Essay Archives

જે દેશની સંસ્કૃતિએ કીડિયારા પૂરવાનો, ચબૂતરા-હવાડા બાંધવાનો, ગોગ્રાસ-શ્વાનગ્રાસ કાઢી ભોજન કરવાનો, પશુનું પૂજન કરવાનો સંદેશ આપ્યો છે, તે દેશમાં આજે 30,000થી વધુ કતલખાનાં છે ! જે દેશના સપૂત શિબિએ શરણે આવેલા હોલાને બચાવવા પોતાના શરીરમાંથી હોલાના વજનતુલ્ય માંસ કાઢી આપેલું, તે દેશમાં આજે કરોડો લોકો જીવહિંસા આચરી પોતાના પેટ ભરી રહ્યા છે. ખરેખર ! આપણે આપણો આહાર-વારસો ભૂલી ગયા છીએ.
જે દેશના રંતિદેવે પ્રજાજન ભૂખ્યો ન રહે તે માટે 49 દિવસના ઊપવાસ પછી મળેલું અન્ન પણ ભૂખ્યા માણસને જમાડીને તૃપ્તિનો ઓડકાર ખાધેલો, એ દેશના શાસકો આજે હજારો કરોડ રૂપિયાના કૌભાંડો આચરવા છતાં ધરાતા નથી. સાચે જ, આપણે આપણો સમર્પણવારસો ભૂલી રહ્યા છીએ.
જે દેશના લક્ષ્મણે સીતાજી સાથે વનના એકાંતમાં 14 વર્ષ કાઢવા છતાં તેઓના પગની પાની સિવાય શરીરના કોઈ અંગ-ઉપાંગ તરફ દૃષ્ટિ સુધ્ધાં કરી નહોતી, એ દેશના યુવાધન પાસે આજે બેસુમાર બીભત્સ ફિલ્મો છે અને તેઓ બેફામ બળાત્કાર આચરી રહ્યા છે. કહી શકાય એવું છે કે આપણે આપણો સંયમવારસો ભૂલી રહ્યા છીએ.
એક સમય હતો જ્યારે પ્રત્યેક ભારતવાસીના કપાળ પર પોતાના સંપ્રદાયના તિલક ઝગારા મારતા. આજે કોરાકટ કપાળો જોતાં લાગે છે કે આપણે આપણો ધર્મવારસો ભૂલી રહ્યા છીએ.
માતા-પિતાનાં વચન પાળવા રાજગાદી ઠુકરાવીને વનની વાટે ચાલી નીકળનારા રામના જ દેશમાં આજે માતા-પિતાને કોર્ટ સુધી ઘસડી જવામાં સંતાનો સંકોચ અનુભવી રહ્યા નથી. લાગે છે કે આપણે આપણો ‘માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ’નો વારસો ભૂલી રહ્યા છીએ.
ભારતવર્ષનો સપૂત શ્રવણ પોતાના અંધ-વૃદ્ઘ માતા-પિતાની તીર્થયાત્રાની ઇચ્છા પૂર્ણ કરવા કાવડ ખભે ઊંચકી નીકળી પડેલો. આજે એ ભૂમિનાં સંતાનો પોતાનાં ઘરડાં મા-બાપને ગાડીમાં બેસાડીને નજીકના મંદિરમાં લઈ જવા તૈયાર નથી અને વૃદ્ઘાશ્રમોની પ્રતીક્ષા યાદી વધતી જાય છે, ત્યારે લાગે છે કે આપણે આપણો સેવાવારસો ભૂલી રહ્યા છીએ.
એક સમય હતો જ્યારે સ્ત્રીઓ લાજ કાઢીને ફરતી. આજે પોતાનું શરીર વધુમાં વધુ દેખાય એવી સ્પર્ધાઓ વધી રહી છે. લાગે છે કે આપણે આપણો વસ્ત્રવિવેક-વારસો ભૂલી રહ્યા છીએ.
વગર વાંકે વનમાં જનાર સીતાજી કે પોતાના પતિવ્રતાના સથી મૃત સત્યવાનને યમના હાથમાંથી પાછો ખેંચી લાવનારી સાવિત્રી ભારતની સન્નારીઓનાં પ્રતીકરૂપે છે. એ ભારતમાં આજે સેંકડો સ્ત્રીઓ પોતાના પ્રેમી સાથે મળી પતિને રહેંસી નાંખવાના પેંતરા રચે છે, ત્યારે લાગે છે કે આપણે આપણો સંબંધવારસો ભૂલી રહ્યા છીએ.
પોતાના ભાગની મિલકતો પણ વહેંચીને વનમાં ચાલી નીકળી અપરિગ્રહનો આદર્શ બેસાડનાર યાજ્ઞવલ્કયનાં વારસદાર સમાં સંતાનોમાં ક્યાંક ક્યાંક આજે મિલકતો માટે ખૂનખરાબા થાય છે ત્યારે લાગે છે કે ધર્માચાર્યો પોતાનો ત્યાગવારસો ભૂલી રહ્યા છે.
ચિત્રામણની સ્ત્રીપ્રતિમાનો પણ સ્પર્શ ન કરનાર કે તે સામે પણ દૃષ્ટિ માંડીને ન જોનાર સંતોની પદરજથી પાવન ભારતભૂમિમાં આજે કવચિત્ કવચિત્ ભગવાંધારી વાસનાને વશ થઈ પાપલીલા આચરે છે ત્યારે લાગે છે કે આજના સંન્યાસી પોતાનો વારસો ભૂલી રહ્યા છે.
આવું તો ઘણું ઘણું છે, તોય ‘ભાંગ્યું ભાંગ્યું ભરૂચ’ ન્યાયે હજી સંસ્કૃતિ સજીવન છે ખરી. ડાળી, પાંદડાં, ફળ, ફૂલ, ભલે ખરી પડ્યાં પણ મૂળિયાંને હજી સાવ ઊધઈ લાગી નથી, કારણ કે એ મૂળિયાંના જતન માટે આજે પ્રમુખસ્વામી મહારાજ જેવા મહાસંત પ્રયત્નશીલ છે. આજે સ્વામીશ્રીએ વિશ્વના પાંચેય ખંડોની ધરતીમાં ઘૂમી ઘૂમીને એવા લાખો ભક્તો તૈયાર ર્ક્યા છે જેના જીવનમાં સનાતન ભારતીય સંસ્કૃતિનાં મૂલ્યો સોળે કળાએ ખીલેલાં છે.
કાચું માંસ ખાઈને જીવનારા આદિવાસીઓ આજે સ્વામીશ્રીના સંસ્પર્શે એવા પવિત્ર બન્યા છે કે સાઇકલ નીચે દેડકો આવી જાય ને મૃત્યુ પામે તોય ઉપવાસ કરે છે. સ્વામીશ્રીના યોગથી સૌમાં એવી અસ્મિતા જાગી છે કે તિલક-ચાંદલો કરવા ન દે તો અમેરિકન લશ્કરને પણ કોર્ટમાં હાજર કરી, તેને પરાસ્ત કરી, તિલક-ચાંદલો કરી, અમેરિકાના લશ્કરમાં નોકરી કરે. એક સાથે દસ દસ નર્તકીઓ લોભાવવાનો પ્રયત્ન કરે તોય ખડકની જેમ અડગ રહે તેવા યુવાનો સ્વામીશ્રીએ તૈયાર કરી, લક્ષ્મણજીના સંયમને કળિયુગમાં મૂર્તિમાન કર્યો છે. લાખોની લાંચને રાખની જેમ ઉડાડીને હકનું મળે તે ખાઈને જીવન જીવનાર અનેક કર્મચારી-અધિકારી તૈયાર કરી, સ્વામીશ્રીએ ભારતના વારસાને હજીયે જીવંત રાખ્યો છે. રોજ સવારે માતા-પિતાને પંચાંગ પ્રણામ કરી દિવસ શરૂ કરનારા હજારો બાળકો બી.એ.પી.એસ.માં જોવા મળે છે ત્યારે અનુભવાય છે કે શ્રવણપરંપરા હજીયે મરી પરવારી નથી. આભાર પ્રમુખસ્વામી મહારાજનો.
રાવણના ત્રાસથી પીડિત પૃથ્વી ‘પરમાત્માનો અવતાર થયો કેમ જાણવો ?’ એ સમજવા પ્રશ્ન પૂછે છે, ત્યારે ભગવાન તેને કહે છે : ‘જ્યારે દેશમાં બ્રહ્મચારીઓ પેદા થશે, જ્યારે વિદ્યાર્થીઓ ધર્મરક્ષક ગુરુને વશ રહેશે, જ્યારે મા-બાપો પોતાનો મોહ છોડી પોતાના પુત્રોને મખ(યજ્ઞ-સંસ્કૃતિ)રક્ષણને અર્થે સોંપી દેશે, જ્યારે બ્રહ્મચર્યનું તેજ સત્ય અને ધર્મની સેવા સ્વીકારશે, જ્યારે ઉચ્ચ કુળના તરુણો નગરજીવનના વિલાસો છોડી ગામડે-ગામડે ને વનવગડે ફરશે ત્યારે ઈશ્વરનો અવતાર થયો છે તેમ સમજવું.’
આજે સ્વામીશ્રીના આદેશ પ્રમાણે 850 જેટલા કાષાયધારી સંતો અને સેંકડો બાઈ-ભાઈ કાર્યકરો ઉપર લખેલ વાક્યેવાક્ય જેવી સેવા કરે છે ત્યારે લાગે છે કે ઈશ્વરનો અવતાર આજે સ્વામીશ્રી દ્વારા ભારતીય સંસ્કૃતિની રક્ષા કાજે પ્રગટ થયો છે.
સ્વામીશ્રી મંદિરો બાંધી, શાસ્ત્રો રચાવી, સંતો બનાવી સાંસ્કૃતિક વારસાને અજવાળી રહ્યા છે. આપણે આપણાં આ મૂળિયાંને સાચવી રાખી અસ્મિતાનું જતન કરીએ તેમાં જ આપણું હિત છે, કારણ કે અસ્મિતા વિના આપણું અસ્તિત્વ જ ન ટકે.
ગાંધીજી કહેતા : ‘હું જરા પણ નથી ઇચ્છતો કે મારા ઘરને ચારે બાજુ દીવાલો હોય અને મારા ઘરની તમામ બારીઓ બંધ હોય. દેશ-વિદેશની સંસ્કૃતિના વાયરા મારા ઘરમાં શક્ય એટલી મુક્ત રીતે વહે તે જ મારી પણ ઇચ્છા છે; પણ તેને કારણે મારા પગ મારી ભૂમિમાંથી જ ઊંચકાઈ જાય અને હું દૂર ફંગોળાઈ જાઉં, તેનો હું સખત વિરોધ કરું છું.’
આપણે આધુનિકતાને ભલે અપનાવીએ, પણ તેમાં આપણી અસ્મિતા ભૂંસાઈ ન જાય તેનો આપણે અવશ્ય ખ્યાલ રાખીએ. મામી-માસી માતાના ભોગે તો ન જ અપનાવાય. ગોગલ્સ માટે આંખની આહુતિ તો ન જ અપાય. સારા બૂટ માટે પગ તો ન કપાવાય. તેમ આધુનિકતાને આવકારીએ, પરંતુ અસ્મિતાના ભોગે નહીં. આ અનુસંધાન કાયમ રહે અને આપણે આપણી સંસ્કૃતિ, આપણા ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, આપણો અક્ષર-પુરુષોત્તમ સિદ્ધાંત, આપણો સ્વામિનારાયણીય સત્સંગ અને આપણી ગુણાતીત ગુરુપરંપરાની અસ્મિતાથી કાયમ સભર રહીને, આજીવન તેની સેવાપરાયણ રહીએ તે જ અભ્યર્થના.

Other Articles by સાધુ વિવેકસાગરદાસ, સાધુ આદર્શજીવનદાસ


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS