જો તમે જીવનને પરિપૂર્ણ પ્રેમ કરો તો પ્રેમપૂર્ણ જીવી શકશો
ભારતનો મોટો પ્રશ્ન કયો છે એ તમને ખબર છે? ૧ અબજ ૩૦ કરોડની જનસંખ્યા? ના, તે મોટો પ્રશ્ન નથી. પરંતુ આ ૧ અબજ, ૩૦ કરોડની જન-સંખ્યામાં ‘હું ભારતીય છું’ એવું ગૌરવ ધરાવનારા કેટલા? બોલનારા તો ઘણા હોય, પરંતુ Who really is proud to be an Indian? (ભારતીય હોવાનું ખરેખર ગૌરવ કોને છે?) – એ સૌથી મોટો પ્રશ્ન છે.
અવાર-નવાર વ્યાખ્યાનો અને લેખોમાં કહેવામાં આવે છે કે ‘ભારતીય પ્રજા એટલે દુનિયાનો સૌથી યુવાન દેશ. જ્યાં ૫૦ ટકા વસતી ૨૫ વર્ષથી ઓછી વયની છે. ૬૫ ટકા ભારતની પ્રજા ૩૫ વર્ષથી ઓછી વયની છે એટલે કે ૮૫ કરોડ લોકો. એક સમય એવો આવશે કે આપણી પાસે દુનિયાની સર્વશ્રેષ્ઠ યુવાશક્તિ, સર્વથી મહેનતુમાં મહેનતુ પ્રજા, આપણી પાસે હશે જે ‘યુવા ભારત’ બનશે.
પણ તેથી શું?
એ વાત સાચી કે આપણી પાસે સૌથી વધુ યુવાધન છે, પણ સૌને મારો પ્રશ્ન છે કે ‘જો કોઈ યુવાનને કોઈપણ મુશ્કેલી વગર પરદેશમાં ભણવાની તક મળે તો તે ભારતમાં ભણશે કે પરદેશમાં?’ એ જ રીતે કોઈ એક યુવાનને પૂછવામાં આવે કે ‘કોઈપણ વિઘ્ન વગર જો તને પરદેશમાં સ્થાયી થવાની તક મળે તો તમે પરદેશમાં સ્થાયી થશો કે ભારતમાં?’ આ સમયે ભલે કોઈ બોલે છે કે ‘હું ભારતીય છું’, પરંતુ અંતરમાં ઇચ્છા તો રહે કે પરદેશમાં ભણીએ અને પરદેશમાં રહીએ.
કહેવાનું તાત્પર્ય એ જ છે કે આપણે પોતાની પીઠ થાબડીને કહીએ છીએ કે સૌથી વધુ યુવાવર્ગ ધરાવતો આ દેશ છે, પરંતુ આ એવા યુવાનો છે, જેમને ભારતમાં ભણવું કે ભારતમાં રહેવું નથી. તો પછી આવા યુવાનોનું શું કામ? First you should be proud to be an Indian and then you will build the nation. (સૌપ્રથમ તમે ભારતીય હોવાનું આત્મગૌરવ ધરાવો તો જ તમે રાષ્ટ્રનું નિર્માણ કરી શકશો)
આવા જ રાષ્ટ્રના સ્વાભિમાનનો પ્રસંગ સ્વામી વિવેકાનંદજીના જીવનનો પણ છે. સ્વામી વિવેકાનંદને એક વિદેશી મહિલાએ ખૂબ જ પત્રો લખ્યા કે ‘હું તમને ચાહું છું.’ તે સમયે સ્વામી વિવેકાનંદે તે મહિલાને કહ્યું કે ‘First love India, then you will be able to love me. Without loving India, it is meaningless to love me’ (પ્રથમ ભારતને પ્રેમ કરો અને પછી મને પ્રેમ કરવા તું સક્ષમ બનીશ. ભારત વગરનો તમારો પ્રેમ, અર્થ વગરનો છે.)
તમે વિશ્વને ચાહો, સાથે રાષ્ટ્રને પણ ચાહો. રાષ્ટ્રને પણ ચાહો, સાથે પ્રજાને પણ ચાહો, તેમજ સર્વેને ચાહો તેમ સ્વયંને પણ ચાહો. તેમાં આત્મગૌરવ સમાયેલું છે. જેઓ આ આત્મગૌરવનો માર્ગ ભૂલ્યા છે કે માર્ગથી ફંટાયા છે, તે અન્યને ગૌરવ કે આદર આપી શકતા જ નથી. આવા લોકો પોતાની જાતને ધિક્કારતા હોય છે. અને જે સાચી રીતે ખુદને ચાહી શકતા નથી, તે બીજાને પ્રેમ આપી શકતા જ નથી.
આવી જ એક માર્ગ ભૂલેલી, જાતને ધિક્કારતી વ્યક્તિની વાત કરવી છે, એક સિરિયલ કિલરની. એક વ્યક્તિ જેનું નામ હતું, કાર્લ પેન્ઝરમ (Carl Panzram). આ વ્યક્તિ વિશે એવું કહેવાય છે કે અત્યાર સુધી દુનિયામાં જેટલા ગુનેગારો ખૂનીઓ થઈ ગયા, તેમાં ‘The most distorted serial killer in human history.’ (માનવ ઇતિહાસમાં સૌથી ભયંકર વિકૃત સિરિયલ કિલર) તરીકે તેની ગણના થાય છે. જે આઠ વર્ષની વયે ગુના કરતો થઈ ગયો હતો અને ૧૪ વર્ષની વયે ઘર છોડીને નાસી ગયો હતો. ૨૦ વર્ષની વયે તેણે ખૂનામરકી શરૂ કરી દીધી હતી. તેની વિકૃતિ તો એવી હતી કે ૨૯ વર્ષની વયે અમેરિકાથી દક્ષિણ આફ્રિકાના અંગોલામાં પહોંચી ગયો અને ત્યાં તેણે પાંચ-છ વ્યક્તિઓને ભેગી કરીને કહ્યું કે ‘ચાલો, આપણે crocodile hunting કરવા જઈએ. નદીમાં જઈએ અને મગરનો શિકાર કરીએ.’ તેણે કેવી રીતે crocodile hunting કર્યું તે તમને ખબર છે? તેની સાથે જે છ હલેસાં બાજ જોડાયા હતા, તેમાંથી વારાફરતી એક-એકને માર મારીને અધમૂઆ કરીને નદીમાં ફેંકી દેતો અને આ જીવતી વ્યક્તિને મગર ખાવા આવે ત્યારે તે આનંદથી જોતો. આ રીતે છએ છ જણને તેણે મોતને ઘાટ ઉતાર્યા. બાળકોનું ખૂન, બહેનોનું ખૂન કરે અને વળી એવી ક્રૂરતાથી ખૂન કરે કે કોઈની આંખમાંથી મગજ બહાર આવી જાય તો કોઈના કાનમાંથી મગજ બહાર નીકળે. વિકૃતિની પણ કોઈ ચરમ સીમા નહીં. પોલીસના હાથે તે આઠ વખત પકડાયો અને આઠેય વખત ભાગી છૂટ્યો. તમને એવું લાગે કે આ માણસ ગાંડો હશે માટે આવું કરતો હશે, પણ એવું નહોતું. તેણે જેલમાં રહીને પણ આત્મકથા લખી એટલો બુદ્ધિશાળી હતો. જોકે, દુનિયા પણ કેટલી વિચિત્ર છે કે એ સિરિયલ કિલરની આત્મકથા છપાઇ પણ ખરી અને તેમાંથી પાછું મૂવી પણ ઊતર્યું.
આ સિરિયલ કિલર કાર્લ માટે એવું પણ કહેવાય છે કે તેણે એવું જાહેર કર્યું હતું કે મારી મોટામાં મોટી ભૂલ એ છે કે મારો જન્મ થયો. હું મારી જાતને ધિક્કારું છું (I hate myself). જ્યારે તેને ફાંસી આપવાની થઈ ત્યારનો પ્રસંગ છે. જે માણસે ૨૨થી વધુ ખૂન કર્યા હોય અને ૧,૦૦૦થી વધુ બળાત્કાર કર્યા હોય અને સેંકડોથી વધુ લોકોને દુ:ખી કર્યા હોય એ વ્યક્તિ જલ્લાદ(ફાંસી આપનાર)ને એમ કહે કે મને ફાંસી આપવામાં તું ઢીલ કરીશ નહીં. જલદી કર. Hurry Up, If you do not kill me now, I will kill 10 guys like you. (જલદી કર, અત્યારે જો તું ઉતાવળ નહીં કરે તો તારા જેવા દસ લોકોનું હું ખૂન કરી નાખીશ.) મને અત્યારે એવો આભાસ થાય છે કે the whole human race has one neck and my hands are around it…. (સમગ્ર માનવજાતની ગરદન એક છે અને હું એ ગરદન મારે હાથે ભીંસી રહ્યો છું, તેનાથી મને સુખનો અનુભવ થઈ રહ્યો છે એટલે તું જલદી કર. ચાલ તારું કામ પતાવ.)
પોતાની જાતને ધિક્કાર કરતી વ્યક્તિ, ક્યારેય બીજાને ચાહી શકે નહીં. માટે જે જીવન ભગવાને તમને આપ્યું હોય, તેને ચાહો. ‘Love the life you live, then you will live lovingly.’ (તમારા જીવનને પરિપૂર્ણ પ્રેમ કરો તો તમે પ્રેમપૂર્ણ જીવી શકશો.)