Essays Archives

ઉત્તર ઇતિહાસપ્રસિદ્ધ છે. સાતમી સદીથી ભારતીય લલાટે આક્રમણકારોનો નવો ઇતિહાસ લખાયો. એ ઇતિહાસ હતો - સંસ્કૃતિના આધારસ્તંભ સમાન મંદિરોને ધ્વસ્ત કરવાનો. સને ૬૫૦થી છેક ૧૮મી સદીના અંત સુધી આક્રમણકારોની ઝનૂની ફોજ ભારત પર ચઢાઈઓ કરતી રહી. આરબો, પર્શિયનો, તુર્કો, મુગલો અને અફઘાનોની આ ફોજોએ જંગલી આક્રમણો કરીને ભારતીય સંસ્કૃતિના આધારસ્તંભ સમાં મંદિરોને ધ્વસ્ત કરવાનો ક્રૂર અને બર્બર ઉપક્રમ આદર્યો. શિલાલેખો, મધ્યયુગીન વિદેશી પ્રવાસીઓના પ્રવાસવર્ણનની ડાયરીઓ તેમજ આર્કિઓલોજિકલ (પુરાતત્ત્વીય) સંશોધનોએ પુરવાર કર્યું છે કે, ભારતની ઉત્તર-પશ્ચિમ સરહદેથી ઘુસી આવતાં આ ધાડાંઓએ કાશ્મીર, પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બિહાર, નેપાળ, બંગાળ, આસામ, ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, તામિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યભારત, સિંધ, દક્ષિણ અફઘાન, છેક બલ્ખ, ગઝ ની સુધી વ્યાપેલાં મંદિરોને ધ્વસ્ત કર્યાં હતાં. કુતુબુદ્દીન ઐબક(સને ૧૧૯૨-૧૨૧૦), સમશુદ્દીન ઈલ્તુતમિશ(સને ૧૨૧૦-૧૨૩૬), ગ્યાસુદ્દીન બાલબાન(સને ૧૨૪૬-૧૨૬૬), અલાઉદ્દીન ખલજી(સને ૧૨૯૬-૧૩૧૬), મુહમ્મદ બિન તઘલખ(સને ૧૩૨૫-૧૩૫૧), ફિરોજશા તઘલખ(સને ૧૩૫૧-૧૩૮૮), સિકંદર લોદી(સને ૧૪૮૯-૧૫૧૯), બાબર (સને ૧૫૧૯-૧૫૨૬) અને ઔરંગઝેબ (સને ૧૬૫૮-૧૭૦૭) વગેરેએ કેટલી સંખ્યામાં મંદિરોને ધ્વસ્ત કર્યાં હશે ? કોઈ અંદાજ ખરો ?
સને ૧૯૨૫-૧૯૨૬માં 'આર્કિઓલોજિકલ સર્વે ઑફ ઇન્ડિયા' દ્વારા પ્રકાશિત વાર્ષિક અહેવાલમાં, તેના અધ્યક્ષ સર જ્હોન માર્શલે, મંદિરો તોડીને તેના સ્થાને ઊભી કરાયેલી ઈસ્લામિક ઈમારતોનો સંશોધનપૂર્ણ અહેવાલ ટાંક્યો છે. આર્કિઓલોજિકલ સર્વે ઑફ ઇન્ડિયા'નાં સંશોધનોને આધારે 'Hindu Temples, What Happened to them.' પુસ્તકમાં આવાં ૨૦૦૦ કરતાંય વધુ સ્થળોની એક 'પ્રિલિમિનરી' સૂચિ પ્રકાશિત કરવામાં આવી છે. (આ ઉપરાંત જે મંદિરો સંપૂર્ણ તોડી નંખાયાં તેની યાદી અપ્રાપ્ય છે.) ઇતિહાસકારોનું મંતવ્ય છે કે, આક્રમણકારોએ ઓછાંમાં ઓછાં ૩૫૦૦ કરતાંય વધુ ભવ્ય મંદિરોને ધ્વસ્ત કર્યા હતાં!
કેવી બર્બરતાથી આ મંદિરો તોડી પડાયાં હતાં, તેનો ચિત્રાત્મક અહેવાલ આપતાં રોબર્ટ સ્યુવલ નામના ઇતિહાસકારે વિજયનગરના ઇતિહાસકારોને વિસ્તારપૂર્વક ટાંક્યા છે. સને ૧૫૬૫માં દક્ષિણ ભારતના વિજયનગર પર થયેલા મુસ્લિમ આક્રમણને વર્ણવતાં વિજયનગરનો ઇતિહાસકાર લખે છે : 'તેઓ વિજયનગર પહોંચ્યા તે સમયથી લઈને પાંચ મહિના સુધી વિજયનગરને જંપવા દીધું નહીં. શત્રુઓ અહીં આવ્યા હતા વિનાશ કરવા માટે. નિષ્ઠુરતાથી વિનાશ વેરીને તેમને જોઈતું હતું તે લઈ ગયા. ભવ્ય મંદિરો તોડ્યાં, ક્રૂરતાથી લોકોનો વધ કર્યો, મહેલો તોડ્યાં... હવે અહીં ખંડેરોના ખડકલાં સિવાય કશું જ બચ્યું નથી. એ ઢગલાંઓ માત્ર એટલું જ સૂચવે છે કે, અહીં ભવ્ય મંદિર હતું, અહીં ભવ્ય મહોલાતો હતી. એક જ પત્થરમાંથી બનાવેલી ભગવાન નરસિંહની ભવ્ય મૂર્તિ પણ આક્રમણકારોએ તોડી નાખી. મંદિરોના જે પેવિલિયનોમાં ઊભા રહીને રાજાઓ મહોત્સવને માણતાં તેને ધ્વસ્ત કર્યાં અને જે કાંઈ શિલ્પો હતાં તેને ફગાવી દીધાં. અને સૌથી વિશેષ તો હતું નદીના કિનારે ઊભેલું વિઠ્ઠલ સ્વામીનું મંદિર, જે બેનમૂન કલાકારીગરીથી શોભતું હતું. તેને આક્રમણકારોએ ક્રૂરતાથી અગ્નિની જ્વાળામાં જલાવી દીધું, એટલું જ નહીં તેમાં રહેલાં પથ્થરનાં અદ્‌ભુત શિલ્પોનો ભાંગીને ભૂક્કો કરી નાખ્યો. આગ અને તલવાર, લોઢાના સળિયાઓ અને કુહાડાઓથી તેઓ સતત વિનાશ કરતાં જ રહ્યા. કદાચ, જગતના ઇતિહાસમાં આવો વિનાશ ભાગ્યે જ કોઈએ જોયો હશે. કેવા અદ્‌ભુત નગર પર કેવો અચાનક વિનાશનો પંજો! એક દિવસ સમૃદ્ધ અને ઉદ્યોગી પ્રજાથી જે શહેર ધમધમતું હતું, ધનધાન્યથી આબાદ હતું, તે ઝુંટવાઈ ગયું, લુંટાઈ ગયું, ખંડેર બની ગયું, ક્રૂર નરસંહાર અને ભયાનકતાનાં એ દૃશ્યો વર્ણવતાં થાકી જવાય છે.'(Robert Sewell, A Forgotten Empire, New Delhi, Reprint, ૧૯૬૨, ભ્ષ્ટ. ૧૯૯-૨૦૦.)
ભારતમાં ફરીને તૂટેલાં મંદિરોનો આર્કિયોલોજિકલ સર્વેક્ષણનો રિપોર્ટ સને ૧૮૬૨થી ૧૮૬૫ દરમ્યાન પ્રકાશિત કરનાર તત્કાલિન બ્રિટીશ પુરાતત્ત્વવિદ્‌ એલેકઝાન્ડર કનિંગહામ દક્ષિણ ભારતના મહોબા નગરનાં મંદિરોના વિનાશ વિશે લખે છેઃ 'જ્યાં સુધી મહોબા મુસલમાન સૂબાઓનું મુખ્ય મથક હતું ત્યાં સુધી તેમની ભયંકર ધર્માંધતા કે એટલી જ વિનાશક લાલસાથી છટકી શકી હોય તેવી એકપણ હિંદુ ઇમારતની અમે અપેક્ષા રાખી શકીએ તેમ નહોતા... એક વસ્તુ સ્વીકારવી જ પડે કે એ મુસ્લિમોએ જે જે શહેરને જપ્ત કર્યાં હતાં, તેમાંથી એકપણ શહેર એવું ન હતું કે જ્યાં એકપણ મંદિર સલામત ઊભું રહી શક્યું હોય... દિલ્હી, મથુરા, બનારસ, જોનપુર, મારવાડ કે અજમેરમાં એકેએક મંદિરનો તેમની ધર્માંધતાએ વિનાશ કર્યો હતો. જો કે, તેમની લાલસાનો એક આભાર માનવો પડે કે એ હિંદુ મંદિરોના ખૂબસુરત કલાત્મક સ્તંભો જાળવીને મોટે ભાગે તે જ સ્થળે મસ્જિદો કે વિજયી આક્રમણકારોની કબરો બનાવવામાં તેમનો ઉપયોગ કરવામાં આવ્યો! મહોબામાં બધાં જ મંદિરોનો આત્યંતિક નાશ કરવામાં આવ્યો હતો. ફક્ત એક જ મંદિર બાકી બચ્યું હતું, પરમારદી દેવનું મંદિર, જે મસ્જિદમાં રૂપાંતરિત થઈચૂક્યું છે. સને ૧૮૪૩માં મેં અહીં એક શિલાલેખ વાંચ્યો હતો. જેમાં સને સંવત્‌ ૧૨૪૦ એટલે સને ૧૮૮૩માં આ મંદિર બંધાયાનો ઉલ્લેખ હતો. અહીં પીર મુબારકશાહની દરગાહમાં મેં ગ્રેનાઈટમાંથી બનેલા ૩૧૦ હિન્દુ સ્તંભો જોયા, (સ્તંભોની સંખ્યા પરથી મંદિરની વિશાળતાનું અનુમાન લગાવી શકાય.) બાજુમાં માર્ગ પર કાળા પથ્થરમાંથી બનેલો નંદી પણ જોયો, દરગાહની અગાસીમાંથી પાણી નીચે પાડવા માટે શિવલીંગનું અર્ઘ પણ દીઠું. મને લાગ્યું કે આ શિવમંદિર હોવું જોઈએ, સંભવતઃ તે મહારાજા કીર્તિવર્માના સમયમાં સને ૧૦૬૫થી ૧૦૮૫ દરમ્યાન બંધાયું હતું.' (Alexander Cunningham, Archaeological Survey of India, Volume I, Varanasi, Reprint, ૧૯૭૨, Pp. ૪૪૦-૪૧.)
ઇતિહાસ આવાં અનેક દર્દનાક પૃષ્ઠોથી ભર્યો છે. થોડાંકેય પાનાં વિગતે વાંચ્યાં છે? તમે ક્યારેય, વિશ્વની અજાયબી સમા ઈલોરાના કૈલાસ મંદિર કે કોણાર્કના સૂર્યમંદિરના ભગ્નાવશેષ નીરખ્યાં છે? વિશ્વની આવી સર્વકાલીન સુંદરતમ રચનાનો આવો બર્બર વિનાશ જોતાં જ તમને ઉપરોક્ત વર્ણનની સત્યતા સમજાઈ જશે. નાલંદાના જલાવી દીધેલા વિહારોના અજોડ ગ્રંથાગારોના ખંડેરો, ખુદ ઇતિહાસદેવતાની આંખો સજળ બનાવી દે તેવાં મૂક સાક્ષી બનીને આજેય ઊભાં છે.
ક્યારેય મુગલ સામ્રાજ્યનો સાચો ઇતિહાસ વાંચ્યો છે? જાણીતા ઇતિહાસકાર સર જદુનાથ સરકાર અને પ્રૉ. શ્રીરામ શર્મા મુગલ શાસકોની મંદિરો તોડવાની પોલિસીનો ઇતિહાસ વર્ણવેછે, તેનાં પૃષ્ઠો પર નજર કરવા જેવી છે. ચોંકી જશો. (JaduNath Sarkar, History of Aurangzeb, Calcutta, 1925-52. Sri Ram Sharma, Religious Policy of the Mughal Emperors, Bombay 1962.) પરંતુ તે ક્રૂરતા અને બર્બરતા ભર્યા વિનાશના મહાસાગરનું એક મોજુ _ માત્ર છે.
આશ્ચર્ય એ વાતનું છે કે ક્રૂરતાથી હજારો મંદિરો તોડાયાં, હજારો મૂર્તિઓનો હીનતાપૂર્વક કચ્ચરઘાણ કાઢી નાખવામાં આવ્યો, પરંતુ ભારતીયોનાં હૃદયમંદિરો તોડવામાં આક્રમણકારો સરિયામ નિષ્ફળ રહ્યા. લોકોની શ્રદ્ધા ડગી નહીં. સતત ૮૦૦ વર્ષ સુધી વિદેશી શાસનના પ્રભાવ હેઠળ હિંદુઓનું દમન થતું રહ્યું પરંતુ એમની શ્રદ્ધા અદમ્ય રહી. સદીઓ સુધી ભારતમાં નવા મંદિરોનું નિર્માણ ન થયું, નવી મૂર્તિઓ ન સ્થપાઈ, પરંતુ એ પરંપરાનાં મૂળિયાં જીવતાં રહ્યાં!
આ મૂળિયાંનું ઉચ્છેદન કરવા માટે ૧૯મી સદીમાં બ્રિટિશરોની નવી જમાત ભારતમાં આવી ચૂકી હતી. કોલકાતાના ગવર્નર પદે આરૂઢ થનાર લૉર્ડ મૅકોલેએ તા. ૨-૨-૧૮૩૫ના રોજ લંડનમાં બ્રિટીશ પાર્લામેન્ટમાં પ્રવચન કરતાં કહેલું કે, 'મેં ભારતનો પૂરેપૂરો પ્રવાસ કર્યો અને એક પણ વ્યક્તિ એવી ન જોઈ કે જે ભિખારી યા ચોર હોય. મેં આ દેશમાં એટલી બધી સંપત્તિ, ઊંચાં મૂલ્યો, ઉચ્ચ બુદ્ધિસામર્થ્ય ધરાવતા લોકો જોયા છે કે જ્યાં સુધી આ દેશના મૂળને જડથી નહિ ઉખાડીએ ત્યાં સુધી કદી તેને જીતી શકીશું નહિ. આ દેશનું મૂળ એટલે તેનો આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસો. અને તેથી હું ઇચ્છુ _ છુ _ કે આપણે તેના જૂના અને પ્રાચીન શિક્ષણતંત્રને, તેની સંસ્કૃતિને બદલાવીએ જેથી ભારતીયો એવું માનતા થાય કે વિદેશી વધુ સારું અને મહાન છે. તો જ તેઓ સ્વાભિમાન અને સ્વસંસ્કૃતિ ગુમાવશે અને આપણે તેઓને જેવા ઇચ્છીએ છીએ તેવા તેઓ બનશે, એક ખરેખર પરાધીન દેશ.'
આ અભિગમ સાથે ભારતીય સંસ્કૃતિના આધારસ્તંભ સમાં શાસ્ત્રો, મંદિરો અને સંતો-સાધુઓ પ્રત્યે હિંદુઓની શ્રદ્ધા ડગાવવાનો આયોજનબદ્ધ પ્રયાસ શરૂ થયો. તે વધુ ખતરનાક નીવડ્યો. તે ક્ષણથી આજપર્યંત ભારતમાં યુરોપીયન ક્રુસેડ કે આરબ જિહાદના સૈનિકો હિંદુ માન્યતાઓની આસપાસ તર્ક-વિતર્ક-કુતર્કના જાળાં ગૂંથવા લાગ્યાં.
પરિણામ ?
'કનફ્યૂઝડ હિન્દુ' અથવા ગૂંચવાયેલા હિંદુઓની પેઢીઓ પેદા થવા લાગી. હિન્દુઓ જ પોતાના ધર્મની અસ્મિતા ખોવા લાગ્યા. પેલા લોકોને જે કરવું હતું તે થઈને રહ્યું. ભારતની માટીમાંથી પેદા થયેલાં એવા કેટલાંક હિંદુઓને હેઠળ 'ક્રાંતિકારી સમાજ સુધારક' થવાનું ગાંડપણ ઊપડ્યું અને લૉર્ડ મૅકોલેની જમાતના આધુનિક જમાદાર બની ગયા. સમાજ સુધારણાને નામે એમણે ઘરે બેઠાં પોતાનાં જ મૂળિયાંઓ પર પ્રહારો શરૂ કરીને વધુ ને વધુ હિંદુઓને ગૂંચવવાના શબ્દોનાં જંતરડાં નાંખ્યાં :
'આપણાં ધર્મે જ આપણું અહિત કર્યું છે...' 'આપણાં શાસ્ત્રો કપોળ કલ્પિત પોથાંઓ છે, તેને માણસના રોજિંદા જીવન સાથે પ્રેક્ટીકલી કોઈ જ લેવાદેવા નથી...' 'ખાઈ-પીને પડી રહેતાં આપણા સાધુઓ સમાજને ભારરૂપ છે...' 'આપણાં મંદિરો પથ્થરોના ખડકલાંઓ છે, આપણાં ઉદ્ધારમાં તેનું કોઈ જ પ્રદાન નથી...' 'મંદિરોનાં ખર્ચાઓમાં આપણો દેશ ગરીબ રહી ગયો છે...' 'આપણાં ગરીબ દેશમાં મંદિરોને બદલે હૉસ્પિટલો, દવાખાનાંઓ, રોડ-રસ્તાઓ વગેરે કરવું જોઈએ...' 'મંદિરો અંધશ્રદ્ધા ફેલાવી રહ્યાં છે...' આ અને આવી અનેક આધારવિહોણી વાતો માત્ર રૂપાળા તર્ક હેઠળ ફેલાવવાનો આયોજનબદ્ધ પ્રયાસ આદરવામાં આવ્યો. પૂરું જાણ્યા વગર કે હેતુપૂર્વક સત્યને કોરાણે મૂકીને ભોળાં શ્રદ્ધાળુ લોકોને 'જાગૃતિ'ના બહાના હેઠળ સંસ્કૃતિના આધાર સમાં મંદિર-શાસ્ત્ર-સાધુઓ પ્રત્યે ભડકાવવાનો ઢોલ પિટાવા લાગ્યો. દુઃખની વાત તો એ બની કે એવું બોલનારાં કે લખનારાંઓમાં કોઈકે ભગવાં પણ પહેર્યાં અને કોઈકે ભાગવત-ગીતા-રામાયણની વ્યાસપીઠનો પણ ઉપયોગ કર્યો !
મંદિરો સાથે હૉસ્પિટલો કે શિક્ષણસેવાની તુલના થતી હતી, ત્યાં સુધી તો હિંદુઓ સાંખી રહ્યા. તેમણે એવી તુલનાને સવળી લીધી. આથી, મંદિરોની સાથે હૉસ્પિટલો, શિક્ષણસેવાઓ, આદિવાસી ઉત્કર્ષ વગેરે અનેકવિધ સેવાપ્રવૃત્તિઓ જોડાતી ગઈ. હવે એ વિશે કશું બોલવાનું રહ્યું નહીં.
પરિણામે છેલ્લા કેટલાક સમયથી એક નવો દાવ લઈને કેટલાક લોકો એવી હવા વહેતી કરી રહ્યા છે કે 'દેવાલયોને બદલે શૌચાલયો બાંધો. ભારતમાં મંદિરો કરતાં શૌચાલયોની વધુ જરૂર છે!' મુસ્લિમ આક્રમણકારો કે ૮૦૦ વર્ષોનાં વિદેશી શાસનમાં જે ન થયું તે નુકશાન કરવા માટે શૌચાલયનું એક નવું તૂત લઈને મૅકોલેવાદીઓ મેદાનમાં ઊતરી રહ્યા છે. વર્તમાનપત્રોમાં અને ટેલિવિઝ નની ચેનલોમાં એમના ચહેરાઓ અને અધૂરા વિતર્કોપ્રગટવા માંડ્યા છે.
લાગે છે કે દેવાલય અને શૌચાલયનો હિસાબ બરાબર સમજવો જ રહ્યો.

Other Articles by સાધુ અક્ષરવત્સલદાસ


© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS