વિશ્વવંદનીય સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજ અમેરિકાના હ્યુસ્ટન શહેરમાં બિરાજમાન હતા. તા. 28 જૂન, 2007નો દિવસ હતો. આજે સ્વામીશ્રીનાં દર્શનાર્થે આવનારા લોકોમાં અમેરિકાના એક યુટાહ રાજ્યના પ્રસિદ્ધ ઉદ્યોગપતિ અને ઓઇલ કંપનીના માંધાતા ડેનિયલ કૂક પણ હતા. સ્વામીશ્રી પાસે તેમણે આશીર્વાદ માંગતાં કહ્યું કે ‘મારું ધન સમાજના ઉત્કર્ષમાં વપરાય એવું હું ઇચ્છું છું, પરંતુ એ પહેલાં મારે એક આદર્શ વ્યક્તિ બનવું છે. હું કઈ રીતે એક આદર્શ પિતા અને આદર્શ પતિ બની શકું? તેનું માર્ગદર્શન આપો.’
પ્રમુખસ્વામી મહારાજે તેમને આશીર્વાદ આપતાં કહ્યું: ‘સમાજના ઉત્કર્ષની તમારી ભાવના છે એ સારો સંકલ્પ છે. અને તમારે એક આદર્શ પિતા અને પતિ બનવું છે એ પણ સારો સંકલ્પ છે. ભગવાન તમારો સંકલ્પ પૂરો કરશે. પરંતુ એ માટે તમારે નિયમો પાળવા પડે. એ માટે ઘરમાં સંપ રાખવો પડે. પતિ અને પત્ની વચ્ચે પ્રેમ રહે તે માટે બાંધછોડ કરતાં શીખવું પડે. તમારે આદર્શ પતિ અને પિતા બનવું છે તો બાળકો અને પત્નીને સમય આપજો. રોજ પત્ની અને બાળકો સાથે બેસીને ઘરસભા કરજો. ટી.વી. બહુ જોતા હો તો ઓછું કરીને પરિવારના બધા સભ્યો સાથે હળવા-મળવામાં વધુ સમય આપજો. અને રોજ સાથે બેસીને સારા ગ્રંથોનું વાંચન કરજો. ભગવાન તમારા પર આશીર્વાદ વરસાવશે અને તમારો સંકલ્પ પૂરો થશે.’
સંસારના રણમેદાનમાં કુરુક્ષેત્રના યુદ્ધમાં લડતા અર્જુનની જેમ મૂંઝાયેલા અનેક લોકો માટે પ્રમુખસ્વામી મહારાજે જાણે આ ટૂંકા અને સરળ ઉત્તરમાં સંસારની સુખ-ગીતાનો અદ્ભુત બોધ આપી દીધો.
આ એક નહીં, અસંખ્ય લોકોને સંસારની આવી કંઈક સુખ-ગીતાનો બોધ આપનાર પ્રમુખસ્વામી મહારાજ કરોડો લોકોના આધાર-છત્ર સમાન હતા. પ્રમુખસ્વામી મહારાજ એક એવા વિરલ સંતપુરુષ હતા કે જેમણે સંસારથી વીતરાગનો માર્ગ લીધો હતો, છતાં લાખો સંસારીઓના જીવનની નૌકાને સહજતા અને સફળતાથી સંભાળી હતી. લાખો લોકોના પરિવારોના એક મોભી, આધાર કે શીતળ ઘેઘૂર વડલા જેવી એમની છાયા હતી, જ્યાં સંસારમાં બળતા-ઝળતા અનેક આત્માઓ શાંતિ અને શીતળતાની દિવ્ય અનુભૂતિ કરતા હતા. પ્રમુખસ્વામી મહારાજ એક એવા વિરલ સંતવિભૂતિ હતા કે જેમને બોંતેર કોઠે આપસૂઝના દીવા ઝળહળતા હતા. એટલે કોઈપણ પ્રશ્ન લઈને લોકો એમની પાસે આવે ત્યારે એમનું સચોટ માર્ગદર્શન અને સચોટ ઇલાજ સહજતાથી એ વ્યક્તિના આત્માને ભેદી નાંખે. એમનું માર્ગદર્શન માત્ર માર્ગદર્શન ખાતરનું માર્ગદર્શન ન હોય, એમાં દિવ્ય આશીર્વાદની અને દીર્ઘદૃષ્ટિની અમીવૃષ્ટિ હોય. એટલે રોજ સેંકડોની સંખ્યામાં એમનાં દર્શને ઊમટતા, એમની પાસે માર્ગદર્શન લેવા દોડી આવતા લોકોમાં એક પ્રબળ શ્રદ્ધા હતીઃ ‘બાપાએ કહ્યું એટલે હવે નિરાંત થઈ ગઈ.’ બાપાનો શબ્દ સૌને માટે અમૃતમય બની રહેતો. બાપાનું એકાદ વાક્ય પણ લોકો માટે જીવનની લાઇફ -લાઇન બની જતું.
અમેરિકાના પ્રસિદ્ધ વિદ્વાન પ્રાધ્યાપક ડૉ. રેમન્ડ વિલિયમ્સ પ્રમુખસ્વામી મહારાજની આ વિરલ બાબતથી ખૂબ પ્રભાવિત હતા. તેમણે લાખો લોકોને પારિવારિક માર્ગદર્શન આપતા પ્રમુખસ્વામી મહારાજની એક સંત તરીકેની છબિમાં કંઈક નવી પ્રતિભા નિહાળી હતી. સામાન્ય રીતે સંસારીઓની સમસ્યાઓથી સંન્યાસીઓ દૂર રહેતા હોય છે. અને એ સ્વાભાવિક રીતે યોગ્ય જ છે. પરંતુ પ્રમુખસ્વામી મહારાજ તેમાં કાંઈક અપવાદ રૂપ હતા. આથી, ડૉ. રેમન્ડ વિલિયમ્સે પ્રમુખસ્વામી મહારાજના આ વિરલ પાસા પર એક સંશોધનાત્મક લેખ લખ્યો હતો. એ લેખના જ એક ભાગરૂપે તેમણે, જીવનની કટોકટીની પળોમાં પ્રમુખસ્વામી મહારાજનું માર્ગદર્શન પામેલા કેટલાય લોકો સાથે પ્રશ્નોત્તરી કરીને છેવટે સ્વયં પ્રમુખસ્વામી મહારાજ સાથે પ્રશ્નોત્તરી કરેલી.
ડૉ. રેમન્ડ વિલિયમ્સ પોતાના લેખમાં નોંધે છેઃ ‘જ્યારે પ્રમુખસ્વામી મહારાજને પૂછવામાં આવ્યું કે કયા હરિભક્તને કેવો ઉપદેશ આપવો અને કયો ઉત્તર આપવો તે તમે કેવી રીતે જાણી શકો છો? ત્યારે તેઓએ કહ્યું: ‘જવાબ?! જીભે જ હોય!’ તેમણે કહ્યું કે ‘ભગવાન સાથેની અખંડ એકતાને કારણે તેઓ જવાબ આપી શકે છે.’ તેઓ કહે છે કે ‘પોતે ભગવાનના અસ્તિત્વને સતત અનુભવે છે.’ તેમના ભક્તોને કહે છે કે ‘તમે ભગવાનમાં માનો. કારણ કે ભગવાનમાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખ્યા વિના કોઈ કાર્ય શક્ય જ નથી.’
ડૉ. રેમન્ડ વિલિયમ્સે નોંધ્યું કે પ્રમુખસ્વામી મહારાજને ખૂબ ટૂંકા વાર્તાલાપોમાં વ્યાવહારિક, સંસ્થાકીય, સાંપ્રદાયિક કે ભક્તોના ગૂંચવણભર્યા અનેક પ્રશ્નોનો તાત્કાલિક અને સચોટ ઉકેલ આપવાનો હોય છે. છતાં તેમના ઉત્તરો ખૂબ જ આત્મવિશ્વાસપૂર્ણ હોય છે. આથી તેમણે પ્રમુખસ્વામી મહારાજને પૂછ્યું કે ‘લોકોએ પૂછેલા પ્રશ્નોના ઉત્તર આપી દીધા પછી તમને ક્યારેય તમે આપેલો નિર્ણય ખોટો હોવાનું લાગ્યું છે?’
ત્યારે તેમણે દૃઢતાપૂર્વક કહ્યું: ‘ના! ક્યારેય નહીં!’ એટલું જ નહીં, તેમણે જણાવ્યું કે તેમણે પોતે આપેલા ઉત્તર કે ઉપદેશમાં સતત વિશ્વાસ રહે છે. કારણ કે તે ભગવાનની પ્રેરણાથી જ આપવામાં આવે છે.
23 જુલાઈ 1985ના રોજ ડૉ. રેમન્ડ વિલિયમ્સને પ્રમુખસ્વામી મહારાજે કહેલું કે ‘ભક્તોને વ્યાવહારિક સલાહ આપવાનું કારણ એ નથી કે, હરિભક્તો લાખોપતિ થાય. પણ અધ્યાત્મલક્ષી બને. પોતે ભક્તોના વ્યવહારમાં ધ્યાન આપે છે તેને કારણે ગુરુ-શિષ્ય વચ્ચે સેતુ રચાય છે. પરિણામે ભક્તનો આધ્યાત્મિક વિકાસ સરળ બને છે. અંતિમ ધ્યેય તો એ જ છે કે સંસારના વિષયોમાંથી મુક્તિ પામવી અને સ્વભાવોને દૂર કરવા. તે સિદ્ધ કરવા ભગવાનમાં શ્રદ્ધા અને બ્રહ્મનિષ્ઠ ગુરુમાં પ્રેમ- આત્મબુદ્ધિ ખૂબ જરૂરી છે.’
આવા વિરલ ગુરુ પ્રમુખસ્વામી મહારાજે કરોડો લોકોને વ્યક્તિગત મળી મળીને એમને પોતાના જીવનનું જે અમૃત પાયું છે તેનો કોઈ હિસાબ માંડી શકાય તેમ નથી. લાખો પરિવારોના સમુદ્ર-મંથનનું ઝેર પી જઈને પ્રમુખસ્વામી મહારાજે એમને શાંતિ અને સુખના ઘૂંટ પાયા છે. એટલે આજે એ લાખો પરિવારો કે કરોડો લોકો પોતાના શાંત-સુખી-હર્યાભર્યા પરિવારનું શ્રેય સ્વામીશ્રીને ચરણે ધરીને એમને કૃતજ્ઞતાપૂર્વક યાદ કરે છે.
સ્વામીશ્રીની એ કૃપાવર્ષાનો જ એક વિરલ અધ્યાય એટલે ઘરસભા. પ્રમુખસ્વામી મહારાજનું એક મૌલિક પ્રદાન. અગણિત ઘરોમાં ઘરસભાનો આરંભ કરાવીને એમણે ઘરોઘર પારિવારિક શાંતિનો શાશ્વત ઇલાજ સિદ્ધ કરી બતાવ્યો છે.
એટલે જ, તાજેતરમાં તેઓના શતાબ્દી મહોત્સવના ઉપક્રમે પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજના આદેશથી એ પારિવારિક શાંતિના મંત્રને લાખો ઘરોમાં પહોંચાડવાનું એક અભિયાન યોજાઈ ગયું. બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનાં ચરણે અંજલિ આપવાનો એક ભગીરથ પુરુષાર્થ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના 72,000 કરતાં વધુ શતાબ્દી સેવકોએ કર્યો અને લાખો ઘરોમાં પ્રમુખસ્વામી મહારાજનો પારિવારિક શાંતિનો સંદેશ વિસ્તાર્યો. જ્યાં જ્યાં આ શતાબ્દી સેવકો ઘૂમ્યા ત્યાં ત્યાં લોકોએ જાણે દેવદૂતો આવ્યા હોય તેવો આવકાર આપ્યો. કોઈને એમ લાગ્યું કે આ સેવકોના સ્વરૂપે સ્વયં પ્રમુખસ્વામી મહારાજ એમનાં ઘરે પારિવારિક શાંતિનું અમૃત લઈને પધાર્યા છે! કેટલાય ઘરે શતાબ્દી સેવકોની પધરામણી એવા વખતે જ થઈ જ્યારે એ ઘર અશાંતિની આગમાં સળગી રહ્યું હતું, તેમની પધરામણીથી ત્યાં શાંતિની વર્ષા થઈ ગઈ.
આમ, પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી પર્વે સ્વામીશ્રીના જીવનભરના શાંતિકાર્યને અંજલિ આપતું આ અભિયાન એક અનોખી સમાજ સેવાનું સોપાન બની રહ્યું. સ્વામીશ્રીનું શતાબ્દી પર્વ તેઓની ઘેઘૂર વડલા સમી શીતળ છત્રછાયાનું સ્મરણ કરાવે છે, એમણે લાખો લોકોને વ્યક્તિગત મળી મળીને આપેલા પારિવારિક શાંતિના મંત્રનું રટણ કરાવે છે અને શતાબ્દી પર્વે તેમનાં ચરણે હૃદયથી પુષ્પાંજલિ અર્પવાની લાગણી જન્માવે છે.