અખંડ શ્રદ્ધા રાખશો તો કોઈપણ મુશ્કેલીમાં મન પાછું નહીં પડે
ભક્તિની શરૂઆત ભગવાનનું અસ્તિત્વ સ્વીકારવાથી થાય છે. ભગવાન છે, સર્વત્ર છે, સંપૂર્ણ છે તેનું અખંડ અનુસંધાન એ સાચી ભક્તિનો પાયો છે. જેવી પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની ભગવાનમાં અખંડ, અપાર, અખૂટ શ્રદ્ધા અને નિષ્ઠા હતી, તેવી આપણી સ્થિતિ છે ખરી?
ઘણા ભક્તો કહેશે કે ‘સ્વામી! અમે પણ માનીએ છીએ કે ભગવાન છે.’ એમ માનવું કે ભગવાન છે અને દૃઢપણે વિશ્વાસ રાખવો કે ભગવાન છે - એમાં એક પાતળી ભેદરેખા છે. આપ ખિસ્સામાં ભગવાનની મૂર્તિ રાખો, ગળામાં કંઠી પહેરો, નિયમિત મંદિર જતા હો, શાસ્ત્રોનો અભ્યાસ કરતા હો, નિયમ-ધર્મનું પાલન કરતા હો – એ ખોટું નથી, સાચું જ છે અને સારું જ છે, પરંતુ એ પૂરતું નથી. માત્ર ભગવાનને પૂજવા તથા ભગવાનના મહિમા સહિત તે જે કરે તેમાં અખંડ શ્રદ્ધા રાખવી – આ બંને વચ્ચે તફાવત છે.
આપણે કોઈનો ફોટો લઈને ફરીએ અને કહીએ કે હું આ વ્યકિતને ચાહું છું. તે સમયે કોઈ પૂછે કે તેનું નામ અને સરનામું શું છે? એ કોણ છે? તો તમે અવાક બની જવાબ આપો કે ‘એ તો મને ખબર જ નથી.’ તો પૂછનારને પ્રશ્ન થાય કે આને પ્રેમ છે પણ પ્રતીતિ નથી. પ્રતીતિ વગરનો પ્રેમ અસ્થિર હોય છે અને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય સહિતનો પ્રેમ અફર અને કાયમી રહે છે.
પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ ભગવાનને ચાહતા હતા અને આપણે પણ ભગવાનને ચાહીએ છીએ, પણ આપણે આસ્તિક હોવા છતાં ઘણી વાર છૂપા નાસ્તિક બની જઈએ છીએ. છૂપા નાસ્તિક એટલે? દિવસમાં દસ વાર આસ્તિક બનીએ અને દસ વાર નાસ્તિક. પૂજા દરમિયાન મન દઈને ધ્યાન કરીએ એટલે આસ્તિક અને પૂજા કરતાં-કરતાં મન ભટકે તો તો નાસ્તિક.
ભગવાન આપણા સંકલ્પો પૂરા કરે તો આસ્તિક, પણ પ્રાર્થના ફળે નહીં તો ભગવાનની અવગણના થાય તે નાસ્તિક. જેટલા ભગવાનના આપેલા નિયમો પાળીએ એ આસ્તિકપણું અને જેટલા નિયમો તોડીએ તે નાસ્તિકપણું. બહુધા આપણે આવા સગવડિયા ભક્ત હોઈએ છીએ. આપણાં કામ થાય તો ભગવાન બહુ સારા અને ન થાય તો ભગવાને નખ્ખોદ વાળ્યું. આપણે સ્વયં જ તપાસ કરીશું તો અંતર્દૃષ્ટિ થશે કે દિવસ દરમિયાન ઘણી વાર આપણે આવી રીતે આસ્તિકતા અને નાસ્તિકતા વચ્ચે ઝોલાં ખાતા હોઈએ છીએ. વર્ષો પહેલાંનો એક પ્રસંગ છે. એક મંદિરના મહંત પર એક ધંધાકીય ગ્રૂપનો પત્ર આવ્યો કે ‘અમે ૧૦ પાર્ટનર છીએ અને અમે ૧૦ પાર્ટનર્સે નક્કી કર્યું હતું કે અમારા ૧૧મા પાર્ટનર ભગવાન રહેશે. ત્યારબાદ અમે ધંધો શરૂ કર્યો, પરંતુ ધંધામાં રૂ. ૧૩ કરોડની ખોટ આવી છે. એટલે અમે બધા પાર્ટનર્સે સરખે ભાગે ખોટ પૂરી કરવા પોતાનો હિસ્સો આપવાના છીએ. પરંતુ ભગવાનનો અગિયારમો હિસ્સો તમે મોકલો.’ ભગવાન સાથે સોદાબાજી કરવી અને ભગવાનના માથે ખોટ ચડાવવી એ મનુષ્યની અવળચંડાઈ છે. આ કેવી ભક્તિ?
કેવળ બુદ્ધિના બળે બધું શક્ય નથી, પણ જીવ સવળું વિચારે અને સવળી ક્રિયા કરે તો જ આસ્તિકપણું વધે. શિવલિંગ ઉપર પુષ્પ અર્પણ કરવા જતાં શિવલિંગ ઉપર ઉંદર રમતા જોઈ કોઈક બૌદ્ધિક વિચાર કરે કે - ‘જે શિવલિંગની અંદર ઉંદર દૂર રાખવાની તાકાત નથી તો એવા ભગવાન મારું શું કરશે?’ આ સ્થિતિમાં આવો નકારાત્મક વિચાર કરવાને બદલે એવું સવળું વિચારો કે પુષ્પ અને ઉંદર બંને ભગવાનની જ રચના છે, જે સ્વયં પોતાની રચના હોય તે ભગવાન માટે ઉંદર અને પુષ્પ બેઉ સમાન છે, તેથી જ ભગવાન આવકારે છે. એ ભગવાન કેવા મોટા અને ઉદાર હશે?
ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ‘ચાહે અમારા ઉપર ધૂળ નાખો કે ચંદનની વર્ષા કરો અમારા માટે તે સમ(સમાન) છે.’ ભગવાન સદાય સ્થિર અને સમદ્રષ્ટા છે અને તે ભગવાનને ધારનાર સંત પણ સદાય સ્થિર અને સમદ્રષ્ટા હોય છે.
પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે ભગવાનની ભક્તિ અખંડ અનુસંધાન સાથે કરી છે. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ હોય તો લંડનનું નિઝડન-બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર કે જે સમગ્ર વિશ્વમાં સુવિખ્યાત છે. ગિનીઝ બુકનો રેકોર્ડ, રીડર્સ ડાયજસ્ટનો રેકોર્ડ, દુનિયાના શ્રેષ્ઠ બિલ્ડિંગમાં આ મંદિરની ગણતરી થાય છે, ઇંગ્લેન્ડમાં ‘બેસ્ટ એન્વાયર્નમેન્ટલ બિલ્ડિંગ’નો એવોર્ડ, મોસ્ટ એન્ટરપ્રાઇઝિંગ બિલ્ડિંગ તરીકેનો એવોર્ડ. ઇંગ્લેન્ડના લોકોએ ઇન્ટરનેટ ઉપર વોટિંગ કરીને જાહેર કર્યું કે આ વિસ્તારમાં અમારું મનપસંદ બિલ્ડિંગ હોય તો તે છે ‘નિઝડન બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર’. એથી પણ વિશેષ કે લંડનમાં જ્યારે વર્ષ-૨૦૧૨માં ઓલિમ્પિક્સનું આયોજન થયું હતું તે સમયે ‘ઓલિમ્પિક સોવેનિયર મેડલ’ બનાવવા માટે ઓલિમ્પિક કમિટીએ ઇંગ્લેન્ડની છબી માટે ઇંગ્લેન્ડનાં ૧૦ નામાંકિત બિલ્ડિંગને સિલેક્ટ કર્યા, તેમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરની પણ પસંદગી થઈ હતી. લંડનના વર્તમાન મેયર સાદિક ખાને મેયરપદ સંભાળ્યું તે પૂર્વે મંદિરમાં અભિષેક કરવા આવ્યા હતા. પછી તેમણે પોતાનો પ્રતિભાવ આપતાં ઇન્ટરનેટના માધ્યમથી જણાવ્યું હતું કે ‘લંડન તેના સુંદરતમ બિલ્ડિંગો-સ્થાપત્યને કારણે પ્રખ્યાત છે, પણ મારું જો મનપસંદ સ્થાપત્ય કોઈ હોય તે એ લંડનનું સ્વામિનારાયણ મંદિર છે.’
આ મંદિરનું મહત્ત્વ કંઈ રાતોરાત વધી નથી ગયું, પરંતુ આ મંદિર પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની અખૂટ, અખંડ શ્રદ્ધાનું પ્રતીક છે. કેમ? કોઈ નિઝડન જેવા નિર્જન વિસ્તારમાં મંદિર બનાવવાનું વિચારે પણ નહીં. તે સમયે એવું કહેવાતું હતું કે લંડનનો ખાડે ગયેલો વિસ્તાર હોય તો તે નિઝડન છે. લંડનના ઇતિહાસમાં એક જ વાર ‘નિઝડન’નો ઉલ્લેખ થયો હતો અને તે એ રીતે કે વિનસ્ટન ચર્ચિલ જ્યારે કારમાં જતા હતા ત્યારે તેમણે પોતાની સિગારેટની રાખ અહીં નાખી હતી. વિશેષ, કોઈ ભક્તને એવું લાગતું હોય કે અમે વારંવાર પ્રયત્ન કરવા છતાંય નિષ્ફળ જઈએ છીએ, અમારી પ્રાર્થના કોઈ સાંભળતું નથી, દ્વિધા રહે, ધીરજ ખૂટે ત્યારે આ લંડનના નિઝડન મંદિરની વાત સંભારવી. આ મંદિરનિર્માણની સત્યકથામાં સફળતા કરતાં નિષ્ફળતા વધુ દેખાય છે.
લંડનના હરિભક્તોએ વિનંતી કરતાં પ્રમુખસ્વામી મહારાજે ત્યાં મંદિર બનાવવાની હા પાડતાં જમીન શોધવાનું કામ શરૂ થયું. નિઝડનમાં આપણી જમીન હતી પણ સૌની ઇચ્છા મંદિર નિઝડનમાં નહીં, પણ બીજે કરવાની હતી. નવી જમીન જોવાનું શરૂ કર્યું. પહેલી જમીન મળી નહી, બીજી જમીન જોઈ, તે પણ જતી રહી, ત્રીજી જમીન જોઈ તો મોંઘી પડી, ચોથી જમીનનાં કાગળિયાં ન થયાં, પાંચમી જમીન માટે બધા ભેગા થયા, પણ મનમેળ ન થયો, છઠ્ઠી જમીન લેવા ગયા તો બીજે વેચાઈ ગઈ. આમ, આવી ૨૮ જમીન ન મળી તે ન જ મળી અને છેલ્લે, એક જમીન મળી તો આપણે જમીનના નકશા બનાવી કાગળ મૂક્યા, પણ પરમિશન ન મળી. બધાને હતું કે આપણે કેસ જીતી જઈશું. મંદિરનિર્માણ માટે નિયમિત કલાકો સુધી ધૂન કરતાં સૌને જોયા છે. પરવાનગી માટે તરફેણમાં સ્થાનિકોની ૮૦,૦૦૦ સહીઓ લેવામાં આવી હતી, લગભગ એક વર્ષ જેટલો પ્રયત્નો ચાલ્યા અને થયું એવું કે અંતમાં ચુકાદો આપણી વિરુદ્ધમાં આવ્યો. સૌની ઊંઘ હરામ થઈ ગઈ. પણ સ્વામીશ્રી ભગવાન ઉપર બધું છોડી, ભગવાનનો આભાર માની સદાય સ્થિર અને શાંત રહ્યા. સૌને નવાઈ લાગી. આપણે આપણી નિષ્ફળતા સ્વીકારી શકતા નથી અને ભગવાન ઉપર છોડી શકતા નથી, આપણું કોઈપણ દુ:ખ, આપત્તિ, વિઘ્ન આપણા પોતાના માથે ઓઢીને આપણે બેબાકળા બની જઈએ છીએ.
આપણે કદાચ એક-બે વાર નિષ્ફળ ગયા હઈશું, પણ ૨૮ વખત નિષ્ફળ ગયા છીએ? તો પછી શાંતિ રાખીએ અને ભગવાનમાં દૃઢ વિશ્વાસ રાખીએ. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે નિષ્ફળતા ઉપર નિષ્ફળતા પાર કરી ભગવાન પર અખંડ શ્રદ્ધા ટકાવી રાખી. અને એવું બોલ્યા ‘આપણે જ્યાં મંદિર નથી કરવું, ત્યાં જ ભગવાનને કરવું છે. ભગવાનની નિઝડનમાં બેસવાની ઇચ્છા લાગે છે માટે ચાલો આપણે આ મંદિર નિઝડનમાં બનાવીએ.’ આ છે હકારાત્મકતા, આ છે અખંડ શ્રદ્ધા અને ભગવાન પ્રત્યેની દૃઢતા.
નિઝડન બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર બન્યું વર્ષ-૧૯૯૫માં, પરંતુ વર્ષ-૧૯૭૦માં પૂજ્ય યોગીજી મહારાજે પોતાના લંડનના પ્રવાસ દરમિયાન એક રવિવારે ધૂન સમયે એવું કહ્યું હતું કે ‘આપણે અહીં આરસનું મંદિર બનાવવું છે અને તે યુરોપનું મથક બને.’ એ સમયે ન તો હરિભક્તો કે સંતો માટે કોઈ રહેવાના ઉતારા. છતાં શ્રદ્ધાથી સ્વીકારવું પડે કે યોગીજી મહારાજનો સંકલ્પ પૂર્ણ થયો. એ ધૂન અને પ્રાર્થનાની તાકાત છે. યોગીજી મહારાજના સંકલ્પનાં બે જ વર્ષ બાદ એટલે કે વર્ષ-૧૯૭૨માં પીપલાણામાં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે પણ સંકલ્પ કર્યો હતો કે ‘લંડનમાં આરસનું મંદિર બને અને ૧૦૦ સંતો પ્રતિષ્ઠામાં ઉપસ્થિત રહે.’ હવે તે સમયે આપણા સંપ્રદાયના ૧૦૦ સંતો પણ નહોતા અને લંડનમાં જે હરિભક્તો હતા, તેઓ સ્વયં નિરાશ્રિત તરીકે રહેતા હતા. આ સમયે પણ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે ક્યારેય પ્રાર્થના છોડી નથી, સતત ધૂન કરતા હતા. જ્યારે આ અદ્ભુત મંદિર બન્યું ત્યારે સૌ કોઈ કહેવા લાગ્યા ‘એક સમયે કહેવાતું કે નિઝડનમાં મંદિર ન બનાવવું જોઈએ અને આજે આ મંદિર કેવળ નિઝડનનું નહીં, પણ સમગ્ર ઇંગ્લેન્ડના મુગટ સમાન બની ગયું છે.’
આમ, ‘ભગવાનમાં સાચી શ્રદ્ધા હશે અને ભગવાન છે એવી સબળ દૃઢતા હશે’ તો કોઈ દિવસ આપણું મન કોઈપણ કાર્યમાં પાછું નહીં પડે અને સફળતાનાં શિખરો સર કરી શકીશું.