Essays Archives

આમ, અક્ષરબ્રહ્મ અને પરબ્રહ્મ, એ બંને તત્ત્વોને યથાર્થપણે જાણે ત્યારે જ બ્રહ્મવિદ્યા સંપૂર્ણતાને પામે છે.
બ્રહ્મવિદ્યાની આવી વિશિષ્ટ વ્યાખ્યા પાછળનું તાત્પર્ય પણ આવાં શાસ્ત્રોએ જ આપણને સમજાવ્યું છે. ભગવદ્ગીતામાં કહ્યું, ‘ब्रह्मभूतः प्रसन्नात्मा न शोचति न काङ्क्षति। समः सर्वेषु भूतेषु मद्भक्तिं लभते पराम्॥’ (ગીતા, ૧૮/૫૪) જે બ્રહ્મરૂપ, કહેતાં અક્ષરરૂપ થાય તેને જ પુરુષોત્તમની પરાભક્તિનો લાભ થાય છે. તૈત્તિરીય ઉપનિષદ પણ કહે છે, ‘ब्रह्मविदाप्नोति परम्’ જે બ્રહ્મને, કહેતાં અક્ષરને જાણે, અર્થાત્ બ્રહ્મરૂપ થાય તેને જ પરમાત્મા મળે.  આમ આત્યંતિક કલ્યાણ માટે પુરુષોત્તમ પરબ્રહ્મને અવશ્યપણે જાણવા પડે, તેમની ઉપાસના-ભક્તિ કરવી જ પડે. અને એ જ્ઞાન, ઉપાસના કે ભક્તિને યથાર્થપણે સિદ્ધ કરવા અક્ષરબ્રહ્મને પણ જાણવા જ પડે, અક્ષરરૂપ થવું જ પડે તે સ્પષ્ટ થાય છે.
આ રીતે અક્ષરબ્રહ્મ એ બ્રહ્મવિદ્યાનું અનિવાર્ય ઘટક છે.

અક્ષરબ્રહ્મ - આત્મા ને પરમાત્માથી ભિન્ન તત્ત્વ

અક્ષરબ્રહ્મ એ જીવાત્મા કે ઈશ્વરાત્મા અને પરમાત્મા કરતાં તત્ત્વતઃ ભિન્ન છે. શાસ્ત્રોમાં આ વાત ખૂબ સચોટતાથી નિરૂપવામાં આવી છે.
કઠોપનિષદમાં ઇન્દ્રિયો વગેરે તત્ત્વો, આત્મા, અક્ષરબ્રહ્મ અને પરમાત્માની એકબીજાથી અધિકતા દર્શાવતું નિરૂપણ કરવામાં આવ્યું છે. તેમાં ‘आत्मा महान् परः’ (કઠ ઉપનિષદ, ૩/૧૦) એમ કહીને ઇન્દ્રિયો આદિ કરતાં આત્માને ‘महान् परः’ કહેતાં તેનો નિયામક અને આધાર કહેવામાં આવ્યો છે. ત્યારબાદ કહ્યું છે કે ‘महतः परमव्यक्तम्’ (કઠ ઉપનિષદ, ૩/૧૧) એ મહાન આત્મા કરતાં પણ ‘अव्यक्तम्’ એ નામનું તત્ત્વ શ્રેષ્ઠ છે. કહેતાં અવ્યક્ત એ આત્માનો નિયામક અને આધાર છે. આ અવ્યક્ત નામનું તત્ત્વ એટલે અક્ષરબ્રહ્મ. શ્રીમદ્ભગવદ્ગીતામાં આ વાતની સ્પષ્ટતા કરતાં શ્રીકૃષ્ણ ભગવાન કહે છે, ‘अव्यक्तः अक्षरः इति उक्तः’ (ભગવદ્ગીતા, ૮/૨૧) અર્થાત્ 'એ અવ્યક્ત એટલે અક્ષરબ્રહ્મ છે, એમ કહેવામાં આવ્યું છે.'
ત્યારબાદ શ્રેષ્ઠતાની પરંપરામાં અક્ષરબ્રહ્મથી પણ પર એવા પરમાત્માનો નિર્દેશ કરતાં કહેવામાં આવ્યું છે - ‘अव्यक्तात् पुरुषः परः’ (કઠ ઉપનિષદ, ૩/૧૧) અર્થાત્ 'એ અક્ષરબ્રહ્મ કરતાં પુરુષોત્તમ પરમાત્મા પર છે.' કહેતાં, અક્ષરના પણ નિયામક છે અને આધાર છે.
આમ, આત્મા કરતાં શ્રેષ્ઠ અને એકમાત્ર પરમાત્મા કરતાં ન્યૂન તરીકે અક્ષરબ્રહ્મનું નિરૂપણ કરીને આપણાં શાસ્ત્રોએ આ અક્ષરબ્રહ્મને આત્મા-પરમાત્માથી જુદા તત્ત્વ તરીકે પ્રતિપાદિત કર્યું છે.
શ્રીમદ્ભગવદ્ગીતાએ પણ આ જ સિદ્ધાંતની પુષ્ટિ કરી આપી છે. ત્યાં કહ્યું છે, ‘द्वाविमौ पुरुषौ लोके क्षरश्र्च अक्षर एव च। क्षरः सर्वाणि भूतानि कूटस्थोऽक्षर उत्व्यते॥ उत्तमपुरुषस्त्वन्यः परमात्मेत्युदाहृतः’ (ભગવદ્ગીતા, ૧૫/૧૬-૧૭) અર્થાત્ 'આ જગતમાં બે પ્રકારના પુરુષો છે. એક ક્ષર અને બીજો અક્ષર. ક્ષર એટલે સર્વ આત્માઓ અને એનાથી ભિન્ન એટલે અક્ષરબ્રહ્મ. અને ઉત્તમ પુરુષ (પુરુષોત્તમ) તો આ બંનેથી પર છે, જે પરમાત્મા કહેવાય છે.'
એટલે જ વ્યાસમુનિએ પણ બ્રહ્મસૂત્રમાં ‘पराघिकरणम्’ (બ્રહ્મસૂત્ર, ૩/૨/૩૦) જેવાં પેટાપ્રકરણો રચીને આ સિદ્ધાંતને સૂત્રરૂપે પ્રતિપાદિત કર્યો છે. આમ, બ્રહ્મવિદ્યામાં અનિવાર્ય ઘટક એવું અક્ષરબ્રહ્મ એ આત્મા તથા પરમાત્મા કરતાં ભિન્ન તત્ત્વ છે એ સમજી શકાય છે.

અક્ષરબ્રહ્મનાં ચાર રૂપો

આ અક્ષરબ્રહ્મને તત્ત્વતઃ એક જ હોવા છતાં પણ ભિન્ન કાર્યોના આધારે શાસ્ત્રોએ ચારરૂપે વર્ણવ્યું છેઃ ૧. ચિદાકાશરૂપે, ૨. ધામરૂપે, ૩. એ જ ધામમાં પરમાત્માના પરમ સેવકરૂપે અને ૪. પૃથ્વી પર ગુણાતીત સત્પુરુષ રૂપે.
 


© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS