ગુણાતીતાનંદ સ્વામીના અનન્ય શિષ્ય બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજે શ્રીહરિએ કહેલાં અસંખ્ય પ્રસંગોના ઉદ્ધરણો ટાંકીને સૌને સમજાવ્યું કે, ‘શ્રીહરિએ પોતાના ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયની વ્યાખ્યા વચનામૃત લોયા પ્રકરણના 12માં જાતે કરી છે. તેનો ભાવાર્થ એ છે કે અક્ષરરૂપ થઈ પુરુષોતમની ઉપાસના કરીએ ત્યારે શ્રીહરિનો ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય થયો કહેવાય. તે અક્ષર આ ગુણાતીતાનંદ સ્વામી છે.’
શ્રીહરિએ અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના અક્ષર-બ્રહ્મપણાની વાતો અનેકવાર કરી હતી. જેના સાક્ષી અનેક પરમહંસો તે સમયે હયાત હતા. પરંતુ સંયોગવશાત્ એ વિસ્મૃત થઈ ગઈ હતી. તેનો ઉદ્દઘોષ ભગતજી મહારાજે ઘણી ઉપાધિઓ વહોરીને પણ કર્યો.
સર્વોપરિ ભગવાન સ્વામિનારાયણે પ્રબોધેલી અક્ષરબ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની શુદ્ધ ઉપાસનાનો ઉદ્ઘોષ કરવા માટે જ બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજનો જન્મ થયો હતો. કોઈ અંગત મહત્ત્વાકાંક્ષા કે માન-સન્માનની આકાંક્ષાને કારણે નહીં, પરંતુ શુદ્ધ ઉપાસનાના પ્રવર્તન માટે જ અનેક કષ્ટો વેઠીને શાસ્ત્રીજી મહારાજે વડતાલમાંથી પ્રસ્થાન કર્યું. અને સન 1907માં બોચાસણમાં શિખરબદ્ધ મંદિર કરીને મધ્ય મંદિરમાં અક્ષરબ્રહ્મ સહિત પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણ એટલે કે અક્ષરપુરુષોત્તમ મહારાજની મૂર્તિ પધરાવીને ઉપાસનાની શુદ્ધિ કરી, ભગવાન સ્વામિનારાયણનો સંકલ્પ પૂર્ણ કર્યો. કોઈને આ બંડપ્રવૃત્તિ લાગી. શાસ્ત્રીજી મહારાજે જણાવ્યું કે આમાં મેં શું ખોટું કર્યું છે ? જે ભગવાન સ્વામિનારાયણ વરતાલમાં છેલ્લા શિખરમાં છેલ્લે બિરાજતા હતા, તેમને મેં મધ્યશિખરમાં પધરાવ્યા છે. વળી, શ્રીહરિએ જેમ નર સાથે નારાયણ, લક્ષ્મી સાથે નારાયણ, રાધા સાથે કૃષ્ણ પધરાવ્યા છે, તેમ મેં પણ શ્રીહરિના ઉત્તમ ભક્ત અક્ષર સાથે પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણને પધરાવ્યા છે. કોઈ પૂછે કે શ્રીહરિએ સ્વયં આ કેમ ન કર્યું ? તેની વાત તો આગળ કરી છે. જેમ રામ અને કૃષ્ણ વખતે સીતારામ અને રાધાકૃષ્ણનાં મંદિરો નહોતાં, જ્યારે અત્યારે લાખો છે, તો તે ખોટું થયું કહેવાય ? લોકો મોડા સમજ્યા પણ સાચું સમજ્યા છે. તેમ આ પણ સમજવું. શ્રીહરિના પ્રાગટ્ય પૂર્વે પણ નરનારાયણ, રાધાકૃષ્ણ વગેરે દેવો-અવતારોની ઉપાસનાઓ ચાલતી જ હતી. શ્રીહરિ તે પ્રવર્તાવવા આવ્યા નહોતા. તેઓ તો અક્ષરે સહિત પોતાનું સ્વરૂપ સમજાવી પોતાની ઉપાસના પ્રવર્તાવવા આવ્યા હતા.
ભગવાન સ્વામિનારાયણના એ સંકલ્પ મુજબ અક્ષરે સહિત પુરુષોત્તમનાં પાંચ ભવ્ય શિખરબદ્ધ મંદિરો શાસ્ત્રીજી મહારાજે જોતજોતામાં બાંધી દીધાં. બોચાસણ, સારંગપુર, ગોંડળ, અટલાદરા (વડોદરા), ગઢડા વગેરે શિખરબદ્ધ મંદિરો ઉપરાંત બીજાં કેટલાંક હરિમંદિરો પણ બાંધ્યાં. એ સાથે જ, ઉપાસના-મંદિરોના વિશ્વ પ્રવર્તન માટે તેમણે બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (બી.એ.પી.એસ.) નો મંગળ પ્રારંભ કરી દીધો.
શ્રીહરિના હૃદગત અક્ષરપુરુષોત્તમ સિદ્ધાંતને શાસ્ત્રીજી મહારાજે મહામંદિરો દ્વારા મૂર્તિમાન ન કર્યો હોત તો ભગવાન સ્વામિનારાયણના સર્વોપરિ સ્વરૂપની અને તેઓની શુદ્ધ ઉપાસનાની સમજણ કોઈને પ્રાપ્ત ન થાત.
સંસ્કાર કે સંસ્કૃતિનો મૂળ પાયો ધર્મ છે. આવાં ધર્મમંદિરો દ્વારા આપણી સંસ્કૃતિ અને સંસ્કારો જળવાય છે. તે હકીકત છે.
શાસ્ત્રીજી મહારાજના અનુગામી યોગીજી મહારાજે આ મંદિરોના જતન માટે દૂરંદેશી દૃષ્ટિથી નવી પેઢીને અધ્યાત્મ માર્ગે વાળી. યોગીજી મહારાજે અમદાવાદ અને ગુણાતીતાનંદ સ્વામીના પ્રાગટ્ય સ્થાન ભાદરામાં શિખરબદ્ધ મંદિરો રચ્યાં. યોગીજી મહારાજ પછી તેમના અનુગામી પ્રમુખસ્વામી મહારાજે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના નેજા હેઠળ દેશ-વિદેશોમાં મંદિરનિર્માણની પ્રવૃત્તિ અનેકગણા વેગથી ઉપાડી. તેમણે અદ્યાવધિ ઘણાં શિખરબદ્ધ અને સેંકડો હરિમંદિરો બાંધી ગિનિઝ વર્લ્ડ રેકડ્ર્ઝમાં વિશ્વમાં સૌથી વધુ મંદિરો બાંધનાર એકમાત્ર વ્યક્તિ તરીકેનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થામાં સ્વામીશ્રી દર છ દિવસે એક મંદિર બાંધે છે એટલે ભવિષ્યમાં ગીનેઝ બુકનો પોતાનો રેકર્ડ પોતે જ તોડશે. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનાં કરકમળો દ્વારા બી.એ.પી.એસ. સ્વામિ-નારાયણ સંસ્થાનાં કુલ 1000 કરતાંય વધુ મંદિરો સ્થપાયાં છે.
તેમણે ભારતમાં ગુજરાત, કચ્છ, કાઠિયાવાડ કે આદિવાસી વિસ્તારથી માંડી સમગ્ર ભારતમાં જુદા જુદા પ્રાંતોમાં મોટાં શહેરમાં મંદિરો સ્થાપ્યાં છે. દિલ્હી, મુંબઈ, જયપુર, નાગપુર, કોલકાતા, ચેન્નાઈ, પોંડીચેરી, બેંગ્લોર, સિકંદરાબાદ, વિજયવાડા, રાયપુર, પટના, ઇંદોર, શિહોર, અમલનેર, ધૂલિયા, ચાકુલિયા (ઓરિસ્સા), જલંધર વગેરે દૂર-સુદૂરનાં સ્થળો-શહેરોમાં પણ મંદિરો સ્થાપ્યાં છે. સ્વામીશ્રીએ આદિવાસી વિસ્તારમાં પણ મંદિરો બાંધ્યાં અને તેમનામાં હિંદુ ધર્મની અસ્મિતા જગાવી. ધર્માંતરણ અટકાવવામાં આ મંદિરોનો ઘણો મોટો ફાળો છે.
બી.એ.પી.એસ. મંદિરોની વિશાળ સૃષ્ટિને પ્રમુખસ્વામી મહારાજે વિશ્વના પાંચેય ખંડોમાં વિસ્તારી છે. આરબ દેશોમાં બાહરિન કે મધ્ય આફ્રિકાના સુદાન જેવા દેશોથી માંડીને એશિયા પેસેફિકના છેવાડાના દેશ ન્યૂઝીલેન્ડ સુધી ઠેર ઠેર સ્વામીશ્રીએ ભારતીય સંસ્કૃતિની ધરોહર સમાં મંદિરોની ભેટ આપી છે. આફ્રિકા, ઇંગ્લેંડ, અમેરિકા, કેનેડા જેવા દેશોમાં સ્વામીશ્રીએ સર્જેલાં શિખરબદ્ધ મંદિરો આવનારાં હજારો વર્ષો સુધી ભારતીય સંસ્કૃતિની ધજા ગગનમાં લહેરાવતાં રહેશે. અને એમાંય અક્ષરધામ પરિસરોનું નિર્માણ કરીને સ્વામીશ્રીએ એક નવા યુગનું પ્રવર્તન કર્યું છે.
આ મંદિરો શું કાર્ય કરે છે ? તે સવાલનો જવાબ લાખો લોકોનાં હૈયે છવાયેલી અનુભૂતિઓમાં પડ્યો છે. કારણ કે આ મંદિરો જીવંત ધબકતાં માનવઉત્કર્ષ કેન્દ્રો છે. સ્વામીશ્રીએ નિર્માણ કરેલાં મંદિરોની વિરાટ કાર્યશૃંખલાની આ રહી એક સ્મૃતિ :
બી.એ.પી.એસ. મંદિરો
-
આપણી આધ્યાત્મિક પ્રગતિની સંભાળ રાખે છે.
-
માણસનું જીવનઘડતર અને જીવનપરિવર્તન કરે છે.
-
બાળકો-યુવાનોને સંસ્કારરક્ષા કરે છે.
-
નૈતિકતાના પાઠો દૃઢ કરાવે છે.
-
કૌટુંબિક મૂલ્યોની રક્ષા કરે છે.
-
શરીર-સ્વાસ્થ્યની જાળવણી માટે પ્રેરણા આપે છે.
-
સામાજિક સેવાઓનો યજ્ઞ નિરંતર ચાલુ રાખે છે.
-
શૈક્ષણિક ઉત્કર્ષની અનેકવિધ પ્રવૃત્તિઓ કરે છે.
-
વિદેશોમાં માતૃભાષાને જીવંત રાખે છે.
-
માનવીય મૂલ્યોની રક્ષા કરીને સેવાની ગંગોત્રી વહાવે છે.
-
પર્યાવરણની રક્ષા માટે વિવિધ આયોજનો કરે છે.
અહીં તો માત્ર થોડીક યાદી છે. આવી સેંકડો પ્રવૃત્તિઓ દ્વારા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરો સાચા અર્થમાં ભગવાન સ્વામિનારાયણે પ્રબોધેલી શુદ્ધ ઉપાસના અને માનવ-ઉત્કર્ષનાં ધામ બન્યાં છે.
વ્યસન-દૂષણ અને ફેલફિતૂરથી ઊભરાતા આ વિશ્વમાં હવે સારા માણસો ઘટતાં જાય છે. કળિનું સામ્રાજ્ય ફેલાતું જાય છે. વિશ્વની ગીચ માનવવસતીમાં માણસાઈવાળા માનવનો દુકાળ છે. હવે તો વિદેશોમાં જાહેરાતો નીકળે છે કે ‘સારા માણસો જોઈએ છે.’ તેવા સમયે મંદિર દ્વારા સદ્ગુણી, સંસ્કારી સારા માણસો તૈયાર થાય છે તેથી ભગવાનને ઉમંગ આવી જાય કે બ્રહ્માંડની આવરદા વધારી દઈએ. તેથી જ શાસ્ત્રો કહે છે : ‘વિશ્વમાં એક મંદિર બને તો બ્રહ્માંડની આવરદા દશ હજાર વર્ષ વધી જાય.’
પ્રમુખસ્વામી મહારાજે એવાં સ્થૂળ મંદિરો જ નહીં, પરંતુ અનેક ચૈતન્ય મંદિરોની રચના કરી છે. આ અક્ષરબ્રહ્મ ગુણાતીત ગુરુપરંપરારૂપ શિલ્પીને અનંત અક્ષર મંદિરો રચવા શ્રીહરિએ શાશ્વતકાળ માટે આ પૃથ્વી ઉપર રાખ્યા છે. અસંખ્ય મુમુક્ષુઓનાં હૈયે શ્રીહરિની મૂર્તિ પધરાવવા માટે, શ્રીહરિના નિશ્ચયરૂપી દૃઢ પાયાવાળાં, શ્રીહરિનાં આજ્ઞાવચનોથી ઝળહળતાં, અક્ષરસાવરણીથી કામ-ક્રોધાદિકને કાઢીને સ્વચ્છ કરેલાં, પાંચ વર્તમાનનાં તોરણોથી શોભતાં, દયા, શીલ અને સંતોષના શણગારવાળાં અને સત્સંગરૂપી ચંદરવાથી ચમકતાં આધ્યાત્મિક મંદિરો - અક્ષર મંદિરો ઘડી રહ્યા છે. શ્રીહરિની મૂર્તિથી દીપતાં આ મંદિરો શાશ્વત છે. આવાં મંદિરોનો કોઈ નાશ કરી શકે નહીં અને ભૂકંપથી હલે પણ નહીં. આ મંદિરો એટલે દેહ છતાં બ્રાહ્મીસ્થિતિ એટલે કે જીવન્મુક્તિ.
એવી જીવન્મુક્તિના દેનારા, આધ્યાત્મિક અક્ષરમંદિરના રચનારા, મહાન સંતવિભૂતિ પરમ પૂજ્ય પ્રગટ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનાં ચરણોમાં કોટિ કોટિ વંદન...