મેં મારી આંખે મરચાં ભર્યાં કારણ કે...
સંયમ - બ્રહ્મચર્યથી રાજીપો
ભગવાન સ્વામિનારાયણને સંયમ અને બ્રહ્મચર્યનું પાલન કરનાર પર અનન્ય હેત વરસતું. તેમના વચનામૃત તેમજ તેમનાં વિવિધ લીલાચરિત્રોનું અનુશીલન કરતાં માલૂમ પડે છે કે બ્રહ્મચર્ય પાલન અને ઈન્દ્રિય સંયમ એ એમના હૃદયનો ધબકાર છે. મહાન સંતો અને હરિભક્તોના ઉચ્ચ ચારિત્ર્ય સભર જીવન દ્વારા જગતને શીલ અને સંયમનો આદર્શ પૂરો પાડનારા ભગવાન સ્વામિનારાયણે એવા ભક્તો માટે કહ્યું છે : ‘તે લાખો ગાઉ છેટો હોય તોય તે અમારી પાસે છે.’ સંયમ માટે કટિબદ્ધ એવા એક ભક્તની પ્રેરક વાત અહીં પ્રસ્તુત છે...
કાળઝાળ ઉનાળો છે. કાઠિયાવાડની ભોમ તાપમાં તપી રહી છે. 1829ની એ સાલ છે. બાપુ જીવા ખાચર દેહ મૂકી ગયે બાર દિવસ વીતી ગયા છે. ગઢડામાં બિરાજમાન ભગવાન સ્વામિનારાયણ જીવા ખાચરના કારજને શોભાડવા દાદા ખાચરને આવશ્યક સૂચનો આપી રહ્યા છે. ઘરના તમામ સભ્યો વ્યવસ્થામાં ખડે પગે ઊભા છે. કારજ પ્રસંગે દેશદેશથી ખુમાણો, વાળાઓ, ધાધલો અને બીજા ગરાસદારો ઘોડીઓ લઈ લઈને ગઢડાની સીમ ભણી આવી રહ્યા છે. પણ સૌથી છેલ્લો આ અસવાર કોણ ? પડછંદ દેહ, માથે બોકાની, મગરૂર આંખો, દાઢી-મૂંછના ઘાટા કાતરા અને ભેટમાં બાંધી છે ભેંકાર ભવાની તલવાર !
‘જોગીદાસને અહીંયાં લેતા આવજો.’ તેને જોતાં જ શ્રીહરિએ સુરા ખાચરને ભલામણ કરતાં કહ્યું હતું.
હા, આ એ જ જોગીદાસ ખુમાણ છે કે જેનું નામ સાંભળતાં જ ભાવનગર નરેશ વજેસિંહ બાપુની ઊંઘ હરામ થઈ જાય છે. ગોહિલવાડ પંથકમાં હાહાકાર મચાવનાર અને ભાવનગર રાજ્ય સામે બાથ ભીડનાર જોગીદાસને કોણ નથી ઓળખતું ?
પણ આજે સ્વયં શ્રીહરિએ તેમને બોલાવ્યા. એવું તે શું હતું કે શ્રીજી સામેથી એને દર્શન આપવા બોલાવે !!
શ્રીહરિ દાદાના દરબારમાં સભા સમક્ષ બિરાજમાન હતા. ત્યાં જ કારજનો વિધિ પૂર્ણ કરી જોગીદાસ મહારાજનાં દર્શન કરવા આવ્યા. ચરણોમાં પાઘડું મૂકી વંદન કર્યાં. મહારાજે તેમને પ્રેમથી બોલાવી પોતાના સન્મુખ બેસાર્યા. મહારાજે જોગીદાસના બ્રહ્મચર્ય વિષે જાણ્યું હતું. ત્યારથી તેમને મળવા તેઓ ઉત્સુક હતા.
મહારાજે સ્નેહભીની વાણીથી જોગીદાસને પૂછ્યું, ‘જોગીદાસ ! અમે સાંભળ્યું છે કે એક વખત તમે આંખમાં મરચાં ભર્યાં હતાં. તે શી વાત છે ?’
જોગીદાસની આંખો ભૂતકાળમાં સરી પડી. ધીમા અને ઘેરા સાદે તેમણે કહ્યું, ‘મહારાજ ! એક વાર હું પાલિતાણા વિસ્તારના કોઈક ગામના બજારમાંથી ઘોડેસવાર થઈ નીકળતો હતો. ત્યાં અચાનક એક જુવાન કન્યાએ આગળ આવી પોતાના હાથે ઘોડાની લગામ ઝાલી ઘોડો ઊભો રખાવ્યો. હું કાંઈ પૂછું તે પહેલાં જ તેણે કહ્યું, ‘મારે તમારી સાથે લગ્ન કરવાં છે.’ આ સાંભળતાં જ મારા ઉપર વીજળી પડી. મેં તરત આંખો ફેરવી લીધી અને મારતે ઘોડે મુકામે પહોંચ્યો. મને ચેન પડતું નો’તું. તરત એક સાગરીતને બોલાવી બજારમાંથી મરચાંનો ભૂકો મંગાવ્યો. પછી તે આંખોમાં નાખવા લાગ્યો.
મારા સાગરીતોએ મને રોક્યો, મેં કહ્યું, ‘આજે મને રોકશો નહિ, કૂતરાના મોતે મરવું પડે એવી વાત બની ગઈ છે. આજે મારી પુત્રી સમાન એક જુવાન દીકરીએ મારી સામે વાસનાની નજરે જોયું છે. એક ક્ષણ મારી દૃષ્ટિ પણ એના દેહ પર પડી ગઈ હતી. આ વાસનાનું ઝેર મને ચડી ગયું હોય તો આંખોમાંથી નિચોવી કાઢવું છે.’ હળવો નિસાસો નાંખી તેમણે ફરી પૂછ્યું, ‘મહારાજ ! હું જોગીઓનો દાસ કહેવાઉં. તે મારાથી પરસ્ત્રી સામું કેમ જોવાય ? અને જોઉં તો મારા ગુરુ લાજે. એટલે આંખમાં મરચાં ભર્યાં હતાં.’ આ સાંભળી શ્રીહરિના રોમ રોમમાંથી પ્રસન્નતા વહેવા લાગી. ઇન્દ્રિયોના આહારને શુદ્ધ રાખવાનો આગ્રહ શ્રીહરિના ઉપદેશોનો પ્રધાન સૂર છે. તેમની આ મરજી છે. તેથી જોગીદાસની ઇન્દ્રિયસંયમની દૃઢતા જોઈ મહારાજે સંતોને કહ્યું : ‘સાંભળો સંતો ! આ જોગીદાસને પોતાના ગુરુની કેટલી બધી લાજ છે ! એમ જે લાજ રાખે તેનાથી ધર્મ પળે. લાજ એ ધર્મની બહેન છે.’ સૌને સમજાઈ ગયું, ઇન્દ્રિયોના સંયમમાં શ્રીહરિની અપાર પ્રસન્નતા છે.
મર્મચિંતન
વચનામૃત ગઢડા પ્રથમ 18માં ભગવાન સ્વામિનારાયણ ભગવાનનો રાજીપો મેળવવા પ્રથમ વાત કહે છે - આહાર-વિવેકની. તેઓ કહે છે : ‘પંચ ઇન્દ્રિયો દ્વારે જીવ જે આહાર કરે છે તે આહાર જો શુદ્ઘ કરશે તો અંતઃકરણ શુદ્ઘ થાશે અને અંતઃકરણ શુદ્ઘ થાશે તો અખંડ ભગવાનની સ્મૃતિ રહેશે.’ વળી, આગળ ‘આ જીવ છે તે જેવી સોબત કરે છે તેવું એનું અંતઃકરણ થાય છે’ એમ કહી કુસંગત્યાગની વાત કરે છે. અને અંતે ‘અમે જે જે પદાર્થ અંગીકાર કરીએ છીએ તે તો જીવના રૂડા વાસ્તે કરીએ છીએ પણ અમારા સુખના વાસ્તે કરતા નથી. અને જો અમારા સુખના વાસ્તે કરતા હોઈએ, તો અમને શ્રીરામાનંદ સ્વામીના સમ છે.’ એમ કહી પોતાને વિશે દિવ્યભાવ રાખવાની વાત કહે છે. આ રીતે આહારવિવેક, કુસંગત્યાગ અને દિવ્ય-ભાવની વાત કર્યા બાદ તેઓ કહે છે : ‘આ અમારું વચન છે તે ભલા થઈને સર્વે જરૂર રાખજો, તો જાણીએ તમે અમારી સર્વે સેવા કરી. અને અમે પણ સર્વને આશીર્વાદ દઈશું. અને તમો પર ઘણા પ્રસન્ન થઈશું.’
શ્રીહરિ વચનામૃત ગઢડા અંત્ય 32માં આહાર-વિહારના સંયમ પર ખૂબ ભાર આપે છે.
વળી, શ્રીજીમહારાજ નિષ્કામધર્મ - બ્રહ્મચર્યપાલન - સંયમનું પાલન કરનાર પ્રત્યે પોતાની અપાર પ્રસન્નતા વ્યક્ત કરે છે. વચનામૃત ગઢડા મધ્ય 33માં તેઓ કહે છે : ‘એક નિષ્કામી વર્તમાન દૃઢ હોય તો તેને આ લોકમાં તથા પરલોકમાં કોઈ ઠેકાણે ભગવાનથી છેટું રહે નહીં અને અમારે પણ તે ઉપરથી કોઈ દિવસ હેત ઓછું થાય નહીં. અને અમે અહીંયાં ટક્યા છીએ તે પણ અહીંયાંના હરિભક્તને અતિ નિષ્કામી વર્તમાનનો દૃઢાવ દેખીને ટક્યા છીએ. અને જેને નિષ્કામી વર્તમાન દૃઢ હોય તો તે થકી અમે હજાર ગાઉ છેટે જઈએ તો પણ તેની પાસે જ છીએ; અને જેને તે નિષ્કામી વર્તમાનમાં કાચ્યપ છે ને તે જો અમારી પાસે રહે છે તોય પણ તે લાખ ગાઉ છેટે છે. અને અમને નિષ્કામી ભક્ત હોય તેના જ હાથની કરી સેવા ગમે છે. માટે આ મૂળજી બ્રહ્મચારી છે તે અતિશય દૃઢ નિષ્કામી છે, તો અમને એની કરેલી સેવા અતિશય ગમે છે અને બીજો કોઈ સેવા-ચાકરી કરે તો તે એવી ગમતી નથી. અને અમે જે જે વાર્તા કરીએ છીએ તેને વિષે પણ નિષ્કામી વર્તમાનનું જ અતિશય પ્રતિપાદન થાય છે. અને અમે જે દિવસથી પ્રકટ થયા છીએ તે દિવસ થકી નિષ્કામી વર્તમાનને જ અતિશય દૃઢ કરતા આવીએ છીએ. અને સભા બેઠી હોય ત્યાં કોઈક સ્ત્રી અથવા પુરુષ તેને જોયામાં ફેર પડે ત્યારે એ ગમે તેટલી યુક્તિ કરીને સંતાડે તો પણ અમને જણાયા વિના રહે જ નહીં, ત્યારે અમારો તે મનુષ્ય ઉપર અતિશય કુરાજીપો થઈ જાય છે અને અમારું મુખ પણ શ્યામળું થઈ જાય છે અને તેનું દુઃખ તો અતિશય લાગે છે પણ મહોબત જાણીને ઝાઝું કહેવાય નહીં. અને વળી સાધુદાવો છે માટે હૈયામાં સમજી રહીએ છીએ, પણ જો રાજાના જેવી રીત હોય તો તેને માથે ઝાઝો દંડ થાય. માટે જે નિષ્કામી વર્તમાન રાખે તે જ અમને વહાલો છે અને તેને ને અમારે આ લોક, પરલોકમાં દૃઢ મેળાપ રહે છે.’
આમ, ઇન્દ્રિય-સંયમ અને બ્રહ્મચર્ય તે શ્રીહરિના રાજીપાનું અમોઘ સાધન છે.