Essays Archives

ઉપનિષદો આધ્યાત્મિક જ્ઞાનના મહાસાગર સમા છે. ગતાંકમાં ભારતીય સંસ્કૃતિના અમૂલ્ય પ્રદાન સમા પ્રસ્થાનત્રયીનો પરિચય મેળવ્યા બાદ હવે એક પછી એક ઉપનિષદના ગહન જ્ઞાન અને મર્મને વિદ્વત્તાસભર કલમે સરળ અને રસાળ શૈલીમાં માણીશું. આ અંકમાં ઉપનિષદના સાગરનું પ્રથમ આચમન છે : ઇશાવાસ્ય ઉપનિષદનું આચમન...

ઉપનિષદોનું દ્વાર ઊઘડે ને શ્રુતિનાદ ગુંજી ઊઠે છે : 'र्इशा वास्यम् इदं सर्वम्...'
'કોઈ પ્રશાસક વડે આ બધું વ્યાપ્ત છે; સભર ભર્યું છે.' (ઈશાવાસ્ય ઉપનિષદ : ૧)
અનુભવનો સીધો જ આવિર્ભાવ ! પ્રથમ ઉદ્ઘોષે જ બધું કહી દીધું !
ક્યાંક વાંચેલો એક પ્રસંગ યાદ આવે છે. 'र्इशा वास्यम् इदं सर्वम्' આ શબ્દો અંગે ગાંધીજીએ કહેલું કે 'કદાચ ભારતવર્ષ પર ફરી પરધર્મીઓનું નિર્દય આક્રમણ થાય. સાધુ-સંતોને તથા શાસ્ત્રવેત્તાઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે. મંદિરો, મઠો કે આશ્રમોને જમીનદોસ્ત બનાવી દેવામાં આવે. અને મૂલ્યવાન વેદ, ઉપનિષદ આદિ શાસ્ત્રપુંજને વીણી વીણીને ફાડવામાં, બાળવામાં કે જળસમાધિ આપવામાં આવે. આવું થયાને વળી વર્ષો વીતી જાય. ત્યારપછી પણ કોઈ દેશવાસીના હાથમાં કોઈ નાનકડી ચબરખી આવી ચઢે. તેમાં એટલું જ લખેલું વંચાય કે 'र्इशा वास्यम् इदं सर्वम्' અને તે વાંચનારને આ શબ્દોના તાત્પર્યનો ખ્યાલ આવી જાય તો આટલા જ શબ્દોમાંથી ભારતમાં લાખો સંતો, કરોડો મંદિરો તથા શાસ્ત્રો ફરી એવાં ને એવાં જીવંત થઈ ઊઠે એવા આ શબ્દો છે.'
ઉપનિષદ તે સનાતન સિદ્ધાંતો છે. સનાતન સિદ્ધાંતોની શક્તિ અમાપ છે. ઈશાવાસ્ય ઉપનિષદ આવી શક્તિની ખાણ છે.
ઈશાવાસ્ય ઉપનિષદ શુક્લ યજુર્વેદના સંહિતા પાઠનો અંતિમ અર્થાત્ ૪૦મો અધ્યાય છે. આ ઉપનિષદના પ્રથમ મંત્રના શબ્દો છે : 'र्इशा वास्यम् इदं सर्वम् ।' તેના આધારે આ ઉપનિષદનું નામ પડ્યું ઈશાવાસ્ય ઉપનિષદ કે ઈશ ઉપનિષદ. વળી, આ ઉપનિષદ યજુર્વેદની સંહિતા સ્વરૂપે સ્થાન ધરાવતું હોઈ તેને 'સંહિતોપનિષદ' એવા નામે પણ ઓળખવામાં આવે છે.
૧૮ મંત્રના આ ઉપનિષદમાં બ્રહ્મ અને પરબ્રહ્મની પ્રશાસકતા અને વ્યાપકતાનું ગાન છે. વિષયોપભોગમાં વિવેક અને તેમાં ત્યાગમાર્ગની અનિવાર્યતા સમજાવાઈ છે. કર્મયોગનો જીવનલક્ષી અભિગમ, જ્ઞાન અને કર્મનો જીવનમાં સમન્વય વગેરે જેવા અધ્યાત્મ સિદ્ધાંતો ઉપદેશ્યા છે. તેને અપનાવવાથી થતા લાભો સુંદર રીતે સમજાવ્યા છે. અને છેલ્લે નમ્રતાભરી પ્રાર્થનાઓથી સમાપન કરવામાં આવ્યું છે. તે ઉપદેશોને અહીં સંક્ષેપમાં સમજીએ.
ઈશાવાસ્યના ઉપદેશો
र्इशा वास्यम् इदं सर्वं यत् किञ्च जगत्यां जगत्
ઈશાવાસ્ય ઉપનિષદના પ્રથમ મંત્રના આ શબ્દો છે. 'र्इष्टे प्रशास्ति नियमयति इति र्इट्, तेन र्इशा।' જે પ્રશાસન કરે, નિયમન કરે તે ઈશ, તેના વડે वास्यम् વ્યાપ્ત છે. શું વ્યાપ્ત છે ? इदं सर्वम् આ બધું. यत् किञ्च જે કાંઈ, जगत्यां जगत् પ્રકૃતિને આધારે રહેલું જગત છે તે. આ સમગ્ર જગત એના પ્રશાસક વડે, નિયામક વડે વ્યાપ્ત છે. આ દુનિયામાં એવું કશું જ નથી જેમાં ઈશ ન હોય, અર્થાત્ જેનો પ્રશાસક ન હોય, નિયામક ન હોય. અહીં સહેજે જિજ્ઞાસા જાગે કે સમગ્ર જગતમાં વ્યાપનાર પ્રશાસક કે નિયામક તરીકે અહીં કોને જણાવવામાં આવ્યા છે? ઉપનિષદથી જ આ જિજ્ઞાસા સંતોષાય છે. એક ઉપનિષદને સમજવા બીજા ઉપનિષદનો આધાર લેવો જોઈએ. તેનાથી અર્થ વધુ ચોક્કસ બને છે.
બૃહદારણ્યક ઉપનિષદના ચતુર્થ અધ્યાયમાં મહર્ષિ યાજ્ઞવલ્ક્ય કહે છે : 'सर्वस्य वशी सर्वस्येशानः सर्वस्याघिपतिः'
'પરમાત્મા બધાને વશમાં રાખે. બધા ઉપર શાસન કરે અને બધાના અધિપતિ બનીને રહે છે.' (બૃહદારણ્યક ઉપનિષદ : ૪/૪/૨૨)
આમ, र्इश એટલે પરમાત્મા એવો એક અર્થ થયો. વળી, આ જ બૃહદારણ્યક ઉપનિષદમાં ગાર્ગી સાથેના સંવાદમાં આકાશાદિ સર્વનો આધાર કે પ્રશાસક કોણ ? એમ ગાર્ગીએ પ્રશ્ન કર્યો ત્યારે મહર્ષિ યાજ્ઞવલ્ક્યે જવાબ આપ્યો કે 'ગાર્ગી! એ તો અક્ષરબ્રહ્મ છે.' અર્થાત્ એ પણ 'र्इश' છે, શાસ્તા છે.
મૂળ મંત્રના શબ્દો આવા છે : 'एतद् वै तदक्षरं गाíग!' (બૃહદારણ્યક ઉપનિષદ : ૩/૮/૮)
આટલું કહી યાજ્ઞવલ્ક્ય અટકતા નથી. તે અક્ષરબ્રહ્મનું સામર્થ્ય કેવું છે તે પણ કહી સંભળાવે છે : 'एतस्य वा अक्षरस्य प्रशासने गाíग! सूर्याचन्द्रमसौ विघृतौ तिष्ठतः। एतस्य वा अक्षरस्य प्रशासने गाíग! द्यावापृथिव्यौ विघृते तिष्ठतः। एतस्य वा अक्षरस्य प्रशासने गाíग! निमेषा मुहूर्ता अहोरात्राण्यर्घमासा मासा ऋतवः संवत्सरा इति विघृतास्तिष्ठिन्ति।' (બૃહદારણ્યક ઉપનિષદઃ ૩/૮/૯)
'હે ગાર્ગી! આ અક્ષરબ્રહ્મના પ્રશાસનમાં તો સૂર્ય, ચંદ્ર વગેરે વશ વર્તી રહ્યા છે, પૃથ્વી લોક અંતરિક્ષ લોક વગેરે બધા જ લોકો વશ વર્તી રહ્યા છે. અને નિમેષ, મુહૂર્ત, રાત્રિ, દિવસ, શુક્લ કે કૃષ્ણ પક્ષ, મહિનાઓ, ૠતુઓ કે વર્ષો વગેરે જે કોઈ કાળનું વિભાજન છે તે પણ અક્ષરબ્રહ્મના પ્રશાસનથી જ થાય છે. અર્થાત્ અક્ષરબ્રહ્મ સર્વનું પ્રશાસક, નિયામક છે.'
એકવાર અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી સંઘ લઈને જતા હતા. લોટકાવદરના પાદરથી પસાર થયા ત્યાં મરેલાં પશુઓનાં કંકાલ પડેલાં. સખત દુર્ગંધ આવતી હતી. સૌ ઉતાવળે ચાલવા લાગ્યા. સ્વામીએ સૌને ઊભા રાખી કહ્યું: 'અમારી શક્તિ આ બ્રહ્માંડમાંથી ખેંચી લઈએ તો આખું બ્રહ્માંડ આમ ગંધાઈ ઊડે.'
આમ, પરબ્રહ્મ અને એમની અનાદિ ઇચ્છાથી અક્ષરબ્રહ્મ, એ બે દિવ્ય તત્ત્વો સમગ્ર જગતના ઈશ કહેતાં પ્રશાસક છે અને એ અક્ષર અને પુરુષોત્તમ જ અંતર્યામી શક્તિએ બધે વ્યાપીને રહ્યા છે. એમ આ મંત્રના પ્રથમ ચરણનો અર્થ થયો.
અન્ય પ્રમાણો દ્વારા દૃઢતા
'ब्रह्मैवेदममृतं पुरस्ताद् ब्रह्म पश्र्चाद् ब्रह्म दक्षिणतश्र्चोत्तरेण। अघश्र्चोर्ध्वं च प्रसृतं ब्रह्मैव॥'
'આપણી આગળ આ અવિનાશી અક્ષરબ્રહ્મ છે, પાછળ અક્ષરબ્રહ્મ છે, જમણી તથા ડાબી બાજુએ અક્ષરબ્રહ્મ છે, ઉપર અને નીચે બધે જ અક્ષરબ્રહ્મ છે.' (મુંડક ઉપનિષદ : ૨/૨/૧૯).
'स एवाऽघस्तात् स उपरिष्टात् स पश्र्चात् स दक्षिणतः स उत्तरतः'
'આપણી નીચે પરમાત્મા છે, ઉપર પરમાત્મા છે, પાછળ પરમાત્મા છે, જમણી બાજુએ તથા ડાબી બાજુએ પણ એ છે.' (છાંદોગ્ય ઉપનિષદ : ૭/૨૫/૧).
આમ, આ ઈશાવસ્યોપનિષદ સહિત અન્ય ઉપનિષદો પણ આ જ વ્યાપકતાને વધુ દૃઢ કરે છે.
શ્રીજીમહારાજે પણ પોતાના ઉપદેશોમાં અક્ષર અને પુરુષોત્તમની આ વ્યાપકતાને સમજાવી છે. જેમ કે 'ભગવાન તે અંતર્યામીરૂપે સર્વમાં વ્યાપક છે' (વચ. ગ.પ્ર. ૬૨); 'એ બ્રહ્મ (અક્ષરબ્રહ્મ) જે તે પ્રકૃતિપુરુષ આદિક સર્વના કારણ છે ને આધાર છે ને સર્વને વિષે અંતર્યામી શક્તિએ કરીને વ્યાપક છે' (વચ. ગ.મ. ૩) વગેરે.
વ્યાપકતાનો વિસ્તાર
અક્ષરબ્રહ્મ અને પરબ્રહ્મની આ વ્યાપકતાને આ ઉપનિષદના અન્ય મંત્રોમાં જુદી જુદી રીતે સ્પષ્ટ કરી છે. તે હવે જોઈએ. જેમ કે — 'तद् घावतोऽन्यानत्येति।' — 'તે (બ્રહ્મ અને પરબ્રહ્મ) અન્ય જેટલા કોઈ વેગવાન પદાર્થો ગતિ કરી રહ્યા છે તે બધાને અતિક્રમી રહ્યા છે.' (ઈશાવાસ્ય ઉપનિષદ : ૪)
ભાવાર્થ એવો છે કે દોડની સ્પર્ધામાં જેમ કોઈ દોડનારને એનાથી સમર્થ બીજો કોઈ દોડવીર આગળ ને આગળ જ દેખાય તેમ આ બે વ્યાપક તત્ત્વો બધાયની આગળ ને આગળ જ હોય! તેમને કોઈ ઓળંગી શકતું નથી. પાર કરી શકતું નથી.
એટલે જ તેમના માટે 'मनसो जवीयः' 'મન કરતાં પણ વધુ વેગવાન' (ઈશાવાસ્ય ઉપનિષદ્ : ૪) એમ કહેવામાં આવ્યું છે. ખરેખર ! જે સર્વત્ર હોય તેને કોણ ઓળંગી શકે ?
જે વ્યાપક હોય તેની બીજી પણ એક વિશેષતા હોય છે - તે અતિ દૂર પણ હોય અને અતિ નજીક પણ! જેમ કે આકાશ. તેમ આ ઉપનિષદમાં કહેવાયું છે કેઃ 'तद् दूरे तद् वन्तिके।' — 'તે બ્રહ્મ અને પરબ્રહ્મ દૂર પણ છે અને નજીક પણ છે.' (ઈશાવાસ્ય ઉપનિષદ : ૫)
સર્વત્ર વ્યાપી રહેલાં તત્ત્વોની વ્યાપકતાને વધુ ઊંડાણથી સમજવી હોય તો તેમની સૂક્ષ્મતા અને મહત્તાને આધારે સમજી શકાય. જે સૂક્ષ્માતિસૂક્ષ્મ થઈ શકે તે વ્યાપી શકે. જે પોતામાં બધાને સમાવી શકે તે વ્યાપી શકે. અક્ષરબ્રહ્મ અને પરબ્રહ્મ એવા છે. તેઓ સૂક્ષ્માતિસૂક્ષ્મ થઈ બધે જ વ્યાપી રહ્યા છે અને વ્યાપીને બધાને પોતામાં સમાવી રહ્યા છે.
એટલે ઉપનિષદે અહીં કહ્યું : 'तदन्तरस्य सर्वस्य तदु सर्वस्य बाह्यतः' — 'તે બધાની અંદર વ્યાપીને રહે છે અને બધાની બહાર પણ!' (ઈશાવાસ્ય ઉપનિષદ : ૫)
આમ, 'र्इशा वास्यम् इदं सर्वम्' (ઈશાવાસ્ય ઉપનિષદ : ૧) મંત્ર અક્ષર અને પુરુષોત્તમ સર્વનું પ્રશાસન કરતાં સર્વત્ર વ્યાપી રહ્યા છે એ સિદ્ધાંત સ્પષ્ટ કરે છે.
આ સિદ્ધાંતને આપણે 'ઈશાવાસ્યભાવના' કહીએ. આપણે આપણા જીવનમાં આ ઈશાવાસ્યભાવના કેળવવી જોઈએ. આ દુનિયાની પ્રત્યેક વસ્તુમાં કે વ્યક્તિમાં આપણે બ્રહ્મદૃષ્ટિ કરવી જોઈએ અને તે બધામાં પરમાત્માને જોવા જોઈએ — એમ આ ભાવનાનું તાત્પર્ય છે. 


© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS