સંસારથી નિસ્પૃહી એવા ઋષિમુનિઓએ “ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ….” ની પ્રાર્થના દ્વારા માત્ર એક ભગવાનનો જ આશ્રય સ્વીકાર્યો હતો ત્યારે એમને કલ્પના નહીં હોય કે આવનારા સમયમાં સંસારી જીવો પળે પળે આ શબ્દોનો ઉપયોગ કરીને સાંસારિક સુખ જ માગતાં રહેશે. કોણ નથી જાણતું કે કેવળ સ્વાર્થ સાધવા માટે ભગવાનને પોતાનું સર્વસ્વ કહી દેવામાં કોઈ આધ્યાત્મિકતા નથી, પરંતુ તેમ છતાં કેટલાંક આમ કરે છે. પણ એવામાં કદાચ કોઈ એવા સાચા પુરુષ મળી જાય કે જે કેવળ નિસ્વાર્થપણે લોકોની બસ સેવા જ કરતાં હોય, તો એમને માટે આ શબ્દો વાપરવા સાર્થક ગણાય. કારણ કે તેઓ માણસને સાંસારિક સુખદુઃખના પ્રસંગોથી લઈને આધ્યાત્મિક સાધનામાં અડીખમ સધિયારો આપી શકતા હોય છે.
નજીકના ભૂતકાળમાં પ્રમુખસ્વામી મહારાજે જે રીતે સંસારીઓને સહાય કરી, માર્ગદર્શન આપ્યું, શાતા આપી અને આધ્યાત્મિક ઉન્નતિ કરાવી એ જોતાં આ શબ્દોના તેઓ પૂર્ણ અધિકારી જણાય છે. આપણે જેમને પોતાનું સર્વસ્વ માનવાના હોય એવા આ ગુરુ તો પોતાની સમીપે આવનાર બધાંને પોતાનું સર્વસ્વ માનતા હતા. સારંગપુરમાં તા.૨૦-૪-૦૭એ એમને પ્રશ્ન પૂછાયો કે “અમારું સર્વસ્વ આપ છો, પણ આપનું સર્વસ્વ કોણ?” જવાબ મળ્યો-“ભગવાન અને આપ બધાં” એમની આ ભાવનાને ભક્તો તરફથી એવો જ પ્રતિસાદ સાંપડે એમાં શી નવાઈ?
તા.૨૦-૫-૮૫, લંડનમાં ટ્રસ્ટીશ્રી ડો.આઈ.કે.પટેલને એક વ્યાવહારિક માર્ગદર્શન આપતાં પ્રમુખસ્વામી મહારાજ સહજભાવે બોલી ઉઠેલા “આ તમારો દીકરો હરીશ જેમ આ લોકની રીતે તમારો છે, એમ અમારો પણ છે. કારણ કે આધ્યાત્મિક રીતે એના ઉપર અમારો હક લાગે છે.”
તા.૧૪-૭-૦૭, જેકસનવીલમાં યુવાન ભક્ત પ્રકાશે પ્રમુખસ્વામી આગળ એક અનોખી મૂંઝવણ રજૂ કરી. તે એ કે એના સગા ભાઈ સંતની દીક્ષા લેવાના હતા, આથી એને એક મિત્રની ખોટ વર્તાતી હતી. એણે પ્રમુખસ્વામી મહારાજ આગળ પોતાનું હ્રદય ઠાલવ્યું ત્યારે એની ઉણપ પૂરી કરતાં સ્વામી બોલ્યા, “તારા માતા-પિતા-ભાઈ-જે ગણો તે, અમે છીએ ને !” અને એનું હૈયું ઠરી ગયું.
તા. ૧૭-૮-૮૩એ પ્રમુખસ્વામીને પ્રશ્ન પૂછાયો હતો “આપ માયાના જીવો સાથે કેવી રીતે બોલી શકો છો?” તો એમનો ઉત્તર હતો “જેમ બાપ દીકરા સાથે બોલે એમ”
તા.૧-૧-૯૦, લંડન રહેતા હર્નિશે પશ્ચિમી ઢબે પ્રમુખસ્વામી મહારાજને નૂતન વર્ષની વધાઈ આપીને કહ્યું ”You are my good friend.” (તમે મારા સારા મિત્ર છો.) ત્યારે સ્વામી એને કહેવા લાગ્યા,” અમે કેવળ મિત્ર જ નહીં, પિતા અને ગુરુ પણ છીએ. અમને મિત્ર માનો તો અમારી સાથે નિખાલસપણે-નિષ્કપટપણે વર્તાય. પિતા માનો તો દાસપણું રહે. અને ગુરુ માનો તો ભક્તિભાવ રહે.” ગુરુને પોતાના સર્વસ્વ શા માટે માનવા જોઈએ એની આથી સ્પષ્ટ સમજણ બીજી કઈ હોઈ શકે !
પ્રમુખસ્વામી મહારાજ સંસારવ્યવહારની રીતે પણ બધાંના ‘ત્વમેવ સર્વમ્ મમ દેવદેવ‘ બનીને ઊભા રહેતા. કાંદીવલી-મુંબઈમાં એક નાની ખોલીમાં રહેતો બાળક યશવંત જેઠવા ખૂબ તેજસ્વી પરંતુ ગરીબ પરિસ્થિતિને લીધે આગળ આવી શકે એમ નહોતો. પ્રમુખસ્વામી મહારાજ તો જાણે એના માતા-પિતા બની ગયા અને એને સારી રીતે ભણાવ્યો. એ આઈ.પી.એસ. ઓફિસર થયો, ઓરિસ્સા રાજ્યના પોલીસ વડા તરીકે નિમાયો ત્યાં સુધી એની સંપૂર્ણ આર્થિક અને આધ્યાત્મિક સંભાળ પ્રમુખસ્વામીએ લીધી હતી.
પ્રમુખસ્વામી મહારાજ જાણીતાં કે અજાણ્યાં દરેકનાં અંગત સ્વજન બની જતા. તા.૨૫-૯-૭૪એ તેઓ લંડનમાં ચંદુભાઈના ઘરે પધાર્યા ત્યારે એમને ખ્યાલ આવ્યો કે ચંદુભાઈના વૃદ્ધ બિમાર અંગ્રેજ પાડોશી શ્રી સ્ટ્રીંજરની દેખભાળ કરનાર કોઈ નહોતું, એમના દીકરાઓ પણ નહીં. સ્વામીનું દિલ દ્રવી ઉઠ્યું. એમણે ચંદુભાઈને આ અજાણ્યા અંગ્રેજની સ્વજનતુલ્ય સંભાળ રાખવા આજ્ઞા કરી. ચંદુભાઈએ એમને પોતાના પિતાની માફક રાખ્યા. દસ વર્ષ બાદ શ્રી સ્ટ્રીંજર પ્રમુખસ્વામી મહારાજને ખાસ મળવા આવ્યા અને કોઈ પૂર્વભૂમિકા વિના પોતાના અંગત બની જનાર સ્વામીશ્રીનો અત્યંત આભાર વ્યક્ત કર્યો.
શ્રીમદ્ ભાગવતની અને ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા મુજબના સાધુના નિયમ-ધર્મ પાળતા હોવાથી પ્રમુખસ્વામી મહારાજ ભલે મહિલાઓના સીધા સંપર્કમાં નહોતા આવતા, પરંતુ મહિલાવર્ગ પ્રત્યે એમના હ્રદયમાં પૂર્ણ આદર અને સેવા કરવાની ભાવના રહેતી. એક વખત એક ઉદ્યોગપતિએ બિસ્કીટ-કૂકીઝ બનાવવાના નવા વ્યવસાયની શરૂઆત કરતી વખતે પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ લીધા અને કંઈક સેવા કરવા માટે આજ્ઞા માંગી. ત્યારે સ્વામીએ સંસ્થા માટે કાંઈ દાન ન માંગતાં માત્ર એક જ સેવા કરવા જણાવ્યું કે,‘ વલાસણ ગામે અમારી સંસ્થાએ ગર્લ્સ સ્કૂલ અને છાત્રાલય શરૂ કર્યાં છે. એમાં જે છોકરીઓ આવીને રહે છે એમને કદાચ આપણો ખોરાક શરૂમાં પસંદ ન આવે, પરંતુ આવાં બિસ્કીટથી એમને ખૂબ જ સંતોષ થશે. તો તમારે અમારી દીકરીઓને બિસ્કીટ-કૂકીઝ પૂરાં પાડવાં.‘ પેલા ભાઈને તો આ સેવા એકદમ સાધારણ લાગી અને એમણે મોટી રકમની સેવા આપવા માટે વિનંતી કરી, પરંતુ પ્રમુખસ્વામીએ સામે એક જ આગ્રહ રાખ્યો કે ‘આ છોકરીઓની સેવા કરવી, એમાં બધું આવી ગયું.‘ સંસારના બંધનોથી અલિપ્ત એવા સંત જેમને ‘અમારી દીકરીઓ‘ માનતા હોય એમને તેઓ પણ પોતાના પિતાતુલ્ય જ લાગવાના!
આપણે જેમને સર્વસ્વ માનવાના હોય એવા ગુરુ સામેથી આપણને પણ એમ જ માને એવી કલ્પનાતીત ઘટના એક સદી સુધી પ્રમુખસ્વામી મહારાજના જીવનકાળ દરમ્યાન ઘટતી રહેલી.