્ષણ થયું. તેમની સાધુતાના પ્રભાવથી લગભગ 500 હરિભક્તો એકાગ્ર ચિત્તે તેમની મૂર્તિમાં જ જાણે લીન થઈ તેમની વાતોમાં તલ્લીન હતા. તેમનાં પ્રથમ દર્શને જ આશાભાઈને લાગ્યું કે ‘જરૂર અહીં જ કલ્યાણ છે.’
થોડા જ સમયમાં યજ્ઞપુરુષદાસજી એટલે કે શાસ્ત્રીજી મહારાજ સાધી પધાર્યા. અહીં આશાભાઈ અને ઈશ્વરભાઈ મંદિરમાં દર્શને આવ્યા. શાસ્ત્રીજી મહારાજની કથાવાર્તા સાંભળીને આશાભાઈ અને ઈશ્વરભાઈ મંત્રમુગ્ધ થઈ ગયા. ભગવાનના મહિમાની, ધર્મની, ઉપાસનાની આવી વાતો તેમણે કોઈ દિવસ સાંભળી ન હતી. સ્વામીશ્રીનાં ચરણારવિંદમાં બંને ભાઈઓએ દંડવત્ કર્યા, અને મનોમન તેમનાં ચરણોમાં સમર્પિત થઈ ગયા.
ધીમે ધીમે આશાભાઈ અને ઈશ્વરભાઈ યુવાન વયના શાસ્ત્રીજી મહારાજની સાધુતા, વિદ્વત્તા, ભગતજી મહારાજ પ્રત્યેની અનન્ય ગુરુનિષ્ઠા અને અક્ષર-પુરુષોત્તમની શુદ્ધ ઉપાસનાના અદ્ભુત જ્ઞાનથી પૂર્ણપણે રંગાઈ ગયા. સન 1905માં વડતાલમાં રહ્યાં રહ્યાં શાસ્ત્રીજી મહારાજનો સંકલ્પ હતો કે વઢવાણમાં અક્ષરપુરુષોત્તમ મહારાજની મૂર્તિઓ સ્થાપવી. તે પ્રમાણે અતિ ધામધૂમથી અક્ષરપુરુષોત્તમ મહારાજ વઢવાણ મંદિરમાં બિરાજ્યા. વઢવાણમાં શુદ્ધ ઉપાસનાનો પ્રથમ દિગ્વિજય થયો ! તે પ્રસંગે ઉપસ્થિત રહીને શાસ્ત્રીજી મહારાજની આજ્ઞાથી આશાભાઈ અને સાથે મોતીભાઈ વગેરે હરિભક્તોએ અનન્ય પક્ષ રાખ્યો હતો.
ભગવાન સ્વામિનારાયણની શુદ્ધ ઉપાસનાના પ્રવર્તન માટે શાસ્ત્રીજી મહારાજે સન 1905માં વરતાલ છોડ્યું ત્યારથી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના વિકાસ માટે આ બંધુબેલડીએ ધન, ધામ અને પરિવાર શાસ્ત્રીજી મહારાજનાં ચરણોમાં અર્પણ કરી દીધાં હતાં. શાસ્ત્રીજી મહારાજને મંદિરોના નિર્માણકાર્ય માટે નાણાંની જરૂર પડતી ત્યારે આશાભાઈ અને ઈશ્વરભાઈ તેમની ઇચ્છા અનુસાર સેવા કરવા હંમેશાં સજ્જ રહેતા. શાસ્ત્રીજી મહારાજ પણ તેમના પર એવી કૃપા વર્ષાવતા. તેમની એ સેવાઓને બિરદાવતાં શાસ્ત્રીજી મહારાજે સારંગપુરના ભવ્ય શિખરબદ્ધ મંદિરના પાયાનું ખાતમુહૂર્ત પણ આશાભાઈ અને ઈશ્વરભાઈના હસ્તે કરાવ્યું હતું.
એક વખત શાસ્ત્રીજી મહારાજે તેમને કહ્યું હતું : ‘તમારું દુઃખ મારી ગાદી તળે !’ એમ કહી પોતાની ગાદી ઊંચી કરી, મૂર્તિમાન દુઃખ આશાભાઈને બતાવ્યું ! ભગવાનના મુખમાં બ્રહ્માંડ જોઈ યશોદાજીને જે દિવ્યભાવ તેમને વિશે પ્રગટ થયો, તેવો જ ભાવ આશાભાઈને શાસ્ત્રીજી મહારાજનું ઐશ્વર્ય જોઈ થયો હતો.
સાધીમાં કેટલીક વ્યાવહારિક ઉપાધિઓ હોવાને કારણે શાસ્ત્રીજી મહારાજે તેમને તે ગામ છોડવાની આજ્ઞા કરીને વડોદરા પાસે આજવા રોડ પર જમીનો રાખવાનો અને ત્યાં સ્થળાંતરિત થવાનો આદેશ આપ્યો હતો. બંને બંધુઓએ સાધી છોડી દેવાનું નક્કી પણ કરી દીધું હતું. પરંતુ કોઈપણ કારણસર તેઓ એ કરી શક્યા નહોતા. થોડા સમય પછી બોચાસણના સમૈયામાં તેઓ ગયા ત્યારે શાસ્ત્રીજી મહારાજે તેમને પૂછ્યું : ‘જમીન જોઈ આવ્યા ?’ તેમણે ‘ના’ કહી. એટલે શાસ્ત્રીજી મહારાજે કહ્યું : ‘ચાલો, હું તમને જમીન બતાવું.’ એમ કહી જાતે ડમણિયું જોડાવ્યું. ગાડામાં બેસીને તેમણે વડોદરાની બાજુમાં કેટલીય જમીનો બતાવી અને તેઓના સૂચનથી વડોદરાની બાજુમાં જેસિંગપુરામાં લગભગ 100 વીઘાં જમીન આશાભાઈ તથા ઈશ્વરભાઈએ લીધી. પછી બીજી લગભગ 650 વીઘાં જેટલી જમીન પણ લીધી.
ત્યાર પછી તો શાસ્ત્રીજી મહારાજની આજ્ઞાથી જમીનોની એ પ્રવૃત્તિમાં આશાભાઈ, ઈશ્વરભાઈ સાથે મોતીભાઈ પણ જોડાયા. પરંતુ ભગવાને તેમની આકરી પરીક્ષા લીધી. ખેતીમાં તેઓ કોઈ રીતે ફાવ્યા નહીં. માંડ ક્યારેક સારું વર્ષ હોય ત્યારે બીજી કોઈ ઉપાધિ આવીને ઊભી જ રહેતી.
એકવાર શાસ્ત્રીજી મહારાજ રઢુ પધાર્યા હતા. સાંજે તેઓ કથાવાર્તાનો લાભ આપી રહ્યા હતા. ત્યાંથી એક જ ગાઉ દૂર આવેલા પુરુષોત્તમપુરામાં આશાભાઈ તથા ઈશ્વરભાઈએ એ જ અરસામાં પોતાને રહેવા માટે તથા કપાસ, અનાજ વગેરેના ગંજ ભરવા માટે નવીન આલીશાન બંગલો કરાવ્યો હતો અને તેમાં પોતાની શાખ પ્રમાણે રાચરચીલું પણ સારું રાખ્યું હતું. ચાર હજાર વીઘાંના વતનદાર તરીકે આશાભાઈની પ્રતિષ્ઠા આ જિલ્લામાં ખૂબ જ હતી. આશાભાઈ તો આ બધું શાસ્ત્રીજી મહારાજની કૃપાનું જ ફળ છે એમ માનતા. વિષમ દેશકાળ છતાં છસો મણ કપાસ, સાતસો મણ ચણા, હજાર મણ ઘઉં તથા બીજી પરચૂરણ વસ્તુઓ તેમના બંગલામાં તૈયાર વેચાણ માટે જ પડી હતી.
અચાનક કોઈક અકસ્માતથી તેમાં અગ્નિનું તાંડવ શરૂ થયું. કોઈ કાંઈપણ સમજી કે વિચારી શકે તે પહેલાં તો કપાસ, અનાજ, રાચરચીલું વગેરે તમામ વસ્તુ સાથે આખો બંગલો ભસ્મીભૂત થઈ ગયો ! હાહાકાર થઈ ગયો ! આ સમાચાર રઢુમાં રાત્રિની સભામાં મળ્યા ત્યારે શાસ્ત્રીજી મહારાજે આશાભાઈને પુરુષોત્તમપુરા તપાસ કરવા આજ્ઞા કરી. પરંતુ આ સ્થિતપ્રજ્ઞ પુરુષે મુખ પરની એક પણ રેખામાં જરા પણ ફેર પડવા દીધો નહીં. પછી શાસ્ત્રીજી મહારાજે ઈશ્વરભાઈ તથા મોતીભાઈને કહ્યું : ‘બંગલો બળ્યા છતાં આ આશાભાઈનું તો રૂંવાડુંય ફરકતું નથી, માટે તમે જોઈને અમને ખબર આપો કે કેટલું નુકસાન થયું છે.’
મોડી રાત્રે મોતીભાઈ રઢુ પહોંચ્યા ત્યારે શાસ્ત્રીજી મહારાજે પૂછ્યું : ‘કેટલું બચ્યું છે ?’ ખૂબ ધીરજ રાખી મોતીભાઈએ હાથ જોડી કહ્યું : ‘કાંઈ બચ્યું નથી. ઊલટું, કાલ રાત્રે મણ ખીચડી લાવ્યા ત્યારે સૌ જમ્યાં.’ તેમની આંખમાં ઝળઝળિયાં ભરાઈ ગયાં.
શાસ્ત્રીજી મહારાજે તેમને સાંત્વન આપીને કહ્યું : ‘તમામ પાપ બળી ગયાં. હવે સારું થશે.’ મોતીભાઈએ પૂછ્યું : ‘સ્વામી ! આપના સંબંધમાં આટલાં વર્ષોથી આવ્યા પછી પણ પાપ રહ્યાં હશે ખરાં ?’
શાસ્ત્રીજી મહારાજે હસીને ઉત્તર આપ્યો : ‘ભગવાનના એકાંતિક ભક્તને તો ભગવાન સિવાય બીજે ઠેકાણે પ્રીતિ કે વાસના રહે તે જ પાપ કહેવાય. બંગલો બળી ગયો તેમાં શ્રીજીમહારાજે સાંખ્યજ્ઞાન કરાવી દીધું. હવે સંપત્તિ વધશે તોપણ સાંખ્યજ્ઞાન છે એટલે વાસના નહીં રહે.’
જોકે આશાભાઈની કસોટીની છેલ્લી સરાણ હજુ બાકી હતી. સાંજે ચાર વાગે શાસ્ત્રીજી મહારાજ પુરુષોત્તમપુરા પધાર્યા. આશાભાઈના બંગલાનો બળેલો કાટમાળ જોઈને તેઓ અત્યંત દિલગીર થયા અને કહ્યું : ‘શું કરીએ ? આ તો શ્રીજીમહારાજે આપણાં જ કાર્યમાં વિઘ્ન નાખ્યું ! સારંગપુરમાં મૂર્તિપ્રતિષ્ઠા કરવાની છે અને તેની મૂર્તિઓ લેવા અમારે જયપુર જવાનું છે. અમને તો એમ આશા હતી કે તમારી પાસેથી રકમ લઈને જયપુર જઈએ, પણ...’ એમ બોલતાં દિલગીર થયેલા શાસ્ત્રીજી મહારાજ સૂચક દૃષ્ટિથી આશાભાઈ, ઈશ્વરભાઈ અને મોતીભાઈ સામું વારાફરતી જોવા લાગ્યા.
આશાભાઈએ રંતિદેવનું આખ્યાન ઘણી વાર સાંભળ્યું હતું. તેમને થયું : ‘ઓગણપચાસ ઉપવાસ કર્યા પછી, પચાસમે દિવસે પણ રંતિદેવ પોતાને પ્રાપ્ત થયેલાં અન્ન-જળ યાચકને આપી દઈ શકતા હોય તો, આજે પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણને સ્વામીને અખંડ ધારણ કરનાર, તદ્ભાવને પામેલા આવા સર્વોપરી સંત આપણી પાસે માગણી કરે છે, હવે પાછા પડીએ તો ભક્તપણું લાજે !’ અને આશાભાઈ ઊઠ્યા. મોતીભાઈને એક તરફ બોલાવીને તેમણે સૂચના આપી કે ‘તાત્કાલિક શરાફ પાસેથી જેટલી રકમ બની શકે તેટલી વ્યાજે લઈ આવો, સ્વામીશ્રીને આપવી છે.’ તાત્કાલિક મોતીભાઈ રવાના થયા.
શાસ્ત્રીજી મહારાજ પણ ડમણિયું જોડાવી આશાભાઈ સાથે રઢુ પહોંચ્યા અને રાત થઈ ત્યાં સુધીમાં તો મોતીભાઈ શાસ્ત્રીજી મહારાજ પાસે મારતી ઘોડીએ પહોંચી ગયા. તેમની સમક્ષ મોટી રકમ ધરીને કહ્યું : ‘સારંગપુરની મૂર્તિઓ માટે જયપુરમાં મૂર્તિકારને આપવાની આ સેવા સ્વીકારો.’ શાસ્ત્રીજી મહારાજ સ્તબ્ધ થઈ ગયા, પૂછ્યું : ‘ક્યાંથી લાવ્યા આ રકમ ?’ આશાભાઈએ કહ્યું : ‘આપને માટે આભ અને પાતાળ એક કરવાં હોય તો કરીએ. માટે આપ આ સેવા સ્વીકારો અને અમારા ઉપર રાજી થાઓ.’
શાસ્ત્રીજી મહારાજ તરત જ ઊભા થઈ ગયા, અત્યંત રાજી થઈ આશાભાઈના મસ્તક ઉપર બે હાથ મૂક્યા, પ્રેમથી ભેટ્યા. મોતીભાઈ ઉપર પણ રાજીપો બતાવ્યો. પછી કહ્યું : ‘તમે અમને કરોડો રૂપિયા આપ્યા ! અન્ન અને વસ્ત્રનું ઠેકાણું નથી એવી વિષમ પરિસ્થિતિમાં તમે વ્યાજે રકમ લાવીને આપવી તે કોઈથી થાય નહીં!’