100 વર્ષ પહેલાંની વાત છે.
20મી સદીની હજુ શરૂઆત થઈ હતી. સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં, ભગવાન સ્વામિનારાયણના સ્વધામગમન બાદ 75 વર્ષે પુનઃ સ્વામિનારાયણીય ચેતનાનો એક નવો જુવાળ 42 વર્ષીય યજ્ઞપુરુષદાસજીએ જગાવ્યો હતો. સમગ્ર સંપ્રદાય તેનાથી સ્તબ્ધ હતો. ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંત અને સંકલ્પ અનુસાર કાર્ય કરનાર યજ્ઞપુરુષદાસજી એટલે બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના કાર્યને બરાબર સમજ્યા સિવાય પૂર્વગ્રહથી ‘બોચાસણના બંડ’ તરીકે સૌ ચારેબાજુથી ટીકા અને તિરસ્કારની ઝડી વરસાવી રહ્યા હતા. આજની જગવિખ્યાત બી.એ.પી.એસ. સંસ્થા એટલે કે બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના હજુ પાયા નંખાયા હતા. અને ચારેબાજુથી ઉપાધિઓના એ વંટોળ વચ્ચે શાસ્ત્રીજી મહારાજે ભગવાન સ્વામિનારાયણના સંકલ્પ અનુસાર સારંગપુરમાં પણ મહામંદિરના પાયા નાંખી દીધા હતા.
એ અરસામાં સન 1914માં મહેળાવના લાલદાસ પટેલ તમાકુના કામકાજ અંગે ભાવનગર આવ્યા હતા. અહીં સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરવા જતાં લાલદાસે એક હરિભક્તને ઉત્સાહથી કથાવાર્તામાં રસ લેતા જોયા. આથી, સભા બાદ ખાનગીમાં તેમને મળીને કહ્યું : ‘તમને કથાવાર્તાનો આટલો ઇશક છે. તેથી મને થયું કે કદાચ કોઈ સારા સાધુના જોગમાં આવી જાઓ, તો બહુ આગળ વધી જશો. અહીં બોટાદ પાસે સારંગપુરમાં નવું મંદિર બંધાય છે, તે બાંધનાર શાસ્ત્રી મહારાજ પૂર્વાશ્રમના મારા નાના ભાઈ થાય. તેમની ભેળા કેટલાક જૂનાગઢી સંતો પણ આવ્યા છે, એટલે સારંગપુરમાં અત્યારે જ્ઞાનવાતોની રમઝટ ચાલે છે.’
લાલદાસના હૈયામાંથી નીકળતી અસ્મિતાસભર વાત એ ભક્તરાજને સ્પર્શી ગઈ. મનમાં એક કારણથી ક્ષોભ તો હતો, છતાં તેમણે નક્કી કર્યું કે સારંગપુર જઈને એ સાધુઓનો સત્સંગ કરવો છે.
બે-ત્રણ દિવસમાં જ તેઓ સારંગપુર પહોંચી ગયા. પરંતુ શાસ્ત્રીજી મહારાજ તો ચરોતર તરફ વિચરણમાં ગયા છે એ જાણીને તેઓ ઉદાસ થઈ ગયા. આ નવા આગંતુકને જોઈને સ્વામી વિજ્ઞાનદાસજીએ તેમનો પરિચય પૂછ્યો. તેમણે નિખાલસભાવે કહ્યું : ‘મારું નામ કુબેરભાઈ પટેલ છે. ભાવનગરના અમે વતની છીએ. વળી, અમે પેઢીગત સ્વામિનારાયણના સત્સંગી પણ છીએ. પણ તમે આ બોચાસણનું જુદું મંદિર કર્યું છે તેથી અમારું મન જરા નોખું રહે છે.’
આ પરિચય આપીને કુબેરભાઈએ સવાલ કર્યો : ‘તમે આ અક્ષરપુરુષોત્તમની નવી વાત ક્યાંથી લઈ આવ્યા ?’
વિજ્ઞાનદાસ સ્વામીએ તેમને શાંતિથી સાંભળ્યા ને કહ્યું : ‘અમારી વાત ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંત અને શાસ્ત્રો પ્રમાણે જ છે.’
એમ કહી વચનામૃત મંગાવી તેમને કહ્યું : ‘વાંચો.’
વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણનું 9મું વચનામૃત વંચાવી, ‘ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી, સર્વ અવતારના અવતારી પુરુષોત્તમ છે’ તે સિદ્ધાંત સમજાવ્યો.
‘આ થઈ પુરુષોત્તમની વાત. હવે અક્ષરની વાત.’ એમ કહીને તેમણે વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 71મું વચનામૃત વંચાવ્યું અને કહ્યું : ‘આમાં સ્વામિનારાયણ ભગવાને પોતાનું સ્વરૂપ અક્ષરધામ સહિત પૃથ્વી ઉપર બિરાજમાન છે એમ સમજવું અને બીજા આગળ પણ એમ વાત કરવાની આજ્ઞા કરી છે.’
પછી વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 21મું વચનામૃત વંચાવ્યું. અહીં ભગવાન સ્વામિનારાયણે અક્ષરનાં બે સ્વરૂપની વાત સમજાવી છે : એક સ્વરૂપે મૂર્તિમાન અક્ષર ભગવાનની સેવામાં છે અને બીજા સ્વરૂપે અક્ષર અનંત કોટિ મુક્તો સહિત ભગવાનને ધારણ કરી રહ્યા છે. પછી કહ્યું : ‘મૂર્તિમાન અક્ષર જ્યારે પુરુષોત્તમની સેવામાં હોય ત્યારે એ બે સ્વરૂપને કયા નામે ઓળખવાં ?’
એમ કહીને તેમણે શિક્ષાપત્રીના 109-110 શ્લોક વંચાવ્યા. આ શ્લોકોમાં કહ્યું છે કે જ્યારે રાધાએ યુક્ત કૃષ્ણ હોય ત્યારે રાધાકૃષ્ણ, લક્ષ્મીએ યુક્ત નારાયણ હોય ત્યારે લક્ષ્મી-નારાયણ, અને અર્જુને યુક્ત હોય ત્યારે નરનારાયણ નામે ઓળખવા; તો જ્યારે મૂર્તિમાન અક્ષર એ પુરુષોત્તમની સેવામાં હોય ત્યારે તેણે યુક્ત પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાનનેે અક્ષર-પુરુષોત્તમ ન કહેવાય ?’
એમ કહીને તેમણે એક પછી એક વચનામૃતની હારમાળા રજૂ કરવા માંડી. જેનો સાર એટલો હતો કે બ્રહ્મરૂપ અથવા અક્ષરરૂપ થયા સિવાય પુરુષોત્તમની પ્રાપ્તિ થઈ શકે નહીં અને બ્રહ્મરૂપ કે અક્ષરરૂપ થવા માટે, પ્રત્યક્ષ અક્ષરબ્રહ્મનો પ્રસંગ કરવાની અનિવાર્યતા છે. એ અક્ષરબ્રહ્મ કોણ છે ? તેની પણ પ્રમાણો સહિત ચર્ચા કરી.
વચનામૃતોની સાખે થયેલી આ વાતોથી શુદ્ધ મુમુક્ષુ કુબેરભાઈનાં જ્ઞાનચક્ષુ ખૂલી ગયાં. જૂની માન્યતાનાં ખોટાં જાળાં તૂટી ગયાં અને અક્ષરપુરુષોત્તમનું તત્ત્વે સહિત જ્ઞાન થઈ ગયું. એ અક્ષર અને પુરુષોત્તમના કલ્યાણકારી જ્ઞાનને પ્રવર્તાવવા હાથમાં માથું લઈને ઘૂમતા શાસ્ત્રીજી મહારાજનાં ચરણે મસ્તક ઝુકાવી દેવાની તેમને લગની લાગી ગઈ.
એ જ ક્ષણે ફરીથી વર્તમાન ધરાવી, કંઠમાં અક્ષર અને પુરુષોત્તમની યુગલ ઉપાસનાના પ્રતીકરૂપ બેવડી નવી કંઠી પહેરી લીધી. પરંતુ તેનાથી થોડા જ દિવસોમાં સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને ગઢડામાં સંપ્રદાયની જૂની શાખામાં તો હાહાકાર થઈ ગયો ! ‘કુબેરભાઈ બંડિયા ભેગા ભળી ગયા ? ગજબ થઈ ગયો ! આવા મહારથી શાસ્ત્રીજી મહારાજના શિષ્ય બની ગયા ? ગઢડા પ્રાંતના સ્વામિનારાયણ સંપ્રદાયના આગેવાન, સાધન સંપન્ન, વગદાર આ હરિભક્ત અચાનક જ શાસ્ત્રીમાં ભળે જ કેવી રીતે ?
સ્વામિનારાયણ સંપ્રદાયના તત્કાલીન પ્રખર વિદ્વાન ગણાતા શાસ્ત્રી મુનીશ્વરાનંદે શાસ્ત્રીજી મહારાજની આભામાંથી કુબેરભાઈને પાછા વાળવાનું બીડું ઝડપ્યું. ત્રીસ સંતનું મંડળ લઈને તેમણે ભાવનગરના મંદિરમાં પડાવ નાખ્યો. બીજે દિવસે કુબેરભાઈ મંદિરે ગયા ત્યારે મુનીશ્વરાનંદે તેમને શાસ્ત્રીજી મહારાજ વિરુદ્ધ ગપસપ વાતો કરવા માંડી. તેમની વાતોમાં શાસ્ત્રોનો કોઈ નક્કર આધાર નહોતો કે સત્યતાનો કોઈ અંશ નહોતો. કુબેરભાઈ ક્ષણમાં જ તે પામી ગયા. આથી અધવચ્ચે જ તેમને બોલતાં અટકાવીને કુબેરભાઈએ કહ્યું : ‘જુઓ, બ્રહ્મચારી મહારાજ ! અત્યાર સુધી તો મને શાસ્ત્રીજી મહારાજનો આઠ આની ગુણ હતો, પણ તમારી વાતોથી મને હવે તેમનો સત્તર આની ગુણ આવ્યો છે. તેમની પાસે હું જેટલો વખત રહ્યો, તેમાં વરતાલ કે ગઢડા સંબંધી એકપણ ઊતરતો શબ્દ તેમણે મને કહ્યો નથી. વળી, વચનામૃત વંચાવીને જ મને તેમની વાત સાચી મનાવી દીધી છે. હવે જો તેમની વાત ખોટી હોય તો તે ભાવનાં વચનામૃત કઢાવીને મને સમજાવો.’
મુનીશ્વરાનંદજીને આવી કલ્પના નહોતી. તે ચકિત થઈ ગયા. વચનામૃતમાં તો અક્ષર અને પુરુષોત્તમના અપાર મહિમાની વાત ભગવાન સ્વામિનારાયણે કહી છે. આથી તેમને કંઈ કહેવાપણું રહ્યું નહોતું, છતાં તેમણે ખંડન ચાલુ રાખ્યું ત્યારે વિવેકથી કુબેરભાઈએ એટલું જ કહ્યું : ‘બ્રહ્મચારીજી! હવે કાંઈક જ્ઞાનની વાતો કરો તો અહીં આવ્યું સાર્થક થાય.’ બ્રહ્મચારીજી સ્તબ્ધ બનીને બીજા દિવસે ગઢડા તરફ પ્રયાણ કરી ગયા.
ક્યાં શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને તેમના સંતોની સાધુતા અને ક્યાં પાયા વિનાનો નિરર્થક દ્વેષભાવ !
કુબેરભાઈને યાદ આવ્યો - યોગીજી મહારાજનો એક પ્રસંગ. થોડાં જ વર્ષો પહેલાં ભાવનગર રાજકુટુંબમાં લગ્નનો પ્રસંગ હતો. રાજમાર્ગેથી ફુલેકું પસાર થતું હતું. સૌ આ નિહાળવા જતા હતા. યોગી મહારાજ મંદિરમાં બેસીને ‘સ્વામીની વાતો’ વાંચતા હતા. એકાએક એક હરિભક્ત અંદર આવ્યા અને બોલ્યા : ‘ચાલો, અહીં કેમ બેઠા છો ? રાજકુટુંબમાંથી ફુલેકું નીકળ્યું છે. તે જોવા નથી આવવું ?’
ત્યારે યોગી મહારાજે કહ્યું : ‘અમારે સાધુને શું ? જેને એક વાર ત્યાગ્યું તેને ફરી હૈયામાં શા માટે પેસવા દેવું !’
કુબેરભાઈએ આ વાર્તાલાપ નજરોનજર દીઠો હતો. તેમની વિચક્ષણ બુદ્ધિએ આ સાધુમાં હિલોળા લેતું બ્રહ્મતત્ત્વ નીરખી લીધું હતું. એ યોગીજી મહારાજ જેમનાં ચરણોમાં શીશ સમર્પીને બેઠા છે એ શાસ્ત્રીજી મહારાજ કેવા વિરલ પુરુષ હશે ! કુબેરભાઈની વિચક્ષણ બુદ્ધિએ તેનો તાગ બરાબર કાઢી લીધો હતો. એટલે જ, તે જ ક્ષણથી કુબેરભાઈ જીવનભર બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના શુદ્ધ ઉપાસના-પ્રવર્તનના કાર્યમાં એક શૂરા સરદાર બની સમર્પિત થઈ રહ્યા.
કથાવાર્તાના ઇશ્કી અને વચનામૃતના જ્ઞાની હોવાથી કુબેરભાઈને શાસ્ત્રીજી મહારાજના મહિમાનું આકંઠ પાન કરવાની લગની લાગી હતી. ક્યારેક શાસ્ત્રીજી મહારાજ તો ક્યારેક તેઓની આજ્ઞા અનુસાર વિચરતાં વિચરતાં યોગીજી મહારાજનું મંડળ ભાવનગર પધારે ત્યારે કુબેરભાઈ બ્રહ્મજ્ઞાનના અખાડામાં મોખરે હોય. તેમની બુદ્ધિમત્તાનો પરિચય તેમની પ્રશ્નપરંપરાથી સૌને થતો. તેમની તર્કશક્તિ-યુક્ત એમના પ્રશ્નોથી ભલભલા વિદ્વાનો પણ ગૂંચવાઈ જાય. પરંતુ એવા કુબેરભાઈને શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજની વાતો અને સાધુતાએ વશ કરી લીધા હતા. વળી યોગીજી મહારાજનું હેત પણ અસાધારણ. યોગીજી મહારાજ તેમને પ્રેમથી ઊની ઊની રોટલી જમાડતા. તો યોગીજી મહારાજને દાળિયા તથા મૂળા ઉપર રુચિ. તેથી કુબેરભાઈ શાકભાજી સાથે મૂળા તથા દાળિયા મંગાવતા અને આગ્રહથી એમને જમાડતા.
વળી કુબેરભાઈની જ્ઞાનની તરસને બરાબર ઓળખીને નિર્ગુણદાસ સ્વામીએ પણ રૂબરૂ વાતો કરવા ઉપરાંત, તેઓની એ તરસને છિપાવવા પત્રોની હારમાળા શરૂ કરી હતી. પુસ્તક કદના પત્રો લખીને નિર્ગુણદાસ સ્વામીએ કુબેરભાઈને અનેક ઐતિહાસિક પ્રસંગો અને વિગતો લખી, જેમાં શાસ્ત્રીજી મહારાજની દિવ્યતાના રૂબરૂ નીરખેલાં પ્રમાણો હતાં. નિર્ગુણદાસ સ્વામીએે જતન કરીને કુબેરભાઈને લખેલી એ ઐતિહાસિક ઘટનાઓ સત્સંગના ઇતિહાસના અણમોલ દસ્તાવેજો બની રહ્યા છે.
વચનામૃત કે સ્વામીની વાતોનું જ્ઞાન પામીને જે સમજવાનું હતું, તે તેમણે સમજી લીધું હતું. અટપટા પ્રશ્નોથી અનેકને મૂંઝવતા આ ભક્તરાજે વચનામૃત અને સ્વામીની વાતોની સાક્ષીએ શાસ્ત્રીજી મહારાજમાં સાક્ષાત્ શ્રીજી નિહાળી લીધા હતા. આથી, શાસ્ત્રીજી મહારાજનો સૌને વધુ પ્રસંગ થાય એ માટે કુબેરભાઈ અવારનવાર ખાસ કરીને ‘સ્વામીની વાતું’ અને ‘વચનામૃત’ની પારાયણો યોજતા.
પારાયણ થાય ત્યારે કુબેરભાઈ સૌના જ્ઞાનની વૃદ્ધિ થાય તે માટે કુબેરભાઈ પ્રશ્નોની ઝડી વરસાવે. શાસ્ત્રીજી મહારાજ તેના સચોટ ઉત્તરો આપે. યોગીજી મહારાજના શ્રીમુખમાંથી વહેતી સ્વામીની વાતો, એક એક શબ્દનું અન્વેષણ કરી સમજાવતા શાસ્ત્રીજી મહારાજની સચોટતા અને કુબેરભાઈની મુમુક્ષુતા - આ ત્રિવેણી સંગમના સુમેળથી, તેમાં ભાગ લેનારા સર્વ કોઈને અપૂર્વ આનંદ આવતો.