Essays Archives

વડોદરા પાસે બામણગામના વિચરણની વાત યાદ આવે છે. અહીં ખોરડે ખોરડે સ્વામીશ્રી લોકોના ઘરે ઘૂમ્યા છે. એકવાર વૈશાખ મહિનાના સખત તાપમાં સ્વામીશ્રી બપોરે ત્રણ વાગે પધરામણીઓ કરી રહ્યા હતા. વિચરણમાં હું સાથે હતો. એ ગામ ઊંચાણ-નીચાણના ઢોળાવોવાળું છે. પધરામણીઓમાં ઢોળાવો ચઢવા-ઊતરવામાં કસ નીકળી જતો. સ્વામીશ્રી એક ટેકરો ચઢી રહ્યા હતા. તેમને હાંફ ચડ્યો હતો. પગની પિંડીઓમાં કળતર થતું હોય તેવું મને લાગ્યું. એટલે મને દયા આવી, આટલો ભીડો શા માટે ? હવે એમણે આરામ કરવો જોઈએ...
ત્યાં તો તરત સ્વામીશ્રીએ મારી સામું જોયું ને જરા હસ્યા. મને થયું : આ કાંઈ હસવાની વાત છે ? એવામાં સ્વામીશ્રી કહે : 'અહીં બધે યોગીબાપાએ પધરામણી કરેલી છે !!'
હું ચકિત થઈ ગયો. ક્ષણે ક્ષણે એમણે પોતાના ગુરુને જ નજર સમક્ષ રાખ્યા છે, પોતાને ક્યારેય નહીં, એમને રાજી કરી લેવાનો જ એમનો વિચાર છે. પોતાના દેહની કોઈ દયા જ નથી ! સ્વામીશ્રીએ બીજાનું ભલું કરવા પોતે ભીડો વેઠ્યો. પોતાના વર્તનથી સૌને રાજી કર્યા. પ્રેમ અને વર્તનનો અલૌકિક જાદુ તેમનામાં સહેજે જોવા મળે. વિરોધીઓની પણ સેવા કરી છે - ક્યારેક ક્યારેક નહીં, એકધારી - એક જ ભાવથી ! તેઓ ઘસાઈ છૂટ્યા છે, જે કાંઈ સ્વાસ્થ્ય હજુ ટકી રહ્યું છે, તે પણ હજુ ભક્તોને માટે ઘસી નાખવું છે. ઘણી વાર આપણને લાગે છે કે તેમને દેહ છે કે નહીં ?
સારંગપુરમાં ક્વિઝના એક કાર્યક્રમમાં સ્વામીશ્રીને પૂછ્યું હતું : 'આપને શું થવું ગમે ?'
સ્વામીશ્રી ધાણી ફૂટે તેમ બોલ્યા હતા : 'સેવક !'
હા, સ્વામીશ્રી સદાના સેવક રહ્યા છે. ક્યારેય 'હક' (Rights) માટે મકર સરખો કર્યો નથી, ફરજ ઉપર જ ગયા છે. ફરજને જ પોતાનો હક માને છે અને આનંદ લૂંટે છે. તેથી જ તેમને ક્યારેય થાક, આળસ કે કંટાળો કાંઈ જ નથી ! હળવા ને હળવા !
આ લખું છું એ નક્કર અનુભવેલી હકીકત છે... જેના લાખો હરિભક્તો સાક્ષી છે. એમણે વેઠેલો ભીડો એ ભવિષ્યની પેઢી માટે તો કલ્પના કે દંતકથાનો વિષય બની રહેશે. એમની સાથે મારે છેલ્લાં ૬૦ વર્ષનો સંપર્ક છે. તેમનો લાભ લઈએ છીએ. તેમાં અવશ્યપણે અનુભવ્યું છે કે સ્વામીશ્રી અસલી સંત છે. નિરાળા સાધુ છે. એમના અનંત ગુણો કેળવેલા કે મેળવેલા નથી. શીખેલા કે જાણેલા નથી. પોતે પણ ઘડાઈ-ઘડાઈને ગુણિયલ થયા તેવું નથી. એમને ભગવાનનો અખંડ અને અનાદિ સંબંધ છે. એટલે જ તેઓ સર્વ સદ્‌ગુણોનું નિવાસસ્થાન છે.
સૌથી અગત્યનું અને આંખે ઊડીને વળગે એવું સ્વામીશ્રીનું જો કોઈ પાસું હોય તો તે છે પંચવર્તમાનની દૃઢતા. વર્ષોથી જોઉં છું, તેમની એક રહેણીકરણી...
એક રહેણીકરણી અને પંચવર્તમાનમાં દૃઢતા એ વર્તનનું પહેલું મહત્ત્વનું પાસું છે. અને બ્રહ્મરૂપે રહી પરબ્રહ્મની ઉપાસના કરવી એ બીજું મહત્ત્વનું પાસું છે. સ્વામીશ્રી પાસે બંને પાસાં ઝળહળતાં છે ! ક્યાંય ડાઘ નથી, કલંક નથી, દેહભાવ જ નથી, અને આ જ સૌથી મોટું વર્તન છે. એમનો આત્મભાવ જોઈને આપણને પ્રેરણા મળે કે દેહ સાચવવા જેવો નથી ! ભગવાન અને ભક્તો માટે ખપી જવા જેવું છે. એમના જીવનથી આપણું જીવન ઘડાયા કરે છે. જે પુસ્તકો કે પોતાના બળથી નથી થતું તે સ્વામીશ્રીને જોવામાત્રથી થાય છે. કારણ કે સ્વામીશ્રી શુદ્ધ છે, નિર્મળ છે, નિષ્કલંક છે.
બીજું, વર્ષોથી અમે જોતાં આવ્યા છીએ, ધર્મધુરા સંભાળી ત્યારથી આજ સુધી એમની આટલી પ્રવૃત્તિમાં એમનો આદર્શ ક્યારેય બદલાયો નથી. એમનો આદર્શ છે — આત્મારૂપ થઈ ભગવાનની ભક્તિ કરવી. ગુરુ શાસ્ત્રીજી મહારાજ અને યોગીબાપાને રાજી કરવા. આજે કેટલાય ધર્મનેતાઓને જોઈએ છીએ, દર વર્ષે - ક્યારેક તો દર છ મહિને ગુરુની ફિલોસૉફી અને પ્રાયોરિટી બદલાયા કરે... સિદ્ધાંતો અને નિયમો બદલાયા કરે... સ્વામીશ્રી પાસે ધ્યેયની આટલી સ્પષ્ટતા અને એકસૂત્રતા વ્યવહારમાં એમના અનુયાયીઓને પણ સલામતી બક્ષે છે. ધ્યેય હાંસલ કરવામાં મદદરૂપ બને છે. તેમણે આધ્યાત્મિકતાને સાંગોપાંગ રોમરોમમાં ઉતારી છે.
દેશ-વિદેશના મહાન ધર્મગુરુઓ - સંતો, વિદ્વાનો, ઉદ્યોગપતિઓ, વિજ્ઞાનીઓ અને વિશ્વના સત્તાધીશો-ધુરંધરો સાથે તેમની મુલાકાતો થતી રહે છે. દરેક મહાનુભાવ સ્વામીશ્રી સાથેની મુલાકાતમાં કંઈક અદ્‌ભુત અનુભવ કરે છે. એ અનુભવો આશ્ચર્યકારક રીતે મળતા આવતા હોય છે ! જાણે કે આ બધા મહાનુભાવોએ મુલાકાત પછી એક મિટિંગ કરીને સ્વામીશ્રી વિષે ચર્ચા કરી ન હોય ! જુદાં જુદાં ક્ષેત્રોના, જુદા જુદા સમયે, સ્વામીશ્રીને મળેલા જુદા જુદા અનુભવો વાળા મહાનુભાવો સ્વામીશ્રી પાસે તો એક સરખો જ અનુભવ કરે છે ! આમ બનવાનું કારણ એ છે કે સ્વામીશ્રીના ગુણો માયિક નથી, દિવ્ય છે.
લોકો પૂછે છે : 'આપની સાધના કઈ ?'
સ્વામીશ્રી જવાબ આપે છે : 'ભગવાન રાખ્યા છે, ને લોકોને ભગવાનને માર્ગે ચડાવીએ છીએ એ !'
બહુ સાદી વાત છે એટલે સમજાતી નથી. આટલા મોટા-બહોળા વ્યવહારમાં વર્તન ને સ્વભાવો અથડાય જ; વ્યવહાર અને આધ્યાત્મિકતા, સાધુતા બંને જુદા જુદા છેડાના અંતિમો છે. તે ભેગાં થાય જ કેવી રીતે ? આ શંકા સ્વામીશ્રીને - તેમના જીવનને જોયા પછી જતી રહે છે.
સ્વામીશ્રીને ક્યારેય એકાંત હોતું નથી. સદાય પ્રવૃત્તિના હલ્લા ચારેબાજુ દેખાયા કરતા હોય છે. આ બધાની વચ્ચે પણ સ્વામીશ્રીની એક શાંત-નિરાળી આધ્યાત્મિક છબિ ઉપસતી રહી છે. આટલો વ્યવહાર હોવા છતાં સ્વામીશ્રી ક્યારેય વ્યવહારમય લાગ્યા નથી !
વહેવારિયા લોકોને એક ટેવ પડી જાય છે‘shouting’નીિં. પોતાનું અસ્તિત્વ બતાવવા માટે તેમને બૂમાબૂમનો આશરો હોય છે. મને યાદ છે કે યોગીબાપાના અમૃત મહોત્સવ વખતે સ્વામીશ્રીએ એકલે હાથે બધા જ વિભાગોને સંભાળેલા, પણ ક્યારેય પોતે ઊભરાઈ ગયા નહોતા. અમે યોગીબાપા સાથે છેલ્લી વિદેશયાત્રા કરી ભારત આવ્યા ત્યારે બધાં જ શહેરો-ગામોમાં સંતો-હરિભક્તોની ગાડીઓની તેમજ બેઠક વ્યવસ્થા પણ સ્વામીશ્રી જ સંભાળતા. આટલા ગૂંચવાડાવાળા અને એકધારા કામમાં સ્વામીશ્રીને ક્યારેય કંટાળેલા નથી જોયા. બિલકુલ ધીર-સ્થિર. બીજા અમથા બૂમો પાડતા હોય. આપણને લાગે કે આ જ વ્યવસ્થાપક હશે ! પણ શાંત રહીને કામ કરવાની કુશળતા સ્વામીશ્રીની સાધુતાને વધુ ઝળહળતી બનાવે છે.
સ્વામીશ્રીનાં અનેક રૂપોમાં અધ્યાત્મ પ્રગટે છે. સંતો-ભક્તો સાથે એમને રમૂજની છોળો ઉડાડતા જોયા છે. બાળકો સાથે હળવોફૂલ વાર્તાલાપ સાંભળ્યો છે, સખત ટૅન્શન અને ચિંતા ઊભી થઈ જાય તેવા સંજોગોમાં ભગવાનને સર્વ કર્તાહર્તા સમજીને વગર ચિંતાએ અતિ અગત્યના નિર્ણયો લેતા જોયા છે. અત્યંત મૃદુ વાણીથી એમના અંતરનાં અમૃત ચાખ્યાં છે. આ બધું શું બતાવે છે ? તેઓ કોઈના ઠરાવ્યા ઠર્યા નથી. અંતર જ જેમનું અરોગી છે, રાગદ્વેષથી રહિત છે, ત્રિગુણથી પર છે, તેવા મહાપુરુષને તો ભગવાન સામેથી વશ વર્તે. કોઈ ધારણા નહીં, યોગનાં કોઈ અંગ નહીં, તો પણ સ્વામીશ્રી યોગી છે !
સ્વામીશ્રીની આ અલગારી-અવધૂત સ્થિતિ છે. વ્યવહારમાં કોઈ એમની બરોબરી કરી શકે તેમ નથી એવું જણાય, પણ તરત બ્રહ્મરૂપે વર્તતા જોઈએ ત્યારે એમ જણાય કે સ્વામીશ્રી પરમ દિવ્ય આધ્યાત્મિક પુરુષ છે !


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS