સ્વયંને જોવા આંખો ખોલવાની નહીં, આંખો બંધ કરી અંતર્દૃષ્ટિ કરવાની જરૂર છે...
પ્રમુખસ્વામી મહારાજના જીવનમાંથી એ જ બોધપાઠ શીખવાનો છે કે - ‘If you love yourself, then know yourself.’(જો તમે સ્વયંને ચાહતા હો, તો સ્વયંને જાણો.) જેને જે વ્યક્તિ ગમે, તે વ્યક્તિ વિશે તે કંઈક જાણવાનો પ્રયત્ન કરે છે, એ જ રીતે જેને જે વિષય ગમે, તે વિષયમાં તે રસ દાખવી, ઊંડો ઊતરી કંઈક જાણવાનો પ્રયત્ન કરે છે. એવી જ રીતે જો તમે તમારી જાતને ચાહતા હો તો જાતને જાણવા માટે થોડા ઊંડા ઊતરો.
લોકો કહેતા હોય છે કે ‘We love ourselves.’(અમે સ્વયંને ચાહીએ છીએ) પણ વાસ્તવમાં કોઈને પોતાના માટે સમય હોતો નથી. આ દુનિયાની અંદર નાના-મોટા એવા અસંખ્ય માણસો છે કે જેમાં તેમને રસ હોય છે, તેની અંદર ઊંડા ઊતરી જાય છે. મેં એક સંશોધન અંગે વાચ્યું હતું. એક સંશોધક ૩૦ વર્ષથી કીડીનો અભ્યાસ કરતા હતા. કીડીઓ જોયા જ કરે, કીડીઓ જ્યાં ફરે ત્યાં ફર્યા કરે. ૩૦ વર્ષ સુધી કીડીનો અભ્યાસ કર્યો. આ સંશોધનકારે ૨,૦૦૦ પ્રકારની કીડીઓ પોતાની નજર સમક્ષ જોઈ અને તેનું વિગતવાર વિશ્લેષણ કર્યું.
બ્રિટનની એક વ્યક્તિ જેનું નામ છે, ટોમ ગલિક. નેવલ ઓફિસર તરીકે નિવૃત્ત થયા બાદ ૪૧ વર્ષની વયે તેમને પક્ષીઓના સંશોધનમાં રસ પડ્યો. પછીનાં ૪૦ વર્ષમાં તો તેઓ દુનિયાના શ્રેષ્ઠ Birdwatcher બની ગયા અને દુનિયાની એકમાત્ર એવી વ્યક્તિ બન્યા કે જેમણે ૯,૦૦૦ પક્ષીઓ પોતાની નજરે નિહાળ્યા હોય. જેને જેના પ્રત્યે પ્રેમ જાગે, તેને તે જાણવા પ્રયત્ન કરે છે.
તેથી જ સ્વપ્રેમ એટલે સ્વને જાણવું. જો તમે તમારી જાતને જાણશો તો તમને ખ્યાલ આવશે કે ‘તમે જે ધારો છો એ તમે નથી તથા બીજા તમારા વિશે જે અનુમાન કરે છે, તેવા પણ તમે નથી.’ જેમ જેમ આપણી દુનિયા સભ્યતાપૂર્ણ થતી ગઈ, તેમ તેમ વ્યક્તિ છુપાવતાં વધુ શીખ્યો છે. જેમ કે તમને દિવસમાં જેટલા વિચાર આવે છે, તે તમે બીજા સમક્ષ રજૂ કરી દો છો? ના. ઉદાહરણ તરીકે તમે કોઈને ઘરે જમવા ગયા હો ત્યારે તમને લાગે કે ભોજન સારું બન્યું નથી તો તમે બોલો છો કે આ ખરાબ છે? ન બોલાય. ભૂખ્યા રહેવાનો વારો આવે. ભલે વિવેક રાખી આપણે બીજાની આગળ ઉઘાડા પડતા નથી, પણ હકીકતમાં આપણે સ્વયં કેવા છીએ તે અંદર ખાને આપણે જાણીએ છીએ. છતાં સ્વયંને સંપૂર્ણ જાણવા માટે શિસ્ત, સંયમ, સમર્પણ અને સત્પુરુષની કૃપાની જરૂર પડે છે.
ગઢડા પ્રકરણના ૨૦મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ કહ્યું છે કે ‘જે રૂપને જુએ છે, કુરૂપને જુએ છે, સારું જુએ છે, નરસું જુએ છે. આ દુનિયાની અંદર યુવાની, વૃદ્ધાવસ્થા અને બાળપણ જુએ છે. આ સંસારની અંદર એ તમામ વસ્તુઓ જુએ છે, જે બીજાનું જુએ છે, પણ જે પોતે-પોતાને જોતો નથી એ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે, નીચમાં અતિશય નીચ, ઘેલામાં અતિશય ઘેલો અને મૂર્ખમાં અતિશય મૂર્ખ છે.’
આપણને વિચાર આવશે કે આટલી બધી ઉપમા ભગવાને આપી દીધી?, ત્યારે એ જ કહેવાનું કે ‘Ask yourself.’ (સ્વયંને પૂછો). જે માનવ એમ માની બેઠા હોય કે ‘હું દેહ છું અને હું આત્મા નથી અને મારે આત્માની સાથે કોઈ લેવાદેવા નથી’ – તેને આધ્યાત્મિક દૃષ્ટિએ મૂર્ખ કહેવામાં આવ્યા છે.
ક્યારેક કોઈ વ્યક્તિને એવો પ્રશ્ન કરવામાં આવે કે ‘તમે કોણ છો?’ તો તે કહેશે કે ‘ડોક્ટર છું.’ પછી પૂછવામાં આવે કે ‘તમે ક્યાં કામ કરો છો?’, તે કહેશે કે ‘સિવિલ હોસ્પિટલમાં કામ કરું છું.’ પછી નવો પ્રશ્ન કરવામાં આવે કે ‘તમારી ઉંમર કેટલી થઈ?’ તો તે કહેશે કે ‘બાવન વર્ષ થયાં.’ પછી તેને પૂછવામાં આવે કે ‘તમે ક્યાં રહો છો?’ તો તે કહેશે કે ‘નવરંગપુરામાં રહું છું.’ અંતે તે જ વ્યક્તિને પૂછવામાં આવે કે ‘તમારું નામ શું છે?’ ત્યારે તે વ્યક્તિ માથું ખંજવાળી, અવઢવમાં પડી એવું કહે કે ‘એ તો મને ખબર જ નથી.’ તો સ્થિતિ શું સર્જાય? પૂછનાર વ્યક્તિને લાગે કે આ પોતાના વિશે આટલું બધું જાણે છે છતાં તેને તેનું નામ જ ખબર નથી તો એ મહામૂર્ખ લાગે છે. એમ આપણે આપણા ભૌતિક સ્વરૂપ અને શરીરના જાણકાર છીએ, પણ અસલી આધ્યાત્મિક સ્વરૂપ - આત્મા વિશે કશું જ જાણતા નથી તે મૂર્ખામી છે.
એક વાર સોક્રેટિસ ભરબપોરે ફાનસ લઈને નીકળ્યા. સૌને આશ્ચર્ય થયું કે આટલા મોટા તત્ત્વચિંતક, વિદ્વાન અને વિચારવાન પુરુષ દિવસે ફાનસ લઈને કેમ નીકળ્યા? લોકોએ સોક્રેટિસને પૂછ્યું કે ‘તમે બપોરના સમયે ફાનસ લઈને શા માટે નીકળ્યા?’ ત્યારે સોક્રેટિસે જવાબ આપ્યો કે ‘હું માનવ શોધવા ફરી રહ્યો છું. દરેકને પૂછું છું કે તમે કોણ છો? ત્યારે મને ઘણા ડોક્ટર મળ્યા, એન્જિનિયર મળ્યા, ચિત્રકાર મળ્યા, ચિંતક મળ્યા, પરંતુ અત્યાર સુધી ‘હું માનવ છું’ એવું કહેનાર એકપણ વ્યક્તિ મળી નથી.’ શાસ્ત્રો કહે છે કે ‘આપણે મૂળભૂત આત્મા છીએ.’ તો ‘આત્મા એટલે શું?’ આત્મા એટલે પરમાત્માના દાસ. એક વાર પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે જ્યારે પોતાની ઓળખ સાહજિક રીતે આપી અને કહ્યું કે ‘પ્રમુખસ્વામી મહારાજ એટલે ભગવાનના ભક્ત, યોગીજી મહારાજના શિષ્ય અને ભગવાન સ્વામિનારાયણના સાધુ.’ સ્વયં આત્મારૂપ થઈ, પરમાત્માની ભક્તિ કરવી એ પ્રમુખસ્વામી મહારાજનો સિદ્ધાંત છે. પોતે સાક્ષાત્ અક્ષરબ્રહ્મનું સ્વરૂપ હતા, માટે તેમને સતત ત્રણેય અવસ્થામાં અનુસંધાન હતું કે અક્ષરબ્રહ્મ એટલે ભગવાન સ્વામિનારાયણના દાસ, ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે જ્યારે આપણને આત્મભાવ અને ભગવાન સાથે એકાત્મભાવ પમાય છે ત્યારે કામ-ક્રોધ-લોભ સાહજિક રીતે ટળી જાય છે.
આત્મા કહેતાં સ્વયંને જાણવા માટે સ્વયંને ચાહવું પડે - તે માટે ત્રણ ગુણ જરૂરી છે. જે છે; Be Pure - પવિત્ર બનો, Be Positive - હકારાત્મક બનો. Be Humble - નમ્ર બનો. જો આ ત્રણ ગુણ આપણા જીવનમાં હશે તો આપણે આપણી જાતને સાચી રીતે ચાહી શકીશું, જાણી શકીશું. સ્વયંને જાણવા ફાનસ લઈ જગતમાં ફરવાની જરૂર નથી, આંખો બંધ કરી અંતર્દૃષ્ટિ કરવાની જરૂર છે.