न योत्स्ये : હું યુદ્ધ નહીં કરું!
શ્રીકૃષ્ણની શરણાગતિ સ્વીકારી પાર્થે શું કર્યું તે જણાવતાં સંજયે ધૃતરાષ્ટ્રને કહ્યું -
'एवमुक्त्वा हृषीकेशं गुडाकेशः परंतप।
न योत्स्य इति गोविन्दमुक्त्वा तूष्णी´ बभूव ह॥'
અર્થાત્ હે રાજન્! ગુડાકેશ અર્જુને હૃષીકેશ શ્રીકૃષ્ણને આ પ્રમાણે કહીને પછી તે ગોવિન્દ શ્રીકૃષ્ણને યુદ્ધ નહીં કરું એમ કહીને ચૂપ થઇ ગયો. (ગીતા ૨/૯)
શરણાગત થયા પછી પણ અર્જુને 'હું યુદ્ધ નહીં કરું' એમ અહીં કહ્યું! આવું કેમ? જીવનની વાસ્તવિકતાનાં અહીં દર્શન છે. શરણાગત થઈએ એટલે તરત જ બધા દોષો ટળી જાય, બધા સદ્ગુણો પામી જ જઈએ, એવું નથી હોતું એવો મર્મ અહીં ઉજાગર થયો છે. કોઈ રોગી દવાખાનામાં દાખલ થાય, ડોક્ટરને મળે, પોતાની બધી ફરિયાદો નિઃશંકપણે કહી દે એટલે તુરંત એના રોગો ટળી જાય એવું ક્યારેય બનતું નથી. કોઈ વિદ્યાર્થી સારામાં સારી પાઠશાળામાં દાખલ થાય ને ઉત્તમ કક્ષાના અધ્યાપકનું શિષ્યત્વ સ્વીકારે એટલે તરત જ બધું પામી જાય એવું ક્યારેય બનતું નથી. આ બધું તો પૂર્વભૂમિકા કહેવાય. નીરોગી થવાના અભિયાનનું કે વિદ્યા પ્રાપ્ત કરવાનું પ્રથમ સોપાન કહેવાય. અક્ષરબ્રહ્મ સદ્ગુરુ ગુણાતીતાનંદસ્વામી કહેતા કે રાજાના કુંવરને એક દિવસમાં રાજગાદી દેવાય પણ એક દિવસમાં કાંઈ રાજનીતિ ન આવડી જાય. એવું જ અહીં બન્યું છે. અર્જુન તો હજુ દાખલ જ થયો છે. તેને નીરોગી કરવાની કે જ્ઞાની બનાવવાની પ્રક્રિયા તો હવે આરંભાશે. હા, એટલું ખરું કે સાચા ચિકિત્સક અને સાચા અનુભવીનો તેને સંગાથ છે, હવે નીરોગી કે જ્ઞાની થવામાં વાર નહીં લાગે.
આમ, અર્જુનનો નિષ્કપટભાવ ફરી અહીં વાંચી શકાય છે. મનમાં જે હતું તે સ્પષ્ટ કહી દીધું. મારું મન યુદ્ધ કરવાની ના પાડે છે, હવે આપ જે કહેવા માગતા હો તે કહો એમ તેનું તાત્પર્ય છે.
શ્રીકૃષ્ણ ભગવાન પણ ખુશ થયા. હવે વાત કરવામાં વાંધો નથી એમ તેમણે નક્કી કર્યું. સંજયે પણ ધૃતરાષ્ટ્ર સમક્ષ તે ક્ષણના આ ગુરુ-શિષ્યોનું અદ્ભુત વર્ણન કર્યું છે.
प्रहसन् - विषीदन्तम् : એક હસે - એક રડે
સંજયે કહ્યું -
'तमुवाच हृषीकेशः प्रहसन्निव भारत।
सेनयोरुभयोर्मध्ये विषीदन्तमिदं वचः॥'
અર્થાત્ હે ભરતવંશી ધૃતરાષ્ટ્ર! હૃષીકેશ શ્રીકૃષ્ણ બન્ને સેનાઓની વચ્ચે શોક કરતા અર્જુન પ્રત્યે હસતા હોય તેમ આ વચન બોલ્યા. (ગીતા ૨/૧૦)
મનોવિજ્ઞાનની દૃષ્ટિએ આ શબ્દોનું ચિંતન કરવા જેવું છે. प्रहसन् - विषीदन्तम्! હર્ષ અને રુદન! એક જ રથમાં એક હસે છે, એક રડે છે. બાહ્ય પરિસ્થિતિ જુઓ તો બંનેની જરાય જુદી નથી. જેવી અર્જુનની છે તેવી જ શ્રીકૃષ્ણની છે. છતાં પરિણામમાં જમીન-આસમાનનો તફાવત! આવું કેમ? ગીતા અહીં સ્થૂળ ઉપર સૂક્ષ્મના પ્રભાવને પ્રકાશિત કરે છે. બાહ્ય પરિસ્થિતિ ખોટી નથી, તે પણ વાસ્તવિક છે. આમ છતાં તે સ્થૂળ છે. જેમ કે અર્જુન અને શ્રીકૃષ્ણ બંનેની સામે સેના ઊભી છે. બંનેના સંબંધીઓ તે સેનામાં સામે ઊભા છે. અર્જુનની જેમ શ્રીકૃષ્ણનાં સગાંવહાલાં યાદવો પણ નારાયણી સેનામાં ઉપસ્થિત છે. આ એક વાસ્તવિક સ્થૂળ પરિસ્થિતિ છે. સ્થૂળ રીતે દેખાતું દૃશ્ય છે. પણ આટલું થયે બધું પૂરું નથી થઈ જતું. પછી એ સ્થૂળની સાથે જ્યારે સૂક્ષ્મ જોડાય છે ત્યારે હર્ષ કે શોકનાં બીજ પાંગરવા લાગે છે. આ સૂક્ષ્મ એટલે સ્થૂળને જોવા અપનાવેલ દૃષ્ટિકોણ. કરામત દૃષ્ટિકોણની છે. દૃશ્ય સ્થૂળ છે જ્યારે દૃષ્ટિકોણ સૂક્ષ્મ છે. બહાર દેખાતાં દૃશ્યો બાહ્ય પરિસ્થિતિ છે, જ્યારે દૃષ્ટિકોણ આંતરિક સ્થિતિ છે. આપણી આંતરિક લાગણીઓ કે ધારણાઓ અહીં વિશેષ રીતે કાર્યાન્વિત થઈ જાય છે. આ ધારણાઓ પછી બાહ્ય પરિસ્થિતિને અવનવા રંગોથી રંગી દે છે. પરિણામે હસતાં, રમતાં કે રડતાં ઉદાસી ચિત્રો ઊપસી આવે છે.
જેમ દુનિયામાં આપણે જોઈએ છીએ કે જ્યારે કોઈ આર્થિક, કૌટુંબિક કે સામાજિક ઉપાધિઓ આવી પડે છે તેમાં કેટલાક બેબાકળા થઈ જાય છે, રડવા લાગે છે, મૂંઝ ëઈ જાય છે, માનસિક સમતુલન ખોઈ બેસે છે ને કેટલાક વળી આપઘાત પણ કરી બેસે છે. જ્યારે તે જ પરિસ્થિતિમાં કેટલાક સ્થિરતા રાખી શકે છે. આવા સુખ-દુઃખના હેલા તો સંસારનો સ્વભાવ જ છે એમ માની અંતરે સુખી રહેતા હોય છે.
આમ ગીતા આપણને અહીં એક જ શ્લોકમાં વિષાદ અને પ્રસાદનું એક સાથે દર્શન કરાવી જાણે માનવ મનનું મનન કરવા પ્રેરે છે.
પ્રહસન શબ્દનો બીજો અર્થ થાય છે - માર્મિક હાસ્ય. અર્જુન બોલતો બંધ થયો, ચૂપ તો થયો પણ હું યુદ્ધ નહીં કરું એવું બોલીને! શ્રીકૃષ્ણ ભગવાન આ સાંભળી મરમાળું હસ્યા. ક્ષત્રિયોમાં શ્રેષ્ઠ પાર્થનું સ્વાભાવિક અંગ અને તેના વર્તમાન નિર્ણયોની પરસ્પર વિસંગતતા તેમને સ્પષ્ટ વરતાતી હતી. તેથી એક માર્મિક કટાક્ષભર્યું હાસ્ય કર્યા વગર તેમનાથી ન રહેવાયું. અહો પ્રભુ અચરજ માયા તુમ્હારી એમ તેઓ પણ કદાચ મનોમન વિચારી તો નહીં રહ્યા હોય ને!
प्रज्ञावादांश्र्च भाषसे : આ તો તારો પ્રજ્ઞાવાદ છે
મરમાળું હસતાં શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું -
'अशोत्व्यानन्वशोचस्त्वं प्रज्ञावादांश्र्च भाषसे।
गतासूनगतासूंश्र्च नानुशोचन्ति पण्डिताः॥'
અર્થાત્ હે અર્જુન! જેમના માટે શોક કરવો યોગ્ય નથી તેમના માટે તું શોક કરે છે અને પાછો પ્રજ્ઞાવાદ કરે છે, કહેતાં મોટા પંડિતો જેવાં વચનો બોલે છે. પરંતુ પંડિતો તો જેમના પ્રાણ જતા રહ્યા છે તેમના માટે કે પછી જેમના પ્રાણ નથી ગયા તેમના માટે શોક કરતા નથી. (ગીતા ૨/૧૧)
પાર્થને અહીં પ્રજ્ઞાવાદી તરીકેનું એક વિશિષ્ટ બિરુદ મળ્યું છે. વાતો અને વર્તનનો જ્યારે મેળ ન ખાય ત્યારે આ બિરુદનો લાભ થતો હોય છે. બોલે મોટા જ્ઞાની જેવું અને વર્તે અજ્ઞાની જેવું તે પ્રજ્ઞાવાદી. ભાષા અને ભાવનાની વચ્ચે જ્યારે કપટ સ્થાન લઈ લે છે ત્યારે પ્રજ્ઞાવાદનો જન્મ થાય છે. પોતાનો એકડો સાચો સાબિત કરવા જ્યારે સારી સારી વાતોનો સાંભળનારની સામે ખડકલો કરી દેવામાં આવે તેને પ્રજ્ઞાવાદ કર્યો કહેવાય. પોતાની ભૂલને સારા વિચારોથી શણગારીને છાવરવાના પ્રયત્નો થાય એટલે સમજવું કે પ્રજ્ઞાવાદ થયો. મમત્વને તત્ત્વજ્ઞાનનું મહોરું પહેરાવી દેવા માટે પ્રજ્ઞાપૂર્વક કહેતાં ચાલાકીથી થતો વાદ, કહેતાં ભાષણ એટલે પ્રજ્ઞાવાદ. મનુષ્યમાત્રમાં આ પ્રજ્ઞાવાદની પ્રક્રિયા ખૂબ સાહજિક-પણે થઈ જતી હોય છે. આપણે જ્યારે કોઈ વ્યક્તિ, વસ્તુ, ક્રિયા કે સ્થાનનાં મમત્વથી ઘેરાઈ જઈએ છીએ ત્યારે ઘણીવાર આપણને પોતાને પણ ખબર ન પડે અને પ્રજ્ઞાવાદ થઈ જતો હોય છે. આમ જુઓ તો આ એક પ્રકારની છેતરપિંડી છે. કપટ છે. અને એમાં સૌથી વધારે તો પ્રજ્ઞાવાદી પોતે જ છેતરાતો હોય છે. કારણ પોતાની જાત સાથે કપટ કર્યા વગર પ્રજ્ઞાવાદ કરવો અશક્ય છે.
પ્રસિદ્ધ ચિંતક શ્રીવિનોબા ભાવેએ એક ન્યાયાધીશનો દાખલો આપીને આ પ્રજ્ઞાવાદને સુંદર રીતે સમજાવ્યો છે. એક ન્યાયાધીશ હતો. સેંકડો ગુનેગારોને તેણે ફાંસીની સજા કરી હતી. પણ એક દિવસ તેના પોતાના દીકરાને ખૂની તરીકે તેની સામે ખડો કરવામાં આવ્યો. દીકરા પર મુકાયેલો ખૂનનો આરોપ સાબિત થયો ને તેને ફાંસીની સજા કરવાનું એ ન્યાયાધીશના માથે આવ્યું. પણ તેમ કરતાં તે ન્યાયાધીશ અચકાયો. એટલે તેણે બુદ્ધિવાદભરી વાતો કરવા માંડી - 'ફાંસીની સજા અમાનુષી છે, એવી સજા કરવાનું માણસને શોભતું નથી, માણસને સુધરવાની આશા એને લીધે રહેતી નથી, ખૂન કરનારે લાગણીના આવેશમાં આવી ખૂન કર્યું પણ તેની આંખ પરનાં લોહીનાં પડળ તરી ગયાં પછી પણ ગંભીરતાથી તે માણસને ફાંસીએ લટકાવીને મારવાનું કામ સમાજની માણસાઈને નીચું જોવડાવનારું તેમ જ ડાઘ લગાડનારું છે.' આ ને આવા મુદ્દા ન્યાયાધીશે રજૂ કરવા માંડ્યા. આ છોકરો સામે ન આવ્યો હોત તો મરતાં સુધી ન્યાયાધીશ સાહેબ ખાસી ફાંસીની સજાઓ ટીપતા રહ્યા હોત. દીકરા પરના મમત્વને લીધે ન્યાયાધીશ આ પ્રમાણે બોલવા લાગ્યો હતો.
સૌ કોઈ આ ન્યાયાધીશની જેમ પોત પોતાના ક્ષેત્રમાં પોતાના મમત્વને છાવરવા પ્રજ્ઞાવાદ કરી બેસે છે. અર્જુનને પણ એવું થયું હતું. પ્રથમ અધ્યાયમાં શ્રીકૃષ્ણ સમક્ષ તેણે રજૂ કરેલું ધર્મ-અધર્મ મીમાંસા, પુણ્ય-પાપ મીમાંસા કે પછી અહિંસા અંગેનું ભાષણ કાંઈ તેના પોતાના વિચારો ન હતા. એ તો સ્વજનાસક્તિમાંથી જન્મેલી તત્ત્વજ્ઞાન જેવી લાગતી ડાહી ડાહી વાતો જ હતી. ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનના આ મોહમમતાયુક્ત આંતરિક ભાવ અને તેની શાસ્ત્રસિદ્ધાંતોથી સજાવેલી ભાષા વચ્ચેના અંતરથી લેશમાત્ર અજાણ ન હતા. એટલે જ 'अशोत्व्यानन्वशोचस्त्वं प्रज्ञावादांश्र्च भाषसे।' 'જેમના માટે શોક કરવો ન ઘટે તેમના માટે તું શોક કરે છે ને વળી પાછો મોટા પંડિતો જેવાં વચનો બોલે છે' એમ ચોખ્ખું ચટ સંભળાવી દીધું. સાથે સાથે 'गतासूनगतासूंश्र्च नानुशोचन्ति पण्डिताः।' અર્થાત્ 'જેમના પ્રાણ જતા રહ્યા છે તેમના માટે કે પછી જેમના પ્રાણ નથી ગયા તેમના માટે પંડિતો શોક કરતા નથી.' એમ કહીને સાચા પંડિતો કોને કહેવાય તે પણ સમજાવી દીધું.
કટાક્ષ ભારે જરૂર હતો પણ જરૂરી પણ એટલો જ હતો. શ્રીકૃષ્ણને થયું કે આમાં તો અર્જુન પોતે છેતરાશે. તેથી શરણાગત માટે ઉપદેશનાં શ્રીગણેશ જ ઉપરોક્ત શબ્દો દ્વારા કર્યાં.
ભગવદ્ગીતાના આ શબ્દોની મદદ આપણે પણ લેવી જોઈએ. હું પણ મારું મનધાર્યું પાર પાડવા મારા ગુરુ સમક્ષ ચાલાકીપૂર્વક રજૂઆત તો નથી કરતો ને? હું પણ મારા મમત્વને છાવરવા તત્ત્વજ્ઞાનભર્યા શબ્દોનો પરિવેશમાત્ર ધારણ કરી બેઠો તો નથી ને? જો આવું થતું હોય તો હું પણ પ્રજ્ઞાવાદી છુ _ એમ સમજવું. આ રીતે આપણા પ્રજ્ઞાવાદને ઓળખી, તેનો ત્યાગ કરી જીવનના સાચા કર્તવ્યને અનુસરવા પ્રયત્ન કરવો જોઈએ, જેમ અર્જુને કર્યું હતું.