સન 1967માં તેઓ જ્યારે યોગીજી મહારાજની સાથે ડેમોલ ગામે પધારેલા ત્યારે તેઓનું શરીર તાવને કારણે તૂટતું હતું. માથું દુખતું હતું. વળી, ઠંડીનું જોર પણ ઘણું હતું. આવા સમયે સૌ હરિભક્તો યોગીજી મહારાજને પધરામણી માટે આગ્રહ કરવા લાગ્યા, ત્યારે તેઓએ કહ્યું: ‘અમારા વતી પ્રમુખસ્વામી પધરામણીએ પધારશે.’
‘પણ બાપા! નિશાળમાં સભા પણ રાખી છે.’
‘પ્રમુખસ્વામી ઈ સભામાંય આવશે. પ્રમુખસ્વામી બહુ મોટા છે. સંસ્થાના ધણી છે.’ આટલું કહી યોગીજી મહારાજ તો રામોલ જવા નીકળી ગયેલા.
...અને તાવતૂટ્યા શરીરના અસહ્ય કળતરમાં સ્વામીશ્રીએ ગુરુ-આજ્ઞા માથે ચઢાવી પધરામણીઓ શરૂ કરી. એક... બે... પાંચ... પંદર... પચીસ.... કરતાં-કરતાં પિસ્તાલીસ પધરામણીઓ થઈ. ત્યારબાદ તેઓ નિશાળમાં સભા કરવા પધાર્યા. તાવથી કંતાયેલા શરીરનો રહ્યો-સહ્યો રસકસ તો પધરામણીઓએ નિતારી જ દીધેલો. તેથી પ્રવચન કરતી વખતે સ્વામીશ્રીના શબ્દો તૂટવા લાગ્યા. શરીર ધ્રૂજવા લાગ્યું. છતાં કોઈને અણસાર સુધ્ધાં આવવા દીધા સિવાય યોગીજી મહારાજની આજ્ઞા મુજબનો કાર્યક્રમ આટોપીને સ્વામીશ્રી પહોંચ્યા રામોલ ગામે.
અહીં દૂધની ડેરીના ઓટલે બિરાજી યોગીજી મહારાજ કથા કરી રહેલા. તેઓએ જેવા સ્વામીશ્રીને જોયા કે જાહેરાત કરી દીધીઃ ‘હવે અમારા પ્રમુખસ્વામી આવ્યા છે. તે વાત કરશે.’
આ આજ્ઞા પાળવા માટે શરીર તો ના જ પાડતું હતું, પણ સ્વામીશ્રીએ પોતાના ગુરુ યોગીજી મહારાજની આ આજ્ઞા અધ્ધર ઝીલી પ્રવચન શરૂ કર્યું અને યોગીજી મહારાજ નિવાસસ્થાને પધાર્યા. જો કે તેઓના ઉત્સાહ સાથે શરીર તાલ મિલાવી ન શક્યું. આ પરિસ્થિતિ હકાભાઈ પારખી ગયા. તેથી તેઓએ અડધા પ્રવચને જ જાહેરાત કરી સભાના સમાપનની જય બોલાવી દીધી. સ્વામીશ્રીને ઉતારામાં લઈ જઈ સુવડાવી દેવામાં આવ્યા અને ઔષધ-ઉપચાર શરૂ કરી દેવાયાં.
આમ, શરીર ઢળી ન પડે ત્યાં સુધી સ્વામીશ્રી ગુરુની આજ્ઞા પાળવામાં ઓટ આવવા ન દેતા.
‘અડગ સંગ્રામને સમે ઊભા રહે, અર્પવા શીશ આનંદ મનમાં;
ચાકરી સુફળ કરવા તણે કારણે, વિકસ્યું વદન ઉમંગ તનમાં,
વચન પ્રમાણે તેની પેઠે વર્તતા, એક પગ ભર ઊભા જ સૂકે...’
એ સિંધુડા તેઓની રગેરગમાં ગુંજતા હતા.
તનની સાથે ગુરુ-આજ્ઞામાં મનને પણ હોમી દીધેલું સ્વામીશ્રીએ.
સન 1963ના અરસામાં શાસ્ત્રીજી મહારાજની પ્રસાદીની વસ્તુઓ ભેગી કરતા મુંબઈના એક હરિભક્તને જાણ થયેલી કે પ્રમુખસ્વામી મહારાજ પાસે પણ આવી એક પ્રાસાદિક માળા છે.
તેથી તેઓએ તે માળા પોતાને આપવા બાબતે સ્વામીશ્રીને આગ્રહ કરેલો. પરંતુ આ માળા સ્વામીશ્રી માટે તો અતિ મૂલ્યવાન હતી, કારણ કે તે ભગવાન સ્વામિનારાયણે ફેરવેલી, અને શાસ્ત્રીજી મહારાજે ખૂબ પ્રસન્ન થઈને, યોગીજી મહારાજના કહેવાથી તે પ્રમુખસ્વામી મહારાજને આપેલી. તેથી સ્વામીશ્રીએ કહ્યું: ‘આ માળા મને યોગીજી મહારાજે અપાવી છે. તેથી કોઈને ન અપાય.’
આ સાંભળી પેલા હરિભક્તે યુક્તિ વિચારીને કહ્યું: ‘વાંધો નહીં. પણ ઉતારામાં મારા સંબંધીઓ છે તેઓને દર્શન કરાવી દેવા પૂરતી મને આપો. હું હમણાં પાછી લઈ આવીશ.’
એ હરિભક્ત જૂના અને મોભાદાર. શાસ્ત્રીજી મહારાજની સેવા પણ ઘણી કરેલી. તેથી સ્વામીશ્રીએ તેઓને માળા આપતાં કહ્યું: ‘પાંચ-દસ મિનિટમાં મારી પૂજા પૂરી થશે. ત્યાં સુધીમાં તમે દર્શન કરાવીને માળા પાછી લઈ આવો.’
પરંતુ તે હરિભક્ત માળા લઈને ગયા તે ગયા. આજની ઘડી અને કાલનો દા’ડો. માળા લઈને પાછા આવ્યા જ નહીં. એટલું જ નહીં, સ્વામીશ્રી માળા પાછી લેવાની વાત પડતી મૂકી દે તે અંગે તે હરિભક્તે યોગીજી મહારાજને પણ જણાવ્યું.
તેથી અમદાવાદમાં એકવાર સ્વામીશ્રી પ્રાતઃપૂજા કરી રહેલા ત્યારે યોગીજી મહારાજ માળા લઈ ગયેલા પેલા હરિભક્તનો હાથ પકડીને સ્વામીશ્રી પાસે આવ્યા અને કહ્યું કે ‘આ હરિભક્તને તમે પ્રસાદીની માળા આપેલી, તે હવે પાછી લેવાનો સંકલ્પ ન કરતા. લ્યો, આશીર્વાદ.’
‘બહુ સારું. આપની ઇચ્છાથી મળી હતી અને આપની ઇચ્છા છે તો ભલે એમની પાસે માળા રહે.’ આમ કહેતાં સ્વામીશ્રીએ તરત જ ગુરુવચન શિરે ચઢાવી દીધું. ત્યારબાદ તેઓ ઘણી વખત કહેતા કે ‘એકવાર યોગીજી મહારાજે કહ્યું પછી કોઈ દિવસ તે માળા સંબંધી સંકલ્પ મને થયો નથી.’
પ્રાણ સમા સંભારણા જેવી માળાને આમ કાચી સેકન્ડમાં ભૂલી જવી એ કક્ષા કોઈ અસાધારણ ગુરુભક્તિની અપેક્ષા રાખે છે. એ ઉચ્ચતમ કક્ષાએ આસન જમાવીને બેઠેલા ગુરુભક્ત હતા પ્રમુખસ્વામી મહારાજ.
તેઓએ તા. 4-10-95ના રોજ પોતાના એ ગુરુદેવનું સ્મરણ કરતાં કહેલું કે ‘એમનું વચન એ ભગવાનનું જ વચન એમ માનીને જ શાસ્ત્રીજી મહારાજ, યોગીબાપાને સેવેલા. એ કહે એમાં શંકા નહીં. જુદો વિચાર કે મન જુદાં ન પડે. શાસ્ત્રીજી મહારાજનું વચન અને જોગીબાપા રાજી થાય એ વિચાર હંમેશાં ચાલતો આવ્યો. એ રીતે વર્ત્યા તો આજે આનંદ ને સુખ છે.’
ગુરુના વચનમાં તન-મનને વહેતું મૂકનારા સ્વામીશ્રીને ગુરુ વિષે ‘જે જે લીલા કરો તમે લાલ, તેને સમજુ અલૌકિક ખ્યાલ...’નો દિવ્યભાવ પણ રહેતો.
એકવાર સારંગપુરમાં ઠાકોરજીના વપરાશ માટે કંપાલાથી વાસણો આવેલાં. આ વાસણોમાંથી અમુક ગોંડલ મંદિર માટે અને અમુક સારંગપુર મંદિર માટે રાખવાની વાત યોગીજી મહારાજે કરેલી. તે મુજબ વાસણોના ભાગ પણ પાડી દેવામાં આવેલા. પરંતુ આ ઘટનાના થોડા દિવસો બાદ યોગીજી મહારાજે સારંગપુર મંદિર માટે અનામત રખાયેલાં વાસણો પણ હર્ષદ ચાવડા નામના યુવકને આપતાં કહ્યું: ‘આ તમે ગોંડલ લઈ જાઓ.’ યોગીજી મહારાજની આજ્ઞા થતાં તે યુવાન તો વાસણો લઈને નીકળ્યા. સંસ્થાના પ્રમુખ હોવાથી ગોંડલ, સારંગપુર વગેરે મંદિરોના વહીવટમાં, વિકાસમાં સમાન દૃષ્ટિથી કાર્ય કરતાં પ્રમુખસ્વામી મહારાજને એ યુવાનનો ભેટો થઈ ગયો. સ્વામીશ્રીએ પૂછ્યું: ‘શું લઈને ચાલ્યો?’ યુવકે જેમ હતું તેમ બયાન કરી દીધું કે સારંગપુરનાં વાસણો પણ યોગીજી મહારાજે ગોંડલમાં આપી દેવાનું કહ્યું છે. આથી, તે લઈને ગોંડલ જાઉં છું.
આ એક જ પ્રસંગે નહીં, પૂર્વે અન્ય પ્રસંગોએ પણ કોઈ પણ વ્યવસ્થાપકના મગજનું સંતુલન ખોરવાઈ જાય એ હદે યોગીજી મહારાજે ગોંડલ મંદિર પ્રત્યે પોતાનો પક્ષપાત જણાવ્યો હતો. પરંતુ સ્વામીશ્રીને પોતાના ગુરુ યોગીજી મહારાજના આ ચરિત્રમાં લેશ પણ સંશય થયો નહીં.
તેઓએ બને એટલી ઝડપથી હર્ષદભાઈને ગોંડલ તરફ રવાના થઈ જવા વાત કરી. એટલું જ નહીં, વાસણની સાથે વિદાયનું ભાથું પણ બંધાવ્યું કે ‘એક વાત ખાસ ધ્યાનમાં રાખજે. એક ગુરુ યોગીજી મહારાજ સામે જ દૃષ્ટિ રાખજે. આધ્યાત્મિક રીતે પ્રગતિ કરવાનો આ એક જ ઉપાય છે.’
ગુરુ પ્રત્યે પ્રમુખસ્વામી મહારાજને દાસભાવ પણ અતિ દૃઢ. હરહંમેશ ગુરુની છાયામાં જ રહેવામાં ધન્યતા માનેલી તેઓએ. તેથી ગુરુ કરતાં પોતાની મહત્તા વધે તેવી કોઈ પણ ગતિવિધિ તેઓ અટકાવી દેતા.