અમને પાંચ સંતોને સંસ્કૃતમાં વેદાંત-વ્યાકરણ-ન્યાય વગેરેના વિશેષ અભ્યાસ અર્થે સ્વામીશ્રીએ બેંગલોરમાં રહેવાની આજ્ઞા કરી હતી. સન ૧૯૯૪માં અમારો અભ્યાસ વિવિધ પ્રકારના શાસ્ત્રીય જ્ઞાનથી પૂર્ણતાના આરે પહોંચ્યો હતો, ત્યારે સ્વયં કરુણાગંગારૂપી સ્વામીશ્રી અમને ભક્તિભીના કરવા માટે બેંગલોર પધાર્યા. ભક્તિ વિના જ્ઞાન શુષ્ક ન બની જાય, જ્ઞાનની ગરિમા ભક્તિના રંગે રંગાવાથી જ વધે છે, એ શીખ આપવા જ જાણે પધાર્યા.
શ્રીદેરીવાળા રમેશભાઈ પટેલના નિવાસસ્થાને સ્વામીશ્રીનો ઉતારો હતો. શ્રીનગર વિસ્તારમાં અમારો સંતનિવાસ હતો. અમારી બાજુ માં અતિ ભાવિક, ભક્તિ સંપન્ન દક્ષિણ ભારતીય મુમુક્ષુ શ્રી પૂર્ણાનંદ ગુપ્તાનો આવાસ હતો. સ્વાસ્થ્યને અનુલક્ષી સ્વામીશ્રીની પધરામણી એ અરસામાં બંધ હતી, પરંતુ પૂર્ણાનંદ ગુપ્તાના વિશુદ્ધ પ્રેમ અને ભક્તિથી સ્વામીશ્રી એમના ઘરને પાવન કરવા પધાર્યા. શ્રીહરિના અખંડધારક સ્વામીશ્રીના કુંકુમથી અંકિત ચરણારવિંદ કાપડમાં અંકિત કરાવવાની એમની અંતરની મહેચ્છા હતી. સદા દાસભાવે વર્તનાર સ્વામીશ્રી તો ત્રિકાળમાંય આમાં સંમતિનો સૂર ન પુરાવે, પરંતુ ભક્તિભાવથી છલકાતા ભક્તહૃદય પૂર્ણાનંદ ગુપ્તાએ કોઈ ન જાણે એ રીતે કાપડનીયે એવી કરામત ગોઠવી કે સ્વામીશ્રી ચાલે એટલે એમનાં ચરણારવિંદ સફેદ કાપડમાં અંકિત થાય. ઉપર પુષ્પ અને નીચે આ કાપડ. અને એની નીચે કુંકુમ. પરંતુ ચતુર શિરોમણિ સ્વામીશ્રી પળવારમાં પરિસ્થિતિને પામી ગયા. નતમસ્તકે સદા દાસભાવને વરેલા સ્વામીશ્રી બાજુ માં ચાલી ઘરમાં પ્રવેશ્યા. પૂર્ણાનંદ ગુપ્તાએ અહોભાવથી ગુપ્ત દાસભાવે વર્તનાર સ્વામીશ્રીની દાસત્વભક્તિની પૂર્ણતાને પિછાણી. ત્યાં ઊભેલા તમામનાં હૈયાં સ્વામીશ્રીની દાસત્વ-ભક્તિને વંદી રહ્યા.
પધરામણી પૂર્ણ કરી સ્નેહભીના સ્વામીશ્રીએ અંતરની ઇચ્છાને વ્યક્ત કરી, 'મારે સંતનિવાસમાં જવું છે.' અમે પાંચેય સંતો નીચે જ હતા, સ્વામીશ્રીને વિનંતીના સૂરમાં સમજાવ્યું : 'બાપા! દાદર ખૂબ સાંકડો છે, આપને ખુરશી દ્વારા ચઢાવી શકાય તેવી વ્યવસ્થા થઈ શકે તેમ નથી. વળી, અમે તો દરરોજ આખો દિવસ આપના ઉતારે લાભ લઈએ જ છીએ, તેથી આપ આ કષ્ટ ન ઉઠાવો તો સારું. એવી અમારી વિનંતી છે.' પરંતુ સ્વામીશ્રીએ અંતર્યામીપણે અમારી અવ્યક્ત ઇચ્છાને નિહાળી હશે તેથી આવવાનો આગ્રહ રાખ્યો. સેવક સંતોની સહાયથી કષ્ટપૂર્ણ રીતે દાદર ચઢી સંતનિવાસને પાવન કર્યો.
અમારી સાથે રહેલા ઠાકોરજીના સ્વરૂપ શ્રી દક્ષિણેશ્વર મહારાજનાં દર્શન કરી અમારા ટેબલ પર રહેલા પ્રત્યેક પુસ્તકને એમનાં કરકમળ દ્વારા સ્પર્શી જ્ઞાનમાં ભક્તિની સુવાસ ભરી દીધી.
વિવેકસાગર સ્વામીએ કહ્યું, 'બાપા! બધા ખૂબ સારું ભણે, શાસ્ત્રીજી મહારાજે સ્થાપેલા અક્ષરપુરુષોત્તમ સિદ્ધાંતની સારી રીતે પુષ્ટિ કરે એવા વિદ્વાન થાય તેવા શુભ આશીર્વાદ આપો.' સ્વામીશ્રીએ દરેકને અંતરના આશીર્વાદથી લાભાન્વિત કર્યા. દરેકને ભેટ્યા. ચિર યાદગીરી માટે સાથે ફોટો પડાવી દિવ્ય સ્મૃતિ આપી. સ્વામીશ્રીના અમીમય આશીર્વાદથી અમે કૃતકૃત્ય થઈ ગયા. આજે પણ એ કરુણામૂર્તિની દિવ્ય છબિ માનસપટલને ઝકૃત કરી રહેલી છે કે, 'તારી કરુણાનો કોઈ પાર નથી.'
સૈદ્ધાંતિક પુરુષ :
બેંગલોરથી અમે ભણનાર પાંચ સંતો સ્વામીશ્રીનો દિવ્ય લાભ લેવા હૈદરાબાદ ગયા હતા. સ્થાનિક મુમુક્ષુ શ્રી મહેન્દ્રભાઈ પટેલને ત્યાં સ્વામીશ્રીનો ઉતારો હતો. એક દિવસ બપોરે સ્વામીશ્રી ઠાકોરજી જમાડી, પોતાના શયનકક્ષમાં આરામમાં જતા હતા. અમે પાંચેય સંતો શયનદર્શન માટે અંદર ગયા. અમને આવેલા જોઈ સ્વામીશ્રીને વાત કરવાની ઊલટ આવી ગઈ. પલંગમાં પોઢવાને બદલે સોફામાં વિરાજ્યા. મીઠા સ્વરે આવકાર આપી અમને બેસાડ્યા ને વાત માંડી, 'તમે બધા સંસ્કૃત ભણો છો તો આપણો સિદ્ધાંત દૃઢ કરવો. શાસ્ત્રીજી મહારાજે પ્રવર્તાવેલો સિદ્ધાંત સો ટકા સાચો છે. એની પુષ્ટિ થાય એવું ભણવું, ભગવાન શ્રીજીમહારાજ સાકાર છે. અક્ષરધામમાં દિવ્ય સ્વરૂપે બિરાજે છે, નિરાકાર નથી. શાસ્ત્રીજી મહારાજનો દાખડો સફળ કરવો. આપણી ઉપાસના પ્રવર્તાવવી. આપણું તત્ત્વજ્ઞાન સર્વોપરી છે. શ્રીજીમહારાજ કર્તા-સાકાર-સર્વોપરી અને અત્યારે પ્રગટ છે.'
ભોજન પછી ન બોલવાની ડૉક્ટરોની સૂચનાને અવગણીને, વણથંભે બારે મેઘ જાણે એક સાથે વરસતા ન હોય! તેમ સતત ૫૫ મિનિટ સુધી વરસ્યા. એ વખતે એમના મુખારવિંદ પર થાક અનુભવાતો હતો. હોઠ ધ્રૂજતા હતા. ક્યારેક ઉતાવળથી બોલાતા શબ્દો પણ તૂટતા હતા. ગંગાના પ્રવાહ સમાન ધસમસતા વાક્પ્રવાહને વચ્ચે રોકી શકાય તેમ પણ ન હતું. એમની અસ્મિતાથી છલકાતી સૈદ્ધાંતિક વાણી વિરમી ત્યારે અમને એવો અનુભવ થયો કે ભગવાન સ્વામિનારાયણે પ્રબોધેલો અને બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે પ્રવર્તાવેલો વૈદિક સિદ્ધાંત આજે સ્વામીશ્રીરૂપે મૂર્તિમાન વિચરી રહ્યો છે.
વિદ્યાનુરાગી :
સ્વામીશ્રીએ સન ૧૯૯૫ના જૂન માસમાં લંડનમાં વિશ્વપ્રસિદ્ધ સ્વામિનારાયણ મંદિરની મૂર્તિપ્રતિષ્ઠા પૂર્વે મને ત્યાં સત્સંગ-પ્રવૃત્તિની સેવામાં નિયુક્ત કર્યો હતો. મારે હજુ સંસ્કૃતની 'એમ.એ. ભાગ-૨'ની પરીક્ષા આપવાની બાકી હતી. મેં આગળ અભ્યાસ માટે સ્વામીશ્રીને પૂછતાં ઉમળકાથી હા પાડી. 'પુસ્તકો લઈ લેજે, વાંચવાનો સમય મળશે.' એમ કહી પુસ્તકો લેવડાવ્યાં. એમના અંતરના આશીર્વાદથી ફર્સ્ટ ક્લાસ સાથે હું ઉત્તીર્ણ થયો. આગળ પીએચ.ડી.નો અભ્યાસ કરવાની પણ એમણે વાત કરી. વિવેકસાગર સ્વામીની ઇચ્છા હતી કે તમે લંડન રહો છો તો ત્યાંથી પીએચ.ડી. કરો. મેં ઓક્સફર્ડ, કેમ્બ્રિજ વગેરે યુનિવર્સિટીઓમાં તપાસ કરાવી. ફર્સ્ટ ક્લાસ હોવાથી એડ્મિશન તો મળતું હતું, પણ સંસ્કૃત માધ્યમથી પીએચ.ડી. થઈ શકાતું ન હતું. તેથી સ્વામીશ્રીએ સત્સંગપ્રવૃત્તિ માટે મને નિયુક્ત કર્યો હતો તેનો વિચાર ન કરતાં દેશમાં આવી પીએચ.ડી. કરવાનું કહ્યું. પીએચ.ડી. સાથે ષડ્દર્શનો તથા અન્ય છ વિષયોની પરીક્ષા માટે પણ સંમતિનો સૂર પુરાવ્યો. સમયે સમયે પ્રત્યક્ષરૂપે તથા પરીક્ષાના પરિણામ પછી આશીર્વાદ પત્રોરૂપે ખૂબ પ્રોત્સાહન આપ્યું. જેથી ૧૩ વિષયમાં આચાર્ય અને વિદ્યાવારિધિ(પીએચ.ડી.)નો ૩૩ વર્ષનો અભ્યાસ ૧૮ વર્ષમાં પૂર્ણ થઈ શક્યો. આજે આનો વિચાર કરીએ તો એવું લાગે કે આ બુદ્ધિ ચાતુર્યનું પરિણામ નથી, પરંતુ સ્વામીશ્રીના પ્રોત્સાહન, આશીર્વાદપત્રો અને વિદ્યાનુરાગિતાનું જ પરિણામ છે. તેથી જ તો શ્રીહરિલીલામૃતની પંક્તિ સ્વામીશ્રીમાં જીવંત જણાય છે.
'શ્રીજી સ્વામિ કહે સુસંત અમને વિદ્યા ભણે તે ગમે,
માટે સ્નેહ સમેત નિત્ય ભણજો વિદ્યા વિશેષે તમે;
પુષ્ટી સંતત સંપ્રદાય તણિ તો વિદ્વાનથી થાય છે,
જો વિદ્વાન ન હોય સાધુજન તો તે પંથ નિંદાય છે...'
(શ્રીહરિલીલામૃત ૧/૧૪/૩૫)