સન 1972ના ઉનાળાના અસહ્ય દિવસો હતા. મહીકાંઠાના બામણગામમાં પારાયણ ચાલી રહી હતી. પ્રમુખસ્વામી મહારાજના સાંનિધ્યમાં સત્સંગ પારાયણ ચાલી રહી હતી. પારાયણ દરમ્યાન સવાર સવારમાં સ્વામીશ્રી પધરામણીએ જતા. એ વખતે સ્વામીશ્રી પધરામણીથી નીકળે અને ઉતારે પાછા આવે ત્યાં સુધી એક પણ ટીપું પાણી પીતા ન હતા. સ્વામીશ્રીના કંઠે પડતા શોષની દશાથી વ્યથિત થઈને એક વખત સેવક જ્ઞાનપ્રિયદાસ સ્વામી તેઓ માટે પાણી લઈને ગયા ત્યારે સ્વામીશ્રીએ પૂછ્યું કે ‘ઠાકોરજીને ધરાવ્યું?’
સેવકે ના પાડી. એટલે સ્વામીશ્રીએ પાણી ન જ લીધું. ઉતારે પધાર્યા અને ઠાકોરજીને ધરાવ્યા પછી તેઓએ પાણી અંગીકાર કર્યું.
સન 1985ના ડિસેમ્બર મહિનાની વાત છે. પ્રમુખસ્વામી મહારાજે ઊજવેલા ગુણાતીતાનંદ સ્વામી દ્વિશતાબ્દી મહોત્સવમાં સામેલ થવા માટે તત્કાલીન ભારતીય રાષ્ટ્રપતિ શ્રી જ્ઞાની ઝૈલસિંહ પધાર્યા હતા. રાષ્ટ્રપતિશ્રીનો પ્રોટોકલ ખૂબ કડક હતો. તે અરસામાં પંજાબમાં ચાલતી અશાંત પરિસ્થિતિને કારણે રાષ્ટ્રપતિની સલામતી વ્યવસ્થા ખૂબ જ કડક હતી. તેઓ પાણી પીવાના હોય તો તે બોટલનું પાણી લેબોરેટરીમાં ચેકિંગ માટે જાય અને સ્વાસ્થ્યને બિનહાનિકારક પુરવાર થાય તો જ આપી શકાય. આથી તેઓની મુલાકાત દરમ્યાન પીણું કે પાણી કંઈ ન આપવાનું નક્કી થયું હતું.
પરંતુ સ્વામીશ્રી સાથેની રાષ્ટ્રપતિશ્રીની મુલાકાત દરમ્યાન તેઓની સલામતીના એક જવાબદાર વ્યક્તિએ રાષ્ટ્રપતિશ્રી માટે નારિયેળના પાણીની વ્યવસ્થા કરવા કહ્યું. સંતોએ તાત્કાલિક સ્વામીશ્રી અને રાષ્ટ્રપતિશ્રી માટે બે ગ્લાસ તૈયાર કરી આપ્યા. એટલે એ સ્ટાફ સભ્યએ એક ગ્લાસમાંથી થોડું પાણી બીજા ગ્લાસમાં લઈને પી જઈને ટેસ્ટ કરી લીધું. ત્યારબાદ તેણે સ્વામીશ્રી અને રાષ્ટ્રપતિશ્રીને પાણી આપી દીધું.
પરંતુ સ્વામીશ્રીએ હાથમાં એ પ્યાલો લઈને ઠાકોરજી તરફ દૃષ્ટિ કરી. બાજુમાં ઠાકોરજી શ્રીહરિકૃષ્ણ મહારાજની મૂર્તિ હતી. સ્વામીશ્રીએ પાણી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિને ધરાવ્યું. સેવક ઠાકોરજીને ધરાવવાનું ભૂલી ગયા હતા. પરંતુ સૌને આશ્ચર્ય તો ત્યારે થયું કે ઠાકોરજીને ધરાવેલા એ પ્રાસાદિક જળમાંથી સ્વામીશ્રી રાષ્ટ્રપતિના હાથમાં રહેલા પ્યાલામાં ઉમેરવા લાગ્યા. બધા જ સલામતી અધિકારીઓ સ્તબ્ધ થઈ ગયા! અંગત મદદનીશ ટેસ્ટ કરેલા પાણીમાં પરીક્ષણ કર્યા સિવાયનું પાણી ઉમેરાઈ ગયું! સંતોએ આ વિધિનો મર્મ સમજાવ્યો કે ઇષ્ટદેવ હરિકૃષ્ણ મહારાજને ધરાવ્યા વિના સ્વામીશ્રી કંઈ પણ વસ્તુ ગ્રહણ કરતા નથી અને ભગવાનને ધરાવીને ભગવાનનો પ્રસાદ થોડો આપ્યો છે ત્યારે રાષ્ટ્રપતિશ્રી સ્વામીશ્રીની એ ભક્તિ જોઈને નમી પડ્યા. અને તેમણે હોંશે હોંશે પ્રાસાદિક પાણી પીધું.
એકવાર સ્વામીશ્રી સવારે અલ્પાહાર કરી રહ્યા હતા. સેવક સંત ધાણી ફોડીને લાવ્યા અને સ્વામીશ્રીને ધાણી જમવા માટે આગ્રહ કરવા લાગ્યા. પરંતુ સ્વામીશ્રીએ ખૂબ મક્કમતાપૂર્વક કહ્યું, ‘રહેવા દો. હરિકૃષ્ણ મહારાજ પોઢી ગયા, હવે ના જમાય.’
એ જ પ્રમાણે એક વખત રાતના સમયે સ્વામીશ્રી ગોંડલ પધાર્યા. સ્વામીશ્રીને દાઢ પડી ગઈ હતી તેથી સેવકે સ્વામીશ્રી માટે જલદી જલદી શીરો બનાવ્યો. પણ સ્વામીશ્રી ન જમ્યા. ‘કેમ
આપ શીરો જમોને!’ સેવકે આગ્રહ કર્યો. ત્યારે સ્વામીશ્રી કહે, ‘ઠાકોરજી પોઢી ગયા. એમને જમાડ્યા સિવાય ન જમાય. ઠાકોરજીને ધરાવ્યા વગર જમીએ તે ધૂળ જમવા બરાબર છે.’
ઠાકોરજી આગળ તેમને કોઈ નમે તે સ્વામીશ્રી ચલાવી ન લે. ઠાકોરજી આગળ સ્વામીશ્રીના ફોટાઓ મૂકે તે પણ સ્વામીશ્રી ચલાવી ન લે. સન 1989ની ગુરુપૂર્ણિમાના ઉત્સવે પૂજારીએ ઠાકોરજીના સિંહાસનના શણગારમાં ઠેર ઠેર સ્વામીશ્રીની લેમિનેટેડ મૂર્તિઓ લગાવી હતી. સ્વામીશ્રી સવારે સ્નાન બાદ આરતી ઉતારવા પધાર્યા, ત્યારે આ દૃશ્ય જોયું અને નારાજ થઈ કહેવા લાગ્યાઃ ‘અત્યારે ને અત્યારે આ બધું લઈ લો... અહીં આવા ડોળ હોતા હશે...?’ આમ, પોતાની બધી છબિઓ તેમણે તાત્કાલિક ઉતરાવડાવી. પરંતુ થાંભલે ઊંચે બાંધેલી એક છબિ ધ્યાન બહાર રહી ગઈ. પડદા ખૂલ્યા, આરતી પ્રગટી ચૂકી, પરંતુ સ્વામીશ્રીની નજરે પેલી છબિ જોઈ. તેમણે તાત્કાલિક પડદા બંધ કરાવ્યા. પોતાની એ છબિ ઉતરાવી, પછી જ ઠાકોરજીની આરતી ઊતારી.
દર્શન કરીને તેઓ બહાર આવ્યા ત્યારે છેલ્લા ખંડની બહાર પૂજારીને બોલાવ્યા ને કહ્યું: ‘આજ પછી ક્યારેય આવો ડોળ ન કરવો, ભગવાનની મર્યાદા પહેલા સાચવવી, ભગવાન આગળ ભગવાન સિવાય બીજી વસ્તુ જ ન હોય. પ્રેમ હોય તો જીવમાં રાખવો. પ્રદર્શન ન કરવું. ગમે તેવો ચમરબંધી હોય ભગવાન આગળ એનો કોઈ હિસાબ નથી. આવી ભક્તિ ખોટી કહેવાય...’
સન 2007માં સ્વામીશ્રીએ અમેરિકામાં અને કેનેડામાં રચેલાં ભવ્ય મંદિરોથી હિન્દુ સનાતન ધર્મનો ડંકો વાગ્યો હતો. ધુરંધરો આ મંદિરોના નિર્માણ બદલ સ્વામીશ્રીથી અભિભૂત થયા હતા. તેમાંના એક હતા - કેનેડાના પૂર્વ સોલિસિટર જનરલ અને સ્વામીશ્રીના ગુણાનુરાગી બોબ કપ્લાન. તેમણે સ્વામીશ્રીને આવા ભવ્ય કાર્ય બદલ બિરદાવ્યા ત્યારે બધો જ યશ ભગવાનના ચરણે અર્પણ કરી દેતાં સ્વામીશ્રી કહે, ‘ભગવાનની કૃપા છે. એમના આશીર્વાદ છે. એટલે વિકાસ થાય છે.’
બોબ કપ્લાન કહે, ‘એ તો બરાબર, પણ તમારા પ્રતાપથી આ બધું થાય છે.’
સ્વામીશ્રી કહે, ‘ભગવાન પ્રેરણા આપે છે. આપણે તો ઇન્સ્ટ્રુમેન્ટ છીએ.’
તા. 13-5-2007ના રોજ કેન્યાની રાજધાની નૈરોબીમાં સ્વામીશ્રીનાં દર્શને કેટલાક મહાનુભાવો આવ્યા હતા. મોટા ભાગના દિલ્હી અક્ષરધામથી ખૂબ પરિચિત હતા. તેઓએ ખૂબ વખાણ કર્યાં. તેમાંના કેટલાક મહાનુભાવોએ સ્વામીશ્રીને પ્રશ્ન પૂછ્યા. એમાંના એક શ્રીકાબરા સાહેબ કહે, ‘આપનામાં એવી કઈ શક્તિ છે કે આપના મુખમાંથી એક શબ્દ નીકળે નેે બધા કુરબાન થઈ જાય છે?’
સ્વામીશ્રી તરત જ કહે, ‘કામ કરવાવાળા ભગવાન છે. એમની કૃપાથી જ બધું થાય છે અને ગુરુની કૃપાથી બધું થાય છે. જે કંઈ કરીએ છીએ એમાં કરવાવાળા ભગવાન જ છે. એમની પ્રેરણા વગર કશું જ થઈ શકતું નથી. એ જ એનું રહસ્ય છે.’
કાબરા સાહેબ કહેઃ ‘જિંદગીમાં હવે આપ બીજું કયું વિશિષ્ટ કાર્ય કરવા માગો છો?’
સ્વામીશ્રી કહેઃ ‘ભગવાન જે પ્રેરણા કરે એ કાર્ય અમે કરીએ છીએ. કારણ કે એમનાથી જ કાર્યો થાય છે. જે કંઈ કાર્ય થાય છે એમાં ભગવાનનું જ આયોજન હોય છે.
તા. 5 જાન્યુઆરી, 2006ના રોજ સ્વામીશ્રીનાં દર્શને સુરતના જાણીતા ઉદ્યોગપતિ શ્રી કોટડિયા આવ્યા હતા. સ્વામીશ્રીએ દિલ્હીમાં સર્જેલા ભવ્ય અક્ષરધામની વાત કરીને તેઓ સ્વામીશ્રીને બિરદાવા મંડ્યા. એટલે તેઓને અટકાવતા સ્વામીશ્રી કહેઃ ‘જે કંઈ થયું છે એ ભગવાન સ્વામિનારાયણની ઇચ્છાથી થયું છે. તેમની મરજી વગર સૂકું પાંદડું પણ હાલતું નથી. જોગીબાપાનો સંકલ્પ હતો. આપણે ગમે એટલું કરીએ પણ એમની પ્રેરણા અને શક્તિ વગર કાંઈ થતું નથી. ભગવાનને કર્તા રાખીએ તો આપણને શાંતિ રહે. જો હું કરું છું એમ માનીને કરવા જઈએ તો હેઠા પડાય.’