જન્માષ્ટમી એટલે ભગવાન શ્રીકૃષ્ણચંદ્રનો પ્રાગટ્યદિન. સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ ઉત્સવ ભક્તિભાવથી ઊજવાય છે. આ ઉત્સવ નિમિત્તે સાધુઓ, ભાઈઓ, બહેનો અને યુવાનો મોટી સંખ્યામાં નિર્જળ ઉપવાસ કરે. જૂનાગઢમાં આ ઉત્સવ સ્વામીશ્રી ગુણાતીતાનંદજીના પાવન સાંનિધ્યમાં ઉજવાતો.
ઈ.સ. ૧૮૪૪નો એક અનોખો પ્રસંગ છે. આ સાલ આખાય સૌરાષ્ટ્ર પંથકમાં મેઘરાજાએ જરા વધુ પડતી મહેર કરી હતી. તેના કારણે આ ઉત્સવ નિમિત્તે દૂર દૂરથી પદયાત્રાઓ ખેડીને જૂનાગઢ આવનાર સંઘોને ઘણી જ મુશ્કેલીઓ પડવા લાગી. છતાં સ્વામીશ્રીનું અદમ્ય આકર્ષણ હોવાને કારણે સૌ ભજન-કીર્તન કરતાં પલળતાં પલળતાં પણ જૂનાગઢ જઈ રહ્યાં હતાં. દિલની લગનવાળી ભક્તિને ક્યા અંતરાયો રોકી શકે?
અહીં જૂનાગઢ મંદિરમાં આજે સવારથી જ સ્વામીશ્રીને પણ ચેન પડતું ન હતું. અચાનક તેમણે શામજી ભગતને બોલાવીને તેમની પાસે કોઠારમાંથી ધોતિયાના ત્રણ-ચાર તાકા મંગાવ્યા. પછી પોતે જાતે જ માપ લઈને ધોતિયાં ફાડવા માંડ્યા. આ કાર્ય ચાલુ હતું એટલામાં બોટાદનો સંઘ આવી પહોંચ્યો. સંઘના ભક્તો તો આનંદમાં ને આનંદમાં પાણીથી દદડતાં વસ્ત્રોભેર સ્વામીશ્રીને સાષ્ટાંગ પ્રણામ કરવા માંડ્યા. તેમને જોતાંવેંત સ્વામીશ્રી કહે : 'એ...દંડવત્ રાખો! અને આ કોરાં વસ્ત્રો પહેરી લ્યો...' પરંતુ એક તો મંદિરનાં, અને તેમાંય વળી નવાં નકોર વસ્ત્રો પહેરતાં આ ભાઈઓને જરા સંકોચ થયો. તેમનો સંકોચ પારખીને સ્વામીશ્રી કહેઃ 'આ તાકા તમારા માટે જ ફાડ્યા છે. તમ જેવા ભક્તોના ઉપયોગમાં જે વસ્તુ ટાણે ન આવે, તે નિરર્થક જ કહેવાય અને ઉપયોગમાં આવે તો સાર્થક કહેવાય... માટે આ ભીનાં લૂગડાં બદલી નાંખો.'
સ્વામીશ્રીના આવા હૂંફાળા પ્રેમાગ્રહના બંધનમાં સંઘના સર્વે ભક્તોને આવવું જ પડ્યું.
થોડીવાર પછી સ્વામીશ્રીએ મંદિરના ભંડારી સાધુ (રસોઈની સેવા બજાવનાર)ને બોલાવીને તાત્કાલિક દોઢસો માણસો માટેની ખીચડી-કઢીની રસોઈ તૈયાર કરવા માટે કહ્યું! આજે તો જન્માષ્ટમી નિમિત્તે સૌને નિર્જળ ઉપવાસ હતો. છતાં સ્વામીશ્રીએ આવી આજ્ઞા કેમ કરી હશે? આવો સંશય તે સાધુને થયો જ નહિ, કારણ કે તેઓને વર્ષોનો અનુભવ હતો કે સ્વામીશ્રી કદાપિ અયોગ્ય પ્રેરણા આપે જ નહિ. તેમણે રસોઈનું કાર્ય શરૂ કરી દીધું.
સ્વામીશ્રીએ સંઘના સર્વે ભાઈઓને જાતે બોલાવીને કહ્યું: 'તમારું જન્માષ્ટમીનું વ્રત અત્યારે પૂરું થઈ ગયું. હમણાં ભંડારી સાધુ તમારા માટે ખીચડી-કઢી કરે છે તે સૌ જમી લેજો.' આ આદેશ અનુસાર આજે સંઘના સર્વે સભ્યોને ખીચડી-કઢી જમાડવામાં આવી!
મહાન પુરુષો ધર્મતત્ત્વના સાચા મર્મજ્ઞો હોય છે. સમર્થ હોવાથી તેઓ સમયે સમયે અને પ્રસંગે પ્રસંગે પૂર્વાપરનું જોઈને તથા વિચારીને કર્તવ્યાકર્તવ્યને ઘણાં જ સુયોગ્ય રીતે પામી શકતા હોય છે.
શું સ્વામીશ્રીએ એક ધર્મપુરુષ થઈને આજે એક ધર્મવિરુદ્ધ આદેશ આપ્યો?
ના, તેઓ જાણતા હતા કે આ ભાઈઓએ અનેક મુશ્કેલીઓમાં પણ ઠેઠ બોટાદથી જૂનાગઢ સુધી એકધારા પગપાળા પંથ કાપ્યો છે. તેમણે રસ્તામાં લૂખું-સૂકું ભાથું આરોગીને રોળવ્યું છે. વળી, તેઓ રસ્તામાં પણ સતત વરસાદથી ખૂબ ખૂબ ભીંજાયાં પણ છે. પ્રતિકૂળ સંજોગોમાં પણ સતત પરિશ્રમ, થાક અને અગવડો વેઠીને આજે અહીં આ ઉત્સવ માટે જ ભક્તિભાવથી આવેલા આ ભક્તો, જો આજે પણ પરાણે નિર્જળ ઉપવાસ કરે તો તેમને સમૈયાનું સુખ પણ કેવી રીતે આવી શકે? વળી તેમાં કેટલાંક વૃદ્ધ પણ હોય અને કેટલાંક માંદા પડી જવાની અણી ઉપર પણ હોય! આ બધું વિચારીને સ્વામીશ્રીએ સૌ પ્રથમ આજે એક મહાન ધર્મકાર્ય કર્યું! પરિસ્થિતિને અનુરૂપ પ્રાસંગિક કર્તવ્ય પામીને તેમણે તે સર્વેના ઉદરમાં બિરાજેલા તપ્ત અને બેચેન વૈશ્વાનરને પ્રથમ તૃપ્તિ આપીને આજના જન્માષ્ટમી ઉત્સવનું મંડાણ કર્યું.
જે ગુણાતીતાનંદ સ્વામીજી પ્રાગજી ભક્ત જેવા એક બેનમૂન સાધકને સતત ત્રણ વર્ષ સુધી બે દિવસના સળંગ ઉપવાસ બાદ પારણાના દિવસે પણ એક જ વાર આહાર કરવારૂપ આકરું તપ કરાવી શકે, તે જ ગુણાતીતાનંદ સ્વામીજી જન્માષ્ટમીના મહાવ્રતના દિને પણ આવા અતિશય શ્રમિત ભાઈઓને ખીચડી-કઢી પણ જમાડી શકે - કેટલું વિરોધાભાસી જણાય છે! પરંતુ આ વિરોધાભાસનું નિરસન થતાં તેમનામાં રહેલો પ્રાસંગિક કર્તવ્યાકર્તવ્યનો યથાર્થ મર્મજ્ઞરૂપ હિલોળાં લેતો વિવેકનો વારિધિ જ દૃષ્ટિગોચર થાય છે.