ડભોઈ-મંડાળા એ મધ્ય ગુજરાતના કાનમનો મધ્ય ભાગ ગણાય છે. 19મી અને 20મી સદીમાં આ પ્રાંત ત્યાંની જમીન તદ્દન કાળી ને ચીકણી માટે જાણીતો હતો. આ પ્રદેશમાં બાવળિયાનાં ઝાડ પુષ્કળ થાય, જેના કાંટાની મોટી શૂળ પગમાં વાગે તો ખાટલે પડવું પડે; વળી આ પ્રદેશમાં વરસાદ એટલો બધો વરસતો કે આઠ-દશ દિવસની મોટી હેલી થતી એટલે સીમમાં જઈ શકાતું નહીં. જેથી લોકો ઘરમાં રહી પતરાળાં-પડિયાં ગૂંથ્યા કરતા. આવી પરિસ્થિતિમાં ચોમાસામાં વડતાલથી સંતમંડળને કાનમમાં આવવું બહુ જ મુશ્કેલીભર્યું લાગતું. ચોમાસામાં આવનારા સંતમંડળને એક ગામથી બીજે ગામ કાંટા-કાદવમાં જવું પડતું અને પગમાં જોડા પણ પહેરાય નહીં, તેથી હેરાનગતિ ઘણી ભોગવવી પડતી. આ મૂંઝવણને ટાળવા માટે વડતાલના આચાર્ય રઘુવીરજી મહારાજે લાંબો વિચાર કરી કાનમમાં ફરનાર મંડળને કાયમ પેટે કાનમ સોંપી દીધું અને સદ્ગુરુ ઉપેન્દ્રાનંદ સ્વામીએ તે આજ્ઞા સ્વીકારી લીધી. તેમના સંતમંડળમાં પંદર-સત્તર સંતો હતા, જેમાંથી એક વિભાગ ડભોઈમાં અને એક બીજો વિભાગ મંડાળામાં રાખ્યો. સદ્ગુરુ ઉપેન્દ્રાનંદ સ્વામી ઘણા શાંત, નિર્માની અને ધર્મનિષ્ઠ સાધુ હતા. તેમણે અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની અનુપમ કૃપાથી અંતરના દોષો ટાળ્યાનો દિવ્ય આનંદ અનુભવ્યો હતો. અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના એ કૃપાપાત્ર સંતે ડભોઈમાં જેમને જેમને ગુણાતીતાનંદ સ્વામીના મહિમાનો રંગ ચઢાવ્યો હતો, તેમાંના એક હતા ડભોઈના વિદ્વાન ભૂદેવ કરુણાશંકર પંડ્યા. કરુણાશંકરે પણ જૂનાગઢ જઈને અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીનો અદ્ભુત પ્રભાવ અનુભવ્યો હતો. દેશ દેશાંતર ફરીને શ્રીજીમહારાજના સમય જેવો જ લીલો પલ્લવ સત્સંગ તેમણે ગુણાતીતાનંદ સ્વામીના સાંનિધ્યમાં જ અનુભવ્યો હતો, જે તેમણે છડે ચોક ગાયો હતો.
એ કરુણાશંકરના પૌત્ર એટલે ભક્તરાજ ઉલ્લાસરામ દલસુખરામ પંડ્યા. બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના આદિ સમયના સાક્ષી એક વિદ્વાન સાક્ષર. એક તરફ 19મી સદી આથમી રહી હતી ત્યારે ભગવાન શ્રી સ્વામિનારાયણે પ્રબોધેલા અક્ષર અને પુરુષોત્તમના જ્ઞાનની નવી સદી ઊઘડી રહી હતી. એવા એ નૂતન સંયોગ યુગના સાક્ષી હતા ઉલ્લાસરામભાઈ. અનેક રીતે સત્સંગવૃદ્ધિનું કાર્ય કરતા અને સંપ્રદાયની શુદ્ધ અસ્મિતાથી છલકાતા આ ભક્તરાજને તેમના દાદા કરુણાશંકર પંડ્યા તરફથી જ સત્સંગનો વારસો મળ્યો હતો. જોકે અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના સાંનિધ્યમાં લીલો પલ્લવ સત્સંગ જોનારા કરુણાશંકરના હૈયે વ્યાપેલા ગુણાતીતાનંદ સ્વામીના અપરંપાર મહિમાથી ઉલ્લાસરામ વંચિત હતા. પરંતુ તેમના જીવનમાં અઢારેક વર્ષની ઉંમરે બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજનો પ્રવેશ થયો અને એક વિશિષ્ટ જ્ઞાનની આરાધનામાં તેમણે શેષ જીવન વાળી દીધું.
વડોદરામાં તેઓ વિદ્યાર્થી અવસ્થામાં અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે તેજસ્વી નવયુવાન બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ - સ્વામીશ્રી યજ્ઞપુરુષદાસજી મધ્વ સંપ્રદાયના વિદ્વાન પંડિત રંગાચાર્યજી પાસે અભ્યાસ કરી રહ્યા હતા. તેમના યોગે જ નવયુવાન ઉલ્લાસરામ બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજ પ્રત્યે આકર્ષાયા, તેમના કૃપાપાત્ર શિષ્ય બન્યા અને ભગતજી મહારાજના આદિ જીવનચરિત્ર લખવામાં પહેલી ઈંટ તેમણે મૂકી. ‘સ્વામિનારાયણ પ્રકાશ’માં પોતાના આ જીવનવળાંકનું તેમણે આપેલું રસપ્રદ બયાન તેમનાં લેખ અને પ્રવચનોના અંશો સાથે તેમના જ શબ્દોમાં :
‘મને સ્વામીજી(શાસ્ત્રીજી મહારાજ)નો પ્રસંગ સંવત્ 1947(સન 1891)ની સાલથી થયેલ છે. ડભોઈ મંદિરમાં તે વખતે પૂજ્ય મોરલીધરદાસજીનું મંડળ હતું, પરંતુ તેઓ વૃદ્ધ હોવાથી બરોબર રીતે હરિભક્તોને કથાનો લાભ આપી શકતા નહીં. કોઈ પુરાણીને વરતાલથી બોલાવી લાવવા આચાર્યશ્રી તથા કોઠારી ગોવર્ધનભાઈ ઉપર ડભોઈના સત્સંગ સમાજે પત્ર લખી આપી દામોદર પરોત નામના બ્રાહ્મણને વરતાલ મોકલ્યા. એટલે તે પત્ર વાંચી મહારાજ તથા કોઠારીએ આપણા પ્રગટ બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ શ્રી યજ્ઞપુરુષદાસની પસંદગી કરી તેમને ડભોઈ કથા કરવા મોકલ્યા અને તેમને પૂજ્ય મોરલીધરદાસજીની આજ્ઞામાં રહી હરિભક્તોની પસંદગીને રાજીપો રહે તેમ કથાવાર્તા કરવાની ભલામણ કરી.
આ વખતે હું વડોદરાની હાઈસ્કૂલમાં અંગ્રેજી ભણતો હતો, પરંતુ ચોમાસાની ૠતુમાં શરીરનું આરોગ્ય બગડતાં હું ડભોઈ આવ્યો. મારું ઘર ત્યાં મંદિરની સામે હતું, એટલે કથાવાર્તા, પ્રસંગનો સંપૂર્ણ લાભ અમને મળતો. તે વખતે મારા પિતાશ્રી શ્રાવણ માસમાં શ્રીહરિને સર્વમંગળના વિષ્ણુસહસ્રના હજાર નામથી તુળસી ચઢાવતા, પરંતુ તે વખતે સર્વમંગલની નામાવલી છપાયેલી નહીં હોવાથી મારા પિતાને શાસ્ત્રીજી મહારાજે બપોરના અવકાશમાં નામાવલી છૂટી પાડી આપવાનું કહ્યું. તેથી બપોર પછી મારા પિતા મેડા ઉપર શાસ્ત્રીજી મહારાજનું કથા અધ્યાયો વિચારવાનું આસન હતું ત્યાં તેમની પાસે જતા. શાસ્ત્રીજી મહારાજ તે વખતે સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી જે મારા દાદા કરુણાશંકરના ગુરુ હતા તેમના ઐશ્વર્ય પ્રતાપની તેમજ સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામી કે જેમને ત્યાં અમારા દાદા મંડાળાવાળા ભગવાન ભીખા પટેલને સાથે લઈ બાવીસની સાલમાં જૂનાગઢ ગયેલા અને સ્વામીનો પ્રૌઢ પ્રતાપ વીસ દિવસ રહી વાતોચીતોથી જોયેલો અને જાણેલો. તેમના ચમત્કાર ઐશ્વર્યની વાતો મારા પિતાને સ્વામીશ્રી શાસ્ત્રીજી મહારાજ કહેતા અને સર્વમંગળની નામાવલી પણ કરી આપતા. મારા પિતાશ્રીને નામના અંતે સંસ્કૃતમાં ચતુર્થી વિભક્તિનું રૂપ ‘ભ્યસ્’ લખતાં ફાવે નહીં એટલે નામાવલી લખવાનું કામ મેં માથે લીધું. એટલે હું પણ અવારનવાર શાસ્ત્રીજી મહારાજ પાસે મેડે બેસવા લાગ્યો. જોકે આ વસ્તુ નીચેના સાધુઓને ગમતી નહીં, પરંતુ નામાવલીના કાર્યવશાત્ અમને શાસ્ત્રીજી મહારાજ પાસે બેસવાની ના પાડી શક્યા નહીં.
સ્વામીજીને મૂળથી એવી પ્રકૃતિ ને ધગશ હતાં કે જે કોઈ પોતાનો સમાગમ કરવા આવે તેને ઉપદેશ કર્યા વગર રહે જ નહીં; સદર ઉપદેશમાં શ્રીજીના અવતારીપણાની, મહિમાની વાત તથા ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી વગેરેએ શ્રીજીના મહિમા ને ભક્તિ સાથેના જીવનપ્રસંગો દાખલાદલીલો સાથે સ્વામીજી સભામાં કથા પ્રસંગે વર્ણન કરી બતાવતા; તે વખતે વરતાલવાળા સાધુના મંડળને લઈને ભગતજીના જીવનપ્રસંગો બરોબર ચર્ચાતા નહીં. મને સર્વમંગલ સ્તોત્રના હજાર નામોનું પૃથક્કરણ કરી આપવાના કારણે સ્વામીજીનો એકાંત પ્રસંગ થતાં તેઓએ શ્રીજી-સ્વામી વગેરેના મહિમાની વાતો દરમ્યાન ભગતજી મહારાજના જીવનપ્રસંગોનાં કેટલાંક દૃષ્ટાંતો કહ્યાં કે જે એવાં તો ચમત્કારિક ને ઉપદેશમય લાગ્યાં કે જેથી શ્રીજીનો તથા ગોપાળાનંદ સ્વામી વગેરેનો મહિમા જાણવાનું બન્યું. ગોપાળાનંદ સ્વામી તો શ્રીજીમહારાજના વખતથી મારા દાદાના ગુરુ લેખાતા, એટલે તેઓશ્રીનો યત્કિંંચિત્ મહિમા તો મારા પિતા તથા કાકા વગેરેના પ્રસંગથી મને જાણવામાં આવેલો; પરંતુ ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા બરાબર સમજાયેલો નહીં; તે આ પ્રસંગે સ્વામી પાસે અત્યાનંદપૂર્વક જાણવા મળ્યો.
ડભોઈ ગાયકવાડ સરકારની કચેરીનો મહાલ-તાલુકો હોવાથી આસપાસનાં ગામડાનાં માણસોને કચેરીના કામ પ્રસંગે ડભોઈ આવવું પડતું. ચોમાસામાં વૃષ્ટિના કારણે તથા રેલગાડીના સગવડિયા ટાઇમના અભાવે જ્યારે આવે ત્યારે બે રાત રહેવું પડતું એટલે તેઓ પોતાનો મુકામ મંદિરમાં જ રાખતા. રાતની કથા પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ કરતા હોય અને તેમાં કેટલાક નવા નવા પ્રસંગોની જૂની અદ્ભુત વાતો સ્વામીશ્રી કરતા હોય તે સાંભળી ગામના તેમજ બહાર ગામના સત્સંગીઓને આનંદ અને આશ્ચર્ય થાય અને દરેક જગ્યાએ પૂજ્ય સ્વામીશ્રીનાં વખાણ કરે અને કહેતા કે અહીં ઘણા સાધુઓનાં મંડળો આવે છે, પણ આવી વાતો તો કશે સાંભળી નથી.