જીવનમાં કોઈ મુશ્કેલી કે મૂંઝવણ આવે ત્યારે મદદ માટે કોની સલાહ લેશો?
પ્રમુખસ્વામી મહારાજનો શ્વાસોશ્વાસ અને જીવનની ક્ષણેક્ષણ આપણને પ્રેરણા આપે છે.
મહાભારતનો એક પ્રસંગ છે. જ્યારે કુરુક્ષેત્રનું યુદ્ધ થયું નહોતું. હજારો માણસો ભેગા થયા હતા ત્યારે યુધિષ્ઠિર સહિત પાંડવોએ રાજસૂય યજ્ઞ કરવાની ઇચ્છા વ્યક્ત કરી, પરંતુ યુધિષ્ઠિરે જણાવ્યું, ‘હું આ રાજસૂય યજ્ઞનો પ્રારંભ કરતાં પહેલાં ભગવાન શ્રીકૃષ્ણની સલાહ લઈ આવું.’
આ સમયે યુધિષ્ઠિરના મિત્રો યુધિષ્ઠિરને કહે છે કે શા માટે ભગવાન શ્રીકૃષ્ણની સલાહ લેવા જાવ છો? આ કાર્યમાં વળી શું સલાહ લેવાની?
એ જ રીતે વર્તમાન સમયમાં ઘણા હરિભક્તોને લોકો પ્રશ્ન પૂછતા હોય છે કે તમે બીમાર થયા તો પ્રમુખસ્વામી પાસે દોડી જાવ છો, ઘરમાં કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય છે તો પ્રમુખસ્વામી મહારાજને યાદ કરો છો, કોઈ નવું કાર્ય કરવું હોય તો પ્રમુખસ્વામી મહારાજ પાસે જાવ છો, આ બધું શા માટે કરો છો?
આ જ રીતે ઘણા પૂછનાર અને કહેનાર તે સમયે યુધિષ્ઠિરને મળ્યા હતા કે તમે કૃષ્ણ પાસે કેમ જાવ છો? આટલા બધા તમારા વડીલો છે, હિતેચ્છુઓ છે, મિત્રો છે, શુભેચ્છકો છે અને તમે એ કોઈને કંઈપણ પૂછતા નથી, પરંતુ શ્રીકૃષ્ણ પાસે જ કેમ જાવ છો?
યુધિષ્ઠિર તે વખતે અદ્ભૂત જવાબ આપે છે, આ સમુદાયમાં ઘણા મારા મિત્રો છે. તેઓ લાગણીથી મારી સાથે જોડાયેલા છે. તેઓ મિત્રભાવે લાગણીવશ થઈ, મને દુઃખ થાય તેવું સાચું કહેશે નહીં. એટલે મિત્રો પાસે જતો નથી. સમુદાયમાં કેટલાક મારા દુશ્મન છે. એટલે ‘સાચું કહું છું’ એમ કહીને ખોટું કહેશે. માટે હું દુશ્મન પાસે જતો નથી. ઘણા મારા વડીલો છે, જેઓ મારું હિત ઇચ્છે છે, પરંતુ કમનસીબી એ છે કે તેઓને મારું હિત શેમાં છે તે દેખાતું નથી. માટે હું વડીલો પાસે જતો નથી. ઘણા અનુભવી છે - પ્રખર બુદ્ધિશાળી છે અને આવડતવાળા છે, પણ તેઓ કામ-ક્રોધ-લોભથી ભરેલા છે. તેઓ ઈર્ષ્યાને કારણે કપટ કરશે. માટે તેઓ પાસે જતો નથી.
આમ, આજના સમાજમાં એવા ઘણા આપણા શુભેચ્છકો હશે, જેઓ આપણું શુભ ઇચ્છતા હોય, પણ સાથે પોતાનું પણ શુભ ઇચ્છતા હોય છે, એટલે કે પોતાનો અંગત સ્વાર્થ હોય! તેઓ છૂપું કપટ રાખે! જેઓ કપટ રાખે છે, તેઓ સ્વાર્થ રાખે છે. એવા કોઈની પાસે યુધિષ્ઠિર જતા નથી. યુધિષ્ઠિર કહે છે, ‘શ્રીકૃષ્ણને તો મારી પાસેથી કંઈ જ જોઈતું નથી અને હું શ્રીકૃષ્ણને કશું આપી શકું એમ છું નહીં. તેઓ નિ:સ્વાર્થ છે, પરિશુદ્ધ છે અને મારું હિત જાણે છે! તેથી સાચી વાત, મારા હિતની વાત મને દુ:ખ લગાડીને પણ કરશે.’
જેમ યુધિષ્ઠિર શ્રીકૃષ્ણ પાસે જાય છે તેમ આજે આપણે પ્રમુખસ્વામી મહારાજ પાસે જઈએ છીએ. તેઓ એક નિઃસ્વાર્થ, પરિશુદ્ધ પથદર્શક છે.
પ્રમુખસ્વામી મહારાજ આપણું પરમ હિત જાણે છે, તેઓ આર્ષદ્રષ્ટા છે, તેમનામાં પ્રેમ અને સત્યનો વાસ છે અને તેથી જ સાચા મિત્રભાવે કદાચ તમને અને મને દુ:ખ થાય છતાં પણ તેઓ સત્ય, પ્રિય અને હિતકારી માર્ગદર્શન આપશે.
આ અંગેનો વલ્લભવિદ્યાનગરનો એક પ્રસંગ છે:
એક વાર એક સામાજિક નેતા સ્વામીશ્રીને મળવા આવ્યા. તેઓ કહે, ‘મહારાજ! મને આશીર્વાદ આપો કે મારે સમાજમાં ખૂબ મોટું પરિવર્તન લાવવું છે અને તે માટે હું કાર્ય કરી શકું.’ પરંતુ પ્રમુખસ્વામી મહારાજ તો ક્યારેય ખોટું કહે જ નહીં. કદાચ તે નેતાને સત્ય કડવું લાગ્યું હશે, પણ તેને નજીક બોલાવીને સ્વામીશ્રી કહે કે, ‘તમારા મોઢામાં દારૂ ગંધાય છે, તમે કયા મોઢે પરિવર્તનની વાત કરશો? તમે ખુદનું પરિવર્તન લાવી શકતા નથી તો સમાજમાં શું પરિવર્તન લાવી શકવાના?’
તરત જ આગેવાનની આંખો ખૂલી. અંતર્દૃષ્ટિ થઈ અને પોતાની કુટેવ કાઢવાનો સંકલ્પ કર્યો. સત્યની આવી તાકાત છે! નિઃસ્વાર્થ ભાવ હોય તો જ સાચી વાત દુ:ખ લગાડીને પણ કહી શકે.
આજે પણ જે કોઈ પ્રમુખસ્વામી મહારાજની પાસે આવે છે, તેઓને એ સાચી વાત કરે છે, પરમહિતની વાત કરે છે, કેમ કે તેમને આપણી પાસેથી કશું જ જોઈતું નથી.
‘બીજાના ભલામાં આપણું ભલું, બીજાના સુખમાં આપણું સુખ અને બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ’ આ સૂત્ર પ્રમુખસ્વામી મહારાજે ૯૫ વર્ષ જીવીને સમાજને આપ્યું છે. એમને કોઈ અપેક્ષા નથી તેથી જ આપણને પ્રમુખસ્વામી મહારાજના જીવનમાંથી પ્રેરણા મળે છે. મહાભારત કહે છે, ‘महाजनो येन गतः स पन्थाः’ - મહાજનો જે માર્ગે ચાલ્યા છે, તે માર્ગ જીવનમાં અપનાવો. રામાયણ એટલે કે रामस्य अयनम् इति रामायणम् - રામ જે માર્ગે ચાલ્યા, તેની વાત એટલે રામાયણ.
મોટા વિદ્વાન અને પવિત્ર સંત પૂજ્ય સત્યમિત્રાનંદગિરિજી સારંગપુર ખાતે જ્યારે પ્રમુખસ્વામી મહારાજનાં દર્શન કરવા આવ્યા ત્યારે તેમણે કહ્યું, ‘હું જ્યારે પ્રમુખસ્વામીનું જીવન જોઉં છું ત્યારે મને તેમનામાં સાક્ષાત્ મર્યાદા પુરુષોત્તમ શ્રીરામનાં ગુણોનાં દર્શન થાય છે.’
દિવ્યજીવન સંઘના પૂજ્ય સ્વામી ચિદાનંદજીએ કહ્યું, ‘પૂજ્ય પ્રમુખસ્વામીજીનું આગમન થયું એટલે ભારતની તમામ પવિત્ર નદી આવી ગઈ, તમામ તીર્થોનું આગમન થયું કારણ કે પ્રમુખસ્વામી મહારાજનાં ચરણારવિંદ એટલે સાક્ષાત્ નારાયણનું આગમન.’
આવા પરમ પવિત્ર, સંત પાસે જ્યારે સંસારના પ્રશ્નથી ઘેરાયેલો, મૂંઝાયેલો જીવ પહોંચે છે ત્યારે તેને શીતળ, શાંત, અને સત્યનો માર્ગ મળે છે. કારણ કે સાચા સંતમાં અલૌકિક દિવ્યતા સમાયેલી હોય છે.