શાંડિલ્યસૂત્રમાં ભક્તિની વ્યાખ્યા આ પ્રમાણે કરી છે - ‘सा परानुरक्तिरीश्वरे।’ ઇષ્ટદેવ પ્રત્યે સર્વોચ્ચ અનુરાગ એટલે પરાભક્તિ . શાસ્ત્રોમાં વર્ણવેલ ઉચ્ચકોટીની આ ભક્તિનાં સર્વે અંગ શ્રીહરિના અનાદિ સેવક અક્ષરબ્રહ્મમાં જોવા મળે છે. એ અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી હતા. તેમની પરંપરામાં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજમાં સર્વે અંગ સહિતની પરાભક્તિનાં દર્શન થતાં.
આ સૂત્રના ભાષ્યમાં કહ્યું છે : “આ ભક્તિ જ ઉપાસના છે. પરમેશ્વરના વિષયમાં તેને પરમપ્રેમ પણ કહ્યો છે. ઉપાસ્ય ઇષ્ટદેવની સાકારમૂર્તિ આકારે ચિત્તવૃત્તિ થઈ જાય, શ્રવણ, મનન, અભ્યાસના ફળસ્વરૂપ અનુરાગ કે જેને પરિપક્વ નિદિધ્યાસ નામે પણ કહે છે. ઇષ્ટદેવથી અધિક કોઈ જ વસ્તુ ન રહે એવી બુદ્ધિપૂર્વકની ચિત્તવૃત્તિ એ જ પરાભક્તિ.”
આવી પરાભક્તિને વિષ્ણુપુરાણમાં ‘પરમપ્રીતિ મૂલક’ કહી છે. આ વિષે ટીકાકાર શ્રીધર સ્વામી કહે છેઃ “હે અચ્યુત! તમારા સ્વરૂપમાં મારી ભક્તિ અચ્યુત અને એકાંતિકી બની રહો કે જે પરાપ્રીતિ સ્વરૂપ છે. જેમ વિષયાસક્ત લોકોને વિષયમાં પ્રીતિ છે, તેવી પ્રીતિ મારા હૃદયમાં આપને વિષે હંમેશાં સ્થિર રહે.”
ગીતા(11-54)માં ભક્તિમાર્ગને ‘રાજવિદ્યા’ શબ્દથી ઓળખાવ્યો છે. રાજ એટલે મુખ્ય, વિદ્યા એટલે માર્ગ. મોક્ષપ્રાપ્તિ માટે જ્ઞાન અને કર્મ કરતાં ભક્તિની શ્રેષ્ઠતા બતાવી છે.
ભગવાન શ્રી સ્વામિનારાયણ શિક્ષાપત્રી-103માં કહે છે : ‘માહાત્મ્યજ્ઞાને સહિત ભગવાન પ્રત્યેનો અતિ સ્નેહ તેનું નામ ભક્તિ.’
ભાગવતમાં સપ્તમ સ્કન્ધમાં પ્રહલાદજી ભક્તિના નવ પ્રકાર વર્ણવે છેઃ “ભગવાનનાં ગુણ-લીલા-નામ વગેરેનું શ્રવણ, તેમનું કીર્તન, તેમનાં રૂપ-નામ વગેરેનું સ્મરણ, તેમનાં ચરણોની સેવા, પૂજા-અર્ચના, વંદન-દંડવતપ્રણામ, સખાભાવ અને આત્મનિવેદન. જો ભગવાન પ્રત્યે સમર્પણભાવથી આ નવ પ્રકારની ભક્તિ કરવામાં આવે તો હું તેને સર્વશાસ્ત્રજ્ઞ સમજું છું.”
પૂર્વે ભક્તિસંપ્રદાયોએ ભક્તિની પુષ્ટિ કરી, પરંતુ ‘બ્રહ્મરૂપ થઈને ભક્તિ કરવી’ એ સિદ્ધાંત ભગવાન શ્રી સ્વામિનારાયણે સ્થાપ્યો છે. निजात्मानं ब्रह्मरूपम्... શિક્ષાપત્રી-116
ગીતા(18/54)માં પણ કહે છે -
‘બ્રહ્મભૂતઃ પ્રસન્નાત્મા... મદ્ભક્તિં લભતે પરામ્ ॥’
શ્રીહરિએ પ્રવર્તાવેલો આ એવો ભક્તિમાર્ગ છે જેમાં બ્રહ્મરૂપ થયા વગર, આત્મા-અક્ષરબ્રહ્મને ઓળખ્યા વગર યથાર્થ ભક્તિ થતી જ નથી. એવી ભક્તિને તેમણે એકાંતિકી ભક્તિ કહી છે. ધર્મ-જ્ઞાન-વૈરાગ્ય અને ભક્તિ આ ચારેયનું એક સ્વરૂપ ‘એકાંતિક ધર્મ’ છે. આ ‘એકાંતિક ધર્મ’નું સ્થાપન કરવા તેઓ પ્રગટ થયા હતા. એકાંતિક ધર્મને જ ‘ભાગવત ધર્મ’ કહે છે. આ ભાગવત ધર્મ અને ભક્તિ એ બંનેનું એક સ્વરૂપ છે, જુદાં નથી. આવી એકાંતિકી ભક્તિ પામવા માટે શ્રીહરિએ એકાંતિક સંતનો પ્રસંગ દર્શાવ્યો છે, જેમના જીવનમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત ભક્તિ હોય.
શ્રીહરિએ વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણ 60માં કહ્યું : ‘આવી રીતનો જે એકાંતિક ધર્મ તે તો જે એવા નિર્વાસનિક પુરુષ હોય અને જેને ભગવાનને વિષે સ્થિતિ થઈ હોય તેને વચને કરીને જ પમાય, પણ ગ્રંથમાં લખી રાખ્યો હોય તેણે કરીને નથી પમાતો.’
વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણ 5માં શ્રીહરિ કહે છેઃ ‘શુક-સનકાદિક જેવા જે મોટાપુરુષ તેની જે સેવા ને પ્રસંગ તેમાંથી માહાત્મ્યે સહવર્તમાન એવી જે ભક્તિ તે જીવના હૃદયમાં ઉદય થાય છે.’
વચનામૃત વરતાલ પ્રકરણ 3માં શ્રીહરિ કહે છે : ‘મોટાપુરુષની સેવા મન-કર્મ-વચને કરે તો તે જીવના હૃદયમાં માહાત્મ્ય સહિત ભક્તિ આવે છે.’
આમ, પરાભક્તિનું નિવાસસ્થાન પરમ એકાંતિક સંત છે. એવા ગુણાતીત સત્પુરુષ પ્રમુખસ્વામી મહારાજની પરાભક્તિ વિષે આ લેખમાં પરામર્શ કરાયો છે.
શ્રીમદ્ ભાગવતમાં ભગવાન કહે છે : મારી ભક્તિ કરનારનાં કેવાં લક્ષણ હોય? તો - (1) જેનાં કર્મમાત્ર મારા સ્મરણ સાથેનાં હોય ને મારા માટે જ હોય. (2) જેણે મન, બુદ્ધિ, ચિત્ત મને અર્પી દીધાં હોય. (3) જેની બુદ્ધિ ને મન મારા ઉપદેશેલા ધર્મમાં જ પ્રેમે રાચતાં હોય. (4) જ્યાં મારા ભક્તો રહેતા હોય એવા સ્થાનમાં જ જેને રહેવું ગમે. (5) દેવ-અસુર-મનુષ્ય ત્રણે વર્ગમાં જે કોઈ મારો ભક્ત છે તેનું જ અનુકરણ કરે, આચરણ અંગીકાર કરે, સંગમાં રહે. (6) જેઓ મારા સંબંધેયુક્ત પર્વો, મહોત્સવો, સત્રો યોજે. (7) સર્વ ભૂત-પ્રાણીમાત્રમાં અંદર ને બહાર સર્વત્ર હું રહ્યો છું તે દેખે. (8) નિર્મળ જળમાં આકાશને જુએ, તેમ પોતાના આત્મામાં મને જુએ. (9) બ્રાહ્મણ કે શૂદ્ર, સજ્જન કે ચોર, સૂર્ય કે તણખો, શાંત કે ક્રૂર - બધાને સમાન નજરે જુએ. (10) સઘળે મારો ભાવ કલ્પવાથી જેમનાં સ્પર્ધા, અસૂયા, તિરસ્કાર, અહંકાર વગેરે સમૂળાં નાશ પામી ગયાં હોય.
ઉપરોક્ત સઘળાં લક્ષણો પરમ એકાંતિક સંત પ્રમુખસ્વામી મહારાજમાં સહેજે નીરખવા મળતાં. તેમની પ્રત્યેક ક્રિયામાં અખંડ ઠાકોરજીનું - ભગવાનનું પ્રધાનપણું પરખાતું. વહેલી સવારે ‘મહારાજ-સ્વામી’ કરતાં આંખો ખોલે ત્યારથી લઈને મોડી રાત્રે ફરીથી ‘સ્વામિનારાયણ... સ્વામિનારાયણ...’ બોલતાં આંખો મીંચે ત્યાં સુધીની પ્રત્યેક પળે, અરે ! ગાઢ સુષુપ્તિમાંય એમને પરમાત્માનું સતત અનુસંધાન. તેઓ જમવા બિરાજે ત્યારે પણ તેઓ તો ભગવત્કથામગ્ન જ હોય.