Essays Archives

'બી.એ.પી.એસ. સ્વામિ-નારાયણ સંસ્થા મારી છે અને હું આ સંસ્થાનો છું. સંસ્થાનું હિત જળવાય તે મારું કર્તવ્ય છે. અને તેમ કરવામાં મારે મારું બલિદાન આપવું પડે તો તે મારું સદ્‌ભાગ્ય છે...' એક લોકકલ્યાણને વરેલી સંસ્થાનો પ્રત્યેક સભ્ય આવી ઉચ્ચ ભાવનાથી રસાયેલો હોય તે મહાન ઉપલબ્ધિ નથી?
શાસ્ત્રીજી મહારાજે સંસ્થાના પાયા નાંખ્યા ત્યારે મુઠ્ઠીભર હરિભક્તોનાં હૈયે આ ભાવના સીંચી હતી, સાથે સાથે આવનારાં અનેક વર્ષોમાં પણ આ ભાવના જળવાય તેવી ઉચ્ચ સિદ્ધિ હાંસલ કરી હતી.
દેશ-પરદેશ વસતા કેટલાય ભક્તોનાં હૈયાં આવી મમત્વ-ભાવનાથી તરબતર થઈ ચૂક્યાં હતાં, અને આજેય છે, પછી ભલે ને તે ગરીબ હોય કે તવંગર, સામાન્ય હોય કે અસામાન્ય!!
ચાર-ચાર ગગનચુંબી મંદિરોની રચના કર્યા બાદ શાસ્ત્રીજી મહારાજે વણથંભી ભીંસ વચ્ચે પણ શ્રીજી સંકલ્પિત ગઢડા મંદિરનું કામ ઉપાડ્યું હતું. અટલાદરામાં માંદગી વચ્ચે શાસ્ત્રીજી મહારાજ ગઢડા મંદિરની ચિંતા કરી રહ્યા હતા. એવામાં ત્યાં ચંપકલાલ શેઠ અને ભારત સરકારના આયોજન પંચના સભ્ય તથા ભક્તહૃદયી ગુલઝારીલાલ નંદાજી આવ્યા. શાસ્ત્રીજી મહારાજે ગઢડા માટે આર્થિક સંકડામણની વાત કરી અને નંદાજીએ દિલ્હી જઈને પોતાની કાર વેચી, રૂા.૨,૦૦૦ શાસ્ત્રીજી મહારાજને ગઢડાના કાર્ય માટે ભેટ ધરી દીધા !
બીજા એક પ્રસંગે શાસ્ત્રીજી મહારાજ અટલાદરામાં હતા અને સંસ્થાને આર્થિક મુશ્કેલી છે તેવી ખબર આફ્રિકાવાળા રણછોડભાઈ ઉમેદભાઈ પટેલને પડી. બીજે દિવસે આફ્રિકાથી પોતાના ઘરના સમારકામ માટે લાવેલા રૂા.૧૦,૦૦૦ શાસ્ત્રીજી મહારાજને ચરણે ધરી દીધા !
આવાં તો કેટકેટલાં ઉદાહરણો !

સંસ્થાની સેવા માટે ડુંગરી ટીંબાના ગોવિંદભાઈએ ઘોડી વેચી, તો નારાયણભાઈએ જમીન વેચી, તો ભૂધરભાઈ જેવા ભક્તોએ પત્નીને બાંધીને સંસ્થાની સેવા કરી. આશાભાઈ પોતાનાં ઘરબાર બળી ગયાં તો પણ વ્યાજે લાવીને ૫,૦૦૦ રૂપિયા સંસ્થા માટે આપ્યા. તેમણે તો મોટી ઉંમરે ગૃહત્યાગ કરીને સંસ્થાની સેવા માટે જીવનભર ભેખ લઈ લીધો. તો હર્ષદભાઈ દવે જેવા ભક્તોએ પોતાના સમસ્ત જીવનને સંસ્થાના ઉત્કર્ષ માટે સમર્પિત કરી દીધું. શાસ્ત્રીજી મહારાજના પ્રત્યેક ભક્તનો એક જ સૂર હતો : 'સંસ્થા મારી છે, હું સંસ્થાનો છું, અને સંસ્થાનું હિત એ જ છે મારું જીવનલક્ષ્ય..'  


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS