ગુણાતીત ગુરુ પરંપરાનું એક વિશિષ્ટ અંગ છે - સેવા. શાસ્ત્રીજી મહારાજે જે દાખડો કર્યો તેનો તો ઇતિહાસ છે. યોગીબાપાનું તો જીવન જ સેવામય હતું. એમને તો સપનાંય સેવાનાં જ આવતાં!
સ્વામીશ્રી સાથેનો ૧૯૬૫નો આ પ્રસંગ છે. અટલાદરામાં શાસ્ત્રીજી મહારાજના શતાબ્દી ઉત્સવની તડામાર તૈયારીઓ ચાલતી હતી. પ્રસંગ નજીક ને નજીક આવી રહ્યો હતો. સ્વામીશ્રી પણ સૌની સાથે જ અજબ સ્ફૂર્તિથી સેવા-શ્રમ કરી રહ્યા હતા. ઉત્સાહનો જાણે ધોધ વહેતો હતો.
રાતના બે વાગ્યા હતા. યુવકો આખા દિવસના શ્રમથી થાકીને સૂઈ ગયા હતા. એવામાં મંદિરમાં ગાદલાં ભરેલી એક ટ્રક પ્રવેશી. સ્વામીશ્રી ટ્રક પાસે પહોંચ્યા. ડ્રાઇવર ઉતાવળમાં હતો. તાત્કાલિક પાછા જવાની વાત કરતો હતો. હું સ્વામીશ્રીની સાથે જ હતો. સ્વામીશ્રી વિચાર કરવા લાગ્યા. મેં યુવકોને જગાડવાનુ કહ્યું.
સ્વામીશ્રી કહે : 'બીચારા આખો દિવસ કામ કરીને થાકી ગયા હશે. એમને ક્યાં ઉઠાડવા ?' મંદિરમાં બીજું કોઈ જાગતું નહોતું કે જેમને ગાદલાં ઉતારવા બોલાવી શકાય. ઈશ્વરચરણ સ્વામી, મહંત સ્વામી... વગેરે જાગતા હતા પણ સભામંડપનું સ્ટેજ તૈયાર કરવામાં તેઓ વ્યસ્ત હતા. હું વિચાર કરતો હતો ત્યાં તો સ્વામીશ્રી મને કહે : 'સત્યપ્રિય ! તમે ટ્રક પર ચડી એક એક કરીને ગાદલાં મને આપો. હું થપ્પી કરી દઈશ.'
'પણ સ્વામી આપ ?' મેં કહ્યું.
'કેમ? મારાથી ના થાય? તમે આપો, હું ગોઠવી દઉં !' સ્વામીશ્રી સહજતા અને દૃઢતાથી બોલ્યા... અને સ્વામીશ્રીએ એક ટ્રક ભરીને આવેલાં ગાદલાંની વ્યવસ્થિત થપ્પી કરીને ગોઠવી. હું આપતો જાઉં ને સ્વામીશ્રી ગોઠવતા જાય! આજે આ બધું અતિ અહોભાવ ઉપજાવે છે... અમે અનેક પ્રસંગે જોયું છે કે સ્વામીશ્રી માત્ર કહેતા નથી, કરીને બતાવે છે ! આચરણ દ્વારા ઉપદેશ કરનાર કેટલા?
સ્વામીશ્રી કહે છે કે 'ક્યારેક માણસને એમ થાય કે આટઆટલી ટીકાઓ થાય તો શું કામ સેવા કરવી? પણ એવું તો ચાલ્યા કરે. મહાન પુરુષોની સામેય લોકો તો બોલ્યા જ છે. કારણ, લોકોની દૃષ્ટિ જ વાંકું બોલવાની છે. આપણે તો જ્યાં હોઈએ ત્યાં સેવા ને સેવા જિંદગીભર કરવાની જ છે.'
ટીકાઓના ધોધમાર વરસાદમાં, પણ નિંદા-સ્તુતિની પરવા કર્યા સિવાય ઉન્નત મસ્તકે 'સેવાધર્મઃ પરમગહનો' કરી સ્વામીશ્રી સૌને માટે દેહ-મનને ઘસતા જ રહ્યા છે.