Essay Archives

શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતાના વિભૂતિ યોગમાં માગશર માસને યાદ કરીને ભગવાન કહે છેઃ
‘માસાનાં માર્ગશીર્ષોઽહમ્‌...’
અર્થાત્‌ મહિનાઓમાં માગશર મહિનો એ મારું સ્વરૂપ છે.
આ માસની પૂર્ણિમાએ આકાશમાં મૃગશીર્ષ નક્ષત્ર હોય છે. તેથી તેનું નામ માર્ગશીર્ષ પડ્યું છે. જેમ આધુનિક સમયમાં કાર્તિક મહિનાથી વરસનો આરંભ થાય છે તેમ વૈદિક યુગ અને મહાભારત યુગમાં વર્ષનો આરંભ માગશર મહિનાથી થતો હતો. મહાભારતમાં નિર્દેશ મળે છે કે યુધિષ્ઠિર રાજાના રાજ્યકાળમાં માગશર મહિનાથી વર્ષનો આરંભ થતો હતો. મહાભારતની કાલ-ગણનાના આધારે એ સ્પષ્ટ છે કે ભગવાન શ્રીકૃષ્ણે ભગવદ્‌ ગીતાનું અદ્‌ભુત જ્ઞાન ઉચ્ચાર્યું ત્યારે પણ માગશર મહિનો હતો. આથી જ માગશર શુક્લ એકાદશીએ ગીતા જયંતી ઊજવવાની પરંપરા રહી છે. ચાતુર્માસના વરસાદની હેલી પડ્યા પછી નવા ધાન્યના પ્રાશન માટે પણ માગશર માસ ઉત્તમ ગણાતો હતો. માગશરમાં ૠતુ અને મુહૂર્તો પણ સુખપ્રદ રહે છે અને એટલે જ લગ્નોત્સવો કે માંગલિક પ્રસંગોનાં મુહૂર્તોની દૃષ્ટિએ કે આરોગ્યની દૃષ્ટિએ પણ તે જ માસ વધુ ઉત્તમ મનાય છે. આવાં અનેક કારણોસર ભગવાને માગશર મહિનાને ઉત્તમ માની, પોતાની વિભૂતિ તરીકે આ મહિનાને ગણાવ્યો હોય તે સમજી શકાય તેમ છે. કેટલાક વિદ્વાનોનો એવો મત છે કે, અત્યારના યુગમાં પોષ માસમાં સૂર્યનું ઉત્તરમાં અયન થાય છે તે શ્રીકૃષ્ણના સમયે માગશરમાં થતું હતું.
આવા, ભગવાનની વિભૂતિરૂપ માગશર માસમાં એક અખંડ અમર રહેવા માટે જન્મેલી પવિત્ર પળ પણ આવી ગઈ, માગશર સુદ આઠમના દિને. એ પળ એટલે - આ વસુંધરા પર નાનકડા ચાણસદ ગામે વિશ્વવંદનીય સંત પ્રમુખસ્વામી મહારાજનું અવતરણ.
વર્ષ હતું - સન 1921નું, વિક્રમ સંવત 1978નું.
એ વાતને આજે સો વર્ષ વીતી રહ્યાં છે અને વિશ્વભરમાંથી લાખો લોકો તેમને હૃદયથી યાદ કરીને, તેમના અનંત ઉપકારોની સ્મૃતિ કરીને વંદના કરી રહ્યા છે ત્યારે, વીસ વર્ષ પહેલાં મહંત સ્વામી મહારાજે તેમનાં ચરણે અર્પણ કરેલી એક ચિંતનીય લેખાંજલિ અહીં માણીએઃ
‘એકબીજાને વ્યવહાર પડ્યાથી સાધુતાની ખબર પડે છે. તે વિના સાધુપણું જણાતું નથી.’
અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની આ વાત(1/326) સાધુતાની કસોટી સમાન છે. મનમોજી વર્તન રાખી, સર્વેથી અલગ પડી, એકલપણું ભોગવી, સાધુપણું રાખવું તેમાં શું મોટી વાત?છે? પ્રવૃત્તિમાં સ્વભાવનાં ઘર્ષણ થાય; માન, ઈર્ષ્યા, ક્રોધ, રાગ-દ્વેષ, પક્ષાપક્ષી, મારું-તારું અહં-મમત્વના ખેલ ખેલાય; તેની વચ્ચે પણ સાધુતા રહે તે ખરું. તેથી આગળ, આ બધામાં ચિત્તની પ્રસન્નતા રહે તે તો ગુણાતીત જ કહેવાય.
પ્રમુખસ્વામી મહારાજ એક એવા વિરલ ગુણાતીત સંત છે. વ્યવહાર વચ્ચે રહીને તેમણે ચિત્તની પ્રસન્નતારૂપ મહા-મહાસિદ્ધિ મેળવી છે, ભોગવી રહ્યા છે. આ સર્વ સિદ્ધિઓની સિદ્ધિ છે. આનાથી મોટી કોઈ સિદ્ધિ જ નથી. માની લ્યો, ચિત્તની પ્રસન્નતા હોય તો પણ અખંડ ચિત્તની પ્રસન્નતા એ તો અતિ દુર્લભ સિદ્ધિ છે. પ્રમુખસ્વામી મહારાજને અપાર જવાબદારીઓ છે, લાખો શિષ્યો, સેંકડો સંતો, 500 મંદિરો, કેટલાં નવાં થઈ રહ્યાં છે, પણ આ બધી પ્રવૃત્તિઓ વચ્ચે ચિત્તની પ્રસન્નતા અકબંધ રહે છે! આપણે બધાને પણ જવાબદારીઓ છે, પણ કેટલા તણાવમાં રહીએ છીએ? સ્વભાવ કેવા કૂદી-કૂદીને બહાર પ્રવૃત્તિના મેદાનમાં આવે છે?? કેવી રમખાણ મચાવે છે?? ચિંતામાં કેવા ડૂબી જઈએ છીએ?? જાત-જાતનું, ભાત-ભાતનું થાય છે. પરંતુ જ્યાં બધા અપસેટ(upset) ત્યાં સ્વામીશ્રી સેટ(set), સ્થિર-ધીર-નિશ્ચિંત, હળવાફૂલ?! વળી, સંજોગો ઊંધા-ચત્તા થાય કે જે થાય તે, પણ સ્વામીશ્રીના ચિત્તની પ્રસન્નતાના કારણે બધું શમી જાય છે અને તેમની કૃપાથી સામાન્ય વ્યક્તિ પણ, સામાન્ય સાધન-સંજોગોમાં અસામાન્ય કાર્ય કરી બતાવે છે! Best management is that where common people with common means and in common circumstances do uncommon things. આ સ્વામીશ્રીના ચિત્તની પ્રસન્નતાનું પરિણામ છે.
વળી, ચિત્તની પ્રસન્નતા માટે તેમને ધ્યાનમાં બેસવું પડતું નથી, યોગ સાધવો પડતો નથી, એકાંત સેવવું પડતું નથી, ક્રિયા અને જવાબદારીઓમાંથી અને ભજન-ભક્તિ પૂજા-પાઠમાંથી નિવૃત્તિ લેવી પડતી નથી. તેમને સહજાનંદનો સહેજે આનંદ રહે છે.
સહજાનંદના સહજ-આનંદનું કારણ એ છે કે સ્વામીશ્રીનું ચિત્ત 101% મહારાજ-સ્વામી, શાસ્ત્રીજી મહારાજ - યોગીજી મહારાજમાં ખેંચાઈ ગયું છે. શ્રીજીમહારાજે પ્રથમ પ્રકરણના 25મા વચનામૃતમાં વાત કરી કે જે ભક્તની ચિત્ત-વૃત્તિ ભગવાનના સ્વરૂપને વિષે જોડાણી તેને અષ્ટાંગ-યોગ વગર સાધે સધાઈ રહ્યો. સ્વામીશ્રી તો અનાદિના ગુણાતીત સંત છે. બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ સાથે. પણ સમજવા માટે (પ્રેક્ટિકલ થવા માટે) સ્વામીશ્રીને આ રીતે સમજીએ. સ્વામીશ્રી છે એવા નહીં, પણ દેખાય છે એવી રીતે લઈએ તો સ્વામીશ્રી શાસ્ત્રીજી મહારાજમાં એવા તો ખેંચાણા, એવા તો ખેંચાણા કે તેમનું ચિત્ત સંપૂર્ણ રીતે, યથાવત્‌ શાસ્ત્રીજી મહારાજમાં ઓતપ્રોત થઈ ગયું. તે સ્વરૂપ બની ગયા. અને શ્રીજીમહારાજના કહ્યા પ્રમાણે, તે વૃત્તિ કોઈની હટાવી ભગવાનના સ્વરૂપમાંથી પાછી હટતી જ નથી.

Other Articles by સાધુ અક્ષરવત્સલદાસ


© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS