બ્રાહ્મી સ્થિતિ યોગ
અધ્યાય - ૨
અનુસંધાન : 'कार्पण्यदोषोपहतस्वभावः पृत्व्छामि त्वां घर्मसम्मूढचेताः। यत्व्छ्रेयः स्यान्निश्र्चितं ब्रूहि तन्मे शिष्यस्तेहं शाघि मां त्वां प्रपन्नम्॥' અર્થાત્ હે પ્રભુ! કાયરતારૂપી દોષને લીધે જેનો સ્વભાવ હણાઈ ગયો છે અને ધર્મની બાબતમાં મોહિત થયેલા ચિત્તવાળો હું આપને પૂછુ _ છુ _ કે મારા માટે જે શ્રેયસ્કારી હોય તે મને નિશ્ચિતરૂપે કહો. હે પ્રભુ! હું આપનો શિષ્ય છુ _. આપ આપને શરણે આવેલા મને ઉપદેશ આપો. (ગીતા ૨/૭) એમ અર્જુને શ્રીકૃષ્ણ ભગવાનની શરણાગતિ સ્વીકારી. તે શરણાગતિમાં સ્વદોષનું દર્શન હતું. પ્રત્યક્ષ ગુરુ સમક્ષ સ્વદોષનો સ્વીકાર હતો. પ્રત્યક્ષ ગુરુએ દર્શાવેલા દોષનો સ્વીકાર હતો અને પોતાનું કલ્યાણ કરે એવા ઉપદેશને સાંભળવાનો તલસાટ હતો. આમ પાર્થે લીધેલી શરણાગતિની કેટલીક વિશેષતાઓનું ચિંતન આ પૂર્વેના અંકમાં કર્યું હતું. હવે તે ઉત્કૃષ્ટ શરણાગતિની કેટલીક વિશેષતાઓનું ચિંતન આ અંકમાં કરીએ.
અનન્યતા :
અર્જુનની શરણાગતિમાં અનન્યતા પણ છે. તે કહે છે - 'नहि प्रपश्यामि ममापनुद्याद् यत्व्छोकम्' (ગીતા૨/૮) હે પ્રભુ! આપના સિવાય મારા આ શોકને ટાળી શકે એવો કોઈ બીજો હું જોતો નથી. હવે તો આપ એક જ મારા તારણહાર છો. આમ પાર્થની શરણાગતિ વૈકલ્પિક નથી. અનન્ય છે.
દુઃખ તો બધાને આવે. અર્જુનને પણ આવ્યું. ફેર એટલો જ છે કે ઘણાખરા લોકો દુઃખમાંથી છુ ટકારો મેળવવા ભાતભાતના આધારોનો આશરો લે છે. એ ઘણા બધા આધારોમાં ભગવાન પણ એક આધાર હોય છે. એકમાત્ર ભગવાન જ મારો, મારા સુખનો આધાર છે એવી અનન્યતા હોતી નથી, એટલે જ તો કેટલાંક દુખિયારાંઓ બીચારા સુખી થવાના ઉપાયો વિષેનાં પુસ્તકો લઈ બેસી જાય છે. મગજને મથી મથીને તેમાંથી સુખનાં રહસ્યોને ઉકેલવા મંડી પડે છે. કેટલાક વળી ભવિષ્યવેત્તાઓને શરણાગત થઈ જાય છે. કેટલાક વહેમીઓ ભૂવા-જાગરિયા જેવા મેલીવિદ્યાવાળાઓનું શરણું લઈ લે છે. કેટલાક ભોળા મનના લોકો વળી સુખી થવાની જડીબૂટી લેવા કેવળ લૌકિક ડહાપણ ધરાવતા બુદ્ધિજીવીઓને સમર્પિત થઈ જાય છે. તેઓ કહે તેમ કરવા તત્પર થઈ જાય છે. કેટલાક વળી જાતઅનુભવે જ બધું પામવા મથનારા હોય છે. આવું તો કેટકેટલું દુનિયામાં થતું દેખાય છે. પરંતુ અર્જુને આવો કોઈ ઉપાય નથી કર્યો. એણે એક જ ઉપાય કર્યો - કેવળ પ્રત્યક્ષ ભગવાનને ગુરુ બનાવ્યા. અનન્યભાવે તેમને શરણાગત થયો. તેઓ જે સમજાવે તે પરમ વિશ્વાસુ થઈ સમજવા, જેમ કહે તેમ શ્રદ્ધાપૂર્વક કરવા તત્પર થયો.
અહીં ધૃતરાષ્ટ્ર મહારાજને યાદ કરીએ. આ સમાચાર મૂળ તો ધૃતરાષ્ટ્રજીને સંભળાવવામાં આવ્યા છે. થોડી વાર માટે વિચારીએ કે 'શિષ્યસ્તેહમ્' ના સમાચાર સાંભળતાં ધૃતરાષ્ટ્રના અંતરમાં વિચારોએ કેવા વળાંકો લીધા હશે! નક્કી એ ગણિતજ્ઞને પોતે ગોઠવેલાં ગણિતોમાં કેટલીય બાદબાકી અને ભાગાકાર કરવાં પડ્યાં હશે. એની અંધ આંખોએ બાજી હવે હાથમાંથી સરકી ગઈ છે તે સ્પષ્ટ જોઈ લીધું હશે.
અહીં દુર્યોધનને પણ યાદ કરવો જોઈએ, ખાસ કરીને અર્જુનને સમજવા. દુર્યોધન અને અર્જુનમાં મુદ્દાનો તફાવત અહીં જ પડી જાય છે. આમ તો બંને સમજણા છે. બંનેએ પોતાના જીવનને અંતર્દૃષ્ટિથી ઢંઢોળ્યું છે. બંનેએ પોતાના દોષોને પારખ્યા છે. જેમ કે અહીં અર્જુનને પોતાનો દોષ સમજાયો છે. તેમ દુર્યોધન પણ પોતા માટે કહે છે - 'जानामि घर्मं न च मे प्रवृत्ति र्जानामि अघर्मं न च मे निवृत्तिः।' કહેતાં હું ધર્મને જાણું છુ _ પણ તેનું આચરણ કરી શકતો નથી. હું અધર્મ પણ જાણું છુ _ પણ તેને છોડી શકતો નથી. આમ બંનેને પોતાની વાસ્તવિકતાનો ઘણોખરો ખ્યાલ છે. તેમ છતાં હવે શું કરવું તે બાબતમાં અર્જુન જુદો તરી આવે છે. મારે મારી ખામીઓ ટાળવી હોય તો આ પ્રત્યક્ષ શ્રીકૃષ્ણને ગુરુ બનાવવા પડશે. તેમને શરણાગત થવું પડશે. એ સમજી ચૂક્યો છે કે આ જ રાજમાર્ગ છે - પામરતામાંથી ઊગરવાનો, શક્તિને સંજીવિત કરવાનો.
આ રીતે અર્જુન એક વિશિષ્ટ ડગલું આગળ જઈ શકે છે. તે ઉન્નતિના સાચા ઉપાયોને સમજી-સ્વીકારી શકે છે. પોતાના અહંકારને કચડી શકે છે. દુર્યોધન માટે આ અશક્ય બની ગયું છે. તે પોતાના અહંકારને કચડી શકતો નથી. કોઈને શરણાગત થઈ શકતો નથી. બલકે પોતે અહંકારથી કચડાઈ ગયો છે. અહંકારને શરણાગત થઈ ગયો છે. તેથી જ તો ધર્મની પ્રવૃત્તિમાં અને અધર્મની નિવૃત્તિમાં પોતાની અસમર્થતા દર્શાવી તેણે તારણ કાઢી લીધું છે કે 'केनापि देवेन हृदिस्थितेन यथा नियुक्तोऽस्मि तथा करोमि।' કહેતાં હવે તો બસ, મારા હૃદયમાં બેઠેલો દેવ જેમ કહેશે તેમ કરીશ. લોકમાં કહેવત છે - ચકલીએ નાહી નાંખ્યું. દુર્યોધનનું એવું થયું. ઊગરવાના બારણે જ કડી જડી દીધી!
અર્જુનનું આ વલણ એક ચોખવટ કરી આપે છે. ઘણા કહે છે ગુરુ કરવા તે તો પરવશતા કહેવાય. ગુરુનું કહેવું માની લેવું, તેમનામાં વિશ્વાસ રાખી બેસી રહેવું, પોતાની બુદ્ધિને તાળાં મારી દેવાં, આ બધું તો મૂરખવેડાં છે. મનુષ્ય તો બુદ્ધિજીવી પ્રાણી છે. તેણે કોકની બુદ્ધિને, કોકના અનુભવોને અનુસરવાની જરુર નથી. પોતાની બુદ્ધિથી કે જાત અનુભવથી જ આગળ વધવું જોઈએ. માટે કોઈને ગુરુ કરવાની જરૂર નથી. ગુરુ કરવા તે તો બુદ્ધિહીનતા કે નમાલાપણાનું પ્રદર્શન છે. આવું માનીને તેઓ કોઈને શરણાગત થતા નથી. કોઈને ગુરુ કરતા નથી.
ગુરુ ન કર્યા હોય તેવાને લોકમાં નગુરા કહે છે. ઘણું કરીને આવા નગુરાઓની પરિસ્થિતિ હરાયા ઢોર જેવી હોય છે. આ નગુરાઓ ગુરુની જ્ઞાનભઠ્ઠીના લાભથી વંચિત રહી જાય છે. તેથી તેઓમાં ક્યારેય સમજણની પરિપક્વતા આવતી નથી. એટલે જ તો મહારાષ્ટ્રના પ્રસિદ્ધ ભક્ત ગોરા કુંભાર પાસે જ્યારે નામદેવજી આવ્યા ત્યારે તેમના મસ્તકે ટકોરો મારી ગોરા કુંભાર એટલું બોલ્યા કે नामा तुं कत्व्चा. હે નામદેવ! તું કાચો છે. કેમ કાચો? કારણ એટલું જ હતું કે નામદેવ ડાહ્યા તો હતા પણ તેમને પોતાના ડહાપણનું અભિમાન હતું. તેઓ પોતાની જાતને જ જ્ઞાની-વિજ્ઞાની માની બઠેલા. તેથી જ તેમણે હજુ સુધી કોઈને ગુરુ કર્યા ન હતા. नामा तुं कत्व्चा એમ કહીને ગોરા કુંભારે નામદેવજીને નગુરા ન રહેવાની ટકોર કરી હતી. ગોરા કુંભારે કહ્યું - નામદેવ! ભલે તું જ્ઞાની છે. પણ હજું તારું અભિમાન ગયું નથી. આથી જ્યાં સુધી કોઈ ગુરુના શરણે નહીં જાય ત્યાં સુધી તું આવો ને આવો કાચો રહીશ. માટે કોઈ અનુભવીને ગુરુ કરી લે અને તેમનાં ચરણોમાં તારા અભિમાનને લીન કરી દે. તેજીને ટકોરો એ ન્યાયે નામદેવ પણ પોતાની ભૂલ પામી ગયા. તુરંત તેમણે ગુરુશરણાગતિનો નિર્ણય કરી લીધો અને વિસોબા ખેચર નામના અનુભવી ગુરુની શિષ્યતા-શરણાગતિ સ્વીકારી લીધી.(કલ્યાણ-ભક્તચરિતાંક)
ખરેખર, આજે પણ કોઈ સાચા ગુરુની શિષ્યતા સ્વીકારી હોય તેવા જિજ્ઞાસુ શિષ્યને મળીએ તો તેઓનો એક અનુભવ તો અવશ્ય સાંભળવા મળશે કે શિષ્યતા સ્વીકારતાં પહેલાં ભલેને પોતે સાવ અબુધ હોય, અપરિપક્વ હોય તેમ છતાં તે જ્યારે અનુભવી-જ્ઞાની ગુરુની શિષ્યતા સ્વીકારે છે, તેમના ઉપદેશોને શ્રદ્ધાપૂર્વક સાંભળે છે અને તે પ્રમાણે પ્રામાણિકપણે વર્તવા લાગે છે ત્યારે વર્ષોની જાતમહેનત પછી પણ સમજમાં ન આવતાં જ્ઞાન-વિજ્ઞાનનાં રહસ્યોને ખૂબ જ ઓછા સમયમાં મેળવી લે છે.
વસ્તુતાએ જુઓ તો આપણી સનાતન સંસ્કૃતિનું પરમ રહસ્ય જ આ ગુરુ-શિષ્યસંબંધ છે. तद् विज्ञानार्थं स गुरुमेवाभिगत्व्छेत् (મુંડક ઉપનિષદ ૧/૨/૧૨) કે પછી तस्माद् गुरुं प्रपद्येत (ભાગવત) જેવા ઉપદેશોમાં આ સિદ્ધાંતધ્વનિ પ્રાચીનકાળથી પડઘાતો સંભળાય છે. આથી જ ભારતવર્ષનો એક પણ મહર્ષિ એવો નહીં મળે કે જે નગુરો હોય. આપણા મહામનીષીઓ તો શિષ્યતાનાં આદર્શ ઉદાહરણો હતા.
અહીં ગીતામાં અર્જુન પણ આપણા માટે એવો જ આદર્શ પૂરો પાડે છે. शिष्यस्तेहं शाघि मां त्वां प्रपन्नम् કહીને તે જાણે સૌ નગુરાઓને શિષ્યતા અર્થે પ્રેરે છે. અશરણાગતોને શરણાગતિના પાઠ ભણાવે છે. આપણી પણ હરાયા ઢોર જેવી પરિસ્થિતિ ન થઈ જાય તે માટે ચેતવી રહ્યો છે. આપણને कत्व्चा ન રહી જવાય તે માટે ટકોર કરી રહ્યો છે. નગુરા થવાથી બચાવી રહ્યો છે. અને ગુરુશરણાગતોને શરણાગતિની સૂક્ષ્મ ભૂમિકાઓનું ભાન કરાવે છે. તેને પ્રામાણિક શરણાગત થવાનો માર્ગ પ્રશસ્ત કરી આપે છે.
આમ અર્જુનની શિષ્યતાની-ગુરુશરણાગતિની વિશેષતાઓ જાણી.