પદ્મપુરાણમાં શિવ-પાર્વતી સંવાદમાં ભક્તિનાં 16 અંગો કહ્યાં છે તે પૈકી પૂજા, જપ, ધ્યાન, નામસ્મરણ, કીર્તન, કથાશ્રવણ, વંદન, પાદસેવનં વગેરેમાં ‘‘तन्निवेदितभोजनम्’’ અને ‘‘तदीयानाम् च संसेवा’’ આ બે ભક્તિ-અંગો સ્વામીશ્રીમાં અધિક દૃષ્ટિગોચર થતાં, સ્વામીશ્રીને પૂછવામાં આવ્યું કે “તમને શું ભાવે?” સ્વામીશ્રીએ નમ્રભાવે કહ્યું: “ઠાકોરજીના થાળમાં જે આવે તે.”
ઠાકોરજીને થાળમાં ધરાવેલું અન્ન ક્યારેક નમકના ઓછા-વત્તા પ્રમાણથી કુસ્વાદુ બન્યું હોય તોપણ સ્વામીશ્રી પ્રસાદરૂપે તેને પ્રેમથી આરોગતા જોયા છે.
વળી, ‘‘तदीयानाम् च संसेवा’’ અર્થાત્ ભગવાનના ભક્તોની સેવા-પરિચર્યા પણ પરાભક્તિનું જ એક અંગ છે. આ અંગ સ્વામીશ્રીના જીવનમાં પળે પળે અનુભવાતું. મુલાકાતો રૂપે, પત્રરૂપે, પધરામણીરૂપે, અસંખ્ય ભક્તો અને તેમના પરિવારોની યત્કિંચિત સેવા કરવા સ્વામીશ્રીએ ક્યારેય દેહની, સમયની, પોતાના સ્વાસ્થ્યની પણ દરકાર કરી નથી.
ઠાકોરજીની ભક્તિ કરવામાં સ્વામીશ્રી શાસ્ત્રોમાં કહેલાં વિધિ-વિધાનોને સંપૂર્ણપણે અનુસરે. કોઈ ઉતાવળે, અણસમજણે પૂજાવિધિમાં ગડબડગોટા કરે તો તે સાંખી ન લે. મહાપૂજા કે ચોપડાપૂજન વેળાએ નાની સરખી પણ પૂજા-પદ્ધતિમાં ચૂક ન પડવા દે. મંદિરોના પ્રતિષ્ઠા વિધિઓ કે ખાતવિધિ આદિ ક્રિયા-કલાપોમાં તેમની પરમ આસ્તિકતાનું દર્શન થાય. યજ્ઞનારાયણને આહુતિ આપતી વખતે ભગવાન પ્રત્યક્ષ આવીને ગ્રહણ કરે છે તેવો ભાવ દાખવે. દેવમંદિરોની પ્રતિષ્ઠા કરે ત્યારે સાક્ષાત્ મહારાજ બિરાજી ગયા છે તેવી પરમ આસ્તિકતા સાથે પ્રાણ-આવાહન પછી દંડવત્-પ્રદક્ષિણા અવશ્ય કરે.
તેઓ ઠાકોરજીની સેવા-ભક્તિ કે કથામાં તન્મય બની જાય. ઠાકોરજીના જન્મોત્સવે આનંદવિભોર બને. ક્યારેક સંતો-યુવકો ઠાકોરજી સમક્ષ કીર્તનભક્તિમાં ભક્તિનૃત્ય કરવા લાગે ત્યારે તેઓ તાનમાં આવી જાય અને પોતે પણ ભક્તિભાવથી તેમાં જોડાઈ જાય. કરતાલ લઈ સંકોચરહિત થઈને હરિને દાસભાવે રીઝવે. કરતાલ કે મંજિરાંના તાલ સાથે પોતે કીર્તન-ભક્તિમાં મશગૂલ બને. અને ક્યારેક ભક્તિમય બનીને તેઓ કીર્તન ગાય ત્યારે તો અનેકનાં હૃદયને ભક્તિના તાંતણે ભીડી દે. આંખો મટકવું બંધ કરી એ માધુરી મૂર્તિમાં સ્થિર થઈ જાય!
પ્રહ્લાદ આવા ભક્તોની પ્રેમલક્ષણા ભક્તિ કેવી હોય તે વિષે કહે છેઃ “અતિ હર્ષને લીધે રોમાંચિત અને ગદ્ગદ થઈ ઊંચે કંઠે ગાન કરે, નાચવા લાગે, ભગવાન સાથે આત્મૈકરૂપ બની નિર્લજ્જપણે સર્વ લૌકિક બંધનો તોડીને ભક્તિમગ્ન બની રહે.”
ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી સન 1981માં ઊજવાયો હતો. ચૈત્ર સુદ-9નો નિર્જળ ઉપવાસ હતો. તોપણ શ્રીહરિપ્રાગટ્યની આરતી પછી ભક્તિમય બનીને કરતાલ લઈને સ્વામીશ્રીએ ભક્તિમુજરા કર્યા હતા. શરીર પરથી ઉપવસ્ત્ર સરી જાય તેનું પણ અનુસંધાન નહોતું રહ્યું. આવું જ 1985માં અક્ષરબ્રહ્મ દ્વિશતાબ્દી મહોત્સવ વખતે અક્ષરબ્રહ્મ જન્મોત્સવે બનેલું. સંગીતજ્ઞ સંતોની કીર્તનઆરાધનાઓ વચ્ચે ક્યારેક સૌની વિનંતી થાય તો સ્વામીશ્રી જાહેર સમારંભોમાં મંજિરા કે કરતાલ લઈને સંકોચરહિત ભજન ગાવા લાગે. સ્વયં શ્રીહરિ કહે છેઃ
“ભગવાનનાં કથા-કીર્તનાદિક કરતા હોઈએ ત્યારે તો એવી મસ્તાઈ આવે છે જે. જાણીએ દીવાના થઈ જવાશે...” (વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણ 13) સ્વામીશ્રીમાં એવી ભક્તિનું દર્શન લાખો લોકોએ કર્યું છે.
સ્વામીશ્રી આરતી-સ્તુતિ-દર્શનમાં આજુબાજુનો માહોલ વીસરી જતા. એકાગ્રતાપૂર્વક સૂક્ષ્મ નિરીક્ષણ કરે. દેહભાન ભૂલીને મૂર્તિમાં એકાકાર બને. ધૂન કરાવતી વેળાએ બંને આંખો બંધ કરી દે. લયબદ્ધ તાળી પાડે, પ્રાર્થના સાથે મૂર્તિમાં સંલગ્ન થઈ જાય. પ્રાતઃપૂજામાં જપમાળા કરતાં નિમગ્ન બને.
પ્રસાદીભૂત સ્થાનો કે તીર્થસ્થાનોમાં દર્શન કરે ત્યારે તે સ્થાનનો મહિમા, પ્રસંગ કહેતાં તત્કાલીન માહોલમાં આપણને મૂકી દે.
તીર્થસ્થળે - મંદિરે દર્શને પધારે ત્યારે ધૂન અવશ્ય કરાવે, પ્રાર્થના કરે. અમુક ચોક્કસ કાર્ય નિમિત્તે પ્રાર્થના કરી હોય, તો તે કાર્ય પૂરું થયે ફરી ઠાકોરજીનો આભાર માનવાનું ચૂકે નહીં. તે તે મંદિરોમાં ખાસ દર્શને પધારે. ઠાકોરજીનાં ચરણોમાં દંડવત્ કરી પ્રાર્થના કરે. સાથેના સંત તેમની આ અવસ્થાને લક્ષ્યમાં લઈ પરિશ્રમ ન લેવા વિનવે, તો કહે : ‘આપણું કામ નિર્વિઘ્ને પૂરું થયું. ‘થેંક યુ’ કહેવું પડે ને !’
એમની ઉપસ્થિતિમાત્રે જાણે કે ભક્તિ સોળે કળાએ ખીલી ઊઠતી. આબાલવૃદ્ધનાં હૈયાં હિલોળે ચઢતાં.
આમ, સ્વામીશ્રીની પરાભક્તિમાં પોતાના ઇષ્ટદેવ પ્રત્યે દાસત્વભાવ, પ્રેમલક્ષણા, આત્મનિવેદન, કથાશ્રવણ, કીર્તન, સ્મરણ, પૂજા-અનુરાગ, સખાભાવ, અનન્ય શરણાગતિ, ઉત્સવો, પ્રાર્થના, પ્રત્યક્ષભાવ, કર્તૃત્વભાવ... વગેરે ભક્તિનાં અનેક સોપાનો સમાવિષ્ટ થઈ જતાં. આ બધાં જ સોપાનો તેઓમાં પળે પળે જોવા મળતાં.
સ્વામીશ્રીનો પ્રાણ એટલે જ ઠાકોરજી. ચકોર પક્ષી જેમ ચંદ્ર સામે જોયા જ કરે તેવો ભાવ સ્વામીશ્રીને ઠાકોરજી પ્રત્યે પરખાતો.
ભગવાન સ્વામિનારાયણના વચન મુજબ આવો સાચો ભક્ત તો એક ભગવાનના સ્વરૂપમાં લોભાઈ રહે. બીજા વિષયમાં ન લોભાય... એક ભગવાનનું જ ચિંતવન રહે. ભગવાનની મૂર્તિ વિના પિંડ-બ્રહ્માંડ કાંઈ ભાસે નહીં... એવી રીતે કેવળ ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ હોય એ પતિવ્રતાની ભક્તિ છે. (વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણ 26)