ત્રીસ લક્ષણો સાધુતાનાં તો ખરાં જ, પણ એ ઉપરાંત રાજાધિરાજની જેમ વર્તશે
પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના દેહવિલયને બે વર્ષ જેટલો સમય થઈ ચૂક્યો છે. પરંતુ હજુયે મન એ સ્વીકારવા તૈયાર થતું નથી કે, લાખોના પ્રાણપ્યારા પ્રમુખસ્વામી મહારાજનું પ્રેમમય નખશિખ દિવ્ય અસ્તિત્વ હવે આ વસુંધરા પર નજરથી ઓઝલ થયું છે. કોઈ એકલદોકલ નહીં, પરંતુ લાખો હૈયાંની આ સ્થિતિ રહી છે. અને વાત સાચી છે, દાયકાઓ સુધી તેમણે અનરાધાર વરસાવેલી અમૃતવર્ષા કેમેય હૈયેથી વીસરાય?! જન્મોજન્મ સુધી કાળજે કોતરાયેલી એમની અમર છબિ કેવી રીતે નજરને છેતરી જઈ શકે?! એટલે, હજુય બુદ્ધિ પર સવાર થઈને હૈયું સવાલ કરે છે: શું સ્વામીશ્રી ખરેખર જતા રહ્યા? શું એ સ્વપ્ન છે?
આપણા સામાન્ય ભૌતિક જીવનના પણ કેટલાક કોયડાઓ એવા હોય છે, જે આસાનીથી ઉકેલી શકાતા નથી. જ્યારે આ તો એક લોકોત્તર દિવ્ય ગુણાતીત મહાપુરુષની લીલાનો કોયડો છે. એ સામાન્ય બુદ્ધિથી તો કેવી રીતે ઉકેલી શકાય?!
પરંતુ એમાં તો એમણે જ અનેક વખત ઉચ્ચારેલો એમનો પ્રિય ઉત્તર જ ખપમાં લાગી શકે તેમ છે. સ્વામીશ્રીએ જુદા જુદા પ્રસંગોએ કેટલું સહજતાથી ઉચ્ચાર્યું હતું: ‘અમારે તો આવવા-જવાનું છે જ નહીં. આ તો વચ્ચેની રમત છે. બાકી અમે તો અહીં પણ છીએ ને ત્યાં પણ છીએ...!’
તા. ૧૪-૧૨-૧૯૮૮ના રોજ તેમણે ઉચ્ચારેલા આધ્યાત્મિક રહસ્યમય આ શબ્દો આજેય કાનમાં ગુંજે છે. અને તેનું સ્મરણ થતાં જ હૈયું, એ પારલૌકિક પ્રેમપુરુષના સ્નેહબુંદ પીવા અધીરું બની જાય છે. એમની અનંત દિવ્ય સ્મૃતિઓ સાથે એમની અલૌકિક ઓળખનું પાનું ખોલવા હૈયું ધડકવા માંડે છે.
કોણ હતા પ્રમુખસ્વામી મહારાજ?
શી રીતે આપવી એમની ઓળખ?
એ કરોડો લોકો માટે ખૂબ જાણીતા જ નહીં, પરંતુ પરમ આત્મીય સ્નેહી સ્વજન હતા, પરંતુ છતાંય એમની ઓળખ આપવી એ સૌ કોઈ માટે કસોટી બની જાય છે.
પ્રમુખસ્વામી મહારાજના ધામગમન પછી વિશ્વના કરોડો લોકોને પણ એ જ સવાલ હતોઃ કોણ હતા પ્રમુખસ્વામી મહારાજ?
દાયકાઓ સાથે રહેનારા વિચક્ષણ બુદ્ધિમંતોને પણ તેનો ઉત્તર આપતાં હોઠ ટૂંકા પડે છે. મધ્ય ગુજરાતના કાનમ પ્રાંતના ચાણસદ ગામે એક નાનકડા ખોરડે સામાન્ય પાટીદાર પરિવારમાં તેમનો જન્મ થયો ત્યારે, એક અસામાન્ય દિવ્ય વિભૂતિનું અવતરણ થયું છે, એવો અંદાજ સુધ્ધાં કોઈને આવ્યો નહોતો. પરંતુ જીવનભર સાદગી સાથે પોતાની મહત્તાનો ઢાંકપીછોડો કરનારા એ મહાન હીરને બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના મહાન સંસ્થાપક સંત બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે પારખી લીધું હતું. ચાણસદના પાટીદાર મોતીભાઈ પ્રભુદાસના એ નાના પુત્રને પહેલી જ નજરે જોતાં શાસ્ત્રીજી મહારાજ પામી ગયા હતા કે આ એક દુર્લભ આધ્યાત્મિક રત્ન છે. ત્યારપછીનો ઇતિહાસ તો પ્રસિદ્ધ છે. કેવળ અઢારેક વર્ષની ઉંમરના એ તરુણનું ગુરુ શાસ્ત્રીજી મહારાજની બે-ત્રણ લીટીની ચિઠ્ઠી પર જીવતરને યાહોમ કરી દેવું, એ એમની મહાનતાનો કેટલો મોટો પરિચય આપે છે! વય કાચી હતી, પરંતુ હૈયું તો કેવું પરિપક્વ હતું! એટલે જ ન કોઈ શરત, ન કોઈ અપેક્ષા કે ઇચ્છા, માત્ર ગુરુની જ ઇચ્છાએ જીવનને સતત ઊલટપૂલટ કરતા રહ્યા. ગુરુ-ઇચ્છાથી જ ૧૮ વર્ષની વયે શાંતિલાલમાંથી સ્વામી નારાયણસ્વરૂપદાસજી બની ગયા, શાસ્ત્રીજી મહારાજના ચીંધેલા રાહે જોતરાઈ ગયા - એક જ ધ્યેય સાથે કે ગુરુને રાજી જ કરવા છે. નક્કી કરેલા ધ્યેય માટે જાતને જીવનભર જોતરનારા કોઈક વિરલા જ હોય છે. નાની ઉંમરના નારાયણસ્વરૂપદાસજી એવી વિરલ વિભૂતિ હતા.
પરંતુ ગુરુની ઇચ્છા શી હતી? માત્ર સાધુ બનાવવાની?
ના, તેમાં તો એક વિરાટ લક્ષ્યની વાત હતી. તેનાં મૂળ બસ્સો વર્ષ પહેલાંના ઇતિહાસ સુધી લંબાયેલાં છે. બસ્સો વર્ષ પૂર્વે, સન ૧૭૮૧માં આ વસુંધરા પર અવતરીને પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણે શુદ્ધ વેદોક્ત અક્ષરપુરુષોત્તમ ઉપાસનાનું પ્રવર્તન કર્યું હતું. તેમના અનુગામી અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી અને બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજે એ અક્ષરપુરુષોત્તમ ઉપાસનાનો ઉદ્ઘોષ કર્યો હતો. ભારતીય સંસ્કૃતિના શુદ્ધ ઉપાસનાના એ વૈદિક નાદને સવિશેષ પ્રચંડ બનાવવા શાસ્ત્રીજી મહારાજે જાણે એક મહાયજ્ઞ આદર્યો હતો. એ માટે જ તેમણે બોચાસણ જેવા નાના ગામમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાની સ્થાપના કરીને તેના પાયા પાતાળે રોપી દીધા હતા. પરંતુ એક પ્રખર પ્રતાપી ઓજસ્વી વ્યક્તિત્વ ધરાવતા શાસ્ત્રીજી મહારાજના, આ બી.એ.પી.એસ. સંસ્થાના ભાવિ સૂત્રધાર તરીકે કોણ આવશે? એવી અનેક અટકળો સૌ કરી રહ્યા હતા. પરંતુ શાસ્ત્રીજી મહારાજ નિશ્ચિંત હતા. કારણ કે તેમણે સુવર્ણપાત્ર ઘડીને તૈયાર રાખ્યું હતું - શાસ્ત્રી નારાયણસ્વરૂપદાસજી!
દીક્ષા લીધાને માત્ર દસ જ વર્ષમાં નારાયણસ્વરૂપદાસજીએ શાસ્ત્રીજી મહારાજની કૃપા પૂર્ણપણે ઝીલી લીધી હતી. એટલે જ, સન 1950માં 28 વર્ષની ઉંમરના એ ગુણિયલ સાધુને શાસ્ત્રીજી મહારાજે પોતાના અનુગામી પ્રમુખ તરીકે સ્થાપી દીધા. નારાયણસ્વરૂપદાસજીને બદલે હવે સૌની જીભે ચઢી ગયું - ‘પ્રમુખસ્વામી’ નામ. જેમની પાસે દૂરંદેશી દૃષ્ટિ ન હોય એવા લોકોને 28 વર્ષના નવયુવાન સાધુ પાસે શી અપેક્ષા હોય! પરંતુ શાસ્ત્રીજી મહારાજની દૃષ્ટિ તો સીમાતીત અને સમયાતીત હતી. સમયની પેલે પાર જઈને તેઓ નીરખતા હતા કે, આ સામાન્ય સુકલકડી જેવું લાગતું શાંત અને નિર્બળ વ્યક્તિત્વ આગળ જતાં તેની વિરાટ શક્તિઓનું દર્શન કરાવશે ત્યારે જગત તેમનાં ચરણે લળી પડશે. સાચા હીરાને ઓળખવા-મૂલવવામાં થાપ ખાય એનું નામ શાસ્ત્રીજી મહારાજ નહીં.
અમદાવાદના પ્રભાશંકર પંડ્યાને એ દિવસોની સ્મૃતિ જીવનભર યાદ રહી ગઈ હતી. એક દિવસ શાસ્ત્રીજી મહારાજે પ્રમુખસ્વામીજીના પૂર્વાશ્રમના પિતાશ્રી મોતીભાઈ તરફ નિર્દેશ કરીને કહ્યું હતું: ‘એમણે તો અમને છત્રીસ લક્ષણો દીકરો આપ્યો છે.’ પ્રભાશંકરને મનમાં થયું કે છત્રીસ લક્ષણો એટલે શું? તેમણે પૂછ્યું: ‘સ્વામી! આ છત્રીસ લક્ષણો એટલે શું?’ શાસ્ત્રીજી મહારાજ બોલ્યા: ‘‘ત્રીસ લક્ષણો સાધુનાં હોય એ તો તને ખબર છે ને!’ ‘હા, સ્વામી!’ ‘તો આ નારાયણદાસ’માં (પ્રમુખસ્વામીજીને શાસ્ત્રીજી મહારાજ આ લાડકવાયા નામથી પુકારતા) એ ત્રીસ લક્ષણો સાધુતાનાં તો ખરાં જ, પણ એ ઉપરાંત રાજાધિરાજની જેમ વર્તશે.’ ત્યારે શાસ્ત્રીજી મહારાજનાં એ વચનોથી પ્રભાવિત થતાં પ્રભાશંકરે કહ્યું હતું: ‘એ મને બતાવજો!’ શાસ્ત્રીજી મહારાજે આશીર્વાદ આપીને કહ્યું હતું: ‘તને એ જોવા મળશે.’’
સન ૧૯૪૯-૫૦ના વર્ષનો એ પ્રસંગ.
૫૪ વર્ષ પછી, સન ૨૦૦૪માં પ્રભાશંકર પંડ્યાએ ગદ્ગદ થઈને આ પ્રસંગની સ્મૃતિ કરતાં કહ્યું હતું: ‘અને અત્યારે હું મારી આંખે એ સત્ય થયેલું જોઈ રહ્યો છું...’