Essays Archives

અહીં ‘स्वेन रूपेण’ શબ્દ વિચારવા જેવો છે. પૂર્વે દહરવિદ્યામાં ‘य आत्माऽपहतपाप्मा विजरो विमृत्युíवशोको-विजिघत्सोऽपिपासः सत्यकामः सत्यसङ्कल्पः’ (છા.ઉ. ૮/૭/૧) એમ કહીને જે અક્ષરબ્રહ્મના ગુણો દર્શાવ્યા હતા તેને જ અહીં ફરીથી પ્રજાપતિએ આત્માના ગુણો તરીકે સંભળાવ્યા. આનો ફલિતાર્થ એવો થયો કે પ્રથમ તો અક્ષરબ્રહ્મને અપહતપાપ્મા વગેરે ગુણોથી યુક્ત સમજવા જોઈએ. અને એવા ગુણયુક્ત અક્ષરબ્રહ્મ સાથે પોતાના આત્માની એકતાનું અનુસંધાન કરવું જોઈએ કે જેથી અક્ષરબ્રહ્મના એ ગુણો તે બ્રહ્મનું અનુસંધાન કરનાર આત્મામાં પણ આવે, કહેતાં એ બ્રહ્મરૂપ થઈ જાય. અને દેહ પડતાં અક્ષરધામમાં જઈ ત્યાં રહેલ મૂર્તિમાન અક્ષરબ્રહ્મ જેવું જ રૂપ, કહેતાં દિવ્યવિગ્રહ પામે. આ બ્રહ્મતુલ્ય સ્વરૂપ જ અહીં ‘स्वेन रूपेण’ શબ્દથી કહેવામાં આવ્યું છે.
ઇંદ્રદેવ પ્રજાપતિનો આ ઉપદેશ પ્રાપ્ત કરી સંતુષ્ટ થયા.
આ રીતે પ્રજાપતિ અને ઇંદ્ર-વિરોચનનું આખ્યાન આપણને આત્માની સાચી વિભાવનાનું માર્ગદર્શન આપે છે.
આમ, વિવિધ આખ્યાનો દ્વારા અધ્યાત્મજ્ઞાનનાં વિવિધ પાસાં અહીં સમજાવવામાં આવ્યાં છે. હવે આ અધ્યાત્મ જ્ઞાનને પ્રાપ્ત કરવામાં જટિલ લાગતી અધ્યાત્મ સાધનાને સાવ સરળ અને સુખદ બનાવી દે તેવો અગત્યનો ઉપદેશ એક આખ્યાન દ્વારા અહીં આપ્યો છે તે આખ્યાનને જાણીએ.


સત્યકામ જાબાલ - ગુરુ આજ્ઞામાં સમાયું બ્રહ્મવિદ્યાનું સર્વસ્વ

જબાલા નામે એક સ્ત્રી હતી. ઝ ñ_પડામાં રહે. મજૂરી કરી ગુજરાન ચલાવે. તેને એક દીકરો હતો. સત્યકામ તેનું નામ. સત્યકામ ધીમે ધીમે મોટો થયો. એક દિવસ તેણે પોતાની માતા જબાલાને કહ્યું, ‘ब्रह्मचर्यं भवति वित्स्यामि किंगोत्रो न्वहमस्मीति।’ (છા.ઉ. - ૪/૪/૧) 'મા! મારો વિચાર વેદાભ્યાસ કરવાનો છે. ને તે માટે બ્રહ્મચર્યનું પાલન કરી કોઈ ગુરુનું સાંનિધ્ય સ્વીકારી ગુરુકુળવાસી થવા ઇચ્છુ _ છુ _. માટે મારું ગોત્ર કયું તે મને જણાવ.' આ સાંભળી જબાલા ઊંડી ઊતરી ગઈ. તેની પાસે આ પ્રશ્નનો જવાબ ન હતો. જબાલાએ કહ્યું, ‘नाहमेतद् वेद तात यद्गोत्रस्त्व-मसि’ (છા.ઉ. - ૪/૪/૨) 'બેટા! તું કયા ગોત્રનો છે તે હું જાણતી નથી.' કારણ મારી યુવાવસ્થામાં તારો જન્મ થયો તે વખતે મારો બધો જ સમય અતિથિની સેવા-શુશ્રૂષામાં જ પસાર થઈ જતો. તેથી તારા પિતાને પણ ગોત્ર વિષે કાંઈ પૂછી શકી નથી. વળી, તારા જન્મ પછી થોડા જ સમયમાં તારા પિતા ગુજરી ગયા. તેથી તારા ગોત્ર વિષે હું કાંઈ જાણતી નથી. પણ બેટા! એટલું જાણું છુ _ કે - ‘जबाला तु नामाहमस्मि सत्यकामो नाम त्वमसि स सत्यकाम एव जाबालो ब्रुवीथा इति’ (છા.ઉ. - ૪/૪/૨) 'મારું નામ જબાલા છે અને તારું નામ સત્યકામ છે. એ વાત સાવ સાચી છે. માટે ગુરુ તને આ વાત અંગે કાંઈ પૂછે તો વિના સંકોચે કહેજે કે જબાલાનો પુત્ર હું સત્યકામ છુ _.' જબાલાના શબ્દોમાં સત્ય, સરળતા, નિખાલસતા અને સહજતા બધું જ હતું. સત્યકામ માટે તો આ જીવનના શિક્ષણનો ઉત્તમ પાઠ હતો. માતાના વર્તને પુત્રના જીવનને કંડાર્યું. ઉત્તરથી સંતુષ્ટ સત્યકામ હરિદ્રુમતના પુત્ર ગૌતમ ૠષિ પાસે ગયો અને તેમને પ્રાર્થના કરી કે - ‘ब्रह्मचर्यं भगवति वत्स्याम्युपेयां भगवन्तमिति’ (છા.ઉ. - ૪/૪/૩) 'હે ભગવન્! ભણવા આવ્યો છુ _. બ્રહ્મચર્યનું પાલન કરીશ. આપનો શિષ્ય થવા ઇચ્છુ _ છુ _. આપ મને સ્વીકારો.' ત્યારે ગૌતમે પૂછ્યું, ‘किंगोत्रो नु सोम्यासीति’ (છા.ઉ. - ૪/૪/૪) 'વત્સ! તું કયા ગોત્રનો છે.' સત્યકામે કહ્યું, ‘नाहमेतद् वेद भो यद्गोत्रोहमस्मि...’ (છા.ઉ. - ૪/૪/૪) 'આચાર્ય! મારા ગોત્ર વિષે હું કાંઈ જાણતો નથી. મારી માતાને આ વિષે મેં પૂછ્યું ત્યારે તેને પણ આ વાતની ખબર ન હતી. પણ મારી માતાનું નામ જબાલા છે અને મારું નામ સત્યકામ છે. એટલે મારા વિષે એટલું જ હું કહી શકું તેમ છુ _ કે હું જબાલાનો પુત્ર સત્યકામ જાબાલ છુ .' આમ કહેતાં તેને માતા સાથે થયેલ સંપૂર્ણ સંવાદ ગુરુને સંભળાવ્યો. સત્યકામનાં વાક્યોમાં માતાની સત્યતા, સરળતા, નિખાલસતા અને સહજતા બધું જ પ્રતિબિંબિત થતું હતું. ખુદ આચાર્ય પણ આ પ્રભાવથી અંજાયા વિના ન રહ્યા. તેઓને જે જાણવું હતું તે જણાઈ ગયું. જેની વાણી જ આટલી સત્યપૂત હોય તેના ગોત્રમાં શી શંકા કરવી? સત્યકામનો સ્વીકાર થયો. આચાર્યએ તેનો ઉપવીત સંસ્કાર કર્યો અને ‘कृशानाम् अबलानां चतुःशता गा निराकृत्योवाच’ દુબળી, શક્તિહીન ચારસો ગાયો જૂદી પાડી કહ્યું, 'વત્સ! આ ચારસો ગાયો વનમાં લઈ જા અને તે હજાર ન થાય ત્યાં સુધી પાછો ફરીશ નહીં.' સત્યકામે કહ્યું, ‘नासहस्रेणावर्तेयेति’ (છા.ઉ. - ૪/૪/૫) 'ભલે ગુરુદેવ! જ્યાં સુધી હજાર ગાયો નહીં થાય, હું પાછો નહીં ફરું.'
સત્યકામ ગાયોને લઈને વનમાં ગયો. ગુરુ આજ્ઞા પ્રમાણે ગાયોની ખંતથી સંભાળ રાખવા લાગ્યો. વર્ષો વીત્યાં. ગુરુપ્રસન્નતાના વિચારે સેવામાં ક્યારે દિવસો વીતી ગયા ખબરેય ન પડી. અને ચારસોની હજાર તંદુરસ્ત ગાયો થઈ ગઈ. ગુરુના રાજીપાની વર્ષા થવા લાગી. સૌ પ્રથમ વાયુદેવ સત્યકામની શ્રદ્ધા ને તપસભર સેવાથી પ્રસન્ન થયા. તેમણે તે ગોધણના એક ખૂંટમાં પ્રવેશ કર્યો ને કહ્યું, 'હે સત્યકામ! ‘ब्रह्मणश्र्च ते पादं ब्रवाणीति’ (છા.ઉ. - ૪/૫/૨) હું તને પરમાત્માનો એક પાદ કહીશ.' અર્થાત્ પરમાત્માના સ્વરૂપનું ચોથા ભાગનું જ્ઞાન આપીશ. એમ કહી પરમાત્માના સ્વરૂપનો ઉપદેશ કર્યો. અને કહ્યું કે હવે પછી ‘अग्निष्टे पादं वक्तेति’ (છા.ઉ. - ૪/૬/૧) 'પરમાત્માનો બીજો પાદ તને અગ્નિદેવ કહેશે.' બીજે દિવસે સત્યકામ ગાયોને આશ્રમ બાજુ હંકારી જતો હતો. સાંજ ઢળી. ગાયોને એકઠી કરી સત્યકામે અગ્નિ પ્રગટાવ્યો અને ગાયોનું ધ્યાન રાખતો અગ્નિ સમીપ બેઠો. ત્યાં અગ્નિદેવ બોલ્યા, ‘ब्रह्मणः सोम्य ते पादं ब्रवाणीति’ (છા.ઉ. - ૪/૬/૩) 'હે પ્રિય સત્યકામ! હું તને પરબ્રહ્મના સ્વરૂપનું એક પાદ સમજાવીશ.' અર્થાત્ ચાર ભાગમાંથી એક ભાગનું જ્ઞાન હું આપીશ. ગુરુઆજ્ઞા પાળનારની દેવતાઓ સામેથી સેવા કરે તે સત્યકામ અનુભવવા લાગ્યો. અને તેના જ્ઞાનમાં વૃદ્ધિ થતી ગઈ. ત્યાર બાદ સૂર્યદેવ હંસરૂપે પધાર્યા અને સત્યકામને પરબ્રહ્મના સ્વરૂપનો એક પાદ સમજાવ્યો. અંતે મદ્ગુ નામના પક્ષીએ તેને પરબ્રહ્મના સ્વરૂપનો ચોથો પાદ સમજાવ્યો. આમ સત્યકામને સહેજે સહેજે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થયું. તેના મુખ પર બ્રહ્મજ્ઞાનનું તેજ ઝ ળહળવા લાગ્યું. તે આશ્રમમાં આવ્યો. ગુરુની દૃષ્ટિ પડી. તેને જોતાં જ ગુરુ બોલી ઊઠ્યા, ‘ब्रह्मविदिव सोम्य भासि’ (છા.ઉ. - ૪/૯/૨) 'વ્હાલા સત્યકામ! તું તો બ્રહ્મજ્ઞાની જેવો લાગે છે. કોણે તને ઉપદેશ આપ્યો?' સત્યકામે બધી વાત કહી. પ્રસંગ પૂરો થતાં તેણે એક વિશેષ વાત કરી કે 'હે ગુરુદેવ! ભલે મને તે દેવતાઓએ ઉપદેશ કર્યો, તે સૌ આદરપાત્ર હતા પણ મારા ખરા ગુરુ તો આપ છો. અને મેં સાંભળ્યું છે કે આપના જેવા ગુરુનો સાક્ષાત્ સમાગમ કરીને પ્રાપ્ત કરેલી વિદ્યા જ સર્વશ્રેષ્ઠ ફળ આપે છે. તો હવે આપ જ મને બ્રહ્મવિદ્યાનો ઉપદેશ આપો.' સત્યકામની ગુરુનિષ્ઠા જોઈ ગુરુ ગૌતમે તેને કૃતાર્થ કર્યો. ગુરુ આજ્ઞાથી ગાયો ચરાવતો સત્યકામ બ્રહ્મજ્ઞાનીઓની પંક્તિઓમાં જોડાઈ ગયો.
ખરેખર! ગુરુઆજ્ઞામાં સમાયું છે બ્રહ્મવિદ્યાનું સર્વસ્વ તે સત્યકામ જાબાલના આખ્યાનથી સમજાય છે. આ રીતે બ્રહ્મ અને પરબ્રહ્મના દિવ્ય સ્વરૂપનો, તેમના દિવ્ય ગુણોનો, અને તે દિવ્ય ગુણો ગુરુઆજ્ઞાના યથાર્થ પાલન દ્વારા જ પમાય છે તેવી આધ્યાત્મિક બાબતોનો ઉપદેશ કરી આ છાન્દોગ્ય ઉપનિષદ આપણને બ્રહ્મવિદ્યાના સકળ સોપાનો સર કરાવી રહ્યું છે. અસ્તુ.


© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS