માણસને કઈ મુસાફરી સૌથી અઘરામાં અઘરી લાગતી હશે? પરદેશ જવું? ચંદ્ર ઉપર જવું? મંગળ ઉપર જવું? કે અનંત અવકાશને વીંધવા જવું? આ નક્કી કરવામાં તો શેરને માથે સવાશેરનો ઘાટ થાય. પરંતુ પ્રખ્યાત ગઝલકાર ગની દહીંવાળાએ આનો સરસ જવાબ આપ્યો છે:
“ના ધરા સુધી, ના ગગન સુધી, નહીં ઉન્નતિ, ના પતન સુધી,
અરે આપણે તો જવું હતું, ફકત એકમેકના મન સુધી.”
સામા માણસના મન સુધીની મુસાફરી એ દુનિયાની સૌથી અઘરામાં અઘરી સફર છે. સામા માણસના મનને સમજવું એ સૌથી ભારે જ્ઞાન છે. આ અઘરી મુસાફરી પાર પાડવામાં પ્રમુખસ્વામી બાજી મારી ગયા, જોકે એને માટે એમને શારીરિક રીતે બહુ ભારે શ્રમ વેઠવાનો આવ્યો.
૧૯૭૭માં પ્રમુખસ્વામી પરદેશની ધર્મયાત્રાએ નીકળ્યા ત્યારે એમણે વડોદરાના પરેશ ત્રિવેદી નામના યુવાનને સાથે લીધેલો. ઇંગ્લેન્ડમાં એકાએક એના લગ્ન ગોઠવાઈ ગયા. એ વખતે એ પોતે સાવ એકલો હતો. સ્વભાવે તથા પૈસે-ટકે ગરીબ હતો. દેશમાંથી પણ કોઇ મદદમાં આવી શકે એમ હતું નહીં. એ અતિશય મૂંઝાયો. એની સાથે ‘ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ‘ની જેમ માત્ર પ્રમુખસ્વામી જ હતા. એણે એમની આગળ પોતાની પરિસ્થિતિની રજૂઆત કરી ત્યારે સ્વામીએ પ્રેમથી એની પીઠ ઉપર હાથ પસરાવતાં કહ્યું કે ‘તું મૂંઝાય છે કેમ? હું છું ને!‘ ત્યારે પરેશને પ્રશ્ન થયો કે આવા અકિંચન સંત મને લગ્નપ્રસંગમાં શી રીતે મદદરૂપ થશે? લગ્નના દિવસે સવારે એણે પ્રમુખસ્વામીને ડરતાં-ડરતાં દબાયેલા સ્વરે પૂછ્યું કે ‘સ્વામી આપ મને લગ્નમાં આશીર્વાદ આપવા આવશો?‘ ત્યારે બાજુમાં ઉભેલા એક મોભાદાર વડીલે બારોબાર કરડાકીથી કહી દીધું કે ‘નહીં આવે.‘ પરેશના હ્રદયમાંથી નિસાસો નીકળી ગયો.
સાંજ પડી. પરેશ લગ્નવિધિમાં જરા ભારે હૈયે જોડાયો. આ બાજુ પ્રમુખસ્વામીએ દિવસ દરમ્યાન ઘણા ભક્તોને સાંજે ગાડી લઈને હાજર રહેવા જણાવ્યું હતું. સાંજે બધા સ્વામીના ઉતારે ભેગા થયા ત્યારે કોઈને ખબર નહોતી કે ક્યાં જવાનું છે. સ્વામી બહાર આવીને એક ગાડીમાં બેઠા અને બધાને કહ્યું કે મારી પાછળ પાછળ આવો. આ રીતે ૨૩ ગાડીઓના મોટા કાફલાને સ્વામી પરેશના લગ્નના માંડવે દોરી ગયા. પરેશને જ્યારે પ્રમુખસ્વામીના પ્રેમાળ બોલ સંભળાયા કે ‘જો, મૂંઝાતો નહીં. હું પોતે આખી જાનને સાથે લઈ આવ્યો છું.‘ ત્યારે એ માની નહોતો શકતો એના જેવા નરસૈયાને આંગણે પ્રમુખસ્વામી શામળશા શેઠ બનીને આવી પહોંચ્યા હતા.
તા.૧-૩-૭૩ના દિને પ્રમુખસ્વામીએ જમશેદપુરમાં અનેરું કૌતુક કરી દેખાડ્યું. કોલકાતાનો યુવાન અતુલ અજમેરા થોડા દિવસથી તેમની સાથે વિચરણમાં જોડાયો હતો. ગાવાનો શોખીન હોવાને લીધે એણે પ્રમુખસ્વામી આગળ એક ભજન ગાવાનો મનોરથ સેવેલો, પરંતુ તેને તક મળતી નહોતી. આજે સવારે પ્રમુખસ્વામીની પાત:પૂજા દરમ્યાન ગાવાની શક્યતા જણાતી હતી, પરંતુ કોણજાણે એ શક્ય થયું નહિ. એ ઉદાસ થઈ ગયો. એણે કોઈને આ બાબત જણાવ્યું નહીં, સ્વામીશ્રીને પણ નહીં. બધા વિખરાતા હતા એ વખતે એકાએક પ્રમુખસ્વામી એનો હાથ પકડીને એને બાજુની રૂમમાં લઇ ગયા. ત્યાં એક બારીનો સળીયો ઝાલીને સ્વામી ઉભા રહ્યા અને અતુલને કહ્યું ‘કીર્તન ગા.‘ અતુલનાં રોમરોમ રોમાંચિત થઈ ઉઠ્યાં. એણે કીર્તન- ‘મને સંત મળ્યા, ભગવંત મળ્યા‘ ની એક પંક્તિ ગાઈ અને અટક્યો. ત્યાં સ્વામી કહે ‘આખું કીર્તન ગાઈ લે‘ અતુલને અતુલનીય સુખ આવ્યું કારણકે સ્વામીશ્રીએ વગર કહ્યે એના મન સુધી પહોંચવાની અઘરી સફર ક્ષણમાં પાર કરી દીધી હતી.
મહારાષ્ટ્રનો ગુજરાતની સરહદ સાથે જોડાયેલો વિસ્તાર ખાનદેશ. ત્યાંના જાપી ગામના એક ખેડૂત ભક્તે પ્રમુખસ્વામીને પોતાના ખેતરમાં કૂવો કઈ જગ્યાએ કરવો એ પૂછેલું. પ્રમુખસ્વામીએ એક સાદા કાગળ ઉપર એક ટપકું કરીને એને માર્ગદર્શન આપ્યું હતું કે જમીનનો ઢાળ ઢળતો હોય એ જગ્યાએ કરવો. એ રીતે કરવાથી એના કૂવામાં ખૂબ જ પાણી આવ્યું. હવે આ ભાઈ નવો સંકલ્પ લઈને બેઠા કે જ્યાં સુધી પ્રમુખસ્વામી આ પાણી ન વાપરે ત્યાં સુધી મારે પણ વાપરવું નહીં. વર્ષો વીત્યાં પણ એ ભાઈ છતે પાણીએ તકલીફ વેઠતાં જ રહ્યા. પ્રમુખસ્વામીને આ વાતની જાણ થઈ ત્યારે એમણે એ કૂવાનું પાણી મુંબઈ મંદિરે મંગાવી ઠાકોરજીનું પ્રસાદીનું કરી આપ્યું. પણ હજુ એ ભાઈ પાણી વાપરવા તૈયાર જ નહોતા. એ કહે પ્રમુખસ્વામી મારા ઘરે આવીને આ પાણી પ્રસાદીનું કરે તો જ હું વાપરીશ. ઘણા વખત પછી પ્રમુખસ્વામી ખાનદેશમાં ધૂળે આવ્યા, ત્યારે એમણે જ ખાસ આગ્રહ રાખીને બાજુમાં આવેલ વરખેડા અને ત્યારબાદ જાપી ગામમાં જવાનું ગોઠવ્યું. એ વખતે પેલા ભાઈના ઘરમાં બેસીને એમના કૂવાનું પાણી ફરી પ્રસાદીનું કર્યું, ત્યારે જ એ ભાઈએ પાણીનું પણ છોડ્યું. પ્રેમ કરતાં દુરાગ્રહ વધારે કહી શકાય એવી સાધારણ માણસની લાગણીને પણ પ્રમુખસ્વામીએ સમજીને એમને રાજી કરી લીધા.
આવી લાગણીઓને લોકો ભલે ક્ષુલ્લક ગણતાં હશે પરંતુ પ્રમુખસ્વામી એની પૂર્તિ માટે દેહને દળી નાખતા, આથી જ મનથી મનની સૌથી અઘરી સફરને તેઓ ચપટી વગાડતામાં તય કરી લેતા.