ધાર્મિક વિધિ-વિધાનોના પ્રખર પુરસ્કર્તા ગુરુહરિ પ્રમુખસ્વામી મહારાજને વંદના...
ભારત એક એવો દેશ છે, જ્યાં વહેલી સવારે આકાશમાં સૂર્યની લાલિમા પથરાય તે પહેલાં આધ્યાત્મિક પૂજા-વિધિ-વિધાનોની લાલિમા છવાઈ જાય છે. કોઈ યોગ કરે છે, કોઈ ધ્યાન ધરે છે, કોઈ પૂજા-પાઠ કરે છે, કોઈ યજ્ઞ કરે છે, કોઈ મંત્રજાપ કરે છે, કોઈ ગીતાપાઠ કરે છે, તો કોઈ ભક્તિના અન્ય ઉપચારોમાં તલ્લીન થઈ જાય છે. વહેલી સવારથી મંદિરોના ઘંટનાદ ગુંજે છે, આરતીની જ્યોતિ ઝળહળે છે, ઘરોઘર ઘરમંદિરોમાં દીવા પ્રગટવા માંડે છે.
આવા નિત્ય પૂજાપાઠથી લઈને અનેક પ્રકારની ધાર્મિક વિધિઓ ભારતને, સનાતન હિન્દુ ધર્મને વાઇબ્રન્ટ એટલે કે ચેતનવંતો બનાવે છે. વિધિ-વિધાનો વિનાનું હિન્દુ જીવન સંભવિત નથી. બાળકના જન્મ પૂર્વેથી શરૂ થયેલાં વિધિ-વિધાનો મૃત્યુ પછી પણ તેર દિવસ સુધી ચાલતી વિધિઓ હિન્દુ જીવનનો અભિન્ન ભાગ બની રહ્યા છે. આમ છતાં, આધુનિકતાના વાયરાને કારણે નવી પેઢી આ મજબૂત પરંપરાને શંકાની નજરે જોતી થઈ છે. એમને આ વિધિ-વિધાનો અર્થવિહીન લાગે છે. સમય, દ્રવ્ય અને શક્તિનો વ્યય લાગે છે. શું ખરેખર તેમ છે?
યજ્ઞ, મૂર્તિપ્રાણપ્રતિષ્ઠા, મહાપૂજા, શિલાન્યાસ, વાસ્તુવિધિ, અંત્યેષ્ટિ વિધિ વગેરે શાસ્ત્રીય વિધિઓ શું અર્થવિહીન છે? આવી વિધિઓથી લઈને અનેક શુભ કાર્યો માટે પ્રયુક્ત થતાં શુભ મુહૂર્તાે શું માત્ર અંધશ્રદ્ધા છે?
અમુક લોકો વ્યક્તિગત અહંકારને કારણે, પશ્ચિમના કહેવાતા બૌદ્ધિકોનું અંધ અનુકરણ કરીને, આપણી ધાર્મિક ક્રિયાઓ પાછળની ભાવના સમજ્યા વિના તેનું છીછરા તર્કોથી ખંડન કરે છે, પરંતુ વિશ્વની કઈ ધર્મ-સંસ્કૃતિમાં આવાં વિધિ-વિધાનો નથી ?
અમેરિકાથી લઈને ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડનાં જંગલોમાં વસતા અજ્ઞાની આદિવાસીઓને પણ પોતાની ધાર્મિક વિધિઓ છે. તો વિશ્વમાં સૌથી સાયન્ટિફિક સંશોધનો કરનારા પ્રખર બુદ્ધિમંત યહૂદીઓ, વિશ્વમાં ધન-સત્તા-બુદ્ધિ-વિજ્ઞાનની ટોચે બેઠેલા લાખો યહૂદીઓ પણ ગૌરવપૂર્વક પોતાનાં ધાર્મિક વિધિ-વિધાનોને આજેય શ્રદ્ધાપૂર્વક અનુસરે છે.
જેમ કે, કોશર (શાસ્ત્રીય રીતે પવિત્ર માનવામાં આવતો ખોરાક) લેવો, માથે ટોપી પહેરવી, શુક્રવારે સૂર્યાસ્ત પછી કોઈ પ્રકારનું કાર્ય ન કરવું, સીનેગોગમાં જઈ પ્રાર્થના કરવી, સીનેગોગમાં સ્ત્રી-પુરુષોએ જુદાં બેસવું, સબાથ-દિનની સાંજે ઘરમાં મીણબત્તીઓ પ્રગટાવવી...
મુસ્લિમ, ખ્રિસ્તી, જૈન, બૌદ્ધ, શીખ, તાઓ વગેરે સૌની પોતપોતાની આવી જ માન્યતાઓ અને ધાર્મિક વિધિઓ છે. બુદ્ધિશાળી ગણાતા પારસીઓમાં પણ બાળકને નૌજોત (પારસી દીક્ષા) અપાય છે.
ટૂંકમાં, વિશ્વનો કયો સમાજ એવો હશે કે જ્યાં આવી ધાર્મિક વિધિઓનું મહત્ત્વ નહીં હોય?
પરંતુ એ બધાનો વિચાર કર્યા વિના પોતાના ધર્મનાં વિધિ-વિધાનો પર પ્રહાર કરીને કેટલાક બૌદ્ધિક હિન્દુઓ હિન્દુ ધર્મની સહિષ્ણુતાની કસોટી કરી રહ્યા છે. હા, એટલું સ્વીકારવું પણ પડે કે સંભવતઃ ધાર્મિક વિધિ-વિધાનોમાં ક્યાંક જડતા અને યાંત્રિકતા પ્રવેશી પણ ગઈ હોય. પરંતુ તેનો અર્થ એ નથી કે બધાં જ વિધિ-વિધાનો અર્થવિહીન હોય.
કેટલાંય વિધિ-વિધાનો એવાં છે કે જેને હવે વિજ્ઞાન પણ સ્વીકારવા લાગ્યું છે. યોગ, ધ્યાન, મંત્રજાપ, પ્રાર્થના, પૂજા, માનસીપૂજા, યજ્ઞ, મુદ્રા વગેરે બાબતો પર વિશ્વની પ્રસિદ્ધ યુનિવર્સિટીઓ સંશોધનો કરી રહી છે. અમેરિકાની જગપ્રસિદ્ધ હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રસિદ્ધ સંશોધક ડૉ. હર્બટ બેન્સન કે થોમસ જેફરસન યુનિવર્સિટી અને પેન્સિલવેનિયા યુનિવર્સિટીના સંશોધક ડૉ. એન્ડ્રુ ન્યુબર્ગ જેવા કંઈક ધુરંધરો ધ્યાન, મંત્રજાપ, વગેરે ધાર્મિક વિધિઓ પર વિજ્ઞાનની દૃષ્ટિથી પ્રકાશ પાથરી રહ્યા છે. બાળકને ગર્ભમાંથી સંસ્કાર આપવાની વાતો ભારતીય સંસ્કૃતિમાં ઠેર ઠેર પડી છે. કેટલાક આધુનિકો તેને હાસ્યાસ્પદ ગણાવતા હતા, પરંતુ હવે તો વિજ્ઞાને પણ તેનો સ્વીકાર કરી લીધો છે.
આવાં સમર્થનો વિશે જાણીએ ત્યારે એમ ચોક્કસ લાગે કે ભલે આપણાં શાસ્ત્રોમાં આ વિધિ-વિધાનો પાછળનાં કારણો સ્પષ્ટ રૂપે લખવામાં આવ્યાં ન હોય, પણ એની પાછળ ચોક્કસ મર્મ છે, નિશ્ચિત હેતુ છે, અનુભવપૂર્ણ જ્ઞાન છે, માનવજાતના હિતનું લક્ષ્ય છે.
હિન્દુ ધર્મ પાસે એ બધાના બુદ્ધિગમ્ય જવાબો છે, તેના પર વિશેષ સંશોધન કરવામાં આવ્યું છે, પરંતુ આપણને તેનો અભ્યાસ નથી. જો કે બુદ્ધિ બધાના જવાબો નથી આપી શકતી, ક્યાંક એને પણ શ્રદ્ધાથી અટકવું જ પડે છે, એ પણ સ્વીકારવું જ રહ્યું.
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ હંમેશાં ધાર્મિક વિધિ-વિધાનોના આગ્રહ સાથે કહેતા કે ‘ભલે તમને આ વિધિ-વિધાનો કે મંત્રોમાં કાંઈ સમજાય નહીં, પરંતુ તમે શ્રદ્ધાપૂર્વક એ વિધિ કરશો તો ચોક્કસ તેનો લાભ થશે. આપણા ૠષિઓ વિજ્ઞાની હતા. તેમણે જે કાંઈ કર્યું છે તે ખૂબ વિચારી, સંશોધન કરી અને અનુભવથી કર્યું છે.’ પ્રમુખસ્વામી મહારાજ માત્ર આમ કહેતા હતા એટલું જ નહીં, આચરતા પણ હતા. સ્વયં બ્રહ્મસ્વરૂપ ગુણાતીત સંત હોવા છતાં, પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણનો સર્વોપરી નિશ્ચય અને સાક્ષાત્કાર હોવા છતાં, પોતાની સર્વોપરી નિષ્ઠા કે પોતાની બ્રાહ્મી સ્થિતિની ઓથે તેમણે શાસ્ત્રીય વિધિ-વિધાનોની અવગણના કરી નહોતી કે બીજાને પણ કરવા દીધી નહોતી. તેઓ સ્વયં બ્રહ્મસ્વરૂપ હતા એટલે તેમના મુખમાંથી નીકળે એ બ્રહ્મવાક્ય અને તેઓ સમય બતાવે તે શ્રેષ્ઠ મુહૂર્ત. એવી લાખો લોકોને શ્રદ્ધા અને અનુભૂતિ હતી. તેમ છતાં સ્વામીશ્રીએ શાસ્ત્રીય વિધિ-વિધાનો કે મુહૂર્ત પરંપરાનું ન તો ક્યારેય ખંડન કર્યું કે ન તો તેની અવગણના કરી. તેઓ ભારતીય સંસ્કૃતિના અને સનાતન હિન્દુ ધર્મના એક ખરા અર્થમાં પુરસ્કર્તા હતા. આથી, એમણે એ બધાં વિધિ-વિધાનોને પ્રોત્સાહન અને નવજીવન આપ્યું.
1995માં લંડનમાં સ્વામીશ્રીએ રચેલા ભવ્ય મંદિરના મૂર્તિપ્રતિષ્ઠા પૂર્વે મંદિરના પ્રાસાદનો પ્રારંભિક વાસ્તુયજ્ઞ કરવામાં આવ્યો હતો. પ્રમુખસ્વામી મહારાજ એ સમયે અન્ય કાર્યક્રમોમાં વ્યસ્ત હતા. આથી, નિર્ધારિત કાર્યક્રમ પ્રમાણે, તેઓની અનુપસ્થિતિમાં આ વાસ્તુયજ્ઞની વિધિમાં વરિષ્ઠ સંતો પધારવાના હતા. એ મુજબ મહંત સ્વામીજીની ઉપસ્થિતિમાં ભૂદેવોએ વાસ્તુયજ્ઞ શરૂ કર્યો. પરંતુ વિધિ શરૂ થયો અને થોડીવારમાં જ પ્રમુખસ્વામી મહારાજ વિધિમાં પધાર્યા. બધાને ખૂબ આશ્ચર્ય થયું. બીજા બધા કાર્યક્રમોને ટૂંકાવીને સ્વામીશ્રીએ આ વિધિને વિશેષ પ્રાધાન્ય આપ્યું. અને પૂર્ણ પણે વિધિમાં ખૂબ આનંદથી જોડાઈ ગયા. આવા તો અનેક અનુભવો છે કે સ્વામીશ્રી દરેક વિધિમાં ખાસ ઉત્સાહ, ભક્તિ અને શ્રદ્ધાથી ઉપસ્થિત રહેતા.
ધાર્મિક વિધિ-વિધાનોના આવા વિરલ પુરસ્કર્તા પ્રમુખસ્વામી મહારાજને શતાબ્દીએ શત શત વંદન...