જેનું વલણ સંપૂર્ણ નિઃસ્વાર્થી હોય, તેઓ જ દુનિયાને કંઈક આપી શકે છે
તમે જેવું વલણ જીવન માટે રાખશો, એવું જીવન તમારી નજર સમક્ષ છતું થશે. તેવો જ એક મહત્ત્વનો અને સૌને પ્રેરણા આપે એવો વર્ષ-૧૮૭૦નો અમેરિકામાં બનેલો પ્રસંગ છે. પિતા અને પુત્ર – બંને એન્જિનિયર. John Augustus Roebling જ્હોન ઓગસ્ટસ રોબલિંગ અને Washington Roebling પુત્ર વોશિંગ્ટન રોબલિંગ. બંને એન્જિનિયર હતા અને તેમણે એક સ્વપ્ન સેવ્યું કે આપણે અડધો કિલોમીટર લાંબો બ્રિજ, (Manhattan) મેનહટન અને (Brooklyn) બ્રુકલિન વચ્ચે બનાવીએ. તેનું નામ ‘બ્રુકલિન બ્રિજ’ રાખીએ. ૧૮૭૦માં સસ્પેન્સન બ્રિજ બનાવીએ. તે સમયે વિશ્વનો સૌથી લાંબો બ્રિજ બનવાનો હતો. કેમ કે તે સમયે આટલો લાંબો ‘સસ્પેન્સન બ્રિજ’ હતો નહીં. પિતા-પુત્રનાં આ સ્વપ્ન અંગે સાંભળીને લોકો તેઓની હાંસી ઉડાવવા લાગ્યા અને કહેવા લાગ્યા કે આ તમારા તુક્કા મૂકી દો. આ કાર્ય તો અશક્ય છે, આવું બની જ ન શકે.
મોટાભાગે દુનિયામાં આવું જ બનતું હોય છે. તમે ક્યારેક ઊંચું સ્વપ્ન સેવો ત્યારે લોકો એવું જ વિચારે છે કે આ તો શક્ય જ નથી. આ કરી જ ન શકે, પરંતુ શારીરિક મહેનતની સાથે તમારું માનસિક ‘વલણ’ પણ કાર્ય કરતું હોય જ છે. આ પિતા-પુત્ર તો પોતાનું સ્વપ્ન પૂર્ણ કરવામાં સંપૂર્ણ સજ્જ થઈ ગયા હતા, તેની ડિઝાઇન માટે પ્રયત્નશીલ બની ગયા અને તે વિસ્તારમાં પાણીની સફાઈથી માંડીને અનેક કાર્ય કરતા હતા, તેવામાં જ કમનસીબે એવું બને છે કે કોઈ અકસ્માત સર્જાય છે. તેમાં પિતા જ્હોન રોબલિંગને પગ પર ઈજા થાય છે, તેમાંથી Tetanusથી મૃત્યુ પામે છે. દીકરો વોશિંગ્ટન એકલો થઈ જાય છે અને થોડા સમયમાં પુત્રને પણ એક અકસ્માત થાય છે અને તેને એવી બીમારી થાય છે કે તેને પેરેલિસિસ થઈ જાય છે!
આ સમયે ફરીથી લોકો વાતો કરે છે કે સ્વપ્ન જોતા હતા કે બ્રિજ બનાવીશું, પરંતુ પિતા પણ ગયા અને પુત્ર પણ હવે જાણે મૃત્યુની અણીએ પહોંચી ગયો છે. બધું જ ખલાસ થઈ ગયું, પણ એક વાત તેમની પાસે છે, ‘વલણ’. બધા જ યાદ રાખજો કે વલણની શું તાકાત છે! તે અશક્યને પણ શક્ય બનાવી દે છે.
વોશિંગ્ટન પથારીવશ બની જાય છે. તે હાથની પહેલી આંગળી જ હલાવી શકતો હતો. ન બોલી શકે, કંઈ કરી શકે.
તેની ધર્મપત્ની Emily Roebling મેથેમેટિશિયન હતી. તે માત્ર હાથની આંગળી હલાવી શકતો હતો. સાંભળી શકે પણ બોલી ન શકે. પરંતુ આ સ્થિતિમાં તેઓ સતત કાર્યરત રહ્યાં. પછી તેણે અને તેની પત્નીએ આંગળીથી એક કોડ નક્કી કર્યો અને એન્જિનિયરો આવે ત્યારે તે ધર્મપત્નીની હથેળી ઉપર લખે અને એ મુજબ નકશામાં તે સમજાવે. બધાના આશ્ચર્યની વચ્ચે ૧૩ વર્ષ પછી વર્ષ-૧૮૮૩માં આ ‘બ્રુકલિન બ્રિજ’નું લોકાર્પણ થયું. આ બ્રિજ ઉપર પિતા-પુત્ર બંનેનાં નામ લખેલાં છે. વિશ્વની સાત એન્જિનિયર-અજાયબીમાં તેનું સ્થાન છે!
આપણે કલ્પના પણ ન કરી શકીએ એવા અકસ્માતો, શારીરિક મુશ્કેલીઓ વચ્ચે પણ આ બ્રિજનું સ્વપ્ન સાકાર થયું. આપણને તો એક રોગ થાય ને હતાશ થઈ જઈએ. અરે! ઘરમાં કોઈ અન્ય વ્યક્તિને રોગ થાય તોપણ ભાંગી પડીએ! કોઈ કાર્યની શરૂઆત થાય અને કંઈક મુશ્કેલી આવે તો વ્યક્તિ નાસીપાસ થઈ જાય છે, પરંતુ એક વાત છે કે, આ વ્યક્તિ કેટલી નિ:સ્વાર્થ હતી, તેને ખબર હતી કે તે આ બ્રિજ બનાવ્યા પછી ત્યાં જઈ પણ શકવાનો નથી કારણ તે ચાલી શકે તેવી સ્થિતિમાં જ નહોતો. તે ત્યાં ફોટો પડાવવા પણ ગયો નહોતો.
તમે પ્રમુખસ્વામી મહારાજનું જીવન જોઈ શકો છો. વિશ્વમાં ૧,૧૦૦ મંદિર પ્રમુખ સ્વામીએ બંધાવ્યા છે. તેમાં પણ પ્રમુખસ્વામી મહારાજનું ‘પોઝિટિવ વલણ’ તો જુઓ કે તેમણે ૧,૧૦૦માંથી, ૧,૦૦૦ મંદિર તો પ્રથમ હાર્ટ એટેક પછી બનાવ્યાં છે. આપણે તો શું થતું હોય છે? ઘણા મને કહે કે સ્વામી, હાર્ટ એટેક આવ્યો છે, આરતીમાં નહીં આવું તો ચાલશે?
પરંતુ, પ્રમુખસ્વામી મહારાજનું ‘વલણ’ જુઓ. તેમણે ૯૦૦ મંદિર તો બાયપાસ પછી બનાવ્યા છે. એક બાયપાસ પછી તો લોકો ચાલવાનું બંધ કરી દે, મંદિર જવાનું પણ બંધ કરી દે. પણ પ્રમુખસ્વામી મહારાજે તો આટલાં બધાં ‘ધામ’ બનાવ્યાં, અમેરિકામાં અત્યારે ‘અક્ષરધામ’ બની રહ્યું છે. આટલી મહેનત કરી બીમારીની અંદર પણ સેંકડો મંદિર બનાવ્યા અને તેઓ કદાચ ત્યાં પગ પણ મૂકવાના નથી છતાં બીજા માટે કંઈક આપે છે. ‘બ્રુકલિન બ્રિજ’ તૈયાર કરનારા, વોશિંગ્ટન રોબલિંગ પણ બ્રિજ ઉપર જઈ શક્યા નહોતા. બધાને ખબર જ છે કે પ્રમુખસ્વામી મહારાજની આ ઉંમરે તેમની તબિયત નરમ છે. છતાં પણ તેઓ જેટલીવાર હરિભક્તોને જુએ અને તેઓ પૂછે કે બધા જમ્યા? આપણે તો બીમાર હોઈએ કે ઉપવાસ કર્યો હોય અને બીજો કોઈ છીંક ખાય તે પણ સહન કરી શકતા નથી.
અમદાવાદનો પ્રસંગ છે. બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, શાહીબાગમાં પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ મંદિર પરિસરમાં હતા ત્યારે તડકો ખૂબ જ હતો. બપોરનો એક વાગ્યો હતો. કેટલાક હરિભક્તો બેઠા હતા ત્યારે સ્વામીશ્રીએ કહ્યું, ‘સર્વે હરિભક્તોના મુખારવિંદ ઉપર કેટલું તેજ છે. શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ દરેક હરિભક્તના ઘરે ઘરે ગયા છે. પધરામણી કરી સંસ્કાર પાથર્યા છે. ગરીબમાં ગરીબ હરિભક્તના ઘરે રજકણ પણ તેજઃપુંજ છે.’ આ છે તેઓનું રહસ્ય - પ્રમુખસ્વામી મહારાજના જીવનમાંથી આપણે આ જ ‘હકારાત્મક વલણ’ અપનાવતાં શીખવાનું છે!