Essays Archives

સન 1949માં હરમાનભાઈને આફ્રિકામાં એક મોટર અકસ્માત નડ્યો હતો. તેમાં શાસ્ત્રીજી મહારાજની દિવ્ય કૃપાથી જ તેમની રક્ષા થઈ હતી. સન 1951માં જ્યારે ગઢપુર મૂર્તિપ્રતિષ્ઠા ઉત્સવ પ્રસંગે આફ્રિકાના 200 હરિભક્તોના સંઘ સાથે ભારત આવ્યા હતા ત્યારે શાસ્ત્રીજી મહારાજે અકસ્માતમાં થયેલી રક્ષાનો નિર્દેશ કરીને તેમને આજ્ઞા કરી હતી : ‘તને ભગવાને રોટલો આપ્યો છે તો હવે બીજી ઉપાધિમાં ન પડતાં, તને ભાષણો કરતાં સારાં આવડે છે તો સત્સંગમાં ભાષણો જ કરજે.’
ત્યારથી હરમાનભાઈએ ધન-ઉપાર્જનની પ્રવૃત્તિને બદલે સત્સંગસેવામાં જ પોતાનું સમગ્ર જીવન અર્પણ કરી દીધું હતું. ત્યારથી સત્સંગમાં પૂર્વ આફ્રિકામાં ગામોગામ પોતાને ખર્ચે ફરી સત્સંગ વધારવામાં તેમણે અનેરું યોગદાન આપ્યું. ઠેર-ઠેર આખી રાત કથાવાર્તાઓ થતી. ત્રણ ત્રણ દિવસના અખંડ સમૈયા થતા. એકી પલાંઠીએ રાત્રિ-દિવસ વચનામૃતના નિરૂપણ થતાં. ‘ચલો સમૈયે ટરોરોે’, ‘ચલો સમૈયે મકીન્ડુ’ વગેરે નાદથી આફ્રિકાની ધરતી ગૂંજી ઊઠતી. એ મંત્રના પડઘા પડતા રીફટવેલીની ખીણોમાં, ડુંગરોની કરાડોમાં, કેન્યા પર્વતનાં ધવલ શિખરોમાં, નાઈરોબી-મોમ્બાસા-મકીન્ડુ-આથીરીવરના સમૈયાઓમાં. હરમાનભાઈ, મગનભાઈ, ત્રિભોવનદાસની ત્રિપુટી અને તેમના સાથી હરિભક્તોની નાની એવી સેનાએ આફ્રિકામાં આવાં સત્સંગ સંમેલનો ઠેરઠેર યોજ્યાં. તેનાથી સત્સંગમાં ખૂબ જાગૃતિ આવી. નવા નવા જિજ્ઞાસુઓ સત્સંગમાં ખેંચાવા લાગ્યા. હરમાનભાઈ તથા મગનભાઈ જ્યાં જ્યાં સત્સંગીઓ હોય ત્યાંથી તેમને મળીને સત્સંગનો રંગ લગાડતા.
ત્રિભોવનદાસ એ દિવસોની સ્મૃતિ કરતાં લખે છે : ‘તેઓ સબાટીયા સ્ટેશને હતા ત્યારે હું પૂજ્ય મગનભાઈ તથા તેઓ ભેગા થયા અને જેટલા દિવસ ભેગા રહીએ તેટલા દિવસ આખી રાત અને દિવસ કથાવાર્તામાં જ જતો. તેઓ હંમેશાં પૂર્વ પક્ષમાં બેસે અને સામસામા સવાલ-જવાબ કરે એટલે સમજવામાં કોઈ જાતની ખામી રહે જ નહીં.’
આમ, માન-અપમાન, સુખ-દુઃખ સહન કરી તન, મન અને ધનનો ભીડો વેઠી હરમાનભાઈએ શાસ્ત્રીજી મહારાજના આદેશ અનુસાર દરેક શહેરમાં સત્સંગ મંડળો સ્થાપ્યાં, અનેક જીવોને સત્સંગનું સુખ આપ્યું.
સન 1951માં બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે અંતિમ આદેશરૂપે હરમાનભાઈ અને મગનભાઈને ગઢપુર મંદિરના નિર્માણની આર્થિક સેવાઓ આફ્રિકા મંડળ દ્વારા થાય તેવી આજ્ઞા કરી હતી. મગનભાઈ અને હરમાનભાઈએ શાસ્ત્રીજી મહારાજના એ સંકલ્પને ઝીલી લીધો. ગઢપુર મંદિર પૂરું કરવાની હરમાનભાઈની તમન્ના અનન્ય હતી. ‘ગઢડું મારું અને હું ગઢડાનો’ એ શ્રીજીસૂત્ર તેમણે પોતાનું બનાવી દીધું હતું. ખાસ કરીને મંદિર-નિર્માણમાં નાણાં સંબંધી તકલીફ ઊભી ન થાય તે માટે તેઓ સતત ઉદ્યમશીલ રહ્યા હતા. ગઢપુરમાં મંદિરના મધ્ય મંદિરમાં શ્રી અક્ષરપુરુષોત્તમ મહારાજ તથા સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીની મૂર્તિઓનો તમામ ખર્ચ પણ શ્રી હરમાનભાઈ તથા તેમના બંધુ પુરુષોત્તમદાસે આપ્યો હતો. તેઓ અવારનવાર ગઢપુર મંદિરના આરસ અંગેના કામકાજ અંગે મકરાણા જતા. ત્યાં કાર્ય સંભાળતા જી. કે. સ્વામી તથા હરિપ્રસાદ મિસ્ત્રીની તકલીફો સમજી તેને પ્રમુખસ્વામી મહારાજ તથા યોગીજી મહારાજ સમક્ષ પ્રસ્તુત કરતા અને નિવારવાનો પ્રયાસ કરતા.
એક તરફ ગઢપુર મંદિરનું કાર્ય હતું તો બીજી તરફ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજના આશીર્વાદથી આફ્રિકાના સાગરકાંઠે મોમ્બાસામાં સર્વપ્રથમ અક્ષરપુરુષોત્તમ મંદિર રચવામાં પણ હરમાનભાઈનો અનન્ય ઉત્સાહ હતો. હરમાનભાઈના હસ્તે જ આ મંદિરના પહેલો પથ્થર મૂકાયો હતો. ગામોગામ ઘૂમીને મોમ્બાસાના મંદિર માટે ભિક્ષુક બનીને તેમણે ઘણી સેવાઓ મેળવી હતી.
આ બધી પ્રવૃત્તિઓ વચ્ચે, હરમાનભાઈ દ્વારા આફ્રિકામાં બાળ-યુવક મંડળની પ્રવૃત્તિ વિકસે એ માટે પણ યોગીજી મહારાજે તેમને આદેશ પત્રો લખ્યા હતા. તા. 11-5-’58ના રોજ યોગીજી મહારાજે હરમાનભાઈ ઉપર પત્ર લખીને આદેશ આપ્યો હતો : ‘એક કલમ એ છે કે, એક તો યુવક મંડળની પ્રવૃત્તિ કરવી. પાંચ વર્ષમાં 5,000 યુવકો કરવાના છે. ભવિષ્યમાં તે યુવકો 50,000 યુવકો તૈયાર કરશે. જૂનાગઢમાં સ્વામીએ જાગા સ્વામીને મોઢે વાત કરી કે બસો છોકરાંને બ્રહ્મવિદ્યા ભણાવી છે. તે એક એક બસો-બસો યુવકોને બ્રહ્મવિદ્યા ભણાવશે. તે અત્યારે સાક્ષાત્ મૂળ અક્ષરબ્રહ્મનું વચન સિદ્ધ થાય છે. તેમનો આશીર્વાદ ફળે છે. તો આપણે જેમ બને તેમ તે પ્રવૃત્તિ કરવી. તે સ્વામીશ્રીજીના વચન પ્રમાણે.’
અને હરમાનભાઈએ તે માટે પણ અનન્ય પુરુષાર્થ કર્યો હતો. પૂર્વ આફ્રિકામાં તેમના નેતૃત્વ નીચે બી.એ.પી.એસ. સંસ્થાનાં શરૂ થયેલ યુવક અધિવેશનોની પરંપરાએ આજે અદ્વિતીય ઊંચાઈ હાંસલ કરી છે.
સાહિત્ય પ્રકાશનમાં પણ હરમાનભાઈનો ઉત્સાહ અનન્ય હતો. તે સમયે વચનામૃતની પ્રતો બાળબોધ લિપિમાં મળતી હતી, સામાન્ય માણસ તથા વૃદ્ધોને માટે એ એટલી સુવાચ્ય નહોતી. યોગીજી મહારાજની પ્રેરણાથી હરમાનભાઈએ ‘સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય’ સાથે સંપર્ક સાધી, ગુજરાતી મોટા ટાઇપમાં વચનામૃત છપાવવાનું આયોજન કર્યું. વચનામૃતના સંપાદક સદ્ગુરુઓએ આપેલાં વચનામૃતનાં શીર્ષક તથા દરેક વચનામૃતમાં મુદ્દાનાં વાક્યો બોલ્ડ ટાઈપોમાં છાપ્યાં. આમ, સમગ્ર સંપ્રદાયમાં પ્રથમ વાર જ સુંદર વચનામૃતો છપાયાં. સાથે દાદાખાચરના દરબારમાં ભગવાન સ્વામિનારાયણ વચનામૃત સંભળાવે છે અને સદ્ગુરુઓ સાંભળે છે એવી સુંદર છબી પણ તૈયાર કરાવીને મૂકી. હરમાનભાઈની મહેનત અને આવી સુંદર પ્રતથી પ્રસન્ન થઈ યોગીજી મહારાજે તેમને ખૂબ આશીર્વાદ આપ્યા હતા.
હરમાનભાઈને જ્યારે જ્યારે સમય મળતો ત્યારે જૂનું સાંપ્રદાયિક સાહિત્ય શોધતા અને સૌને વંચાવતા. ઘેલાને તીરે ટેકરા ઉપર જઈને ભગવાન સ્વામિનારાયણે જાતે માપ લઈને દર્શાવેલું કે આ મુજબ અહીં ટેકરા પર મંદિર કરવું છે, તે વાત પણ તેમણે જૂના હસ્તલિખિત સાંપ્રદાયિક ગ્રંથોમાંથી શોધીને સૌ સમક્ષ મૂકી હતી. હસ્તલિખિત પત્રિકા દ્વારા ભગવાન સ્વામિનારાયણનો સંદેશો ઘેર ઘેર પહોંચાડવાનો પણ તેમનો પ્રયાસ સ્તુત્ય હતો.
હરમાનભાઈએ જીવનનાં છેલ્લાં 15 વરસ તો એક મિશનરીના ઉત્સાહથી સત્સંગસેવામાં જ સમર્પિત કરી દીધાં હતાં.  તેમનું અવિરત વિચરણ, વહીવટી કૌશલ્ય અને અપાર જોમથી આફ્રિકામાં અક્ષરપુરુષોત્તમ મંદિરો થયાં. આ મંદિરોમાં મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા કરવા માટે બે-બે વખત યોગીજી મહારાજ અને સંતોને આફ્રિકા સુધી લઈ આવવાનો યશ હરમાનભાઈને છે.
ગમે તેવી મુશ્કેલીમાં પણ અક્ષરપુરુષોત્તમ ઉપાસનાના સિદ્ધાંતને દૃઢતાપૂર્વક જીવનમંત્ર બનાવનારા હરમાનભાઈને સ્વામિનારાયણ સંપ્રદાયની અન્ય શાખાઓ સાથે પણ ખૂબ સારો ઘરોબો હતો. વડતાલ, કાલુપુર-અમદાવાદ, મણિનગર- અમદાવાદ, કચ્છ-ભૂજ અને કાઠિયાવાડનાં મંદિરોના મહંતો, આચાર્યશ્રીઓથી લઈને સાધુઓનાં આસનો, શાસ્ત્રીઓની પાઠશાળાઓ, મુંબઈ-અમદાવાદના શ્રીમંતોના બંગલાઓ ચરોતર-કાઠિયાવાડ-કાનમ-વાકળ-દંઢાવ્ય-ખાનદેશનાં ગામડાંઓ, બદલપુરનાં કોતરો અને ખેડૂતોની ઝૂંપડીઓ, સર્વ સ્થળે તેઓ સહજતાથી ઘૂમી વળતા. અને સર્વત્ર એક સ્વજન તરીકે આવકાર પામતા. સૌ એમની ગુરુભક્તિ પ્રત્યે અહોભાવ વ્યક્ત કરતા.
વડતાલ તીર્થમાં ભગવાન સ્વામિનારાયણના પ્રાસાદિક  ગોમતી સરોવરમાં ગ્રીષ્મ ૠતુમાં પાણી સૂકાઈ જતું હતું. આ સરોવરમાં નહેરનું પાણી લાવવાનો પ્રયત્ન હરમાનભાઈએ કર્યો. જાતે અરજીનો ડ્રાફ્ટ બનાવ્યો, પોતાને ખર્ચે તેની નકલો કરાવી, અમદાવાદ વગેરે જિલ્લા કચેરીઓમાં દોડાદોડ કરી, અમલદારોને મળી તેમને વડતાલ તીર્થસ્થાને આવતા હજારો યાત્રાળુઓનો ખ્યાલ આપ્યો, નવા નકશા દોરાવરાવ્યા, અને ઉનાળામાં સુકાઈ જતા ગોમતીને, તેમના અથાગ પરિશ્રમે બારે માસ નહેરના જળથી સભર કરી દીધું. સંપ્રદાય જેમને ‘બંડિયા’ નામથી તિરસ્કારતા હતા, એ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજના આ અદના શિષ્યે સંપ્રદાયનો કેવો પક્ષ રાખી કાર્ય કર્યું ! તેની સૌનાં મન-હૃદય પર ઊંડી છાપ પડી હતી.
તેમની લીંબુની ફાડ જેવી વિશાળ અને રાતી આંખોમાં પણ મૃદુતા અને વાત્સલ્યનાં દર્શન સૌને થતાં. કોઈપણ હરિભક્તને તકલીફ હોય તો તેને ટાળવા માટે તેઓ તરવરી ઊઠતા. અનેક હરિભક્તો પોતાની તકલીફો, અગવડો, દુઃખો, મુશ્કેલીઓ તેમને જણાવી પોતાનું દુઃખ હળવું કરતા. આથી તેઓ અનેકના પ્રીતિપાત્ર બન્યા હતા. અનેકના લાડીલા, અનેકના સલાહકાર, અનેકનાં જીવન વ્યવહારની દીવાદાંડી, દરેક પ્રત્યે સ્નેહથી વર્તતા, નિકટના સંબંધમાં આવનાર સૌને મનસા-વાચા-કર્મણા મદદ કરતા હરમાનભાઈ જીવન ઝંઝાવાતમાં ઝઝૂમતાં અનેકને સધિયારો આપતા.
સત્સંગમાં તેમણે ધનથી ઘણા હરિભક્તોને મદદ કરી. કેટલાકે તેમના પૈસા ખોટા પણ કર્યા. નૈરોબીના અગ્રણી હરિભક્ત વજુભાઈએ તેમને એક વખત પૂછ્યું : ‘તમારા આટલા બધા પૈસા ખોટા થયા, તેનું મનમાં કંઈ દુઃખ થતું નથી ?’ તેઓ કહે, ‘મારી પાછળ મારાં છોકરાં વાપરત તેના કરતાં મારું ધન હરિભક્તના કામમાં આવ્યું તે અતિ ઉત્તમ ! તે પણ મારું મોટું ભાગ્ય !’
વળી, હરમાનભાઈ બહુ જ વ્યવહારકુશળ, આયોજન- કુશળ અને બુદ્ધિમાન. આફ્રિકાનાં મંદિરોનાં આયોજન અને નિર્માણ, એ મંદિરોની મૂર્તિઓ પસંદ કરવી, જૂનાગઢના સ્વામિનારાયણ મંદિરની પ્રદક્ષિણામાં છે તેના જેવી જ શ્રી ગુણાતીતાનંદ સ્વામીની દ્વિચક્ષુની મૂર્તિ બનાવરાવવી, મૂર્તિઓ માટે ચાંદીની ફ્રેમોમાં આકર્ષક નકશીકામ કરાવવું, ટન-ટનના બોજ બનાવી સ્ટીમરો-ટ્રેનોમાં ચઢાવવી અને નિયત સ્થળે પહોંચતી કરવી, વગેરે કાર્યોમાં હરમાનભાઈની આગવી કુનેહ હતી. તેના ફળરૂપે આફ્રિકામાં ભવ્ય મંદિરો અક્ષરે સહિત પુરુષોત્તમની મૂર્તિઓથી શોભવાં લાગ્યાં હતાં. ઠેર-ઠેર સવાર-સાંજ આરતીના ઘંટારવ ગૂંજવા લાગ્યા હતા. આફ્રિકાના ખૂણે ખૂણે, શહેરો અને જંગલોમાં નાની દુકાન પાછળ આવેલાં નાનાં ગૃહોનાં દેવમંદિરોમાં, ગૃહિણીઓ-બાળાઓ અને બાળકો સૌ એ નાદબ્રહ્મને ઝીલી કૃતકૃત્યતા અનુભવતાં થયાં હતાં. શૂન્યમાંથી સર્જાયેલા આ વિરાટ કાર્યની પાછળ ગુરુભક્તિ હતી - હરમાનભાઈની.
સૌને પ્રભાવિત કરી દે તેવું તેમનું વકતૃત્વ. તેઓ જ્યારે ભાષણ કરે ત્યારે એમ જ થાય કે સાંભળ્યા જ કરીએ. તેમની વાણીનો દિવ્ય અખંડિત પ્રવાહ એકધારો વહ્યા કરતો. જીવ્યા ત્યાં સુધી સત્સંગી અને સત્સંગનો જ પક્ષ શિર સાટે રાખ્યો. અક્ષરપુરુષોત્તમ મહારાજ કે શાસ્ત્રીજી મહારાજનું કોઈ ઘસાતું બોલે તો તેને તીખાં તમતમતાં વેણ મારી બોલતો બંધ કરી દે એવો હતો તેમનો શિર સાટાનો પક્ષ.
ધાર્મિક બાબતને વેવલી ગણનાર પૂર્વ આફ્રિકાના   અગ્રણીઓ - શ્રી રવિભાઈ પંડ્યા, શ્રી માણેકલાલ શેઠ અને શ્રી લક્ષ્મીદાસ શેઠ જેવા શાહ સોદાગરોને પણ મંદિરે આવતા કરવામાં પ્રેરણામૂર્તિ હતા શ્રી હરમાનભાઈ.
સત્સંગની આવી અનેકવિધ સીમાચિહ્નરૂપી સેવાઓ કરનારા હરમાનભાઈ સન 1964માં બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજનો અપાર રાજીપો લઈને તેઓ ભારતથી પૂર્વ આફ્રિકા જઈ રહ્યા હતા ત્યારે માર્ગમાં તા. 10-3-1964ના રોજ એડન ઍરપોર્ટ પર તેમને હૃદયરોગનો ગંભીર હુમલો આવ્યો. ગણતરીની ક્ષણોમાં જ હરમાનભાઈ અક્ષરવાસી થઈ ગયા.
તેઓ એડનમાં ધામમાં ગયા તે પહેલાં તેઓ યોગીજી મહારાજને ગોંડલમાં મળેલા. યોગીજી મહારાજે તેમને આગ્રહ કરીને, ત્યાં રોકીને પોતાનું અલૌકિક સુખ આપ્યું હતું. અહીં તેઓ મધ્ય મંદિરમાં અક્ષરપુરુષોત્તમ મહારાજનાં દર્શન કરતા હતા. ત્યાં તેમને દિવ્ય તેજનાં દિવ્ય દર્શન થયાં. તેમને લાગ્યું કે તેઓ સાક્ષાત્ અક્ષરધામમાં હતા. યોગીજી મહારાજે તેમને એવો દિવ્ય અનુભવ કરાવ્યો હતો.
અમદાવાદમાં હરમાનભાઈને શ્રદ્ધાંજલિ અર્પતી સભામાં યોગીજી મહારાજે ગદ્ગદ કંઠે જણાવ્યું હતું કે ‘છેલ્લા બે મહિનાથી હરમાનભાઈને હું જાતે થાળી પીરસી જમાડતો. સારંગપુર સમૈયામાં હરમાનભાઈએ ઘણો આનંદ કરાવ્યો. મુંબઈમાં વિદાય સમારંભ થયો અને તેઓ ભારે હૈયે નીકળ્યા હતા. તેમણે શાસ્ત્રીજી મહારાજને સેવા કરી રાજી કરી દીધા અને એમની પાસે ચાલ્યા ગયા.’
તેઓ સાચા અર્થમાં બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના સહજાનંદી સિંહ હતા, જેણે આફ્રિકા ખંડમાં અક્ષર અને પુરુષોત્તમની ગર્જના કરીને શુદ્ધ ઉપાસનાના વાવટા સાગર પાર ફરકાવ્યા હતા.
અક્ષરપુરુષોત્તમ ઉપાસના અને સ્વામિનારાયણીય અસ્મિતાથી અહોરાત્ર છલકાતા, અનેકના પ્રેરણાદાતા એ ભક્તરાજને કોટિ કોટિ વંદન.

Other Articles by સાધુ અક્ષરવત્સલદાસ


© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS