અસ્મિતા હોય તો કાર્યકુશળતા આવે
એક વાર વિખ્યાત કેળવણીકાર કાકા કાલેલકર જાપાનની મુલાકાતે ગયેલા. અહીં તેઓએ પુષ્પ સજાવટ અંગેનું પુસ્તક દુકાનદાર પાસે માંગ્યું. પરંતુ દુકાનદાર પાસે જે પુસ્તક હતું તેનું બાઇન્ડિંગ ઢીલું હતું. તેથી દુકાનદારે કહ્યું : ‘મારી પાસે આ પુસ્તકની બીજી નકલ નથી. બીજી સારી નકલ હું તમને મંગાવી આપીશ.’
પરંતુ કાકા કાલેલકર પાસે ફરી વાર તે દુકાને જવાનો સમય નહોતો. તેથી ઢીલા બાઇન્ડિંગવાળું પુસ્તક જ આપી દેવા વાત કરી. ત્યારે દુકાનદારે તે આપવાની ના પાડી. કાકા કાલેલકર કહે : ‘પણ મને તે પુસ્તક પસંદ છે અને ઢીલા બાઇન્ડિંગનો મને કોઈ વાંધો નથી.’ ત્યારે દુકાનદારે કહ્યું : ‘માફ કરજો. આપને હું તે પુસ્તક આપીશ નહીં. એ પુસ્તક મારા દેશનું પ્રતીક છે. આવી નબળી બાંધણીવાળા પુસ્તકથી હું મારા દેશની પ્રતિષ્ઠાને ઝાંખપ નહીં લાગવા દઉં. તમે તમારું સરનામું આપો. કાલે બરાબર બાર વાગ્યે મારો માણસ તમને પુસ્તક આપી જશે.’
બીજે દિવસે કાકા કાલેલકરને પુસ્તક વ્યવસ્થિત બંધાઈને મળી ગયું.
જાપાનના એ દુકાનદારને પોતાના દેશની અસ્મિતા હતી. તેથી તેને કાળપ ન લાગે તે માટે તેના કાર્યમાં કેવી ચીવટ આવી ગઈ !
આમ, અસ્મિતા હોય તો આપણું પ્રત્યેક કાર્ય ચોકસાઈપૂર્ણ બની રહે.
કૃપાનંદ સ્વામી માટે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે કે, ‘તેઓ છ મહિના મહારાજની સેવામાં રહ્યા પણ વાંકમાં ન આવ્યા.’ કૃપાનંદ સ્વામી સેવામાં કેવી ચોકસાઈ રાખતા હશે !
પોતાને ભાગે આવેલ કાર્ય પ્રત્યે અસ્મિતા હોય તો તે કાર્ય આપોઆપ આવી ચીવટવાળું બની જ રહે.
સ્વામીશ્રીની કાર્યપદ્ઘતિ વિષે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ એક વાર કહેલું કે, ‘પ્રમુખસ્વામી મહારાજના ભાગ્યમાં મંદિરમાં ચણાતી દીવાલમાં એક ઈંટ મૂકવાની સેવા આવે તો તે ઈંટ પણ એવી રીતે મૂકે કે જાણે ભગવાનના મસ્તકે મુગટ પહેરાવતા ન હોય !’
સ્વામીશ્રીને સત્સંગની નાનામાં નાની સેવાની પણ અસ્મિતા છે. તેથી તેઓ નાનામાં નાની સેવાને પણ ચીવટપૂર્વક કરી જાણે છે, અસ્મિતાથી.
આમ, જ્યારે વ્યક્તિના અંતરમાં અસ્મિતા જાગે છે ત્યારે તેની બધી ક્રિયાઓ વ્યવસ્થિત બની જાય છે.
મોડાસામાં યોજાયેલા ગુજરાતના 500 શ્રેષ્ઠ સર્જ્યન-તબીબોના સેમિનારમાં ભારતના સર્વશ્રેષ્ઠ ન્યૂરોસર્જન ડૉ. આર. રામમૂર્તિએ કહ્યું હતું કે ‘હાથમાં સ્કાલપેલ પકડવા માટે પ્રાથમિક લાયકાત છે MBBS. પછી તમે સર્જન બની શકો. તમને તમારા ડૉક્ટરપણાનું ગૌરવ છે, તેમ તમારા અધ્યાત્મ-વારસાનું ગૌરવ છે ? ગુજરાતમાં અક્ષરધામ છે અને પ્રમુખસ્વામી મહારાજ જેવા તેજસ્વી આધ્યાત્મિક સત્પુરુષ છે, જેઓના મુખમાંથી દિવ્યતાનાં કિરણો છૂટે છે. જો તમને અક્ષરધામ કે પ્રમુખસ્વામી જેવા સાધુનું કે તમારા ભારતીયપણાનું ગૌરવ ન હોય તો તમે શ્રેષ્ઠ સર્જ્યન ક્યારેય નહીં બની શકો.’
આમ, અંતરમાં પ્રગટેલી અસ્મિતા કોઈ પણ કાર્યને સુવ્યવસ્થિત બનાવી મૂકે છે.
અસ્મિતા હોય તો સુહૃદભાવ રહે
યોગીજી મહારાજ કહેતા કે ‘સંપ-સુહૃદભાવ-એકતા રાખ્યા વિના છૂટકો જ નથી.’
યોગીજી મહારાજનો આ જીવનમંત્ર દરેક ક્ષેત્રે, દરેક વ્યક્તિને, દરેક કુટુંબને, દરેક સંસ્થા કે સમાજને, દરેક રાષ્ટ્રને અને સમગ્ર વિશ્વને માટે છે.
સમૂહમાં રહેવું એ માનવનો સ્વભાવ છે, છતાં સંપ-સુહૃદભાવ અને એકતાના આ મંત્રના અભાવે ઝઘડા થાય છે.
આ સુહૃદભાવ આવે છે અસ્મિતાથી.
શાસ્ત્રીજી મહારાજે વરતાલથી પ્રસ્થાન કર્યું તે અરસામાં માધવતીર્થ નામના દ્વારકાના શંકરાચાર્યજીએ તેઓને કહેણ મોકલાવ્યું કે, ‘આપણે બંને ભેગા મળી વરતાલ સંસ્થાને શાસ્ત્રાર્થમાં હરાવીએ.’
ત્યારે શાસ્ત્રીજી મહારાજે તેઓને પરખાવ્યું કે, ‘એ કદાપિ બનશે નહિ. અમે અને વરતાલ જુદા નથી.’
શાસ્ત્રીજી મહારાજે વરતાલ સંસ્થાનો આવો પક્ષ રાખ્યો તેમાં તેઓની સંપ્રદાય પ્રત્યેની અસ્મિતા જ ઝળકે છે.
આમ, રાષ્ટ્ર, સમાજ, ધર્મ, સંસ્થા કે પરિવાર - દરેક ક્ષેત્રે અસ્મિતા હોય તો કાવાદાવા ન રચાય; પરસ્પર ટાંટિયાખેંચની કુપ્રવૃત્તિ ન થાય; અભાવ-અવગુણની વાત જ ન નીકળે; સૌથી નાના રહી લક્ષ્ય માટે ધૂળમાં આળોટાઈ જવાની ભાવના જ બળવત્તર રહે; ‘હું જ ગાઉં’ કે ‘હું જ પ્રવચન કરું’; ‘કે મારા દ્વારા જ બધાં કાર્યો થાય’ તેવું ન રહે; ‘ગમે તે દ્વારા સમાસ થાય પણ મહિમા તો સંપ્રદાયનો જ વધે છે ને !’ તેનો આનંદ તેને રહે.
ક્રિકેટમાં ભારત જીતે તો બધા ફટાકડા ફોડે, ભલે પોતે રમવા ન ગયો હોય ! તેમ સંપ્રદાયની અસ્મિતા હોય તો કોઈ પણ સારું કાર્ય કરે તેનો તેને આનંદ રહે.
આજે અનેક લોકોના મનમાં હોય છે કે, ‘બી.એ.પી.એસ. સંસ્થાના આટલા વિકાસનું રહસ્ય શું ?’ તો એ રહસ્ય છે : ગુરુ અને સંસ્થાની અસ્મિતા તથા તે અસ્મિતામાંથી પ્રગટતો પરસ્પર સુહૃદભાવ.
એક વ્યક્તિએ એક શહેરમાં બ્રહ્મભોજનનું આયોજન વિચાર્યું કે ‘આ બી.એ.પી.એસ.ના સંતો-ભક્તો જો દ્વિશતાબ્દી જેવા મહોત્સવોમાં લાખો ભક્તોને જમાડી શકતા હોય, તો આપણે ફક્ત બ્રાહ્મણોનો સમૂહ જમણવાર કેમ ન રાખી શકીએ ?’ જુદી જુદી શાખાના અમુક હજાર બ્રાહ્મણોની વ્યવસ્થા કરવાની હતી. એટલે નક્કી થયા મુજબ બે-ત્રણ મહિના મીટિંગો ચાલી. અંતે એ શહેરના આયોજકે સ્વામીશ્રીને વાત કરી કે, ‘અમે મીટિંગો કરીને થાક્યા ને આખરે એટલો નિર્ણય લીધો છે કે બધા બ્રાહ્મણો પોતપોતાની શાખાની વાડીઓમાં સીધું-સામાન લઈ જાય ને ત્યાં રસોઈ બનાવીને જમી લે !’ અસ્મિતા વિના સુહ્ય્દભાવ સધાઇ શકતો જ નથી.
શ્રીજીમહારાજના પાંચસો પરમહંસો, એક એક પ્રભુ થઈને પૂજાય તેવા સમર્થ હતા છતાં તેમણે શ્રીહરિને જ એક ઇષ્ટ-ઉપાસ્ય માન્યા. સંપ્રદાય કેમ આગળ આવે એ જ સિદ્ધાંત રાખ્યો.
મોટી આદરજમાં શ્રીહરિને તેમણે કહ્યું : ‘મહારાજ ! આપ ગમે તેવા નાના સંતને પણ સદ્દગુરુપદે નીમશો તો પણ અમે તેની આજ્ઞામાં રહીશું.’
બી.એ.પી.એસ. સંસ્થામાં બધા એક જ ગુરુના શિષ્યો છે, કોઈ જુદું મંડળ (ગ્રૂપ) નથી, તેથી વિશ્વમાં આ સંસ્થા શોભે છે.
આવો સંગઠનભાવ અસ્મિતામાંથી આવે છે.
એટલે જ સંસ્થાનું એક સૂત્ર બન્યું છે : ‘બી.એ.પી.એસ. એક પરિવાર.’ આ સૂત્ર પાછળ સંસ્થાની અને ગુરુની અસ્મિતા કારણરૂપે રહેલી છે.