સ્વામીશ્રીએ ૧૯૭૭-૭૮ની વિદેશયાત્રામાં એટલો ભીડો વેઠ્યો હતો કે જે શરીરને માથું દુઃખવું એટલે શું તેની જાણ નહોતી, ત્યાં મોટી માંદગીના હુમલા શરૂ થઈ ગયા.
સ્વામીશ્રીની એ પ્રથમ મોટી બીમારી મુંબઈથી શરૂ થઈ હતી. સારંગપુર અઢી માસ આરામ કર્યા બાદ સ્વામીશ્રી અમદાવાદ પધાર્યા હતા. હજુ અશક્તિ ઘણી વર્તાતી હતી. શ્રીહરિ સ્વામીએ સ્વામીશ્રીને સહજ મિત્રભાવે કહ્યું : 'સ્વામી ! આપની બીમારી અમને આપી ન દેવાય ? આપ બીમારી ટ્રાન્સફર કરી દો...'
સ્વામીશ્રી સ્મિત કરતાં કહે : 'મહારાજની ઇચ્છાથી જે થયું તે સારું થયું છે. નહીં તો (વિદેશથી આગમન થયું તે નિમિત્તે) ગામોગામ નગરયાત્રા થાત, ને બેન્ડ વાજાં લાવત, ને આપણે 'ના' ન કહી શકત. (લોકોનો પ્રેમ હોય તેથી દુભવી ન શકાય)' એમ કહીને બોલ્યા : 'આ તો સહેજે (સન્માન) ટળ્યું!'
સ્વામીશ્રીના ઉદ્ગારોમાં સન્માનો ન થયાં તે પાછળની 'હાશ' વર્તાતી હતી, તે જોઈ અપાર આશ્ચર્ય થયું. આદર-સત્કાર અને માન-સન્માનને નિવારવા જાણે સ્વેચ્છાએ જ માંદગી ગ્રહણ ન કરી હોય ! તેવો ભાવ જણાઈ આવતો હતો.
૧૯૮૦માં લંડન સત્સંગમંડળે સ્વામીશ્રીની ઉપસ્થિતિમાં એક સુંદર વન-મહોત્સવ થાય તેવું આયોજન કર્યું હતું. આ માટે સૌએ Epping forestમાં સભા ગોઠવી હતી. ખૂબ મોટી સંખ્યામાં સૌ પધાર્યા હતા.
સ્વામીશ્રી પધરામણી કરીને અહીં પધારવાના હતા. તેથી અમે સંતોએ સભા ચાલુ કરી દીધી. પરંતુ સમય પસાર થતો રહ્યો. સ્વામીશ્રીના હજુ કોઈ સમાચાર ન હતા. સ્વામીશ્રી હજુ કેમ ન આવ્યા?
સૌ અટકળો કરી રહ્યા હતા. કેટલાક આકુળવ્યાકુળ થતા હતા. સેંકડો હરિભક્તોનો સમુદાય તથા બી.બી.સી.ના રિપોર્ટરો સ્વામીશ્રીની પ્રતીક્ષા કરીને થાક્યા હતા. ઘણો જ સમય વ્યતીત થઈ ગયો તેથી બી.બી.સી.ના રિપોર્ટરોની ધીરજ ખૂટી ને તેઓ ચાલ્યા પણ ગયા.
આખરે, ઇંગ્લૅન્ડના એપિંગ ફોરેસ્ટમાં યોજાયેલા સત્સંગીઓના એ વન મહોત્સવમાં ઘણું મોડેથી સ્વામીશ્રી પધાર્યા ખરા, પણ તરત જ ઝરમર ઝરમર વરસાદ શરૂ થયો. એક વૃક્ષ નીચે બાંધેલા હિંડોળા પર સ્વામીશ્રી બિરાજ્યા. એવામાં વરસાદ ધોધમાર તૂટી પડ્યો. સભા વિખરાઈ ગઈ. બધા જ સત્સંગીઓનો પર્યટન કરવાનો ઉત્સાહ ભાંગી પડ્યો. સૌને લાગ્યું કે આખી સવાર સ્વામીશ્રીનો લાભ મળે તેમ હતું, પરંતુ કેટલાક મોવડીઓ સ્વામીશ્રીને પધરામણીએ લઈ ગયા, તેથી બધો જ લાભ ગુમાવ્યો છે.
કેટલાક લોકો આ મોવડીઓ માટે જેમ તેમ બોલવા લાગ્યા કે 'તેમણે ધ્યાન રાખવું જોઈએ. આવો કાર્યક્રમ હોય ત્યારે સ્વામીશ્રીની પધરામણી રખાય જ નહીં... માંડ માંડ બી.બી.સી.વાળા આવેલા, તે પણ જતા રહ્યા... કોઈને સ્વામીશ્રીની પડી નથી...'.
આ વાતો સાંજે સ્વામીશ્રીના કાને આવી. બીજે દિવસે સવારે પ્રાતઃપૂજા બાદ નિત્યસત્સંગ યોજાયો. કથા થઈ રહી ને સ્વામીશ્રીને માઇક ધર્યું. સ્વામીશ્રીએ શરૂઆત જ આવી રીતે કરી : 'પ્રથમ તો એ વાત કરવાની કે ગઈકાલે જે બન્યું તેમાં વાંક મારો જ છે ! અમે જ પધરામણી ગોઠવેલી ને અમારાથી જ બહુ મોડું થયું હતું. એમાં બીજા કોઈનો કોઈ વાંક નથી. માટે મને માફ કરજો...'
સ્વામીશ્રી એટલા ભાવપૂર્વક બોલતા હતા કે હરિભક્તોનાં હૈયાં વીંધાઈ ગયાં. જે આવેશમાં આવીને બોલનારા હતા તેમને અંતર્દૃષ્ટિ થઈ. કેટલાય હરિભક્તોની આંખમાં પશ્ચાત્તાપનાં આંસુ હતાં. સભામાં સન્નાટો છવાઈ ગયો. અને પધરામણી કરાવનાર એ મોવડીઓને પણ ભૂલ સમજાઈ કે આપણો વાંક સ્વામીશ્રીએ ઓઢી લીધો છે !
હવે ચર્ચાનો વિષય બદલાઈ ગયો. કોનો વાંક ? એ વિષયને બદલે, અન્યનો વાંક પોતાને માથે ઓઢી લેનારા ગુણાતીત સત્પુરુષ બીજે ક્યાં મળે ? આ વિષય સૌની ચર્ચામાં હતો !
સ્વામીશ્રી ૧૯૮૪-૮૫ના સમયમાં ગુજરાતમાં વ્યાપેલાં આંદોલનોથી ખૂબ વ્યથિત હતા. અનામત પ્રશ્ને જાગેલો વિવાદ શમાવવા સ્વામીશ્રી સ્વયં સક્રિય થયા હતા. વિદ્યાર્થી નેતાઓ, તેમના વાલીઓ અને સંબંધિત રાજનેતાઓને સ્વામીશ્રી જાતે મળતા, ભલામણ કરતા...
આ અરસામાં વિદ્યાર્થી નેતા અને વાલીમંડળના મોવડી સાથે સ્વામીશ્રીએ ઘણો સમય વાટાઘાટો ચલાવી. થોડા સરકારી આગેવાનો પણ બેઠા હતા.
એ વખતે એક રાજકીય કાર્યકર બોલ્યા : 'આપે કહ્યું એટલું કરીએ છીએ, પછી ભગવાનની ઇચ્છા !'
સ્વામીશ્રી તરત બોલ્યા : 'ભગવાનની ઇચ્છા છે જ, અને ભગવાન જ તમને કહે છે !'
સ્વામીશ્રી ઉતાવળે પરભાવમાં આવીને બોલી ગયા! જાણે તેમને પોતાના કર્તાપણાનું કોઈ અનુસંધાન જ નહોતું. અદ્ભુત હતી એ ક્ષણ! પળભર માટે સૌ સ્તબ્ધ થઈ ગયા. મારા કાનમાં જાણે નિષ્કુળાનંદ સ્વામીનું કીર્તન ગુંજી રહ્યું હતું : સંત બોલે તે ભેળો હું બોલું રે...