Essay Archives

તા. 26-12-2002ના રોજ પ્રમુખસ્વામી મહારાજ વડોદરામાં અટલાદરા ખાતે ઠાકોરજીનાં દર્શન કરીને પગથિયાં ઊતરી રહ્યા હતા, ત્યારે બે હરિભક્તો - જગમાલ પિઠિયા અને નવીનભાઈ સોની બુલંદ અવાજે છડી પોકારવા લાગ્યાઃ ‘અક્ષરધામના અધિપતિ પધારી રહ્યા છે...’
તે જ ક્ષણે બૂમ પાડીને તેમને રોકતાં સ્વામીશ્રી કહેઃ ‘એ...ય.... મહાજન....! અક્ષરધામના અધિપતિ એક સહજાનંદ સ્વામી છે. બોલવામાં વિવેક રાખો. અક્ષરધામના અધિપતિના ધારક કે સેવક છે - એમ કહો.’
તા. 2-2-2002ના રોજ પ્રમુખસ્વામી મહારાજ સિડનીમાં બિરાજમાન હતા. રાત્રે 9-00 વાગે ઠાકોરજી જમાડવા બિરાજ્યા ત્યારે સ્વામિનારાયણ પ્રકાશના ફેબ્રુઆરી અંકનું આજથી વાંચન શરૂ થયું. પ્રથમ પાનાનું લખાણ વંચાયું: ‘જગતને સકલ શાસ્ત્રના સારસમા સ્વામિનારાયણ મંત્ર દ્વારા, સ્વામીરૂપ થઈને પરબ્રહ્મ નારાયણની શુદ્ધ ઉપાસનાનો કલ્યાણમાર્ગ આપનાર પૂર્ણ પુરુષોત્તમનારાયણ શ્રીહરિને સ્વામિનારાયણ મહામંત્ર દ્વિશતાબ્દીએ કોટી કોટી વંદન...!
સ્વામીશ્રીએ સામે બેઠેલા યુવકોને પૂછ્યું: ‘સમજાયું? શું આવ્યું?’ એમ કહીને ફરી ઉપરોક્ત લખાણ વંચાવ્યું. પછી સૌને સંબોધતાં સ્વામીશ્રી કહેઃ ‘આપણા ભગવાન શ્રીજીમહારાજ એક જ. આપણી પરંપરા છે તેમાં સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી એક જ. એ જેવું થવા કોઈ સમર્થ નથી. એમના જે ભક્ત ગુણાતીતાનંદ સ્વામી અક્ષરબ્રહ્મનો અવતાર છે. આપણે એ રૂપ થવાનું છે ને ભગવાનની ભક્તિ કરવાની છે. પછી કોઈ કહે કે જોગીજી મહારાજ ભગવાન થાય છે ને શાસ્ત્રીજી મહારાજ ભગવાન થયા છે એ વસ્તુ છે જ નહીં. દાસ, સેવકની જ વાત છે.
ભગવાન તો શ્રીજીમહારાજ જ છે. જો શાસ્ત્રીજી મહારાજ ભગવાન થયા હોય તો પોતાનું જ ભજન કરાવ્યું હોત ને! પણ એમ નથી. માટે આપણે બોલવા-ચાલવામાં આ ખાસ ધ્યાન રાખવાનું કે આ તો ભગવાન સાક્ષાત્ શ્રીજીમહારાજ જ છે એવી વાત ન કરવી. ભગવાન શ્રીજીમહારાજના ધારક સંત છે એમ મર્યાદા રાખવી.’
તા. 9-7-1988ના રોજ પ્રમુખસ્વામી મહારાજ એટલાન્ટામાં એક જાહેર સભામાં જવા પોતાના ઉતારેથી બહાર નીકળી રહ્યા હતા. એ જ સમયે એક ભાવિક ઇન્દ્રજિતસિંહ સ્વામીશ્રીનાં દર્શને આવ્યા. તેઓ એક મોટેલ બાંધવાના હતા. તેના ભૂમિપૂજન માટે કપડામાં માટી બાંધીને લાવ્યા હતા. તેમની ઇચ્છા હતી કે આ માટી પર સ્વામીશ્રી ચરણ મૂકે એટલે ભૂમિ પ્રસાદીની થઈ જાય.
તેઓ કપડું પહોળું કરીને માટી પાથરી બેઠા અને સ્વામીશ્રીને તેના પર પગલાં કરવા વિનંતી કરી. તરત જ સ્વામીશ્રીએ સાથેના સંતને એ માટી પર ઠાકોરજીનાં ચરણ પધરાવવા કહ્યું ને પોતે કોઈનો ટેકો લીધા વગર ઝડપથી માટી પાસે નીચે બેસી ગયા. પછી જાતે હાથમાં ઠાકોરજીને લઈને માટી પર ચલાવ્યા! ચરણમાં ધૂળનો સ્પર્શ કરાવ્યો ને ઘણીવાર તેના પર વિરાજિત કર્યા. પુષ્પની પાંદડી મૂકી પ્રાર્થના કરી, ઇન્દ્રજિતસિંહને કાર્ય ફતેહ થાય તે માટે આશીર્વાદ આપ્યા.
સ્વામીશ્રીની આ દાસત્વભક્તિથી ઇન્દ્રજિતસિંહ મનોમન નમી પડ્યા.
તા. 31-7-1986ના રોજ પ્રમુખસ્વામી મહારાજ બોચાસણમાં પ્રાતઃભ્રમણ કરી રહ્યા હતા, ત્યારે બોરસદના એક યુવક નિમેષે સ્વામીશ્રીને કહ્યું, ‘મારી એક ઇચ્છા છે કે ઘરે આપનાં ચરણારવિંદ રાખવાં છે. યોગીબાપાનાં ચરણારવિંદ હરિભક્તોને ત્યાં જોયાં છે.’
સ્વામીશ્રીએ તરત તેને ટોકતાં કહ્યું: ‘એવું કાંઈ નથી. યોગીબાપાને સારવાર માટે પગે ઘી ઘસવામાં આવતું. એવામાં કોઈએ છૂપી રીતે પાડ્યાં હોય તો કદાચ હોય. બાકી યોગીબાપા ક્યારેય કોઈને પોતાનાં ચરણારવિંદ આપતા ન હતા. એવો રિવાજ પાડવો જ નહીં. ચરણારવિંદ તો સ્વામિનારાયણ ભગવાનનાં જ હોય, સાધુનાં ન હોય.’
તા. 5-8-1984ના રોજ સ્વામીશ્રી વિદેશયાત્રાએ હતા, તે દરમ્યાન લંડનમાં સંખેડાના કલાત્મક હિંડોળા પર બેસવા માટે સૌએ તેઓને આગ્રહ કર્યો, ત્યારે સ્વામીશ્રીએ કહ્યું: ‘ઉત્સવ મૂર્તિઓ અને હરિકૃષ્ણ મહારાજને ઝુલાવો. પછી આપણે બેસીશું.’ પરંતુ વાત વાતમાં એક યુવકે જરા આગ્રહપૂર્વક કહ્યું, ‘સ્વામી, આપ જ અમારા ઠાકોરજી! બિરાજોને!’ સ્વામીશ્રી એકદમ ભાવાવેશમાં આવી ગયા ને કહ્યું, ‘આપ આપ શું કરે છે? આપ કંઈ ઓછા ઠાકોરજીના બાપ છે? આપણે તો ભગવાનના સેવક છીએ!’
ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે અહોરાત્ર પરા-ભક્તિથી છલકાતા સ્વામીશ્રીની તુલના અજાણતામાં પણ કોઈ ભગવાન સ્વામિનારાયણના કાર્ય સાથે કરી નાખે તો સ્વામીશ્રી નારાજ થઈ જતા. તા. 1-1-1980ના રોજ સવારે વચનામૃતની કથામાં એક અગ્રણી હરિભક્ત ઠાકોરભાઈએ સ્વામીશ્રીને પૂછ્યું, ‘એક રાતમાં સ્વામિનારાયણ ભગવાને પાંચસો પરમહંસો બનાવ્યા, તો આપ દ્વિશતાબ્દીમાં ન બનાવો?’
સ્વામીશ્રી કહે, ‘સ્વામિનારાયણ ભગવાન તો સમર્થ હતા. એ ક્યાં ને આપણે ક્યાં? મહારાજ તો સમર્થ છે, આપણે એમના દાસ છીએ.’
આ હતી પ્રમુખસ્વામી મહારાજની ભગવાન સ્વામિનારાયણ પ્રત્યેની દાસત્વ ભક્તિ.
ભગવાન સ્વામિનારાયણના મહાન પરમહંસ શિષ્ય મુક્તાનંદ સ્વામી પોતાના પદમાં લખે છેઃ
‘અનુભવીને અંતરે રહે રામ વાસે રે...
હું ટળ્યે હરિ ઢૂંકડા, તે ટળાય દાસે રે,
મુક્તાનંદને મહાસંતને પ્રભુ પ્રગટ પાસે રે...’
પ્રમુખસ્વામી મહારાજનું દર્શન કરતાં અનુભવાતું હતું કે મુક્તાનંદ સ્વામીએ આ પંક્તિઓ જાણે એમના માટે લખી હતી! એટલે અસંખ્ય આબાલ-વૃદ્ધો અનુભવ કરતા હતા કે પ્રમુખસ્વામી મહારાજમાં પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ પ્રગટ બિરાજતા હતા. વર્તમાન સમયે એવી જ અનુભૂતિ પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ કરાવી રહ્યા છે.
ભગવાન શ્રી સ્વામિનારાયણના 241મા પ્રાગટ્યોત્સવે એ પ્રગટ પરમાત્માની સ્મૃતિ સાથે તેમનાં ચરણોમાં કોટિ કોટિ વંદન. 

© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS